આજે 16 જુન શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. સાથે જ વાંચો બિપોરજોય વાવાઝોડાના તમામ અપડેટસ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
જૂનાગઢમાં ડિમોલેશનને લઈને અસામાજિક તત્વોએ મજેવડી પોલીસચોકી પર હુમલો કર્યો છે. હુમલામાં DYSP, PSI અને પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. ટોળાએ સરકારી ગાડીમાં આગ ચાંપી હતી. એસટી બસ પર પથ્થરમારો કર્યો હતો. જેના પગલે બસમાં બેઠેલા મુસાફરોને પણ ઈજા થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. પોલીસે ટોળાને કાબૂમાં લેવા માટે ટીયરગેસના શેલ છોડ્યા હતા.
પાટણનાં સમી, રાધનપુર, સાંતલપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ફુંકાયેલા ઝડપી પવનોને કારણે મકાનોનાં પતરાં ઉડ્યા હતા તો બીજીબાજૂ ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા હતા. પાટણ જિલ્લાનાં રાધનપુર ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ બ્લોક થયા છે. રાધનપુરનાં ગ્રામ્ય વિસ્તારોમાં વીજ વિક્ષેપ સર્જાયો છે.
દક્ષિણ કાશ્મીરના ઉધમપુરના રહેવાસી દીપક કુમાર ઉર્ફે દીપુની હત્યામાં સંડોવાયેલા પ્રતિબંધિત સંગઠન જૈશ-એ-મોહમ્મદના 5 આતંકવાદીઓને પકડવામાં કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. આ પહેલા શુક્રવારે સવારે કુપવાડા જિલ્લાના જામગુંડ વિસ્તારમાં સુરક્ષાદળોએ 5 આતંકીઓને ઠાર કર્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતી કાલ શનિવારે વાવાઝોડાગ્રસ્ત કચ્છની મુલાકાતે આવશે. અમિત શાહ વાવાઝોડાથી અસર પામેલા વિસ્તારોની મુલાકાત લેશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ કચ્છની મુલાકાત દરમિયાન સાથે રહેશે.
વાવાઝોડા બિપરજોયને પગલે, રાજકોટમાં આવતીકાલ શનિવારને 17 જૂનના રોજ પણ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. બિપરજોય વાવાઝોડાને પગલે, રાજકોટ સહીત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં તેજ ગતીએ પવન ફૂંકાઈ રહ્યો છે. તેની સાથેસાથે વરસાદી માહોલ પણ સર્જાયો છે. જેના પગલે વિદ્યાર્થીઓ હેરાન ના થાય તે માટે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ કલાકને લઈને આ આગાહી કરવામાં આવી છે. નાવ કાસ્ટ જાહેર કરીને હવામાન વિભાગે 3 કલાક માટે ધોધમાર વરસાદ ખાબકવાની શક્યતા વ્યક્ત કરી છે. સાથે જ ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે અને 60 કિમીની ઝડપે ભારે પવન ફુંકાવાની સંભાવના છે. સાથે જ કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બિપરજોય વાવાઝોડું (Cyclone Biparjoy) ગુરૂવારે મધરાતે જ્યારે લેન્ડફોલ દરમિયાન કચ્છ (Kutch)ઉપર ત્રાટક્યું હતું. ત્યારે આ વિકટ અને ગંભીર પરિસ્થિતિમાં પણ વહીવટી તંત્રના જાંબાઝ અધિકારીઓની સમગ્ર ટીમ તથા મેડિકલ ટીમ કાર્યરત રહીને કામગીરી કરી રહી હતી. મુન્દ્રા સીએચસી ખાતે આવેલી એક પ્રસૂતાનું સિઝેરિયન કરીને સફળતાપૂર્વક બાળકીનો જન્મ કરાવવામાં આવ્યો હતો. મધરાતે જ્યારે વાવાઝોડું જોર પર હતું ત્યારે આ પ્રસૂતિ દરમિયાન જનરેટર પણ શોર્ટ સર્કિટના કારણે બંધ થઈ જવા છતાં પણ ડોક્ટર્સ અને મેડિકલની ટીમે આ પ્રસૂતાનું ઓપરેશન કરી સફળ ડિલિવરી કરાવી હતી. હાલમાં માતા અને બાળક બંને સુરક્ષિત છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર આવેલ ગંભીર ચક્રવાતી તોફાન “બિપરજોય” છેલ્લા 6-કલાક દરમિયાન 10 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. ચક્રવાતી વાવાઝોડું હાલ નબળું પડી ગયું છે. વાવાઝોડું હાલ ભુજથી લગભગ 30 કિમી પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દૂર ગયું છે. વાવાઝોડું લગભગ પૂર્વ-ઉત્તર-પૂર્વ તરફ આગળ વધે અને વધુ ઊંડાણમાં નબળું પડે તેવી શક્યતા છે. 16મી જૂનની સાંજના સુમારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ડિપ્રેશન બની વાવાઝોડું પૂર્ણ થશે.
