15 મેના મોટા સમાચાર: જમ્મુ-કાશ્મીરમાં NIAના 13 સ્થળો પર દરોડા

TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2023 | 11:59 PM

આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

15 મેના મોટા સમાચાર: જમ્મુ-કાશ્મીરમાં NIAના 13 સ્થળો પર દરોડા
gujarat latest live news and samachar today 15th May 2023

આજે 15 મેને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 15 May 2023 11:58 PM (IST)

    દિગ્વિજય સિંહનું વિવાદિત નિવેદન, કહ્યું- હિંદુત્વ કોઈ ધર્મ નથી, બજરંગ દળને ગણાવ્યું ‘ગુંડાઓનું જૂથ’

    કર્ણાટક ચૂંટણીમાં બજરંગ દળ સામે કડક પગલા લેવાની વાત કોંગ્રેસની તરફેણમાં હતી. દક્ષિણના પ્રવેશદ્વાર તરીકે ઓળખાતા કર્ણાટકમાં પાર્ટીએ નોંધપાત્ર બહુમતી મેળવી. હવે કોંગ્રેસ પાર્ટી આગામી ચૂંટણી રાજ્યોમાં પણ આ મુદ્દાનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહી છે. આવું એટલા માટે પણ કહી શકાય કે આ વર્ષના અંતમાં મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ત્યાંના પ્રમુખ પદ પર રહેલા દિગ્વિજય સિંહે બજરંગ બલી, બજરંગ દળ અને હિન્દુત્વનો મુદ્દો ઉઠાવ્યો છે.

    દિગ્વિજય સિંહ જબલપુરમાં મીડિયા સાથે મુલાકાત કરી રહ્યા હતા. ત્યારે એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, ‘અમારો સનાતન ધર્મ છે. અમે હિંદુ ધર્મને ધર્મ માનતા નથી.” આ નિવેદન પછી દિગ્વિજય સિંહે સનાતન ધર્મમાં ‘ધર્મ કી જય હો, અધર્મ કા નાશ’ના નારા લગાવ્યા અને કહ્યું કે આ નારા સનાતન ધર્મના કાર્યક્રમોમાં લગાવવામાં આવે છે, પરંતુ હિન્દુત્વના કાર્યક્રમોમાં, આવું બનતું નથી.

  • 15 May 2023 11:32 PM (IST)

    જમ્મુ-કાશ્મીરમાં NIAના 13 સ્થળો પર દરોડા

    નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ આતંકવાદીઓને મદદ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરતા 13 સ્થળો પર દરોડા પાડ્યા છે. એનઆઈએ દ્વારા અનંતનાગ, શ્રીનગર, પુલવામા, શોપિયાં અને બડગામ જિલ્લામાં દરોડા પાડવામાં આવ્યા હતા. NIAએ તેમની પાસેથી ઘણા દસ્તાવેજો રિકવર કર્યા છે.

  • 15 May 2023 11:05 PM (IST)

    Ahmedabad: બાપુનગરમાં અંગત અદાવતમાં પિતા-પુત્રોએ મળી યુવકને ઉતાર્યો મોતને ઘાટ, હત્યાના ત્રણ દિવસ બાદ સગીર પુત્ર સહિત ચાર લોકોની ધરપકડ

    અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ફરી એક વખત હત્યાનો બનાવ સામે આવ્યો હતો. ગત 12 તારીખના શહેરના બાપુનગરમાં હત્યાનો બનાવ બન્યો હતો. જોકે પોલીસે સમગ્ર મામલે પિતા પુત્ર અને અન્ય એક સગીર સહિત ચાર આરોપીની ધરપકડ કરી છે. પોલીસે જમાલ અહેમદ શેખ, છોટુ જમાલ અને અલતમસ જમાલની ધરપકડ કરી છે. આ પિતા પુત્રએ ઝઘડાની અદાવતમાં બાપુનગરમાં રહેતા મોહમદ શાહિદ ઉર્ફે ટીટોડીની હત્યા કરી હતી. જેમાં પિતા અને ત્રણ પુત્રોએ ભેગા મળી યુવકને છરી અને લાકડીના ફટકા મારી હત્યા કરી.

  • 15 May 2023 10:22 PM (IST)

    Ahmedabad: જગન્નાથ મંદિરમાં નવા રથની કામગીરી પૂર્ણતાને આરે, આ વર્ષે નવા રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળશે ભગવાન જગન્નાથ

    આ વર્ષે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બલભદ્રના રથ બદલાશે. ભગવાન જગન્નાથ રથયાત્રામાં નવા રથમાં બિરાજશે. જે માટે અમદાવાદમાં જમાલપુર ખાતે આવેલા જગન્નાથ મંદિરે રથ બનાવવાની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે. હાલમાં રથનું સુથારી કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે રથને રંગ કામ કરવામાં આવી રહ્યુ છે. જગન્નાથપુરીના રથના જેવા જ રંગો જગન્નાથજી બલભદ્રજી અને સુભદ્રાજીના રથમાં આબેહૂબ રીતે કરવામાં આવે તે માટેનું આયોજન રંગ કામ કરતા કારીગરો દ્વારા કરાયું છે.

  • 15 May 2023 09:41 PM (IST)

    વેરાવળના ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસમાં અંતે ગુનો નોંધાયો, જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા સામે ફરિયાદ દાખલ

    વેરાવળના પ્રખ્યાત તબીબ અતુલ ચગ આપઘાત કેસ મામલે આખરે હવે પોલીસે ફરિયાદ નોંધી છે. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સાંસદના પિતા નારણ ચુડાસમા સામે પણ FIR દાખલ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ કેસમાં પોલીસે લાંબા સમય બાદ ફરિયાદ નોંધી છે. પોલીસે કલમ 306, 114, 506(2) હેઠળ ફરિયાદ નોંધી છે.

