15 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : કેરળમાં નિપાહ વાયરસથી એક વ્યક્તિનું મોત, સંપર્કમાં આવેલા 151 લોકોને કર્યા આઈસોલેશન

|

Sep 15, 2024 | 8:57 PM

આજે 15 સપ્ટેમ્બરના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો

15 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : કેરળમાં નિપાહ વાયરસથી એક વ્યક્તિનું મોત, સંપર્કમાં આવેલા 151 લોકોને કર્યા આઈસોલેશન

Follow us on

Gujarat Updates:

  • પીએમ મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે
  • અમદાવાદમાં GMDCમાં સંબોધશે સભા
  • મોટેરાથી મહાત્મા મંદિર મેટ્રો રૂટનો પીએમ મોદી કરાવશે પ્રારંભ
  • એરફોર્સ સ્ટેશનના નવા ઓપરેશન કોમ્પલેક્સની વિઝિટ
  •  સુરેન્દ્રનગરના સાયલાના સુદામડાં ગામે એક ઘર પર 15થી 17 રાઉન્ડ ફાયરિંગ
  • ગીર ગઢડાના કોદીયા ગામે ઘરના ફળીયામાં રમતી બાળકીને દીપડો ઉઠાવી ગયો
  • 4 વર્ષની બાળકીનું મોત

National Updates:

  •  નીતિન ગડકરીનો મોટો દાવો
  • પ્રધાનમંત્રી પદ માટે વિપક્ષી નેતાઓએ કર્યુ હતુ સમર્થન
  • મેરઠમાં બે માળની ઈમારત ધરાશાયી, 7ના મોત
  • કોલકાતા રેપ મર્ડર કેસ: CBIએ આરજી કર હોસ્પિટલના પ્રિન્સીપાલની કરી ધરપકડ

Weather Updates:

  • રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદની શક્યતા નહીંવત
  • નવરાત્રિમાં વિઘ્ન બની શકે છે વરસાદ
  • ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ સર્વોચ્ચ સપાટીએ
  • સરદાર સરોવર ડેમની જળસપાટી 136.80 મીટર થઈ
  • સરદાર સરોવર ડેમના 15 દરવાજા અઢી મીટર ખોલાયા

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 15 Sep 2024 08:38 PM (IST)

    કેરળમાં નિપાહ વાયરસથી એક વ્યક્તિનું મોત, સંપર્કમાં આવેલા 151 લોકોને કર્યા આઈસોલેશન

    કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે રવિવારે કહ્યું કે તાજેતરમાં મલપ્પુરમની એક ખાનગી હોસ્પિટલમાં એક વ્યક્તિનું મોત થયું છે. તે નિપાહ વાયરસથી સંક્રમિત હતો. મંત્રીએ કહ્યું કે શનિવારે રાત્રે જ 16 સમિતિઓની રચના કરવામાં આવી છે અને તે વ્યક્તિના સંપર્કમાં આવેલા 151 લોકોની યાદી પણ તૈયાર કરવામાં આવી છે. તેમના નજીકના સંપર્કમાં આવેલા લોકોને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

  • 15 Sep 2024 08:25 PM (IST)

    અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં 16 લાખથી વધુ ભાવિક ભક્તોએ માતાજીના કર્યા દર્શન

    અંબાજી ખાતે આયોજીત ભાદરવી પૂનમ મહા મેળોમાં આજે રવિવારના રોજ સાંજના 5 વાગ્યા સુધીમાં 16 લાખથી વધુ ભાવિક ભક્તોએ માતાજીના દર્શન કર્યા છે. પ્રથમ દિવસે 1 લાખ 93 હજાર 220 યાત્રિકોએ માતાજીના દર્શન કર્યા હતા. બીજા દિવસે 3 લાખ 05 હજાર 724 યાત્રિકોએ માતાજીના દર્શન કર્યા હતા. ત્રીજા દિવસે 4 લાખ 89 હજાર 318 યાત્રિકોએ માતાજીના દર્શન કર્યા છે. ચોથા દિવસે 6 લાખ 48 હજાર 545 યાત્રિકોએ માતાજીના દર્શન કર્યા હતા. આજે સાંજ ના 5:00 વાગ્યા સુધી કુલ 16 લાખ 36 હજાર 807 કુલ યાત્રિકોએ માતાજીના દર્શન કર્યા છે.


