
આજે 17 જૂનને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
બોટાદના બરવાળા તાલુકામાં આજે સવારના 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધીના સમયગાળામાં કુલ સાડા સાત ઈંચ વરસાદ વરસ્યો છે. સુરેન્દ્રનગરના સાયલામાં 6.3 ઈંચ, બોટાદમા સાડા પાંચ, સુરેન્દ્રનગરના મુળીમાં 5.31 ઈંચ, જામનગરના જોડિયામાં 5 ઇંચ, સુરેન્દ્રનગરના થાનગઢમાં 4.76 ઈંચ વરસાદ નોંધાયો છે.
બોટાદ જિલ્લામાં પડેલા અતિભારે વરસાદને કારણે સર્જાયેલ પૂર જેવી સ્થિતિમાં ગઈકાલે કાર પાણીમાં તણાઇ જવા પામી હતી. ગઈકાલ રાતથી પાણીમાં તણાયેલા મુસાફરોને શોધવા સ્થાનિક નગરપાલિકા રેસ્ક્યુ ટિમ તેમજ સ્થાનિક આગેવાનો કરી રહ્યા હતા મહેનત. કારમાં સવાર મુસાફરો પાણીમાં તણાતા તેમને શોધવા NDRF ની ટિમ બોટાદ પહોંચી છે. હજુ સુધી 4 જેટલા મુસાફરોનો કોઈ પત્તો નથી મળ્યો. આ લાપત્તા મુસાફરોની શોધખોળ કરવા માટે NDRF ની ટિમ પીપળીયા ગામ ખાતે કરી રહી છે કામગીરી.
ભાવનગરમાં સતત વરસાદથી મુશ્કેલીમાં ફસાયેલા 40 વ્યક્તિઓને બચાવવાની કામગીરી NDRFએ હાથ ધરી છે. સિહોર અને વલભીપુર વચ્ચે પાલડી ગામે મેલડી માતાના મંદિરે 40 લોકો હજુ પણ ફસાયેલા હોવાની વિગતો સામે આવતા તંત્રે બચાવ રાહત કામગીરી હાથ ધરી છે. મેલડી માતા મંદિરમાં ફસાયેલા 40 થી વધુ લોકોને સલામત કાઢવા પ્રયાસ શરૂ હવાઈ માર્ગે રેસ્ક્યુ કરવું પડે તે પ્રકારની સ્થિતિ હતી, પરંતુ વાતાવરણ ખરાબ હતું. જે લોકો ફસાયા છે તેમને બચાવવા જતા સ્થાનિક ટીમ પણ ફસાઈ હતી, બપોર બાદ રેસ્ક્યુ કામગીરી ઝડપી બનાવાઈ છે. મંદિરે દર્શન કરવા ગયેલા 40 – 50 લોકો હજુ પણ ફસાયેલા છે. NDRF ની ટીમ આવવાથી હવે કાર્ય ઝડપી થશે તેવી આશા સ્થાનિકોમાં જાગી છે.
ગુજરાતમાં ચોમાસાના પ્રારંભે જ સૌરાષ્ટ્રમાં વરસેલા અતિ ભારે વરસાદને કારણે, બોટાદ અને અમરેલી જિલ્લામાંથી કુલ 120 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવાની ફરજ તંત્રને પડી છે. જેમાં બોટાદ જિલ્લામાંથી કુલ 40 અને અમરેલી જિલ્લામાંથી કુલ 80 વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડાયા છે. જ્યારે બોટાદ, ભાવનગર અને અમરેલી જિલ્લામાંથી 109 લોકોનુ રેસ્ક્યુ કરાયું છે. જેમાં બોટાદ જિલ્લામાંથી 02 વ્યક્તિ, ભાવનગર જિલ્લામાંથી 38 અને અમરેલી જિલ્લામાંથી 69 લોકોનુ રેસ્ક્યુ કરાયું છે.
ગુજરાતમા ચોમાસાના પ્રાંરભે વરસેલા ભારે વરસાદને પગલે, રાજ્યના 134 માર્ગો બંધ છે. જેમાં 10 સ્ટેટ હાઈવે ઉપર પાણી ફરી વળતા કે અન્ય કોઈ કારણોસર વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. તો 28 અન્ય માર્ગો પણ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. પંચાયત હસ્તકના કુલ 95 માર્ગો વાહનવ્યવહારમાટે બંધ કરાયા છે. ભાવનગરમાંથી પસાર થતો 1 નેશનલ હાઈવે ભારે વરસાદને કારણે બંધ કરાયો છે.