  • 15 May 2023 08:55 PM (IST)

    ગુજરાતમાં કોરોનાના આજે નવા 11 કેસ નોંધાયા

    ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 15 મેના રોજ કોરોનાના નવા 11 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 200ની અંદર આવી છે. એક્ટિવ કેસની સંખ્યા 138એ પહોંચી છે.જેમાં અમદાવાદમાં 02, સુરતમાં 03, આણંદમાં 01, કચ્છમાં 01, રાજકોટમાં 02, વડોદરામાં 01, વલસાડમાં 01 કેસ નોંધાયો છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.13 ટકા થયો છે. તેમજ કોરોનાથી આજે 32 દર્દી સાજા થયા છે.

  • 15 May 2023 08:10 PM (IST)

    Surat: શહેરના મેયર આકરા પાણીએ, ઓવર સ્પીડ બસ હંકારનાર સામે કાર્યવાહી

    સુરત શહેરમાં સીટી બસ અને બીઆરટીએસ બસની સમયાંતરે અકસ્માતોની ઘટના સામે આવતી રહે છે. ઓવર સ્પીડ બીઆરટીએસ અને સીટી બસ હંકારતા ઘણી વખતે આ ડ્રાઈવરો નજરે ચડતા હોય છે, પરંતુ આજે મેયરની નજરે ચડી જતા બસ ડ્રાઈવર સામે તાત્કાલિક પગલાં લેવાયા હતા.

    બસ ડ્રાઈવર ઓવર સ્પીડથી બસ હંકારી રહ્યો હતો

    સુરત શહેરના મેયર કાર્યક્રમમાંથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. એ દરમિયાન તેઓ અડાજણ વિસ્તારમાંથી પાલનપુર પાટિયા તરફ જઈ રહ્યા હતા તે સમયે તેમની નજર બીઆરટીએસના ચાલક ઉપર પડી હતી. બસ તેમની ગાડીની આગળ જ હતી અને તેઓ સતત જોતા રહ્યા કે તે ખૂબ જ ઓવર સ્પીડથી બસ હંકારી રહ્યો છે. બેફામ બસ હંકારી રહેલા આ ડ્રાઈવરને રોકવો જરૂરી હતો, જેથી મેયરે તેનો પીછો કરતા સોના હોટલની નજીક બસની આગળ જ પોતાની ગાડીને ઉભી રાખી દીધી હતી.

    બીઆરટીએસ બસના ચાલકે બસને પુરપાટ ઝડપે દોડાવતા મેયરે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. મેયરે બસને ઉભી રખાવીને ડ્રાઈવરને આડે હાથે લીધો હતો અને તાત્કાલિક અસરથી અધિકારીઓનો પણ સંપર્ક કરી લીધો હતો. ડ્રાઈવરને લગતી વિગતો મેળવીને તેની સામે પગલાં લેવા માટે પણ સૂચન કરી દીધું હતું.

  • 15 May 2023 07:28 PM (IST)

    કોંગ્રેસે બંગાળમાં મારી સામે લડવું ન જોઈએ: મમતા બેનર્જી

    પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે જ્યાં કોઈ પ્રાદેશિક રાજકીય પક્ષ મજબૂત છે, ત્યાં ભાજપ લડી શકે નહીં. જે પક્ષો ચોક્કસ પ્રદેશમાં મજબૂત છે તેમણે સાથે મળીને લડવું જોઈએ… હું કર્ણાટકમાં કોંગ્રેસને સમર્થન આપું છું, પરંતુ બંગાળમાં મારી સામે લડવું જોઈએ નહીં.

  • 15 May 2023 07:22 PM (IST)

    અમરેલીમાં સિંહ સાથે ભાજપના નેતાએ સેલ્ફી લેતા વિવાદ

    અમરેલીના બગસરામાં ભાજપના નેતા દ્વારા સિંહ (Lion)ની પજવણી કરાઈ હોવાનો વીડિયો વાયરલ થયો છે. અમરેલીના બગસરા તાલુકાના કુકાવાવ નજીક ભાજપના નેતાએ સિંહ સાથે ફોટા પાડી ફ્લેશ લાઈટથી સિંહની પજવણી કરી હતી. ત્યારબાદ આ વીડિયોને તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ અપલોડ કર્યા હતા. આ વીડિયો સામે આવતા વનવિભાગ હરકતમાં આવ્યુ છે. ભાજપના નેતાએ સિંહની પજવણી કર્યાના કેસમાં તપાસના આદેશ અપાયા છે. અમરેલી ડિવિઝનના DCF સાદિક મૂંજવારે કુકાવાવના RFOને તપાસ સોંપી છે. વીડિયો કયા વિસ્તારનો છે અને ક્યારનો છે તે અંગે તપાસ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

  • 15 May 2023 07:05 PM (IST)

    ઓમકારેશ્વરમાં હોડી પલટી, ભાવનગરના એક બાળકનું મોત, એક વ્યક્તિ લાપતા

    ઓમકારેશ્વર નજીક કોટી તીર્થ ઘાટમાં બપોરના સમય બાદ ગુજરાત ભાવનગરથી ઓમકારેશ્વર મનપાના નિવૃત કર્મચારી રશ્મિભાઈ વ્યાસ બાળકો પરિવારના 6 સભ્યો સાથે ગયા હતા. જ્યાં નર્મદા નદીમાં હોડીમાં સફર કરતા હતા તે દરમિયાન તેજ હવા અને ભારે વરસાદના કારણે હોડી ઊંઘી વળી જતા હોડીમાં બાળક સાથે અન્ય 4 વ્યક્તિઓ હતા જેમાં એક બાળકનું ડૂબી જવાથી મોત થયું છે, જ્યારે એક વ્યક્તિ લાપતા છે.

