The liveblog has ended.
-
16 Mar 2026 08:51 PM (IST)
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી માટે કિરણ મોરે સહિત 4ને અયોગ્ય જાહેર કરતી ગુજરાત હાઈકોર્ટ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી અંગે ગુજરાત હાઈકોર્ટે કિરણ મોરે સહિતના ચાર ઉમેદવારોને અયોગ્ય જાહેર કર્યાં છે. કિરણ મોરે, અમર પેટીવાલે, અનંત ઇન્દુલકર, અમૂલ જિકાર ગેરલાયક ઠેરવાયા છે. હાઇકોર્ટમાં અરજી કરનાર બંને અરજદારોની પ્રતિક્રિયા સામે આવી છે. અરજદાર પ્રદીપ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિનું નિવેદન. “હાઇકોર્ટનો ચુકાદો એ સુચવે છે કે અમે સાચા હતાં” “ચારેય ઉમેદવારોને BCA માં 9 વર્ષ પુરા થઈ ગયા હતા” “3 વર્ષનાં કુલિંગ પિરિયડનાં નિયમનું પાલન ન્હોતું કર્યું” “કિરણ મોરેને બીસીએમાં નવ વર્ષ પૂરા થયાં છતાં ચૂંટણી લડ્યા” “અમૂલ જિકારને 14, અનંત ઇન્દુલકરને 15 અને અમર પેટીવાલેને 18 વર્ષ થયાં હતાં” “ચારેય ઉમેદવારોએ BCCI નાં નિયમોને નેવે મુક્યા” “ચારેય ઉમેદવારોને 9 વર્ષ પુરા થઇ ગયા હતા છતાં ચૂંટણી લડ્યા. “BCCI નાં નિયમ મુજબ 9 વર્ષ હોદ્દેદાર રહેનાર, પછીની ટર્મમાં ચૂંટણી ન લડી શકે. BCA માં અમારી રજુઆતને ધ્યાને ન લેવામાં આવી. બીસીએમાં એકહથ્થુ શાસનનો હવે અંત આવશે. કિરણ મોરે અને અનંત ઇન્દુલકર રિવાઇવલ ગ્રુપ તરફથી ચૂંટણી લડ્યા. જ્યારે અમર પેટીવાલે અને અમૂલ જિકાર સત્યમેવ જયતે જૂથમાંથી લડ્યા.
-
16 Mar 2026 08:27 PM (IST)
જૂનાગઢ જિલ્લા ભાજપમાં ભડકો, ધારાસભ્ય-જિલ્લા પંચાયતના પ્રમુખ સામસામે
માણાવદરના ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખ વચ્ચે ખટરાગ સામે આવ્યો છે. ધારાસભ્ય અરવિંદ લાડાણી તેમજ પ્રમુખ હરેશ ઠુંમર આવ્યા સામસામે. આયોજનની બેઠકમાં પ્રમુખ હરેશ ઠુંમરને બોલાવવાનો ન હોય તેમ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કહ્યું હતું. તમામ જગ્યાએ હરેશ ઠુંમર કામમાં અવરોધ ઊભો કરે છે તેવુ ધારાસભ્ય લાડાણીએ કહ્યુ. આ ખટરાગના લીધે માણાવદર વિધાનસભા હેઠળના મેંદરડા તાલુકા પંચાયત પ્રમુખે બે દિવસ પહેલા આપ્યું છે રાજીનામું. હું એક ચોક્કસ જ્ઞાતિનો હોવાથી મારું કંઈ ચાલતું નથી તેવું કારણ ધરી પ્રમુખે આપ્યું છે રાજીનામું. આયોજનની ગ્રાન્ટ મુદ્દે તાલુકા પંચાયતના પ્રમુખ ધારાસભ્યને કરી રહ્યા છે આજીજી.
મને 35 લાખ રૂપિયા આપો તો મીટીંગ કરવી છે બાકી રામ રામ તેમ મેંદરડા તાલુકા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું. મેંદરડા ભાજપના આગેવાન વિનુભાઈ રાજાણી અને ચિરાગ રાજાણી સામે પણ તા.પ. પ્રમુખ વ્યક્ત કરી રહ્યા છે રોષ. નિયમ મુજબ માર્ચ પહેલા આયોજનની બોલાવવાની હોય છે મીટીંગ. ધારાસભ્ય લાડાણી એપ્રિલની આઠ કે નવ તારીખે મીટીંગ બોલાવા કરી રહ્યા છે દબાણ.