  • 15 Sep 2024 07:53 PM (IST)

    રાજકીય લાભ માટે IT, CBI સહિતની એજન્સીઓનો દુરપયોગ કરાઈ રહ્યો છે : શક્તિસિંહ

    અરવિંદ કેજરીવાલના CM પદેથી રાજીનામાને લઈને શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અત્યાર સુધી ક્યારેય સેન્ટ્રલ એજન્સીઓનો દૂરઉપયોગ થયો નહતો, પરંતુ ભાજપની સરકાર માત્ર રાજકીય લાભ લેવા માટે IT, CBI સહિતની એજન્સીઓનો દુરપયોગ કરી રહી છે. અન્ય રાજ્યમાં કોઈ ઘટના બને તો ભાજપ છત પર ચડી બૂમાબૂમ કરી મૂકે છે. એવી જ ઘટના જો કોઈ ભાજપ શાસિત પ્રદેશમાં બને તો ભાજપના નેતાઓની બોલતી બંધ થઈ જાય છે. અરવિંદ કેજરીવાલના રાજીનામાથી ઇન્ડિયા ગઠબંધનમાં કોઈ ફરક પડશે નહીં.

  • 15 Sep 2024 07:20 PM (IST)

    અમદાવાદ વિમાની મથકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની ત્રિ-દિવસીય મુલાકાતે પધાર્યા ત્યારે અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભાબહેન જૈન, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર સહીતના અધિકારીઓ અને પદાધિકારીઓએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું.

  • 15 Sep 2024 06:19 PM (IST)

    દહેગામ વાસણા સોગઠી ગામના મૃતક યુવાનોના પરિવારજનને રુપિયા 4 લાખની સહાયના ચેક અર્પણ કરાયા

    ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામના 17 થી 30 વર્ષના 8 યુવાનો મેશ્વો નદીમા નાહવા જતા, તા.13 સપ્ટેમ્બર, 2024ના રોજ સાંજે 4 વાગ્યા આસપાસ ડુબી જવાની દુખદ ઘટના બની હતી. પરિવારજનો ઉપર આવી પડેલા આ અસહ્ય આઘાત પ્રત્યે રાજ્ય સરકાર દ્વારા સંવેદના વ્યક્ત કરવામાં આવી અને તેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના રાહત ફંડમાંથી રૂપિયા ચાર-ચાર લાખના ચેક જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ તથા જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રની ઉપસ્થિતિમાં મામલતદાર હેતલબા ચાવડા દ્વારા પરિવારજનોને અર્પણ કરાયા હતા.

  • 15 Sep 2024 05:30 PM (IST)

    હવેથી દર સોમવાર- મંગળવારે પોલીસ સ્ટેશને સામાન્ય નાગરિકોની રજૂઆત સાંભળશે પીઆઈ- હર્ષ સંઘવીએ આપ્યા આદેશ

    રાજ્યના તમામ પોલીસ મથકના વડા એવા પોલીસ અધિકારીઓને દર સોમવાર અને મંગળવારે ફરજિયાત સામાન્ય નાગરિકોની રજૂઆત સાંભળવા કચેરીમાં બેસવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ આદેશ કર્યા છે. એટલું જ નહિ, આ બે દિવસો દરમિયાન અનિવાર્ય સંજોગો સિવાય કચેરીના વડા હોય તે પોલીસ અધિકારીઓએ કોઈ બેઠકો કે અન્ય કાર્યક્રમોનું આયોજન નહિ કરવા પણ સૂચના આપી છે.

  • 15 Sep 2024 05:16 PM (IST)

    કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી રૂપિયા 40 કરોડની કિંમતનો પ્રતિબંધિત દવાનો જથ્થો મળ્યો

    કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી પ્રતિબંધિત દવાનો વધુ જથ્થો મળી આવતા, જપ્ત કરવામાં આવ્યો છે. અગાઉ પોર્ટ પરથી આજ પ્રકારનો કરોડોનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રાંતના નિકાસકાર દ્વારા મોકલવામાં આવેલ અન્ય કન્ટેનરની પણ તપાસ કરાઇ રહી છે. તપાસ કરતા 40 કરોડથી વધુની કિંમતની ટ્રામાડોલ ગોળીનો જથ્થો મળી આવ્યો છે. 2 કન્ટેનરની તપાસ કરતા પ્રતિબંધિત દવાની જગ્યાએ મિસ ડીકલેરેશન કરાયું હોવાનું સામે આવ્યું છે. મુન્દ્રા કસ્ટમની SIIB શાખા દ્વારા કાર્યવાહી કરાઈ છે.