  • 15 May 2023 06:27 PM (IST)

    વાઘોડિયામાં ચાલુ વરઘોડામાં વરરાજાની ગાડીએ 15 લોકોને લીધા અડફેટે, એક મહિલાનું થયુ મોત

    વડોદરામાં વાઘોડિયામાં લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો છે. લગ્નપ્રસંગ દરમિયાન નીકળેલ વરઘોડામાં વરરાજાની કારે અકસ્માત સર્જ્યો હતો. ચાલુ વરઘોડાએ વરરાજાની ગાડીએ 15 લોકોને અડફેટે લીધા હતા. કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા આ ઘટના ઘટી હતી. અકસ્માતમાં 1 મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે. વાઘોડિયાના માજી સરપંચ લક્ષ્મીબેન વણકરને ત્યાં લગ્નનો પ્રસંગ હતો. જો કે આ અકસ્માતમાં વરરાજાને કોઈ ઈજા પહોંચી નથી સમગ્ર મામલે વાઘોડિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  • 15 May 2023 06:16 PM (IST)

    Surat: માંડવીના પુનાગામે કદાવર દીપડો પાંજરે પુરાયો

    સુરત જિલ્લાના માંડવીના પુના ગામે એક કદાવર દીપડો પાંજરે પુરાયો છે. છેલ્લા ઘણા સમયથી દીપડો ગામની સીમમાં આંટાફેરા મારતો હોવાથી સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી, જેથી વન વિભાગે પાંજરું ગોઠવ્યું હતું. જેમાં આજે એક કદાવર દીપડો પાંજરે પુરાયો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર હજી પણ બેથી ત્રણ દીપડા છે, જેથી વન વિભાગ બીજા પાંજરા ગોઠવી દીપડાને પકડે તેવી માંગ કરી છે.

    વહેલી સવારે એક કદાવર દીપડો પાંજરે પુરાયો

    સુરત તેમજ તાપી જિલ્લામાં અવાર નવાર દીપડા દેખાયા હોવાના અહેવાલો સામે આવતા હોય છે, ત્યારે સુરત જિલ્લાના માંડવી તાલુકાના પુના ગામની સીમમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના આંટાફેર જોવા મળ્યા હતા. દીપડાને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. દીપડો દેખાતા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી, જેથી વન વિભાગની ટીમ એકશનમાં આવી દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવ્યા હતા. જેમાં આજે વહેલી સવારે એક કદાવર દીપડો પાંજરે પુરાયો હતો. વન વિભાગે ગોઠવેલા પાંજરામાં કદાવર દીપડો પાંજરે પુરાયો હોવાની જાણ થતા ગ્રામજનો દીપડાને જોવા પણ ઉમટી પડ્યા હતા. જો કે આખરે એક દીપડો પાંજરે પુરાઈ જતા ગામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

  • 15 May 2023 05:03 PM (IST)

    તિલ્લુ તાજપુરિયા હત્યા કેસમાં 4 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા

    ટિલ્લુ તાજપુરિયા મર્ડર કેસમાં કોર્ટે ચારેય આરોપીઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. પોલીસ કસ્ટડી પૂરી થયા બાદ સ્પેશિયલ સેલે ચારેય આરોપીઓને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કર્યા હતા. સ્પેશિયલ સેલે ચારેય આરોપીઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કર્યા હતા. યોગેશ ટુંડા, દીપક તિટાર, રિયાઝ ખાન અને રાજેશ બવાનાની પોલીસ સ્પેશિયલ સેલે ટિલ્લુ તાજપુરિયા હત્યા કેસમાં ધરપકડ કરી હતી.

  • 15 May 2023 03:37 PM (IST)

    Gujarat News Live: લાહોર હાઈકોર્ટે બુશરા બીબીને આપ્યા જામીન, ઈમરાન ખાન પર નિર્ણય બાકી

    ઈમરાન ખાનની ધરપકડ બાદથી પાકિસ્તાનમાં હંગામો મચી ગયો છે. સોમવારે ફરીથી તે લાહોર હાઈકોર્ટમાં તેની પત્ની બુશરા બીબી સાથે હાજર થયો હતો, જ્યાં હાઈકોર્ટે તેની પત્નીને 23 મે સુધી જામીન આપ્યા છે. ઇમરાન ખાનના જામીન અંગે હજુ સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી.

  • 15 May 2023 03:26 PM (IST)

    Gujarat News Live: સુરતમાં પિતાએ દીકરીને હવામાં ઉછાળતા તે પંખામાં આવી ગઇ, ટૂંકી સારવાર બાદ બાળકીનું મોત

    સુરતમાં (Surat) વાલીઓ માટે ચેતવણીરૂમ કિસ્સો આવ્યો સામે આવ્યો છે. રમત રમતમાં ત્રણ મહિનાની બાળકીનું મોત થયુ છે. જો કે આ ઘટનામાં પિતા જ બાળકીને રમાડતા હતા તે દરમિયાન બાળકીનું મોત થયુ છે. ઘટના કઇક એવી છે કે પિતા પોતાની ત્રણ મહિનાની દીકરીને રમાડી રહ્યા હતા. પિતાએ પોતાની પુત્રીને હવામાં ઉછાળી હતી. વધુ ઊંચે ઉછળતા પુત્રીનું માથુ પંખાના પાંખીયામાં આવી ગયુ હતુ. જે પછી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકીનું મોત થયુ છે.