-
-
16 Mar 2026 06:37 PM (IST)
ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીના 200 બોક્સની આવક, 10 કિલોના રૂ. 2500થી 5500નો ભાવ બોલાયો
રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં ફળોના રાજા ગણાતા કેસર કેરીનું આગમન થયું છે. ઉનાળાના પ્રારંભ સાથે જ ફળ અને શાકભાજી માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. યાર્ડમાં પ્રથમ દિવસે જ કેસર કેરીના 200 બોકસની આવક સાથે કેરીની સિઝનનો પ્રારંભ થયો છે. યાર્ડમાં જસાધાર, કંટાળા અને મોતીસર ગામની કેસર કેરીનું આગમન થયું છે. કેસર કેરીની હરાજીમાં કેરીના 10 કિલોના બોક્સ ભાવ રૂપિયા 2500/-થી લઈને ઉંચામાં 5500/- સુધીના બોલાયા હતા. માર્કેટ યાર્ડમાં આ વર્ષે કેસર કેરીનું 8 દિવસ વહેલું આગમન જોવા મળ્યું છે. સૌરાષ્ટ્રમાં કેરીનું પીઠુ ગણાતા માર્કેટ યાર્ડમાં આગામી દિવસોમાં કેરીની આવકમાં જોવા મળશે વધારો.
-
16 Mar 2026 06:16 PM (IST)
RSS ગુજરાતને ત્રણ સંભાગમાં વહેચશે, સૌરાષ્ટ્ર કચ્છ, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત સંભાગની કરાશે રચના
RSS ગુજરાતની રચનામાં થશે બદલાવ. ગુજરાતમાં પ્રાંતની વ્યવસ્થાના બદલે 3 સંભાગની રચના બનાવાશે. સંઘમાં 2થી અઢી કરોડની વસ્તી દીઠ એક સંભાગ રહેશે. સૌરાષ્ટ્ર કચ્છ, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત સંભાગની બનશે વ્યવસ્થા. RSS વડા મોહન ભાગવતની અધ્યક્ષતામાં હરિયાણા ખાતે 3 દિવસીય સંઘની બેઠકમાં ભૌગોલિક ફેરફાર માટે નિર્ણય કરાયો છે. આગામી પ્રતિનિધિ સભામાં નિર્ણય કરવામાં આવશે લાગુ.
-
16 Mar 2026 06:12 PM (IST)
સુરતમાં તાપી નદીમાં ગેરકાયદે રેતી ખનન કરનારાઓ પર તવાઈ
સુરત જિલ્લાની તાપી નદીમાં મોટા પાયે ગેરકાયદે રેતી ખનનને લઈને તંત્રે દરોડા પાડ્યા છે. ખાણ ખનીજ વિભાગે તાપી નદીમાં ચાલતા ગેરકાયદે રેતી ખનન પર દરોડા પાડ્યા છે. કામરેજ તાલુકાના ધાતવા અને જિયોર ગામે તાપી નદીમાં દરોડા પાડ્યા હતા. બન્ને ગામમાંથી ખાન ખનીજ વિભાગે એક્સકેવેટર મશીન, યાંત્રિક નાવડીઓ, ડમ્પરો સહિત 2.10 કરોડનો મુદામાલ કબજે લીધો છે. ખાણ ખનીજની કડક કાર્યવાહી ને લઈને રેતી ચોરોમાં ફફડાટ ફેલાયો
-
16 Mar 2026 06:10 PM (IST)
ગેસની અછતના માહોલમાં, બહુચરાજી મંદિરે લાકડા-ચૂલા પર બને છે 1500 માટે રસોઈ
બહુચરાજી મંદિર ભોજનાલયમાં લાકડાના ચૂલા પર રસોઈ શરૂ કરવામાં આવી છે. રાંધણ ગેસની અછત ના સર્જાય તે માટે ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય. રોજ 1000થી 1500 જેટલા યાત્રિકો અહીં લે છે ભોજનનો લાભ. ગેસનો વપરાશ ઘટાડવા દાળ, શાક અને ભાત ચૂલા પર બનાવાશે. માત્ર પૂરી ગેસ પર બનાવી રોજ 3 બોટલ ગેસની કરાઈ રહી છે બચત. ભોજનાલય પાસે હાલ માત્ર 20 જેટલી જ ગેસ બોટલનો સ્ટોક ઉપલબ્ધ. ગેસ બોટલનો નવો જથ્થો પૂરો પાડવા તંત્ર દ્વારા વ્યવસ્થા શરૂ કરાઈ છે.