  • 15 Sep 2024 03:40 PM (IST)

    ભરુચ ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટીની નજીક પહોચ્યું નર્મદાનું પાણી

    ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાનું જળસ્તર ભયજનક સપાટીની નજીક પહોંચ્યું છે. ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે. આજે બપોરે ત્રણ વાગ્યે ગોલ્ડન બ્રિજ નજીક નર્મદાની જળસપાટી 21 ફૂટ નોંધાઈ છે. ભયજનક સપાટીની નજીક નર્મદાના નીર પહોચતા, ભરૂચનું વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. નર્મદામાં ગણેશ વિસર્જન સમયે કોઈ દુર્ઘટના ના થાય તે માટે ખાસ તકેદારી રાખવામા આવશે.

  • 15 Sep 2024 03:19 PM (IST)

    સુરેન્દ્રનગર નગરપાલિકાના ભાજપના ચૂંટાયેલા સભ્ય નકલી CBI અધિકારી બનીને ફરતા અમદાવાદમાં કરાઈ અટકાયત

    સુરેન્દ્રનગર નગરપાલિકાના વર્તમાન સભ્ય નકલી CBI બનીને ફરતા અમદાવાદમાં અટકાયત કરાઈ છે. સુરેન્દ્રનગર નગરપાલિકાના ભાજપના વર્તમાન સદસ્ય નકલી CBI બનીને ફરતા હતા. આ બનાવ અંગે કોંગ્રેસના પ્રવકત્તાએ ભાજપ પર આરોપ લગાવ્યો છે કે, હવે તો ભાજપમાં પણ નકલીનો ખેલ શરુ થયો છે. ગુજરાતમાં એક પછી એક નકલી પદાધિકારીઓ, નકલી કચેરીઓ બધુ જ નકલી છે.

     

  • 15 Sep 2024 03:04 PM (IST)

    અમદાવાદ એરપોર્ટ પર સાંજે 4 વાગે PM મોદીનું થશે આગમન

    આજે સાંજે 4 વાગે અમદાવાદ એરપોર્ટ ખાતે પીએમ મોદીનુ થશે આગમન. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રોટોકોલ મંત્રી જગદીશ પંચાલ અને અમદાવાદ કલેકટર, અમદાવાદ એરપોર્ટ પર કરશે પીએમ મોદીનું સ્વાગત. ગુજસેલ ખાતે પીએમ મોદી એરપોર્ટ પર ઉતરાણ કરીને સીધા જ હેલિકોપ્ટરથી વડસર જશે. વડસર એરફોર્સના નવીન કોમ્પલેક્ષનું  ઉદઘાટન કરશે. ત્યારબાદ પીએમ પહોંચશે ગાંધીનગર રાજભવન.

  • 15 Sep 2024 03:00 PM (IST)

    પાલનપુર આબુ હાઇવે સાંઇબાબા મંદિર નજીક રખડતા પશુને કારણે અકસ્માત, 2ને ઈજા

    બનાસકાંઠાના પાલનપુર આબુ હાઇવે સાઇબાબા મંદિર નજીક રખડતા પશુને કારણે અકસ્માત સર્જાયો છે. રાજસ્થાન તરફ આવતા ટ્રક ચાલકે રખડતા પશુને બચવાં જતા ટ્રક પલ્ટી ખાઈ ગઈ હતી. ટ્રક પલ્ટી મારતા ટ્રક ચાલાક અને અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્ત બંને યુવકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા છે.