  • 15 May 2023 02:50 PM (IST)

    સંજય રાઉતનો ગંભીર આરોપ, કહ્યુ- મારા પર ઉદ્ધવ ઠાકરે અને શિવસેના છોડવા માટે દબાણ

    સંજય રાઉત એવું કહ્યું કે મેં કોઈ ખોટું નિવેદન આપ્યું નથી. સામાન્ય માણસના મનની વ્યથાને મેં કાયદામાં રહીને વ્યક્ત કરી છે. પરંતુ મારા પર દબાણ કરવામાં આવી રહ્યું છે. ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે મારા પર શિવસેના (Shiv Sena) અને ઉદ્ધવ ઠાકરેને છોડવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ દબાણને કારણે તેમના શરણે નહીં જઉં. સંજય રાઉતે કહ્યું કે આ સરકાર, આ પાર્ટી ગેરકાયદે છે.

    સુપ્રીમ કોર્ટે 16 ધારાસભ્યોને ગેરલાયક ગણાવ્યા હતા આ અંગે નિર્ણય લેવા માટે આખા મામલાને વિધાનસભા અધ્યક્ષને મોકલી આપવામાં આવ્યો છે. પરંતુ રાઉતે કહ્યુ કે આ સરકાર ગેરકાયદેસર છે અને તેના પર ગેરલાયકાતની લટકતી તલવાર છે.

  • 15 May 2023 02:29 PM (IST)

    Botad : ગઢડાના ઢસા ગામે કાર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, માતા અને પુત્રનું ઘટના સ્થળે મોત

    રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. આવી જ એક ઘટના બોટાદમાં ( Botad ) સામે આવી છે. આવી જ એક ઘટના બોટાદના ગઢડાના ઢસા ગામે બની છે. બોટાદના ગઢડાના ઢસા ગામે  રાજકોટ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જોયો છે. ઢસા ગામે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા માતા અને પુત્રનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું છે.

    જો ઘટનાની વાત કરીએ તો માતા અને પુત્ર એકટીવા લઈને જતા હતા. ત્યારે પુર ઝડપે આવતી કારે એક્ટિવા ચાલકને પાછળથી ટક્કર મારી હતી. મૃતક માતા અને પુત્ર બંન્ને જંકશન ગામના હોવાનું જાણવા મળ્યુ હતુ. ઘટનાની જાણ થતા સ્થાનિકો તાત્કાલીક ધોરણે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને 108 અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

  • 15 May 2023 02:07 PM (IST)

    Gujarat News Live: અદાણી-હિંડનબર્ગ કેસમાં સેબીએ આજે ​​સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરી

    અદાણી-હિંડનબર્ગ કેસમાં સેબીએ આજે ​​સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે. તેના સોગંદનામામાં સીબીઆઈએ કહ્યું કે અરજીમાં આપવામાં આવેલા તથ્યો યોગ્ય નથી.

  • 15 May 2023 01:10 PM (IST)

    Bihar: રાહુલ ગાંધીનું શું થશે? મોદી સરનેમ કેસમાં આજે પટના હાઈકોર્ટમાં સુનાવણી

    વર્ષ 2019 માં કર્ણાટકમાં એક ચૂંટણી સભામાં, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી અટક અંગે એક નિવેદન આપ્યું હતું. આ કેસમાં સુરતની એક કોર્ટે રાહુલ ગાંધીને (Rahul Gandhi) બે વર્ષની સજા ફટકારી છે ત્યારે બિહારમાં આ નિવેદન બદલ તેઓ કોર્ટ કેસનો સામનો કરી રહ્યા છે. આ નિવેદનને લઈને બીજેપી નેતા સુશીલ મોદીએ પટનાના MP MLA કોર્ટમાં કેસ દાખલ કર્યો છે, ત્યારબાદ રાહુલ ગાંધી પટના હાઈકોર્ટ પહોંચ્યા છે. આ પછી 15 મેના રોજ સુનાવણી થવાની છે.

  • 15 May 2023 12:47 PM (IST)

    Gujarat News Live: ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું- રામ રાજ્યની સ્થાપના સુધી વારંવાર બિહાર આવીશ

    પટનામાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વરનો દરબાર લગાવવામાં આવ્યો છે. 13 મેથી બાબાના દરબારમાં ભારે ભીડ એકઠી થઈ રહી છે. દાવો કરવામાં આવે છે કે રવિવારે બાબાના દરબારમાં 5 લાખથી વધુ લોકો હાજર રહ્યા હતા. ભારે ભીડ અને ગરમીના કારણે અહીં 100થી વધુ લોકો બીમાર પડ્યા હતા. જે બાદ બાબાએ લોકોને અપીલ કરી કે તેઓ જ્યાં પણ છે, ત્યાં જ રોકાય. YouTube દ્વારા, ટીવી દ્વારા કથા સાંભળો. આ પછી પણ સોમવારે તેમની કથા સાંભળવા માટે ભીડ એકઠી થઈ છે. સવારથી ભક્તો અહીં બાબાની રાહ જોઈ રહ્યા છે.

  • 15 May 2023 12:14 PM (IST)

    Manipur Violence: તણાવ વચ્ચે CM બિરેન સિંહ દિલ્હીમાં અમિત શાહને મળ્યા, પરિસ્થિતિ અંગે આપી માહિતી

    મણિપુરમાં 10 દિવસની હિંસા બાદ રાજ્યના મુખ્યમંત્રી એન. બિરેન સિંહ દિલ્હી પહોંચ્યા છે. મુખ્યમંત્રીએ ગૃહમંત્રી અમિત શાહને (Amit Shah) મળ્યા અને રાજ્યની સ્થિતિ વિશે જાણકારી આપી. અહીં 3 મેના મૈતેઈ અને કુકી આદિવાસીઓ વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં ફાટી નીકળેલી હિંસામાં 60 લોકો માર્યા ગયા છે. જાતિને લઈને બે આદિવાસી સમુદાયો વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે.