-
16 Mar 2026 05:50 PM (IST)
ઉના દલિતકાંડ મામલે કોર્ટનો ચુકાદો, 37 આરોપી નિર્દોષ, 5 દોષિત, આવતીકાલે ફટકારાશે સજા
ગીર સોમનાથના ઉના ખાતે બનેલ ગૌવંશના બહુચર્ચિત દલિત કાંડમાં વેરાવળ કોર્ટ આપ્યો ચુકાદો. કુલ 42 આરોપીમાંથી 37 નિર્દોષ જાહેર કરાયા છે. 5 આરોપીઓને દોષિત ઠેરવાયા છે. આવતીકાલે આરોપીઓને સજા સંભળાવાશે.કુલ 4 પોલીસ કર્મી નિર્દોષ.. કંચન બેન, પીએસઆઇ પાંડે, ઉના પીએસઓ કરશન ભાઈ અને નિર્મલ ઝાલા, કે જેઓ અવસાન પામ્યા છે. કુલ 42 લોકો પર આરોપ હતો, જેના અત્યારસુધીમાં બે જેટલા લોકો અવસાન પામી ચૂક્યા છે.
શું હતું માંમલો
11 જુલાઈ 2016 ના વર્ષમાં ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામે દલિત પરિવાર ચાર યુવાનોને ગો માંસ મામલે કહેવાતા ગૌરક્ષકો દ્વારા લાકડી પટ્ટા સહિતથી માર મારવામાં આવ્યો હતો. જેના વીડિઓ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા આ સમગ્ર મામલો રાજ્યભરમાં ચર્ચાએ ચડ્યો હતો અને cid ક્રાઇમ અમદાવાદને તપાસ સોંપવામાં આવી હતી.
-
16 Mar 2026 04:29 PM (IST)
સુરેન્દ્રનગરના સુદામડામાં ડ્રોન ઉડાડીને પોલીસે ઝડપી ગેરકાયદે ખનીજચોરી, સ્થળ પરથી 14 JCB, 18 ડમ્પર પકડ્યાં
સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં સુદામડા ગામે સરકારી ખરાબામાં ગેરકાયદેસર ખનીજચોરી પોલીસએ ઝડપી પાડી છે. ગેરકાયદે ખનીજ ચોરી કરનારાઓનો રૂપીયા 18 કરોડનો મુદ્દામાલ સ્થળ પરથી જપ્ત કર્યો છે. પોલીસે બાતમીના આધારે ખનીજચોરી ઝડપવા જિલ્લામાં પ્રથમ વખત ડ્રોન કેમેરો ઉડાડી ખનીજચોરી ઝડપી પાડી છે. પોલીસે રેડ કરતા સ્થળ પરથી 14 જે.સી.બી. 18 ડમ્પર ઝડપી પાડયા છે. પોલીસ એ ખનીજ માફિયાઓને ઝડપવા ચક્રો કર્યા ગતીમાન. ઝડપાયેલા ડમ્પરોના નંબરના આધારે હવે આરોપીઓને ઝડપી અને ખનીજચોરીની માપણી કરી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
-
16 Mar 2026 03:35 PM (IST)
સાયબર ફ્રોડના રૂપિયા બેંક ખાતામાં જમા કરાવનારા જામનગરમાંથી ઝડપાયા
જામનગરમાંથી સાયબર ફ્રોડ ગેંગ દ્વારા બેંક ખાતાનો દુરુપયોગ કરી કરોડો રૂપિયાની ઠગાઈ કરતા આરોપીઓને પકડતી સાયબર ક્રાઈમ પોલીસ. આરોપીઓએ પોતાનુ બેંક ખાતું મળતીયાઓ સાથે મળી લોકો સાથે ઓનલાઇન ફ્રોડ કરતી ગેંગ બનાવી હતી. અગાઉથી ગુન્હાહિત કાવતરુ રચી પોતાના નામની દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ નામની પેઢીનુ બેંક એકાઉન્ટ ઓનલાઈન આર્થિક ઠગાઈના ગુન્હાઓ આચરવા માટે ખુબ મોટા કમીશને એકાઉન્ટ કિટ સહિત તેના મળતીયા તહોમતદારો ને વાપરવા આપતા. તે એકાઉન્ટમાં લોકો સાથે ઇન્ટરનેટના માધ્યમથી ઠગાઇ કરવા પોતાની ખોટી ઓળખ ઉભી કરી લોકો સાથે ઠગાઇ કરતા. સાયબર ક્રાઇમના ગુન્હા આચરી ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવા સાયબર ફ્રોડના નાણા 2,80,32,207/- તથા અન્ય ગેરકાયદેસરના વ્યવહારો મળી કુલ રૂપિયા 3,86,74,756/- ટ્રાંસફર કરાવી છેતરપીંડી કરી.