ગુજરાત પર બિપરજોય ચક્રવાત માટે સતર્કતાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેનો નિર્ણય
પશ્ચિમ રેલવે પર ચક્રવાતની સંભાવનાવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલા તરીકે કેટલીક વધુ ટ્રેનોના સંચાલનને રદ કરવાનો, આંશિક રીતે રદ કરવાનો નિર્ણય લીધો છે.
આ ઉપરાંત પશ્ચિમ રેલ્વે દ્વારા WR ના અધિકારક્ષેત્ર હેઠળના સંભવિત વિસ્તારોના ટ્રેન મુસાફરો માટે વિવિધ સલામતી અને સુરક્ષા સાવચેતીઓ પગલાં પણ લેવામાં આવી રહ્યા છે.
પ્રવર્તમાન નિયમો મુજબ મુસાફરોને રિફંડ પણ અપાશે
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા મુજબ, 2 ટ્રેનો રદ કરવામાં આવી છે, 1 ટ્રેન ટૂંકા સમય માટે અને 2 ટ્રેન ટૂંકી થઈ છે.
આ સાથે 100 ટ્રેનો રદ કરવામાં આવી છે, 40 ટ્રેનોને ટૂંકા ગાળા માટે રદ કરવામાં આવી છે, જ્યારે 40 ટ્રેનો સાવચેતીના પગલા તરીકે મુસાફરોની સલામતી અને ચક્રવાત બિપરજોયની શરૂઆતના સંદર્ભમાં ટ્રેનની કામગીરીને ધ્યાનમાં રાખીને ટૂંકા ગાળા માટે શરૂ કરવામાં આવી છે.
રદ કરાયેલી ટ્રેનોની યાદી:
ટ્રેનનું ટૂંકું ટર્મિનેશન:
1. ટ્રેન નંબર 09456 ભુજ – 16મી જૂન 2023ના રોજ શરૂ થનારી સાબરમતી સ્પેશિયલ મુસાફરી જે અગાઉ રદ કરવાની સૂચના આપવામાં આવી હતી, તે હવે ગાંધીધામથી ટૂંકી ઉપડશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રામી પુરસ્કાર વિજેતા ભારતીય-અમેરિકન ગાયક ફાલુ (Falguni Shah)સાથે બાજરીના ફાયદા અને વિશ્વની ભૂખ ઘટાડવાની તેમની સંભવિતતાને પ્રકાશિત કરવા માટે એક ગીત માટે સહયોગ કર્યો છે.