    તેમને એસ.ટી.ની યાદીમાં સમાવવામાં આવે તેવી માંગણી મૈતેઈએ કરી છે. આ માગને લઈને તેઓ રવિવારે દિલ્હીના જંતર-મંતર પર પણ એકઠા થયા હતા. મૈતેઈ સમુદાયે રાજ્યમાં નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC) લાગુ કરવાની માગ કરી હતી, જેથી ગેરકાયદેસર વસાહતીઓને ઓળખી શકાય અને તેમને દેશનિકાલ કરી શકાય. વિરોધીઓએ કહ્યું કે કુકી-પ્રભુત પર્વતીય વિસ્તારોમાં રહેતી મૈતેઈ વસ્તીને તેમના ઘર છોડવા પડ્યા. તેઓ હવે પાછા નહીં જઈ શકે.

  • 15 May 2023 11:48 AM (IST)

    Gujarat News Live: મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર મેગા તૈયારી, ભાજપ ચલાવશે ખાસ સંપર્ક અભિયાન

    મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસર પર ભાજપ વિશેષ અભિયાન ચલાવવા જઈ રહી છે. આ અભિયાન એક વિશેષ સંપર્ક અભિયાન હશે જેની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. 30મીએ મોટી રેલી યોજાશે. પીએમ મોદી આ રેલીમાં સંપર્ક અભિયાનની શરૂઆત કરશે. પીએમ મોદી 31 મેના રોજ પણ રેલી કરશે. મળતી માહિતી મુજબ, આ રેલી મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણા જેવા ચૂંટણી રાજ્યોમાં યોજાઈ શકે છે.

    મળતી માહિતી મુજબ દરેક લોકસભા મતવિસ્તારમાં વિશેષ સંપર્ક અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાન 30મી મેથી શરૂ થશે અને એક મહિના સુધી ચાલશે અને 30મી જૂને સમાપ્ત થશે. આ અંતર્ગત તમામ જિલ્લાઓ, મંડળો, શક્તિ કેન્દ્રો અને બૂથ પર વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે અને મોદી સરકારની નીતિઓ અને સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવામાં આવશે.

  • 15 May 2023 11:12 AM (IST)

    Gujarat News Live: મુંબઈમાં ગેસ લીક ​​થવાથી બેકરીમાં આગ લાગી, 6 લોકો ઘાયલ

    મુંબઈના ખારમાં ગેસ લીકેજને કારણે ભીષણ આગ લાગી હતી. આ આગ હરીશચંદ્ર બેકરીમાં લાગી હતી. આગની ઘટના સવારે 9 વાગ્યાની આસપાસ બની હતી જેમાં 6 લોકો દાઝી ગયા હતા. આમાંના કેટલાક ઘાયલોની હાલત નાજુક હોવાનું કહેવાય છે. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

  • 15 May 2023 10:35 AM (IST)

    Gujarat News Live: વડોદરા આવી પહોંચેલા માછીમારોનું મંત્રી રાઘવજી પટેલે કર્યુ સ્વાગત

    પાકિસ્તાનની (Pakistan) જેલમાં રહેલા ભારતીય માછીમારોના એક સમુહને મુક્ત કરવામાં આવતા તે વાઘા બોર્ડરથી આજે વહેલી સવારે વડોદરા (Vadodara) આવી પહોંચ્યા હતા. ચારેક વર્ષના અંતરાલ બાદ આ માછીમારોએ વતન પહોંચ્યા છે. વડોદરા ખાતે આ સમુહનું ટ્રેન મારફત આગમન થતાં મંત્રી રાઘવજી પટેલ સહિતના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ માછીમારોએ કોરોનાનો મહત્વનો તબક્કો પાકિસ્તાનની જેલમાં પસાર કર્યો છે.

  • 15 May 2023 10:23 AM (IST)

    Gujarat News Live: ચોટીલા હાઈવે પર અકસ્માત, ઢાળ પર મૂકેલું ડમ્પર આવતા 2 યુવકના મોત

    સુરેન્દ્રનગરના ( Surendranagar )  ચોટીલા હાઈવે પર ડમ્પરની અડફેટે 2 યુવકોના મોત થયા છે. આ અકસ્માત ડમ્પર ચાલકની બેદરકારીના કારણે સર્જાયો છે. ડમ્પરનો ડ્રાઈવર ડમ્પર મૂકીને ક્યાંક ગયો હતો તે સમયે ડમ્પર ઢાળમાં ચાલવા લાગતા બે રાહદારીઓને અડફેટે લઈ લીધા હતા. બંને યુવકોને અડફેટે લઈ ડમ્પર સીધુ જ મામલતદાર કચેરીની દિવાલ સાથે અથડાયું હતું. જોકે રવિવારની રજા હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. મૃતક બંને યુવકો રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે. ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે ડમ્પર રોંગ સાઈડમાંથી સીધુ જ રોડ ક્રોસ કરીને ચાલતા જઈ રહેલા બે યુવકો ઉપર ફરી વળે છે.

  • 15 May 2023 09:56 AM (IST)

    Gujarat News Live: મહારાષ્ટ્રના 2 જિલ્લાઓમાં 2 દિવસથી હંગામો, આખરે શું કરી રહ્યા છે શિંદે-ફડણવીસ?

    મહારાષ્ટ્રના (Maharashtra) અકોલા અને શેવગાંવમાં હિંસા બાદ તણાવ યથાવત છે. આ બંને ઘટનાઓમાં પોલીસ લાચાર નજરે પડી હતી. તોફાનીઓએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો, જેના કારણે 4 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. હજુ સુધી આ ઘટનાઓ પર રાજ્યના સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. આવી સ્થિતિમાં સવાલો ઉઠી રહ્યા છે કે શિંદે અને ફડણવીસે મૌન કેમ ધારણ કર્યું?