-
16 Mar 2026 03:32 PM (IST)
અમદાવાદના રબારી કોલોની ચાર રસ્તા પાસે પાર્ક કરેલ કારને, પીધેલાએ કારથી મારી ટક્કર
અમદાવાદના રબારી કોલોની ચાર રસ્તા પાસે અકસ્માતનો બનાવ બન્યો છે. પૂર ઝડપે કાર ચલાવી ઊભેલી ગાડીને ટક્કર મારવામાં આવી હતી. નશામાં કાર ચલાવનાર શખ્સે સર્જ્યો અકસ્માત. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. અકસ્માતમાં કાર ચાલકને થઈ ઇજાઓ. આઈ ટ્રાફિક પોલીસે ગુનો નોંધી દીપક બઘેલા નામના યુવકની કરી અટકાયત. કાર પાર્ક કરીને ઊભેલા નીરજ દેવાચાર્યને થઈ ઇજાઓ.
-
16 Mar 2026 03:25 PM (IST)
ભરૂચના જંબુસરમાં ગૌ હત્યાના ગુનામાં ઝડપાયેલ આરોપીઓનું પોલીસે સરઘસ કાઢી રી કન્સ્ટ્રક્શન કરાવ્યું
ભરૂચના જંબુસરમાં ગૌ હત્યાના ગુનામાં ઝડપાયેલ આરોપીઓનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. ત્રણ આરોપી મહંમદ સફી ઇસ્માઇલ કુરેશી, મહંમદ હનીફ ઇસ્માઇલ કુરેશી અને જાબીર કુરેશીને ખુલ્લા પગે ફેરવી રી કન્સ્ટ્રક્શન માટે લઈ જવાયા હતા. ખારાકુવા મસ્જિદ વિસ્તારમાં ચાલતા ગેરકાયદે કતલખાનામાં પોલીસે દરોડા પાડી 135 કિલો ગૌ માંસ ઝડપી પાડ્યું હતું. પોલીસે આરોપીઓને ભર ગરમીમાં ખુલ્લા પગે ચલાવીને રી કન્સ્ટ્રક્શન કર્યું હતું.
-
16 Mar 2026 03:12 PM (IST)
ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં NCPમાંથી જયંત બોસ્કી ઝંપલાવશે
ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે. અજીત પવારની NCP, ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર ઉભો રાખશે. પૂર્વ ધારાસભ્ય જયંત બોસ્કી ઉમરેઠમાં NCP ના ઉમેદવાર રહેશે. NCPના નિકુંલસિંહ તોમરનું નિવેદન. મહારાષ્ટ્રમાં એનડીએ સાથે છીએ પણ ગુજરાત અમે સ્વતંત્ર ચૂંટણી લડીશું. 2007 થી ચાર વિધાનસભા ચૂંટણી લડી બે વાર ધારાસભ્ય બની ચૂક્યા છે બોસ્કી. અગાઉ ઉમરેઠ બેઠક પર કોંગ્રેસ સાથે NCP ગઠબંધન પણ કરી ચૂક્યું છે.
-
16 Mar 2026 02:46 PM (IST)
ઇરાનથી અત્યાર સુધીમાં 550 ભારતીયોને સુરક્ષિત બહાર કઢાયા
ઇરાનમાં સર્જાયેલી તંગ પરિસ્થિતિ વચ્ચે ભારત સરકારે પોતાના નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે. વિદેશપ્રધાન S. Jaishankarએ માહિતી આપતા જણાવ્યું કે અત્યાર સુધીમાં કુલ 550 ભારતીયોને સુરક્ષિત રીતે ઇરાનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે આ નાગરિકોને ઇરાનમાંથી આર્મેનિયા માર્ગે બહાર લાવવામાં આવ્યા છે. સાથે જ તેમણે આ કામગીરીમાં સહયોગ આપવા બદલ આર્મેનિયાની સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો છે.
-
16 Mar 2026 02:30 PM (IST)
સાંજે 4.30 કલાકે કચ્છના મુન્દ્રા પોર્ટ પહોંચશે શિવાલિક જહાજ
ગુજરાતના મુન્દ્રા પોર્ટ પરથી સાંજે 4.30 કલાકે કચ્છના મુન્દ્રા પોર્ટ પહોંચશે ‘શિવાલિક’ જહાજ.. હાલ ગુજરાતની હદ એવા કચ્છના અખાતમાં ભારતીય ‘શિવાલિક’ જહાજે એન્ટ્રી લીધી છે.જેમાં એલપીજીનો મોટો જથ્થો આવી રહ્યો છે. એટલું જ નહીં હોર્મુઝ ખાડી પાર કરીને વધુ એક જહાજ આવતીકાલે કંડલા પોર્ટ આવશે. નંદાદેવી નામના આ જહાજમા પણ એલપીજીનો જથ્થો ભરેલો છે. આપને કહી દઇએ કે યુદ્ધના માહોલની વચ્ચે ભારતીય નૌકાદળ દ્વારા બંને જહાજોને સુરક્ષા અપાઈ છે.આ બંને જહાજમાં કુલ 92 હજાર 700 મેટ્રિક ટન LPG ગેસ છે. આ બંને જહાજ ગુજરાત પહોંચી જશે અને દેશમાંથી દૂર થશે LPGની અછત.