નવી દિલ્હીમાં સ્થિત નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરીનું નામ બદલી દેવામાં આવ્યું છે. હવે તે વડાપ્રધાન મ્યુઝિયમ અને લાઇબ્રેરી તરીકે ઓળખાશે. નહેરુ મેમોરિયલનું નામ બદલવાને લઈને કોંગ્રેસે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે મોદી સંકુચિત માનસિકતા અને બદલો લેવાનું બીજું નામ છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યકરોને ચક્રવાત બિપરજોયથી પ્રભાવિત લોકોને મદદ કરવા અપીલ કરી હતી. ચક્રવાત બિપરજોય ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાંથી પસાર થયું હતું, જેના કારણે ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાયો હતો, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું હતું કે ચક્રવાત ગુરુવારે સાંજે 6.30 વાગ્યે જખૌ બંદર નજીક લેન્ડફોલ કર્યું હતું, જેના પગલે સમગ્ર કચ્છ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો અને સવારે 2.30 વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. દિલ્હીના મુખ્યમંત્રીએ એક ટ્વિટમાં કહ્યું, ‘ચક્રવાતને કારણે ઘણું નુકસાન થયું છે. હું અમારા તમામ કાર્યકરોને તન, મન અને ધનથી રાહત કાર્યમાં જોડાવા અને લોકોને ખૂબ મદદ કરવા અપીલ કરું છું.
વાવાઝોડાની સૌથી વધુ અસર કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી સહિતના આઠ જિલ્લાઓમાં થઈ છે. ત્યારે ત્યાંના કલેકટરોને મુખ્ય સચિવે નુકસાની અંગેનો પ્રાથમિક અહેવાલ તૈયાર કરી શુક્રવાર સાંજ સુધી રજૂ કરવા સૂચના આપી હતી. મુખ્યમંત્રી સાથેની બેઠકમાં જે તે વિભાગના સેક્રેટરી ઉપસ્થિત રહી વિભાગ જનજીવન સામાન્ય બની રહે એ માટે કયા પ્રકારની કામગીરી કરી રહ્યા છે એ સંદર્ભે માહિતગાર કર્યા હતા અને ભવિષ્યના પ્લાનિંગ સંદર્ભે જાણ કરી હતી.
બિપરજોય વાવાઝોડાની આટલી ભયાનકતા હોવા છતાં પણ રાજ્યમાં એકપણ માનવ મૃત્યુ ના થયું હોવાની સ્પષ્ટતા રાજ્યના રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ કરી છે. તેમને સ્પષ્ટ કર્યું છે કે પ્રભાવિત 8 જિલ્લાઓમાં વાવાઝોડાથી અત્યાર સુધી એક પણ માનવ મૃત્યુ નથી થયું. જે તમામના સહિયારા પ્રયાસથી શક્ય બન્યું છે. વાવાઝોડાની ગંભીરતાને સમજી સમગ્ર રાજ્યમાં એક લાખ કરતા પણ વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જેમને હવે લોકલ તંત્ર પુનઃ એમના નિવાસ સ્થાને જવાની મંજૂરી સ્થિતિને સમજ્યા બાદ સાંજે લેવાશે.
બિપરજોય વાવાઝોડામાં અનેક જગ્યાઓ પર નુકસાન થયું છે. ફરી એકવાર સૌથી વધારે નુકસાની વીજ વિભાગને થઈ હોવાની પ્રાથમિક બાબતો સામે આવી રહી છે. જે મુજબ ભારે પવનના કારણે રાજ્યમાં 5,120 વિજપોલ ધરાસાઈ થયા છે. જેને રિસ્ટોરેશનનું કામ કાલે વાવાઝોડા બાદ સતત ચાલી રહ્યું છે અને એક હજાર જેટલા વિજપોલ તો પુનઃ સ્થાપિત કરી દેવાયા છે.