    બંને જગ્યાએ તોફાનીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. કારોને આગ ચાંપવામાં આવી હતી. ભારે પથ્થરમારો થયો હતો. અકોલામાં હિંસા બાદ એક વ્યક્તિની લાશ પણ મળી આવી હતી. અકોલામાં વિવાદનું કારણ ખૂબ જ નાનું હતું. અકોલામાં, ઇન્સ્ટાગ્રામ પર ચોક્કસ સમુદાયના ધાર્મિક નેતા માટે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ અંગે મોટી સંખ્યામાં લોકો પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા હતા. આથી ભીડ ગુસ્સે થઈ ગઈ અને વાહનોને આગ ચાંપી દીધી. આ પછી અન્ય જૂથના લોકો પણ સ્થળ પર પહોંચ્યા અને પથ્થરમારો શરૂ કર્યો.

  • 15 May 2023 09:35 AM (IST)

    Karnataka Elections: શિવકુમારને મળશે બર્થડે ગિફ્ટ? કે સિદ્ધારમૈયાને ફરીથી તાજ પહેરાવવામાં આવશે

    કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં (Assembly Election) કોંગ્રેસે જંગી જીત મેળવી છે. પરંતુ હવે સૌથી મોટી મૂંઝવણ મુખ્યમંત્રીને લઈને છે. મુખ્યમંત્રી પદ માટે બે મુખ્ય દાવેદાર છે. પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમાર. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે મુખ્યમંત્રી નક્કી કરશે. આવી સ્થિતિમાં બંને નેતા આજે દિલ્હી જઈ શકે છે. ખાસ વાત એ છે કે આજે એટલે કે સોમવારે ડીકે શિવકુમારનો જન્મદિવસ છે.

    તેમણે રવિવારે રાત્રે એક તસવીર પણ ટ્વીટ કરી હતી. જેમાં તેઓ સિદ્ધારમૈયા અને અન્ય નેતાઓ સાથે જન્મદિવસની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં કોંગ્રેસ હાઈકમાન્ડ ડીકે શિવકુમારને જન્મદિવસની ભેટ આપશે કે પછી સિદ્ધારમૈયાને ફરી એક વાર તક આપવામાં આવશે તે મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે.

  • 15 May 2023 09:13 AM (IST)

    Bajrang Dal Controversy: બજરંગ દળ પર ફસાયા ખડગે, 100 કરોડના માનહાનિ કેસમાં કોર્ટે મોકલ્યું સમન્સ

    કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સંગરુરની એક અદાલતે માનહાનિના કેસમાં સમન્સ પાઠવ્યા છે. સંગરુરમાં હિન્દુ સુરક્ષા પરિષદ બજરંગ દળ હિંદના હિતેશ ભારદ્વાજે સ્થાનિક કોર્ટમાં તેમની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. એવો દાવો કરવામાં આવે છે કે કોંગ્રેસ અધ્યક્ષે કર્ણાટક ચૂંટણી દરમિયાન બજરંગ દળ પર ‘અપમાનજનક ટિપ્પણી’ કરી હતી.

    કથિત અપમાન બદલ બજરંગ દળ હિંદે તેમની પાસેથી 100 કરોડ રૂપિયાની માંગણી કરી છે. સંગરુર સિવિલ જજ (વરિષ્ઠ વિભાગ) રમનદીપ કૌરે કોંગ્રેસ અધ્યક્ષને 10 જુલાઈએ હાજર થવા કહ્યું છે. હિતેશે દાવો કર્યો હતો કે કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ બજરંગ દળની તુલના “રાષ્ટ્ર વિરોધી સંગઠન” સાથે કરી હતી… અને કર્ણાટકમાં સરકાર બને તો બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી હતી.

  • 15 May 2023 09:13 AM (IST)

    કર્ણાટક: ડીકે શિવકુમાર તેમના જન્મદિવસ પર સમર્થકોને મળ્યા

    ડીકે શિવકુમાર તેમના જન્મદિવસ નિમિત્તે ઘરની બહાર એકઠા થયેલા સમર્થકોને મળ્યા હતા. આ દરમિયાન તેણે કહ્યું કે તે આજે દિલ્હી જશે કે નહીં, હજુ સુધી કંઈપણ કન્ફર્મ નથી.

  • 15 May 2023 08:59 AM (IST)

    મહેસાણાના કડીમાં થયેલી 52 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, મોજશોખ પૂરા કરવા લૂંટને આપ્યો અંજામ

    ક્રાઈમ પેટ્રોલ અને CID ક્રાઈમ જોઈને મોજશોખ પૂરા કરવા 5 યુવાનોએ લૂંટને અંજામ આપ્યો હતો. બે દિવસ પહેલા કડીમાં થયેલી 52 લાખની લૂંટના કેસમાં આ ઘટસ્ફોટ થયો છે. પોલીસે ધોળે દિવસે થયેલી લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે કાર ચલાવનાર રાહુલસિંહ ડાભી, બાઈકચાલક ભરતસિંહ ડાભી, રૂપિયા ખેતરમાં સંતાડનાર અને કારમાં જોડે રહેનાર નરેન્દ્રસિંહ ડાભી, ટિપ્સ આપનાર નરેન્દ્રસિંહ ચૌહાણ અને બાઈક પાછળ બેસીને રૂપિયા ભરેલો થેલો ઉઠાવનાર કુલદીપસિંહ ડાભીની ધરપકડ કરી છે.