-
16 Mar 2026 02:11 PM (IST)
ગાંધીનગરના કર્મયોગી ભવનને મળી ધમકી
ગાંધીનગરના કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ મચી ગયો હતો. કર્મયોગી ભવનમાં આવેલા તોલમાપ વિભાગને ઈ-મેઈલ દ્વારા આ ધમકી મળ્યાની માહિતી સામે આવી છે. ધમકીભર્યો મેલ મળતા જ તાત્કાલિક કર્મયોગી ભવન ખાલી કરાવવામાં આવ્યું હતું અને ત્યાં હાજર કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ બોમ્બ સ્ક્વોડની ટીમો સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે અને સમગ્ર પરિસરમાં સઘન ચકાસણી કરવામાં આવી રહી છે.
-
16 Mar 2026 02:10 PM (IST)
વિધાનસભા ગૃહમાં ધારાસભ્યોની ગેરહાજરીને લઈને અધ્યક્ષની ટકોર
વિધાનસભા ગૃહમાં ધારાસભ્યોની ઓછી હાજરીને લઈને અધ્યક્ષે ટકોર કરી હતી. ગૃહમાં જરૂરી સંખ્યાબળ ન હોવાથી અધ્યક્ષે શાસક અને વિપક્ષ બંને પક્ષના દંડકોને ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું કે ગૃહની કાર્યવાહી યોગ્ય રીતે ચાલે તે માટે સભ્યોની હાજરી જરૂરી છે. સાથે જ બંને પક્ષના દંડકોને પોતાના ધારાસભ્યોને ગૃહમાં હાજર રહે તે માટે જરૂરી સૂચનાઓ આપવા જણાવ્યું હતું.
-
16 Mar 2026 01:46 PM (IST)
કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલા એ સરકારના કર્યા ભરપૂર વખાણ
કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિધાનસભામાં રાજ્ય સરકારના પ્રયાસોની પ્રશંસા કરી. જમાલપુર-ખાડિયા અને દાણીલીમડા વિસ્તારમાં બંધ પડેલા લગભગ 750 MSME યુનિટ ફરી શરૂ કરાવવા માટે સરકારે કરેલા પ્રયાસોને લઈને તેમણે આભાર વ્યક્ત કર્યો. તેમના જણાવ્યા મુજબ સરકારની પહેલથી બંધ થયેલા આ ઉદ્યોગો ફરી શરૂ થતા અંદાજે 1 લાખ લોકોને ફરી રોજગાર મળવાની શરૂઆત થઈ છે. આ દરમિયાન અધ્યક્ષે પણ નોંધ્યું કે માત્ર શાસક પક્ષના સભ્યો જ નહીં, પરંતુ વિપક્ષના સભ્યો પણ સારું કામ થાય ત્યારે સરકારના વખાણ કરી શકે છે.
-
16 Mar 2026 01:43 PM (IST)
રાજ્યના 9 જિલ્લામાં 2 વર્ષમાં 7272.6 કિલો ગૌમાંસ પકડાયું
રાજ્યના 9 જિલ્લાઓમાં છેલ્લા બે વર્ષ દરમિયાન ગૌમાંસ અને ગૌવંશની હેરફેર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિધાનસભામાં રજૂ થયેલા લેખિત જવાબ મુજબ આ સમયગાળા દરમિયાન કુલ 7272.6 કિલો ગૌમાંસ જપ્ત કરવામાં આવ્યું છે અને 358 ગૌવંશ પણ કબ્જે લેવામાં આવ્યા છે. ગૌમાંસ તથા ગૌવંશની ગેરકાયદેસર હેરફેરના મામલામાં છેલ્લા બે વર્ષમાં 452 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે હજુ પણ 11 આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાનું જણાવાયું છે. આ કાર્યવાહી ડાંગ, જામનગર, વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય, ભરૂચ, બોટાદ, કચ્છ પૂર્વ, કચ્છ પશ્ચિમ, ખેડા, મોરબી અને નર્મદા જિલ્લાઓમાં કરવામાં આવી હોવાનું પણ વિધાનસભામાં રજૂ થયેલા જવાબમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
-
16 Mar 2026 01:10 PM (IST)
સાવરકુંડલા ન.પા સભ્ય ધર્મેન્દ્ર મહેતા અને આપ શહેર પ્રમુખ જગદીશ ઠાકોર સહીત 3 સામે ફરિયાદ
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં વીડી ઘેલાણી મહિલા કોલેજમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા દરમિયાન ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં સાવરકુંડલા નગરપાલિકાના સભ્ય ધર્મેન્દ્ર મહેતા, આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ જગદીશ ઠાકોર અને તેના પુત્ર સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. કોલેજના મહિલા ટ્રસ્ટી દ્વારા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ આરોપીઓએ પરીક્ષામાં સેટિંગ કરવાની વાત કરીને ટ્રસ્ટીઓને ધમકી આપી હતી તેમજ પરીક્ષાર્થીઓને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે.