આ સિવાય 581 વૃક્ષો ધરાસાઈ થયા છે. 474 કાચા મકાનોને નુકસાન અને 20 કાચા મકાનો સંપૂર્ણ નાશ પામ્યા છે. 9 પાકા મકાનો સંપૂર્ણ નાશ પામ્યા જ્યારે 2 પાકા મકાનોને નુક્સાની થઈ છે. આ સિવાય 65 ઝૂંપડાઓને નુકસાન થયું છે. રાજ્યમાં ગુરૂવારે મોડી રાત્રે વાવાઝોડાના કારણે 263 રસ્તાઓ પ્રભાવિત થયા હતા. અત્યારે હાલ માત્ર 3 રસ્તાઓ જ બંધ અવસ્થામાં છે. બાકીના તમામ રૂટ પુનઃ શરૂ થઈ ચૂક્યા છે.
મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ મુખ્ય સચિવે આદેશ આપ્યા છે. વાવાઝોડામાં 474 કાચા મકાનોને નુકસાન, 9 પાકા મકાનોને નુકસાન થયું છે. ‘બીપરજોય’ વાવાઝોડાએ ગુરૂવારે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે કરેલ નુકસાનીના દ્રશ્યો સામે આવવાની શરૂઆત થઈ ચૂકી છે. અનેક જગ્યાઓ પર નુકસાન થયું છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ આજે ફરી એકવાર ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી. પ્રાથમિક વિગતોમાં રાજ્યમાં વાવાઝોડા થી એક પણ માનવ મૃત્યુ ના થયું હોવાનું સ્પષ્ટ કરાયું છે. જોકે રાજ્યમાં પાંચ હજારથી વધુ વિજપોલ ધરાસાઈ અને 581 વૃક્ષો પડ્યા હોવાની બાબતો પણ સામે આવી રહી છે. પ્રભાવિત જિલ્લાના કલેક્ટરને નુક્સાનીનો પ્રાથમિક અહેવાલ રજૂ કરવા પણ સૂચના અપાઈ.
બાંગ્લાદેશમાં સવારે 10.16 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. જેમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 હતી. આ સિવાય ભારતમાં પણ આસામમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે તેમજ ઉત્તરપૂર્વના અન્ય ભાગોમાં ધરતી ધ્રૂજી છે.
An earthquake of magnitude 4.8 on the Richter scale occurred at 1016 hours in Bangladesh: National Center for Seismology
— ANI (@ANI) June 16, 2023
PM Modi US Visit: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગામી થોડા દિવસોમાં અમેરિકાની રાજકીય મુલાકાત પર, યુએસ સાંસદ અમી બેરાએ કહ્યું કે ભૌગોલિક રાજકીય પડકારો અને આર્થિક શક્તિ તરીકે ભારતના ઉદભવને ધ્યાનમાં રાખીને આ એક મહત્વપૂર્ણ મુલાકાત છે. ભારત-અમેરિકા વેપાર સંબંધો પર કામ કરવાની આ શ્રેષ્ઠ તક છે. બંને દેશો માટે એકસાથે વિકાસ કરવાની વાસ્તવિક તક છે.
વાવાઝોડાએ ગુજરાતમાં તારાજી સર્જી છે ત્યારે સુરતમાં સિવિલ હોસ્પિટલ ખાતે મેડીકલ ટીમ તૈયાર કરી દેવામાં આવી છે. 150 થી વધુ નર્સિંગ સ્ટાફ અને રેસીડેન્ટ ડોક્ટરોની ટીમ તૈયાર છે. સરકાર આદેશ કરશે તો આ ટીમ તાત્કાલિક અસર ગ્રસ્ત વિસ્તારમાં કામગીરી માટે રવાના થઇ જશે.