    આ તમામ આરોપીઓ 19થી 22 વર્ષના યુવાનો છે. તેઓએ ક્રાઈમ પેટ્રોલ અને CID ક્રાઈમ જોઈને લૂંટને અંજામ આપવાનો પ્લાન બનાવ્યો હતો. મોજશોખ કરવા અને ગોવા ફરવા જવા માટે તેઓએ લૂંટ કરવાનું નક્કી કર્યું હતું. જેના માટે તેઓ એક અઠવાડિયાથી નાની કડીમાં આવેલી નાગરિક સહકારી બેન્ક પાસે રેકી કરતા હતા. આરોપીઓનો પ્લાન બેંકમાં પૈસા લાવતા અને લઈ જતા લોકોને ટાર્ગેટ કરવાનો હતો. અને પ્લાન સરળતાથી પાર પાડવા કાર તેમજ બાઈકની નંબર પ્લેટ પણ કાઢી નાખી હતી.

  • 15 May 2023 08:55 AM (IST)

    Maharashtra: શેવગાંવમાં સંભાજી મહારાજની જન્મજયંતિની શોભાયાત્રા પર પથ્થરમારો, વાહનોમાં તોડફોડ, 4 પોલીસકર્મી ઘાયલ

    મહારાષ્ટ્રના (Maharashtra) અહમદનગરના શેવગાંવ શહેરમાં છત્રપતિ સંભાજી મહારાજ જયંતી શોભાયાત્રા દરમિયાન પથ્થરમારાની ઘટના પ્રકાશમાં આવી છે. આ દરમિયાન પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ પથ્થરમારામાં 4 પોલીસકર્મી ઘાયલ થયા હતા. તે જ સમયે, ઘણા સ્થાનિક લોકો પણ ઘાયલ થયા છે. મોટા પાયે તોડફોડ અને વાહનોને નુકસાન થયું છે. રમખાણો બાદ દરેક જગ્યાએ ભારે સુરક્ષા તૈનાત કરવામાં આવી છે. સ્થિતિ વણસતી જોઈને નેવાસાથી વધારાની પોલીસ ફોર્સ બોલાવીને તૈનાત કરવામાં આવી છે. પોલીસ સતત સામાન્ય નાગરિકોને શાંતિ જાળવવા અપીલ કરી રહી છે અને પથ્થરબાજોની શોધખોળ ચાલુ છે.

  • 15 May 2023 08:30 AM (IST)

    પેટ્રોલ – ડીઝલની કિંમતોના મામલે આવ્યા રાહતના સમાચાર, જાણો તમારા વાહનના ઇંધણના લેટેસ્ટ રેટ

    Petrol-Diesel Price Today : વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતો છેલ્લા કેટલાક સમયથી સ્થિર છે. ઘણા દિવસોથી બ્રેન્ટ ક્રૂડ 75 ડોલરની નીચે ટ્રેડ થઈ રહ્યું છે. દરમિયાન સોમવારે સવારે સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં ફેરફાર થયો નથી.  ક્રૂડ ઓઈલની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં તેની કિંમતોમાં કોઈ ખાસ ઉછાળો આવ્યો નથી. બ્રેન્ટ ક્રૂડની કિંમત વધીને $74.28 પ્રતિ બેરલ થઈ ગઈ છે. WTIનો દર પણ આજે $70.20 પ્રતિ બેરલ પર છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલાય છે. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ પોતાની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કરે છે.આજે વાહનનું ઇંધણ મોંઘુ કરાયું નથી.

  • 15 May 2023 08:30 AM (IST)

    Bhavnagar : કથાના જમણવાર દરમિયાન 20 થી વધુને ફૂડ પોઈઝનિંગ

    ઉનાળામાં ફૂડ પોઈઝનિંગના ( food poisoning ) કેસ વધુ જોવા મળે છે. ભાવનગરમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. ભાવનગરના ખારસી વિસ્તારમાં યોજાયેલી કથાના જમણવાર દરમિયાન 20 થી વધુને ફૂડ પોઈઝનિંગ થયુ હોવાનું સામે આવ્યુ છે. જમણવારમાં લોકોએ મઠો આરોગ્યા બાદ ફૂડ પોઇઝનિંગ થયુ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં 20 બાળકો અને 5 પુરૂષોને ખોરાકી ઝેરની અસર થઈ હતી. જેમાં તમામને શહેરની અલગ અલગ ખાનગી હોસ્પિચલમાં તાત્કાલીક ખસેડવામાં આવ્યા હતા.

  • 15 May 2023 07:48 AM (IST)

    Andhra Pradesh: મુસાફરોથી ભરેલી ઓટો રિક્ષા બસ સાથે અથડાઈ, 7 મહિલાઓના ઘટનાસ્થળે જ મોત

    આંધ્રપ્રદેશથી એક મોટા માર્ગ અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. આ અકસ્માતમાં 7 મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા છે. મળતી માહિતી મુજબ, આ તમામ મહિલાઓ ઓટોરિક્ષામાં મુસાફરી કરી રહી હતી. આ ઓટોરિક્ષા બસ સાથે અથડાઈ હતી, જેના કારણે આ અકસ્માત થયો હતો. આ માર્ગ અકસ્માત કાકીનાડા જિલ્લામાં થયો હતો.

  • 15 May 2023 07:34 AM (IST)

    જમ્મુ-કાશ્મીરના બે જિલ્લામાં 6 સ્થળો પર NIAના દરોડા, ટેરર ​​ફંડિંગ કેસમાં કેન્દ્રીય એજન્સીની કાર્યવાહી

    આતંકવાદી ફંડિંગ કેસમાં NIAએ મોટી કાર્યવાહી કરી છે. શોપિયાંમાં ઘણી જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે.