-
16 Mar 2026 11:43 AM (IST)
ગુજરાત પાસે PNG નું મોટું નેટવર્ક- સમોના ખંધાર, ACS
મોના ખંધાર, ACS, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે રાજ્યના PNG અને LPG પુરવઠા અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે. ગુજરાતમાં PNGનું મોટું નેટવર્ક છે, જે રાજ્યના 30% ભાગને આવરી લે છે અને કવરેજમાં કોઈ કાપ લાગ્યો નથી. રાજ્ય સરકારના તાજેતરના નિર્ણય મુજબ હોટલ અને રેસ્ટોરેન્ટ્સ માટે PNG કનેક્શન મેળવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેમાં ઘરેલું અને કોમર્શિયલ બંને પ્રકારના કનેક્શન તાત્કાલિક આપવામાં આવશે. PNGને પ્રાથમિકતા આપી નવા કનેક્શનો માટે સૂચના આપવામાં આવી છે અને સિટી ગેસ કંપનીઓ સાથે પણ વાતચીત ચાલી રહી છે. બીજી તરફ, LPG પુરવઠામાં પણ રાજ્ય સરકારના પ્રયાસો જોવા મળ્યા છે. સરકારે રાજ્યમાં LPG પુરવઠામાં 20% વધારો કર્યો છે. હોસ્પિટલ, અનાથ આશ્રમ અને અન્ય આવશ્યક જગ્યાઓ પર કોઈ તકલીફ ન થાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રેલ્વે, એરપોર્ટ અને અન્ય મહત્વપૂર્ણ વિસ્તારોમાં પણ પૂરતો જથ્થો સુનિશ્ચિત કરવા માટે કામગીરી ચાલી રહી છે.
-
16 Mar 2026 11:41 AM (IST)
ભરૂચઃનર્મદા પરિક્રમાવાસીઓ જીવના જોખમે નદી પસાર કરવા મજબુર
ભરૂચના હાંસોટ વિસ્તારમાં નર્મદા પરિક્રમાવાસીઓ જીવના જોખમે નદી પાર કરવા મજબુર બન્યા છે. દાવો છે કે બોટમાં ક્ષમતા કરતા વધુ પરિક્રમાવાસીઓને બેસાડવામાં આવતું હોવાથી જોખમ સર્જાય છે. હાંસોટના વમલેશ્વરથી દહેજના મીઠી તલાઈ જવા માટે પરિક્રમાવાસીઓ બોટનો ઉપયોગ કરે છે. જોકે, પરિક્રમાવાસીઓ પાસેથી રૂ.500 વસુલવા છતાં તેમને યોગ્ય સુવિધા ન મળે તે અંગે આક્ષેપ છે. બોટમાં સવાર પરિક્રમાવાસીઓએ પરિસ્થિતિના વીડિયોએ બનાવ્યા અને તેને સોશિયલ મીડિયામાં શેર કર્યો છે, જેથી લોકોમાં જાગૃતતા ફેલાઈ શકે.
-
16 Mar 2026 11:07 AM (IST)
સાબરકાંઠાઃ હિંમતનગરમાં નકલી પોલીસનો તોડકાંડ
સાબરકાંઠાના હિંમતનગરમાં ત્રણ શખ્સોએ નકલી પોલીસ બની યુવક પાસેથી ₹8 લાખની ઠગાઈ કરી. તેઓએ ફોન દ્વારા ડ્રગ્સ મંગાવી યુવકને લૂંટ્યા અને બાદમાં ગાડીમાં બેસાડી અમદાવાદ તરફ લઈ ગયા. આરોપીઓએ પોતાને ગાંધીનગરના પોલીસકર્મી બતાવી, યુવક પાસેથી રૂપિયા પડાવ્યા અને ડ્રગ્સનો કેસ કરવાની ધમકી આપી 25 લાખની માંગ કરી હતી. હિંમતનગરના એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે અને આરોપીઓની શોધખોળ માટે કાર્યવાહી ચાલુ છે.