Cyclone Biparjoy Latest News: 628 સ્થળો પર વીજ પુરવઠો ઠપ્પ થયો
Cyclone Biparjoy Latest News: CM ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા, બિપરજોયના કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરી
ભાવનગરના ઘોઘા તાલુકાના અવાણીયા ગામે બિપરજોય વાવાઝોડાના કારણે ભારે પવન ફૂંકાતા અસરગ્રસ્તોને સેલ્ટર હોમ ખસેડાયા છે. વાવાઝોડાના અસરથી સતત વરસાદ અને ભારે પવન ફુંકાઈ રહ્યો છે. કાચા પાકા મકાનમાં ભયના ઓથાર હેઠળ રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે ભાવનગર તંત્ર દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયું હતું. ગામના 79 જેટલા લોકોને સેન્ટર હોમ ખસેડવામાં આવ્યા હતા, જેમાં અવાણીયા મોર્ડન શાળા ખાતે 42 લોકો તેમજ અવાણીયા મોર્ડન જત વિસ્તાર ખાતે 37 લોકોને ખસેડવામાં આવ્યા છે.
Cyclone Biparjoy Latest News: પોરબંદર પોર્ટ પરથી 9 નંબર દૂર કરી 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. બિપોરજોય વાવાઝોડાને પગલે પોર્ટ પર 9 નંબરનું સિગ્નલ લગાવ્યુ હતુ. આજે સવારે 9 નંબરનું સિગ્નલ દૂર કરીને 3 નંબરનું સિગ્નલ લગાવ્યુ છએ.
Cyclone Biporjoy : બિપોરજોય વાવાઝોડાને લઇને મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે. અતિ ગંભીર વાવાઝોડું હાલ સૌરાષ્ટ્ર-કચ્છ ઉપર યથાવત્ જોવા મળી રહ્યુ છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા મળતી માહિતી પ્રમાણે વાવાઝોડું હજુ આજે પણ પૂર્ણ નહીં થાય. સૌરાષ્ટ્ર કચ્છમાં આજે ભારે પવન સાથે વરસાદની આગાહી છે. આજે સાંજ સુધીમાં વાવાઝોડાની તીવ્રતામાં ઘટાડો થશે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે સાંજ સુધીમાં વાવાઝોડાની તીવ્રતામાં ઘટાડો થશે. પવનની ગતિ ઘટીને પ્રતિ કલાક 50થી 60 કિમી રહેશે. તો આજે દિવસ દરમિયાન રાજ્યમાં છૂટાછવાયો વરસાદ રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 75થી 85 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. ઉત્તર ગુજરાતમાં 45થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 8 જિલ્લામાં 1 લાખથી વધુ નાગરિકો વાવાઝોડાથી પ્રભાવિત થયાં છે. તમામ નાગરિકો શેલ્ટર હોમમાં સુરક્ષિત, જાનમાલનું નુકસાન ટળ્યું છે. NDRF અને SDRFની ટીમો રાહત અને બચાવમાં સતત કાર્યરત છે.
ઓખામાં દરિયાનો કરન્ટ યથાવત છે. દરિયામાં કરંટને કારણે ઓખામાં દરિયાનું પાણી ગામમાં આવ્યું છે. દરિયાના કરંટ અને પવનના કારણે તારાજીના દ્રશ્યો મળ્યા જોવા.
Cyclone Biporjoy : અમદાવાદમાં વાવાઝોડાની અસરને પગલે તમામ બાગ બગીચા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં આજે પવનની ગતિ 20થી 30 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાશે. ભારે પવનના કારણે બાગ બગીચા મોર્નિંગ વોકર્સ માટે બંધ રાખવામાં આવ્યા. એએમસી દ્વારા અમદાવાદમાં તમામ બાગ બગીચા બંધ રાખવામાં આવ્યા છે, તેમજ રિવર ફ્રન્ટ અને કાંકરિયા લેક પણ બંધ રાખવામાં આવ્યું છે.