સતત વરસાદથી શેત્રુંજી ડેમ છલકાયો છે. ડેમના તમામ 59 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. 15,340 ક્યુસેક પાણીની આવક સામે 15340 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. પાણી છોડવાને કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. કુલ 17 ગામને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. પાલીતાણાના 5 અને તળાજા તાલુકાના 12 ગામ હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે. પાલીતાણાના રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ, માયધાર મેઢા હાઈ એલર્ટ પર છે. તળાજાના ભેગાડી, દાત્રડ, પીંગળી, ટીમાણા, સેવાલિયા રોયલ માખણીયા તળાજા ગોરખી લીલીવાવ તરસરા સરતાનપર હાઈ એલર્ટ પર રખાયા છે.
ગુજરાતમાં આ વર્ષે નૈઋત્યના ચોમાસાનો ધમાકેદાર પ્રાંરભ થયો છે. આજે બપોરના 2 વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીના માત્ર બે કલાકના સમયગાળામાં જ 104 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વધુ વરસાદ સુરેન્દ્રનગરના થાનગઢમાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે.
સુરેન્દ્રનગરઃ મુળી ચોટિલા વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે નાયકા ડેમના 19 દરવાજા 8 ફુટ ખોલાયા છે. નાયકાડેમ ઓવરફલો થતા સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર શહેરી વિસ્તારમાં પસાર થતી ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ વધશે. શહેરમાં આવેલા કોઝવે પર અંદાજે 6 ફુટથી 7 ફુટ પાણી વહી શકે છે. ભોગાવો નદીની આજુબાજુના નીચાણવાળા વિસ્તારમાં આપવામાં આવ્યુ એલર્ટ, જોરાવરનગરના બન્ને કોઝવે બંધ કરવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. નાયકાડેમનું ઓવરફલો પાણી અંદાજે સુરેન્દ્રનગર કોઝવે પહોચી શકે છે. હાલ અંદાજે 30 હજાર કયુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે.
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર પંથકમાં ભારે વરસાદના કારણે ખારી અને ઘેલો નદી તેમજ કાળુભાર નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. ભાવનગરથી વલભીપુર જતા રોડ પર ખારી નદી અને કાળુભાર નદીના પાણી, રોડ આવી જતા રસ્તો બંધ કરાયો છે. હાલ મગલાણા નજીક કોઝવે પર પાણી ફરી વળતા એસડીએમ ,ડીવાયએસપી સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે. ચમારડી નજીક થાપનાથ મહાદેવ મંદિર નજીક 10 લોકો ફસાયા હતા. જેની જાણ થતા તમામ લોકોને રેસ્ક્યુ માટે તંત્ર દ્વારા પ્રયાસો કરાયા છે. જેસીબી અને બોટ દ્વારા ફાયરની ટિમ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ છે.
ભાવનગર જિલ્લામાં શેત્રુંજી પાસે ભૂતિયા ગામ પાસે કોઝ વે તૂટ્યો છે. રાત્રે આવેલા વરસાદી પાણીને કારણે ભૂતિયા અને શેત્રુંજી ડેમને જોડતો માર્ગ સંપૂર્ણપણે તૂટ્યો છે. ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુજીની પાઇપલાઇન પણ તૂટી જવા પામી છે. પાણીની લાઇન તૂટવાને કારણે ભાવનગરને પીવાના પાણીની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
ભાવનગરના વલ્લભીપુરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. થાપનાથ ગામમાં કાળુભાર નદીના પાણી ફરી વળ્યાં. ગામમાં ફસાયેલા 60 લોકોનું તાત્કાલિક રેસ્ક્યૂ કરવાની સૂચના આપવામાં આવી છે. વડોદરાથી NDRFની ટીમ બોલાવી ગ્રામજનોનું રેસ્ક્યૂ કરાશે. નદીના પાણી ગામમાં આવી જતા ગામ બેટમાં ફેરવાયું. હાલ ફસાયેલા ગ્રામજનોએ મંદિર અને ઉચાણવાળા મકાનમાં આશરો લીધો. સ્થાનિક પ્રશાસન દ્વારા પણ વહેલીતકે લોકોનું રેસ્ક્યૂ કરાય તેવા પ્રયાસ.
ભાવનગરઃ ભારે વરસાદથી તારાજી સામે આવી છે. ભૂતિયા ગામ નજીક કોઝવે તૂટ્યો છે. ભૂતિયા અને શેત્રુંજી ડેમને જોડતો રસ્તો તૂટી ગયો. ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજીની પાઇપલાઇન તૂટી. રાત્રે ખારા ડેમમાંથી આવેલા પાણીએ તારાજી કરી.
