આગામી 1 કલાક માટે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે દ્વારકા, જામનગર, મોરબી અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે. એલર્ટને પગલે તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે, જ્યારે લોકોને પણ જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
રાજ્યભરમાં મેઘરાજાએ સાર્વત્રિક મહેર વરસાવી છે. રાજ્યના કુલ 259 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છના અંજારમાં 7.24 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે ભાવનગરના વલ્લભીપુરમાં 6.10 ઇંચ અને જામનગરમાં 5.59 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 15 તાલુકામાં 4 ઇંચથી વધુ, 40 તાલુકામાં 3 ઇંચથી વધુ અને 80 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 145 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. સાર્વત્રિક વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે.
વગર વરસાદે તરસી રહેલા સૌરાષ્ટ્ર-કચ્છમાં હવે મેઘરાજા ઘમરોળે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 20 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ રહેવાની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટમાં અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે. આજે પણ સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ અને મહેસાણામાં પણ ભારે વરસાદની વકી છે. અમદાવાદ તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે. વરસાદની આગાહીને પગલે તંત્ર પણ એલર્ટ બન્યું છે.
આજે 15 સપ્ટેમ્બરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:35 am, Tue, 15 September 26