-
16 Mar 2026 11:06 AM (IST)
અમદાવાદઃ સેટેલાઈટમાં વેપારી પર 2 લોકોનો હુમલો
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં વેપારી પર બે શખ્સોએ બળજબરીથી હુમલો કર્યો છે. રૂપિયાની લેતી દેતીના મુદ્દાને લઈને આરોપીઓએ ધારીયા અને લાકડી વડે વેપારી પર હુમલો કર્યો હતો. સેટેલાઇટ પોલીસને ઘટના અંગે જાણ થતા એણે તાત્કાલિક ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
-
16 Mar 2026 10:52 AM (IST)
દાહોદ: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની માઠી અસર રેલવે કેન્ટીન પર
દાહોદમાં ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની આડઅસર સ્થાનિક વ્યવસ્થાઓ પર પણ જોવા મળી રહી છે. LPGના કોમર્શિયલ સિલિન્ડરની અછત સર્જાતા દાહોદ રેલવે સ્ટેશન નજીક આવેલી રેલવે કેન્ટીનને તાત્કાલિક તાળા મારવા પડ્યા છે. ગેસ ઉપલબ્ધ ન હોવાથી કેન્ટીન બંધ થતા ત્યાં કામ કરતા કર્મચારીઓમાં નિરાશા ફેલાઈ છે. રોજિંદા આશરે 150થી વધુ રેલવે કર્મચારીઓ આ કેન્ટીનમાં ભોજન પર નિર્ભર હતા, જ્યાં માત્ર 30 રૂપિયામાં ભોજન મળતું હતું. કેન્ટીન બંધ થતા શ્રમિકો અને કર્મચારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. કર્મચારીઓએ તંત્રને વહેલી તકે ગેસ સિલિન્ડરની વ્યવસ્થા કરવાની માંગ કરી છે.
-
16 Mar 2026 10:51 AM (IST)
સુરત: ગેસ સિલિન્ડરની તંગી વચ્ચે ગેરકાયદે ગેસ રિફિલિંગ
સુરત જિલ્લાના વાંઝ ગામમાં ગેસ સિલિન્ડરની તંગી વચ્ચે ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું છે. પોલીસને મળેલી માહિતીના આધારે દેવનારાયણ કરિયાણા સ્ટોરમાં દરોડો પાડતા ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી નાના સિલિન્ડરોમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવતું હોવાનો પર્દાફાશ થયો હતો. આરોપીઓ એલ્યુમિનિયમ પાઇપ અને વાલ્વ જેવા સાધનોનો ઉપયોગ કરીને ગેસ ટ્રાન્સફર કરતા હતા. પોલીસે ઘટનાસ્થળેથી બે દુકાનદારોની ધરપકડ કરી છે અને સિલિન્ડર તેમજ રિફિલિંગ માટે વપરાતા સાધનો સહિત અંદાજે ₹10 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.
-
16 Mar 2026 10:39 AM (IST)
અમદાવાદઃ હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરીમાં વિલંબ સામે રોષ
અમદાવાદ શહેરના ખોખરા અને CTMને જોડતા જોડતા વિવાદિત હાટકેશ્વર ઓવરબ્રિજ તોડવાની કામગીરીમાં વિલંબ થતા સ્થાનિકોમાં ભારે રોષ..ઓવરબ્રિજના બાકીના બે સ્પાન તોડવાની કામગીરીમાં વિલંબ થતા આસપાસના દુકાનદારો અને વેપારીઓએ આજે બંધ પાળીને વિરોધ નોંધાવ્યો છે. વેપારીઓનો આક્ષેપ છે કે બ્રિજ તોડવાની કામગીરીમાં વિલંબના કારણે..આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા વધી છે અને દિવસ રાત બ્રિજના કાટમાળમાંથી ધૂળ ઉડે છે. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે બ્રિજ તોડવાની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરે કોઈપણ પ્રકારની આડાશ કરી નથી. બ્રિજના કાટમાળથી ઉડતી ધૂળ સુધી લોકો સુધી પહોંચે છે. વેપારીઓની માગણી છે કે ઝડપથી બ્રિજ તોડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવે.