Cyclone Biporjoy: બિપરજોય વાવાઝોડાને લઈ વરસાદની આગાહી ઉત્તર ગુજરાતમાં કરવામાં આવી છે. શુક્રવાર અને શનિવારે વરસાદનુ જોર રહેવાની આગાહી છે. શુક્રવારે વહેલી સવારથી ઉત્તર ગુજરાતના અનેક હિસ્સાઓમાં વરસાદ નોંધાયો છે. ગઈકાલે દિવસ ભર વાદળોની આવન જાવન બાદ મોડી સાંજ બાદ વરસાદી ઝાપટા સાબકાંઠા જિલ્લામાં કેટલાક સ્થળે વરસ્યા હતા. જિલ્લામાં એક ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં અનેક વિસ્તારોમાં મોડી સાંજ બાદ વિજ પુરવઠો બંધ થઈ ગયો હતો. પરંતુ પવનથી રાહત રહેવાને લઈ વિજળી પૂર્વવત થઈ હતી.
Cyclone Biparjoy Latest News: વાવાઝોડામાં અસરગ્રસ્ત ગામોમાં 940 ગામોમાં વીજપોલ પડ્યા. વાવઝોડામાં વિવિધ પ્રકારે 22 લોકોને ઈજા પહોંચી છે. વિવિધ જિલ્લાઓમાં પશુ મૃત્યુનોઆંક 23 સામે આવ્યો છે. 8 જિલ્લામાં 524 જેટલા ઝાડ ધરાશાયી થયા છે. જેમાં સૌથી વધુ દ્વારકામાં વૃક્ષો ધરાશાયી થયા છે. આમ છતા વૃક્ષ ધરાશાયી થયાનો ચોક્કસ આંકડો શુક્રવાર સાંજે કરાનારા સર્વે બાદ જ સામે આવશે.
કચ્છના નખત્રાણામાં સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. ઝાડ તથા વીજપોલ, વીજવાયરો તથા કાચા મકાનોના છાપરા ઉડી ગયાની ફરીયાદો આવી છે.
Cyclone Biporjoy : ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની અસર હેઠળ આજે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તો કચ્છ, મોરબી, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે જ સૌરાષ્ટ્ર, કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે. રાજસ્થાનના દક્ષિણ ભાગમાં પણ અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે.
Cyclone Biparjoy Latest News: જામનગરના કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી, તાલુકાના ખાનકોટડા,બાગા,બેરાજા ,ધૂળશિયા, ઘુતારપર સહિત અનેક ગામોમાં વાવાઝોડાની અસર જોવા મળી છે. ભારે પવનના લીધે અનેક વીજ થાંભલા પડી ગયા, જેના કારણે ગ્રામ્યવિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. જો કે વિજપોલ તૂટવાના સમાચાર મળતા જ કાલાવડ પીજીવીસીએલની ટીમ ગ્રામ્યવિસ્તારોમાં રવાના થઈ છે અને વીજ પુરવઠો ફરી શરૂ કરવા કામગીરી હાથ ધરી છે.
Cyclone Biparjoy News:ગુજરાતમાં બિપરજોય વાવાઝોડું દરિયાકાંઠે ટકરાયા બાદ વિવિધ જિલ્લાઓમાં તેની અસર જોવા મળી હતી. વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ વક્ષો ધરશાયી થયા હતા. આ ઉપરાંત વીજપોલ પણ ધરાશાયી થયા હતા. જેના કારણે વીજ પ્રવાહ ખારવાયો છે. વાવાઝોડાના સૌથી વધુ અસરગ્રસ્ત એવા કચ્છ જિલ્લામાં ગઈકાલ મોડી રાતથી ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.
Cyclone Biporjoy: બિપોરજોય વાવાઝોડાની અસર અમદાવાદ શહેરમાં જોવા મળી છે. ભારે પવનના કારણે શહેરમાં વિવિધ બનાવ બન્યા છે. ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમમાં આગ લાગવાના 9 બનાવ અને ઝાડ પડવાના 5 બનાવો, ઈલેક્ટ્રિક પોલ પડવાના 3 બનાવો અને સાઈન બોર્ડ પડવાના 3 બનાવ સામે આવ્યા છે. ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમમાં કુલ 20 જેટલા કોલ મળતા કામગીરી હાથ ધરવામાં આવી છે.
Published On - 6:22 am, Fri, 16 June 23