     

  • 15 Sep 2024 02:01 PM (IST)

    છોટાઉદેપુર: રસ્તાના અભાવે દર્દીને ઝોળીમાં લઇ જવા મજબૂર સ્વજનો

    છોટાઉદેપુર: રસ્તાના અભાવે દર્દીને ઝોળીમાં લઇ જવા સ્વજનો મજબુર બન્યા છે. મંડલવા ગામે રસ્તાના અભાવે હાલાકીના દૃશ્યો સામે આવ્યા છે. સીમોડ ફળિયાથી બસ સ્ટેન્ડ સુધી જવા માટે કોઈ માર્ગ નથી. ગામલોકો કાચા, કાદવ કિચડગ્રસ્ત રસ્તા પરથી પસાર થવા મજબુર બન્યા છે.  છેલ્લા ઘણા સમયથી લોકો પાકા રસ્તાની માગ કરી રહ્યા છે પરંતુ તંત્ર સુધી તેમની રજૂઆત પહોંચતી જ નથી. હાલ સ્થાનિક તંત્રની ઘોર બેદરકારીના કારણે ગામલોકો ભારે હાલાકી વેઠી રહ્યા છે.

  • 15 Sep 2024 01:39 PM (IST)

    PMના કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો

    અમદાવાદ: PM મોદી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે છે ત્યારે તેમના કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.
    2500 જેટલા પોલીસ કર્મચારીઓનો સ્ટાફ GMDC ગ્રાઉન્ડ ખાતે ગોઠવાશે. PM મોદી 10,800 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. 7 પ્રોજેકટના ખાતમુહૂર્ત અને 25 કાર્યના લોકાર્પણ કરશે. 3,200 કરોડના ખર્ચે તૈયાર થયેલી મેટ્રો રેલ ફેઝ 2ને લીલી ઝંડી આપશે. અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ ફેઝ 2ને લીલી ઝંડી આપશે. 500 કરોડના 4 ફલાયઓવર બ્રિજના ખાતમુહૂર્ત કરશે. અમદાવાદ-ભુજ વચ્ચેની વંદે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપશે. શહેરી વિસ્તારમાં 20,866 મકાનના લોકાર્પણ કરશે.  જ્યારે ગ્રામીણ વિસ્તારમાં 3,56,57 આવાસના લોકાર્પણ કરશે. PM મોદીના કાર્યક્રમને લઇને ટ્રાફિક વિભાગે  જાહેરનામું બહાર પાડ્યુ છે. થલતેજથી દૂરદર્શન ટાવરથી વસ્ત્રાપુર તળાવથી GMDC અને અંધજન મંડળ રૂટ બંધ રહેશે.
    વૈકલ્પિક માર્ગ તરીકે નાગરીકો માનસી સર્કલથી કેશવબાગ થઈ પાંજરાપોળ ચાર રસ્તા જઈ શકશે.

  • 15 Sep 2024 01:37 PM (IST)

    સુરેન્દ્રનગરના દુધઈથી ખાટડીનો મુખ્ય રોડ ધોવાયો

    સુરેન્દ્રનગરના દુધઈથી ખાટડીનો મુખ્ય રોડ ધોવાયો. 6 મહિના પહેલા મુખ્ય રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. રસ્તા પરથી ડમ્પરો દોડતા હોવાના કારણે રોડ અનેક સ્થળેથી બિસ્માર બન્યો છે. 6 મહિના પહેલા 1 કરોડના ખર્ચે રોડ બનાવામાં આવ્યો હતો. ગ્રામજનોએ તાત્કાલિક માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરી છે. ભારે વાહન ચાલકો રોડ ખરાબ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. રોડને ખરાબ કરવામાં આવ્યો તેમની સામે પગલાં ભરવા માગ કરાઈ છે.

  • 15 Sep 2024 01:36 PM (IST)

    અમદાવાદ: હેમલેટ નહીં પહેરનાર સામે પોલીસ કરશે કાર્યવાહી

    અમદાવાદ: હેમલેટ નહીં પહેરનાર સામે પોલીસ કાર્યવાહી કરશે. ગરબા મહોત્સવની આસપાસ પોલીસ ગોઠવશે સ્પેશિયલ ડ્રાઇવ. હેલમેટ નહીં પહેર્યું હોય તો 500 રૂપિયાનો દંડ કરાશે. નવરાત્રિમાં ગરબાના સ્થળો પર પોલીસ તૈનાત રહેશે. યુવાનોમાં હેલ્મેટ અંગે સજાગતા લાવવા પોલીસ એક્શનમાં આવી છે.