-
16 Mar 2026 09:28 AM (IST)
મહીસાગરઃ આગાહી મુજબ જિલ્લામાં બદલાયું વાતાવરણ
મહીસાગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં આકાશમાં વાદળછાયું વાતાવરણ છવાઈ જતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. જો કમોસમી માવઠું થાય તો અનેક પાકોને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને ઘઉં, બાજરી, મકાઈ, સોયાબીન, મગફળી અને મગ જેવા પાકોને અસર થઈ શકે છે. ઉપરાંત ચણા, ઘાસચારો તેમજ વિવિધ ફળાઉ પાકોને પણ નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે.
-
16 Mar 2026 08:47 AM (IST)
18 માર્ચથી 3 દિવસ માવઠાનું એલર્ટ
ભર ઉનાળામાં ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે 18 માર્ચથી 20 માર્ચ સુધી રાજ્યના 20થી વધુ જિલ્લાઓમાં કમોસમી માવઠાનું એલર્ટ જાહેર કર્યું છે. માવઠાની શક્યતાને કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે, કારણ કે પાકને નુકસાન થવાની ભીતિ છે. આગાહી મુજબ આવતીકાલથી રાજ્યમાં મહત્તમ તાપમાન અંદાજે ચાર ડિગ્રી સુધી ઘટી શકે છે. વારંવાર સર્જાતા પશ્ચિમી વિક્ષેપના કારણે ઉનાળામાં પણ ચોમાસા જેવો માહોલ સર્જાઈ રહ્યો છે. 18 માર્ચે કચ્છ, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદ પડી શકે છે, જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લામાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 19 માર્ચે રાજ્યના કુલ 22 જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.
-
16 Mar 2026 08:34 AM (IST)
પંચમહાલઃ જિલ્લાના પૂર્વ વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો
પંચમહાલ જિલ્લાના પૂર્વ વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સવારથી જ આકાશમાં ચોમાસાની ઋતુ જેવી ઘનઘોર વાદળછાયા જોવા મળી રહી છે. ઠંડાગાર પવનના સુસવાટા સાથે સમગ્ર વિસ્તારમાં વાદળો છવાઈ ગયા હોવાથી ઉનાળાની વચ્ચે જ ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. જો કમોસમી માવઠું થાય તો મહુડાના ફૂલ તેમજ કેરીના પાકને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે.
-
16 Mar 2026 08:30 AM (IST)
વડોદરાઃ કારેલીબાગ વિસ્તારમાં પોલીસ પર હુમલો
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ 112 પર કોલ મળ્યા બાદ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે સ્થળ પર પહોંચતા જ પોલીસ અને કેટલાક શખ્સો વચ્ચે બોલાચાલી બાદ મારામારી શરૂ થઈ હતી. આ દરમિયાન કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને પોલીસ વાહનના ડ્રાઈવર પર પણ હુમલો કર્યો હતો. ઘટનામાં એક પોલીસકર્મી અને ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને હુમલાખોરોને પકડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
-
16 Mar 2026 07:52 AM (IST)
ઓડિશાના કટકમાં મેડિકલ કોલેજમાં ભીષણ આગ લાગી, જેમાં 10 દર્દીઓના મોત થયા
ઓડિશાના કટકમાં SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ભીષણ આગ લાગી. હોસ્પિટલના ટ્રોમા કેર ઇન્ટેન્સિવ કેર યુનિટમાં લાગેલી આગમાં દસ દર્દીઓના મોત થયા. આ ઘટનાથી સમગ્ર હોસ્પિટલ કેમ્પસમાં ગભરાટ ફેલાયો. ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ, અને આગ ઓલવવાના પ્રયાસો ચાલુ છે.
-
16 Mar 2026 07:25 AM (IST)
યુદ્ધ વચ્ચે થોડીવારમાં ગુજરાતથી મળશે ગુડ ન્યુઝ
દેશભરમાં ચાલી રહેલા ગેસ સંકટ વચ્ચે ગુજરાતમાંથી રાહતના સમાચાર સામે આવ્યા છે. કચ્છના મુન્દ્રા પોર્ટ પર આજે સવારે 9.40 કલાકે LPG ટેન્કર ‘શિવાલિક’ પહોંચવાનું છે, જ્યારે આવતીકાલે કંડલા પોર્ટ પર ‘નંદા દેવી’ નામનું અન્ય LPG ટેન્કર આવશે. ભારતીય નૌસેનાએ બંને ટેન્કરોને સુરક્ષા આપીને સુરક્ષિત રીતે ભારત સુધી પહોંચાડ્યા છે. બંને ટેન્કરમાં મળી કુલ 92 હજાર 700 મેટ્રિક ટન LPG ગેસ લાવવામાં આવી રહ્યો છે, જેના કારણે દેશભરમાં ઉભી થયેલી LPGની અછત દૂર થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.