ભાવનગરમાં વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા છે. જેથી આવતીકાલે ભાવનગરમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
23 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ગાજવીજ અને પવન સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. અમદાવાદ, આણંદ, ભરૂચમાં અતિભારે વરસાદની શક્યતા છે. ભાવનગર, બોટાદ, પોરબંદર, જૂનાગઢમાં જાહેર કરાયું એલર્ટ. માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.
બોટાદ: બરવાળા તાલુકામાં સતત ધોધમાર વરસાદ થતા ઉતાવળી નદી બે કાંઠે વહેતી થઈ છે. પાણી પુલ પર ફરી વળતા વાહનવ્યવહારને અસર થઇ છે. ધંધુકા તરફ જવાનો એક તરફનો પુલ બંધ કરાયો છે. પુલ પર એક તરફથી જ તમામ વાહનોની અવરજવર થઇ રહી છે. નદી કિનારે ગ્રામજનો ઉમટતા તંત્ર દ્વારા દૂર ખસેડાયા. પુલના બંને છેડે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.
બોટાદ: ખાંભડા ડેમના 4 દરવાજા ખોલાયા છે. ભારે વરસાદથી ડેમમાં સતત નીરની આવક થઇ રહી છે. ડેમના 4 દરવાજા 0.90 મીટર સુધી ખોલવામાં આવ્યા. ડેમમાંથી પાણી ઉતાવળી નદીમાં છોડાયું. ઉતાવળી નદી બેકાંઠે વહેતી થઇ. નીચાણવાળા ગામોને તંત્રએ સતર્ક કર્યા છે.
અમદાવાદમાં પ્રથમ વરસાદમાં જ એક સાથે ત્રણ ભુવા એક જ જગ્યા પર પડ્યા છે. દરિયાપુર દરવાજા પાસે એક જ લાઈનમાં 3 ભૂવા પડ્યા. તંત્ર દ્વારા બેરિકેટિંગ કરી પુરાણ કરવામાં આવ્યું. જમીનમાં નાખવામાં આવતી લાઈનોની ચેમ્બરોમાં નબળી કામગીરીના પુરાવા સામે આવ્યા. તંત્રની નબળી કામગીરીથી વારંવાર ભૂવા પડવાની સ્થિતિ સર્જાઈ છે. ભૂવાની અંદર ડ્રેનેજની લાઇન સમારકામની જગ્યા પુરાણ કરાયું. અમદાવાદમાં વરસાદની શરૂવાત થતા જ ભૂવા પડ્યા.
રાજ્યમાં વરસાદની સ્થિતિએ ચિંતા વધારી છે. વરસાદની આગાહી વચ્ચે NDRF એલર્ટ પર છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ત્રણ ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. 2 ટીમ રાજકોટ અને 1 ટીમ કચ્છમાં મોકલાઈ છે.
અમરેલીઃ ભારે વરસાદથી સાવરકુંડલા સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો છે. સાવરકુંડલા-મહુલા સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા છે. ગોરડકા નજીક કોઝવે પર પાણી ફરી વળ્યા છે. કોઝવે પર પાણી ભરાતા ટ્રક ફસાયો.
ભાવનગરઃ પાલીતાણામાં ભારે વરસાદથી શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઇ છે. જેસર, શિહોરમાં ભારે વરસાદ પડ્યો છે. નદીઓમાં નવા નીર આવ્યા છે.
રાજકોટ: વિંછીયામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. 12 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. થોરિયાળી ગામની ગોમા નદી બે કાંઠે છે. વિંછીયા તાલુકાના નાના મોટા તમામ ચેકડેમ ઓવરફ્લો થયો છે. આખી રાત વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે.
ભાવનગર-ધંધુકા હાઈવે વરસાદી પાણી ભરાતા બંધ થયો છે. વરસાદ થી રોડ આસપાસ પાણી ભરાયા છે. પાણીના કારણે ટ્રક સાઇડમાં ફસાયા છે. નેસડા – ઘાંઘળી હાઈવે પાણીમાં તરબોળ થયા છે. અનેક ગામોમાં પાણી ભરાયા છે.
ભાવનગરઃ પાલીતાણા પંથકમાં ભારે વરસાદ બાદ પાલીતાણાથી ઉંદરકા સહિતના માર્ગો પાણીમાં ગરકાવ થયો છે. 10થી 12 ગામને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો. ભુંડરખા, પીપરડી, લવરડા, ટાણા સહિતના ગામને માર્ગ પાણીમાં ગરકાવ થયો. 12 ઇંચ વરસાદના કારણે જિલ્લાના ત્રણ તાલુકા મથકોને હાલાકી થઇ રહી છે.