  • 15 Sep 2024 01:33 PM (IST)

    વડોદરા: શહેરના પ્રોડક્ટિવિટી રોડ પર પડ્યા ભૂવા

    વડોદરા: શહેરના પ્રોડક્ટિવિટી રોડ પર ભૂવા પડતા નાગરિકોને હાલાકી સર્જાઈ છે. એક જ વિસ્તારમાં એક સાથે 3 જગ્યાએ ભૂવા પડ્યા છે. 18 કલાકથી ભૂવો પડ્યો હોવાની સ્થાનિકોની રાવ છે. વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે. પાલિકાએ દરકાર ના લેતા લોકોએ જાતે બેરિકેડ મુક્યા છે. વહેલી તકે ભૂવાનું સમારકામ કરવામાં આવે તેવી માગ ઉઠી છે.

  • 15 Sep 2024 01:31 PM (IST)

    17મી સપ્ટેમ્બરથી રાજસ્થાનથી ચોમાસું વિદાય લેશે- અંબાલાલ

    હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી. 17મી સપ્ટેમ્બરથી રાજસ્થાનથી ચોમાસુ વિદાય લેશે. બંગાળની ખાડી હવે વધુ સક્રિય થશે. દેશમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે રાજ્યમાં 18થી 22 સપ્ટેમ્બરમાં દરમિયાન ભારે વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની પડવાની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદનું અનુમાન છે.  ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે.

  • 15 Sep 2024 01:28 PM (IST)

    મહેસાણા: અંબાજી જતા માર્ગો પર ભારે ટ્રાફિક જામ સર્જાયો

    મહેસાણા: અંબાજી જતા માર્ગો પર ભારે ટ્રાફિક જામ સર્જાયો. ખેરાલુથી સતલાસણા રોડ પર ભારે ટ્રાફિક સર્જાયો.
    શીતકેન્દ્ર ચોકડી, વૃંદાવન ચોકડી, નાનીવાડા સુધી ટ્રાફિક જોવા મળ્યો. જેના કારણે અંબાજી જતા પદયાત્રિકો સહિત વાહન ચાલકો પણ અટવાયા હતા. ભાદરવી પૂનમનો માહોલ માણવા જતા લોકો ટ્રાફિકમાં ફસાયા હતા.

  • 15 Sep 2024 12:59 PM (IST)

    દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ આપશે રાજીનામુ

     અરવિંદ  કેજરીવાલે મોટી જાહેરાત કરતા કહ્યું કે, ‘આજથી બે દિવસ પછી હું રાજીનામું આપવા જઈ રહ્યો છું, હું CMની ખુરશી પર  નહીં બેસીશ, જ્યાં સુધી કેજરીવાલ પ્રામાણિક છે એવો ચુકાદો જનતા ન આપે ત્યાં સુધી નહીં બેસીશ.

     

  • 15 Sep 2024 12:32 PM (IST)

    કાલાવડમાં ડાયરામાં થયો ડોલરનો વરસાદ

    જામનગરમાં એક ડાયરામાં ડોલરનો વરસાદ કરવામાં આવ્યો. કાલાવડના રણુજા ગામે સાંસ્કૃતિક કાર્યક્રમમાં કલાકાર પર થયો ડોલરનો વરસાદ. જુના રણુજાની હીરાભગત જગ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. લોક ગાયક ગોપાલ ભરવાડ પર ડોલરનો વરસાદ કરવામાં આવ્યો.

  • 15 Sep 2024 11:51 AM (IST)

    સુરત શહેરમાં રોગચાળો બેકાબૂ બન્યો હોય તેવી સ્થિતિ

    સુરત: શહેરમાં રોગચાળો બેકાબૂ બન્યો હોય તેવી સ્થિતિ પરિણમી છે. નવી સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે.
    ઓપીડીમાં દર્દીઓની લાંબી કતારો લાગી છે. દર્દીઓને વોર્ડમાં રાખવા માટે પણ જગ્યા નથી. દર્દીઓને વેઇટીંગ એરિયામાં સારવાર અપાઈ રહી છે . 42 બેડવાળા વોર્ડમાં 52 દર્દીઓ દાખલ કરાયા. રોગચાળો વકરતા દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે. દર્દીઓની લાંબી કતારો લાગતા દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ પણ નાની પડી રહી છે.