  • 15 May 2023 07:09 AM (IST)

    મહેસાણામાં ઓનલાઈન નોકરી આપવાના નામે છેતરપિંડી, લિંક મોકલી 9.10 લાખ રૂપિયાની કરી ઠગાઈ

    રાજ્યમાં અવારનવાર નોકરીની લાલચ આપીને ઠગાઈ કરવાની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક ઘટના મહેસાણામાં બની છે. મહેસાણામાં ઓનલાઈન નોકરી આપવાના નામે છેતરપિંડી આચરવામાં આવી છે. મહેસાણા જિલ્લાના ઉંઝાના વરવાડા ગામના એક યુવકને નોકરી આપવાની લાલચ આપી 9.10 લાખ રુપિયાની ઠગાઈ થઈ છે. જો ઘટનાની વાત કરીએ તો વરવાડાનો યુવક નોકરીની શોધ કરી રહ્યો હતો. ત્યારે ગત 27 સપ્ટેમબરના રોજ યુવકને અજાણ્યા નંબર થી ફોન આવ્યા બાદ ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યુ હતુ. જેમાં આરોપીએ ઓનલાઈન લિંક મોકલીને રુપિયા ભરવાનું કહેવામાં આવ્યું હતુ.

  • 15 May 2023 07:02 AM (IST)

    કર્ણાટક ચૂંટણીમાં ભાજપની હાર પર હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે શું કહ્યું?

    હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે કર્ણાટક ચૂંટણીમાં ભાજપની હાર પર પ્રતિક્રિયા આપી છે. તેમનું કહેવું છે કે ચૂંટણીમાં જીત અને હાર હોય છે, પરંતુ વર્ષ 2024માં ભાજપ ફરી એકવાર ભારે મતોથી જીતીને સરકાર બનાવશે અને મોદી ફરીથી વડાપ્રધાન બનશે. આજે લોકો વિકાસ ઈચ્છે છે અને પીએમ મોદીએ તે કરી બતાવ્યું છે.

  • 15 May 2023 07:01 AM (IST)

    5800 લોકો મણિપુરથી મિઝોરમ ભાગી ગયા

    મણિપુરમાં સ્થિતિ તંગ છે. ભૂતકાળમાં મણિપુરમાંથી મેઇટી અને આદિવાસી સમુદાયો વચ્ચે હિંસક અથડામણોને પગલે 5,800 થી વધુ લોકો પડોશી રાજ્ય મિઝોરમમાં ભાગી ગયા છે અને વિવિધ જિલ્લાઓમાં આશ્રય લીધો છે. એક અધિકારીએ પરિસ્થિતિ વિશે માહિતી આપતા જણાવ્યું કે ચિન-કુકી-મિઝો સમુદાયના 5,822 લોકો મિઝોરમના 6 જિલ્લામાં અસ્થાયી રાહત શિબિરોમાં રહેવા માટે મજબૂર છે.

  • 15 May 2023 06:59 AM (IST)

    મણિપુર હિંસા અંગે સીએમ બિરેન સિંહ અમિત શાહને મળ્યા

    સૂત્રોના જણાવ્યા અનુસાર, મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે મણિપુરમાં હિંસા અંગે આજે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે રાજ્યની સ્થિતિ અંગે ચર્ચા થઈ હતી. મણિપુરના સીએમએ ગૃહમંત્રીને ત્યાંની સ્થિતિ વિશે માહિતી આપી હતી.

  • 15 May 2023 06:58 AM (IST)

    કોંગ્રેસે મનમાં નફરત ન રાખવી જોઈએ – અનુરાગ ઠાકુર

    કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે હમીરપુરમાં કહ્યું કે કોંગ્રેસે પોતાના દિલ અને દિમાગમાં નફરત ન રાખવી જોઈએ. ભારતમાં નફરતને કોઈ સ્થાન નથી. ભાજપ સબકા સાથ, સબકા વિકાસ, સબકા પ્રયાસ અને સબકા વિશ્વાસના મૂળ મંત્ર સાથે કામ કરે છે. કર્ણાટક રાજ્યમાં જે ઊંચાઈએ પહોંચ્યા છે, હવે તેમની સામે પડકાર રહેશે કે તેઓ આગળ શું કરશે.

  • 15 May 2023 06:52 AM (IST)

    આજે અમદાવાદ, આણંદ સહિતના અનેક જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર

    હવામાન વિભાગની આગાહી (Weather Forecast) અનુસાર આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે. જ્યારે ન્યુનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જો વાત અમરેલી જિલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 41 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે ભેજવાળુ વાતાવરણ 45% રહેશે.

    આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. અરવલ્લી જિલ્લામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તો બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે 50% ભેજવાળુ વાતાવરણ રહેશે. ભરુચમાં મહત્તમ તાપમાન 38 રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. ભાવનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 38 રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 રહેશે.

  • 15 May 2023 06:51 AM (IST)

    મહેસાણામાં ઓનલાઈન નોકરી આપવાના નામે છેતરપિંડી, લિંક મોકલી 9.10 લાખ રૂપિયાની કરી ઠગાઈ

    રાજ્યમાં અવારનવાર નોકરીની લાલચ આપીને ઠગાઈ કરવાની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક ઘટના મહેસાણામાં બની છે. મહેસાણામાં ઓનલાઈન નોકરી આપવાના નામે છેતરપિંડી આચરવામાં આવી છે. મહેસાણા જિલ્લાના ઉંઝાના વરવાડા ગામના એક યુવકને નોકરી આપવાની લાલચ આપી 9.10 લાખ રુપિયાની ઠગાઈ થઈ છે. જો ઘટનાની વાત કરીએ તો વરવાડાનો યુવક નોકરીની શોધ કરી રહ્યો હતો. ત્યારે ગત 27 સપ્ટેમબરના રોજ યુવકને અજાણ્યા નંબર થી ફોન આવ્યા બાદ ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યુ હતુ. જેમાં આરોપીએ ઓનલાઈન લિંક મોકલીને રુપિયા ભરવાનું કહેવામાં આવ્યું હતુ.

Published On - May 15,2023 6:49 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">