અમરેલી: રાજુલામાં જોલાપરી નદીમાં કાર તણાતા એકનું મોત થયુ છે. ઉંટીયાથી રાજપરડા વચ્ચે બ્રિજ પર દુર્ઘટના બની છે. બ્રિજ પર ભૂવો પડવાને લીધે નદીમાં કાર ખાબકી હતી. વહીવટી તંત્ર દ્વારા ભારે જહેમતે કાર બહાર કઢાઈ. થોડીવાર પહેલાં જ કાર ચાલકનો મૃતદેહ મળ્યો હતો. જેસીબીની મદદથી કાર બહાર કઢાઈ.
મોરબી: મચ્છુ-3 ડેમનો દરવાજો અડધો ફૂટ ખોલાયો છે. મોરબી, માળિયા મિયાણા તાલુકાના 21 ગામોને કરાયા એલર્ટ. ધોધમાર વરસાદ બાદ ડેમમાં પાણીની આવક વધી. પાણીની આવક વધતા ડેમનું રૂલ લેવલ જાળવવા દરવાજો ખોલાયો. હાલ 446 ક્યુસેક પાણીની આવક, 446 ક્યુસેક જાવક છે.
રાજ્યમાં સાર્વત્રિક ચોમાસાની જમાવટ થઇ છે. વિવિધ જિલ્લાના 221 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ બોટાદના ગઢડામાં 13.9 ઈંચ વરસાદ વરસ્યો છે. પાલિતાણામાં 11.9 ઈંચ, શિહોરમાં 11.6 ઈંચ વરસાદ, બોટાદમાં 11 ઈંચ, ભાવનગરના જેસરમાં 10.7 ઈંચ વરસાદ, 128 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. આજે સાત જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ધોધમારની આગાહી છે.
વડોદરા: ડભોઈમાં સતત બે દિવસથી મેઘો મહેરબાન જોવા મળી રહ્યો છે. ડભોઈના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદીમાં નવા નીર આવ્યાં છે. છોટાઉદેપુરમાં વરસાદ પડતા ઓરસંગ નદીના પાણી નર્મદા નદીમાં ઠલવાયા. ઓરસંગના પાણી નર્મદા નદીમાં ઠલવાતા જળસપાટીમાં નહિવત વધારો થયો છે. પ્રથમ વરસાદમાં જ નદી કાંઠે રમણીય દ્રશ્યો સર્જાયા.
બોટાદ: ધોધમાર વરસાદ બાદ ગઢડા તાલુકામાં સ્થિતિ વણસી છે. ગઢડાના ઈશ્વરીયા ગામનો કોઝવે તૂટતાં ગામ સંપર્ક વિહોણું બન્યુ છે. ઈશ્વરીયાથી લાખણકા જવાનો એકમાત્ર કોઝવે તૂટતાં લોકો પરેશાન થયા છે. ગઢડા શહેર સહિતં આસપાસના વિસ્તારોમાં આખી રાત ભારે વરસાદ વરસ્યો.
બોટાદ: ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ભાવનગર રોડ પર આવેલી 3થી 4 સોસાયટીમાં પાણી ભરાયા છે. મુખ્ય રસ્તાઓ પર જ પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. અનેક લોકોના ઘરમાં પણ વરસાદી પાણી ભરાયા હોવાની ફરિયાદ ઉઠી છે. દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્યા થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
અમરેલીઃ ભારે વરસાદથી સાવરકુંડલા સ્ટેટ હાઈવે બંધ થઇ ગયો છે. સાવરકુંડલા-મહુલા સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા. ગોરડકા નજીક કોઝવે પર પાણી ફરી વળ્યા. કોઝવે પર પાણી ભરાતા ટ્રક ફસાયો છે.
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અત્યાર સુધી 119 DNA સેમ્પલ મેચ થયા છે..76 મૃતદેહ પરિવારજનોને સોંપી દેવાયા છે..11 પરિવારો એવા છે..જે તેમના અન્ય સ્વજનના DNA મેચિંગની રાહ જોઈ રહ્યા છે..પરિવારજનોને સાંત્વના આપવા અને સમજાવવા સાઇકિયાટ્રિસ્ટ રાખવામાં આવ્યા છે. જેઓ પરિવારનું કાઉન્સેલિંગ કરીને..સમગ્ર પ્રક્રિયા સમજાવે છે..આ અંગે સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટે કહ્યું કે જે પરિવારોને ફોન નથી આવ્યા તેનો અર્થ એ છે કે તેમના સ્વજનના હજુ DNA મેચ થયા નથી..સાથે તેમણે કહ્યું કે પ્લેન ક્રેશની ઘટનામાં ભોગ બનેલા મેડિકલના વિદ્યાર્થીઓને જે પણ નુક્સાન થયું હશે તેનો પણ સર્વે કરાશે
Published On - 7:46 am, Tue, 17 June 25