  • 15 Sep 2024 11:49 AM (IST)

    ઉમિયાધામ ઊંઝા ખાતે ધજા મહોત્સવ, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

    મહેસાણાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉમિયાધામ ઊંઝા ખાતે ધજા મહોત્સવનો ચોથો દિવસ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. અત્યાર સુધી 6 હજાર કરતાં વધુ ધજા,, ઉમિયા મંદિરના શિખરે ભક્તોએ ચડાવી. અત્યાર સુધી 4 લાખ કરતા વધુ ભક્તોએ દર્શન કરી મા ઉમિયાના આશીર્વાદ મેળવ્યા. પૂનમ નજીક આવતા સવારથી ભક્તોની ભીડમાં ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. ધજા મહોત્સવ દરમિયાન 12,500 કરતાં વધુ ધજાઓ ભક્તો દ્વારા માં ઉમિયા ના શિખરે ચઢાવવામાં આવશે

    કપડવંજથી 205 કિલોમીટર રિલે દોડ કરી 205 યુવાનો પહોંચ્યા ઊંઝા. કપંડવંજ ઉમિયા મંદિરથી પૂર્વ કેન્દ્રીય પ્રધાન પુરષોત્તમ રૂપાલા દ્વારા રિલે દોડને લીલી ઝંડી અપાઈ હતી અને 205 યુવાનો દ્વારા 24 કલાક નોન સ્ટોપ દોડી રિલે દોડ પૂર્ણ કરી ઉમિયાધામ ઊંઝા પહોંચ્યા હતા. યુવાનો દ્વારા મા ઉમિયાના શિખરે 52 ગજની ધજા ચઢાવવામાં આવી. આ રિલે દોડમાં 500 ગાડીઓ અને 2 હજાર ભાવિક ભક્તો જોડાયા હતા.

  • 15 Sep 2024 11:43 AM (IST)

    ઉત્તરપ્રદેશ: મેરઠમાં 3 માળની ઈમારત ધરાશાયી થતા 10 લોકોના મોત

    ઉત્તર પ્રદેશના મેરઠમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થવા અને 10 લોકોના મોત પાછળનું મુખ્ય કારણ સામે આવ્યું છે. 300 ચોરસ યાર્ડ જમીનમાં બનેલી આ ઈમારતમાં માત્ર એક જ પિલર હતો અને તે પણ ગેટ પાસે હતો. આખી ઇમારત માત્ર ચાર ઇંચની દિવાલ પર ઊભી હતી. મોટી વાત એ છે કે દિવાલ આટલી નબળી હોવા છતાં તેની ઉપર વધુ એક માળ બનાવવાની તૈયારી ચાલી રહી હતી. કારણ કે મેરઠમાં સતત વરસાદ પડી રહ્યો હતો. જેના કારણે ઘરના પાયામાં પાણી ભરાઈ ગયા હતા. આનાથી નબળી પડી ગયેલી દિવાલો તૂટી પડી હતી.

  • 15 Sep 2024 11:01 AM (IST)

    નીતિન ગડકરીએ કર્યો મોટો દાવો- મને પીએમ પદ માટે કરાઈ હતી ઓફર

    કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે લોકસભા ચૂંટણી પહેલા તેમને વડાપ્રધાન પદની ઓફર કરવામાં આવી હતી પરંતુ તેમણે આ ઓફર ફગાવી દીધી હતી. ગડકરીએ કહ્યું કે આ ઑફર વિપક્ષના એક મોટા નેતાએ કરી હતી પરંતુ મેં એ કહીને ના પાડી દીધી કે મને આ પદની કોઈ ઈચ્છા નથી.

  • 15 Sep 2024 10:10 AM (IST)

    વડોદરાઃ સુરતના તત્કાલીન TPO ટીપીઓ કૈલાસ ભોયાની પૂછપરછમાં અનેક ખુલાસા

    વડોદરાઃ સુરતના તત્કાલીન TPO ટીપીઓ કૈલાસ ભોયાની પૂછપરછમાં અનેક ખુલાસા થયા છે.  ACBએ રિમાન્ડ દરમ્યાન કૈલાસ ભોયાના અનેક રાજ ખોલ્યા. ભોયાના 5 બેંક એકાઉન્ટ અને 7 વીમા પોલિસી મળી આવી. 2012 થી 2020 સુધીમાં બેંક એકાઉન્ટની ડીટેલ અને આઇટી રિટર્નની વિગતો માંગી. અનેક મિલકતોના ભાડાની આવક કમાતો હતો કૈલાસ ભોયા. આશ્રિતોની વધુ સંપત્તિ હોવાની એસીબીને આશંકા. એસીબી દ્વારા સંબધિત વ્યક્તિઓના નિવેદનો પણ લેવાયા. એસીબીએ ભોયાના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે

  • 15 Sep 2024 10:09 AM (IST)

    બોટાદઃ SOG અને LCBએ ફરાર આરોપી સીરાજ ડોનને અમદાવાદમાંથી ઝડપ્યો

    બોટાદઃ SOG અને LCBએ ફરાર આરોપી સીરાજ ડોનને અમદાવાદમાંથી ઝડપ્યો.  સીરાજ ઉર્ફે સિરો ડોન સાબરમતી જેલમાંથી પેરોલ જમ્પ કરી થયો હતો ફરાર. સીરાજ ડોન ગુજસીટોક સહિત અનેક ગુનામાં સંડોવાયેલો છે. છેલ્લા બે માસથી સીરાજ ડોન નાસતો ફરતો હતો.

  • 15 Sep 2024 10:08 AM (IST)

    PM નરેન્દ્ર મોદી આજે સાંજે આવશે ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે

    PM નરેન્દ્ર મોદી આજે સાંજે આવશે 3 દિવસના ગુજરાતના પ્રવાસે. PM મોદી સાંજે 4 વાગ્યે અમદાવાદ પહોંચશે
    મોદી એરપોર્ટથી સીધા રાજભવન જશે.લ સાંજે 6 વાગ્યે સોમનાથ ટ્રસ્ટની 123મી વાર્ષિક બેઠકની અધ્યક્ષતા કરશે. બેઠકમાં ટ્રસ્ટની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. મંદિરના વિકાસ કાર્યોને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે

  • 15 Sep 2024 10:07 AM (IST)

    શક્તિપીઠ અંબાજી  ખાતે મા અંબાના શણગાપે જમાવ્યુ ભારે આકર્ષણ

    શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળાની શરૂઆત થઈ ગઈ છે અને મોટી સંખ્યામાં ભક્તો માતાના દરબારમાં શીશ ઝૂકાવી રહ્યા છે. ત્યારે માતા અંબાના મંદિરના શણગારે ભારે આકર્ષણ જમાવ્યું છે. આંખને આંજી દેતો શણગાર જોવા મળ્યો. અદ્ભુત લાઇટિંગથી મંદિરની શોભામાં વધારો થયો છે મા અંબાના ધામનો આંખો આંજી દે એવો આકાશી નજારો સામે આવ્યો.

     

     

  • 15 Sep 2024 08:27 AM (IST)

    સુરેન્દ્રનગરમાં ખનિજ માફિયાઓએ મચાવ્યો આતંક

    સુરેન્દ્રનગરથી ગુજરાત પોલીસને ખુલ્લો પડકાર ફેંકતી ખળભળાટ મચાવી દે તેવી ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરમાં ખનિજ માફિયાઓએ બેફામ બન્યા છે અને આતંક મચાવ્યો છે. ખનીજ ચોરીની ફરિયાદ કરનાર ફરિયાદીના ઘર પર 15થી 17 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યુ છે. સાયલા  સાયલા તાલુકાના સુદામડાં ગામે આ ઘટના બની છે. ખનીજ માફિયાઓએ ફાયરિંગ કર્યાનો પરિવારે આરોપ લગાવ્યો છે.  ખનિજ માફિયાઓને હવે કાયદાનો કે ખાખીનો કોઈ ડર જ રહ્યો નથી. 3થી ચાર કાર લઈ આવેલ 15થી વધુ લોકોએ ફાયરિંગ કર્યું હોવાનુ સામે આવ્યુ છે. ફયરિંગમાં ઘરમાં પડેલા વાહનો અને અન્ય ઘરવખરીને નુકસાન પહોંચ્યુ છે. સદનસીબે આ ઘટનામાં કોઈ ઇજાગ્રસ્ત થયુ નથી.સુદામડાં ગામે ખનિજની ચોરી બંધ કરવા પરિવારે  પોલીસમાં અરજી કરી હતી. ગેરકાયદેસર પથ્થરના ખોદકામની ચાલતી ખાણો બંધ કરવા અંગે કલેક્ટરને અરજી કરી હતી.  તેની અદાવતમાં ફરિયાદીના ઘર પર ફાયરિંગ કરવામાં આવ્યુ છે.

     

Published On - 8:23 am, Sun, 15 September 24