15 ડિસેમ્બરના મહત્વના સમાચાર : CGST ના અમદાવાદ જામનગર અને રાજકોટમાં 25 સ્થળોએ દરોડા, 200 કરોડની કર ચોરી ઝડપાઈ

|

Dec 15, 2024 | 12:22 PM

આજે 15 ડિસેમ્બરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

15 ડિસેમ્બરના મહત્વના સમાચાર : CGST ના અમદાવાદ જામનગર અને રાજકોટમાં 25 સ્થળોએ દરોડા, 200 કરોડની કર ચોરી ઝડપાઈ

Follow us on

LIVE NEWS & UPDATES

  • 15 Dec 2024 12:21 PM (IST)

    ગાબામાં જસપ્રિત બુમરાહે લીધી પાંચ વિકેટ, ટ્રેવિસ હેડ-સ્મિથની સદીથી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 300ને પાર

    વરસાદના વિધ્નવાળી બ્રિસ્બન ગાબાની ટેસ્ટ મેચમાં ભારતના ઝડપી બોલર જસપ્રિત બુમરાહે પાંચ વિકેટ ઝડપી હતી. જો કે ઓસ્ટ્રેલિયાએ ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથના શતકની મદદથી 300 રનનો સ્કોર પાર કરી લીધો છે. આ બન્ને શતક કરનારા ખેલાડીઓને બુમરાહે પોતાના શિકાર બનાવ્યા હતા. જસપ્રિત બુમરાહે 71 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી.

  • 15 Dec 2024 11:55 AM (IST)

    CGST ના અમદાવાદ જામનગર અને રાજકોટમાં 25 સ્થળોએ દરોડા, 200 કરોડની કર ચોરી ઝડપાઈ

    CGST ના અમદાવાદ, જામનગર અને રાજકોટમાં 25 સ્થળોએ દરોડા પાડીને રૂપિયા 200 કરોડથી વધુની કરચોરી ઝડપી પાડી છે. સેન્ટ્રલ જીએસટી વિભાગે, અમદાવાદમાં સ્ક્રેપ ડીલર ઉપર, જામનગર અને રાજકોટમાં ઓઇલ વેપારીઓને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન હાથ લાગેલા દસ્તાવેજોના આધારે ટેકસ ચોરીનો આંકડો 200 કરોડથી પણ વધુ જઈ શકે તેવી શક્યતા છે. દરોડાને લઇ CGST ની તપાસ ચાલુ છે. બોગસ પરચેસ બિલ અને સેલ્સ ડોક્યુમેન્ટ સહિત ડિજિટલ ડીવાઈસ સહિતનું સાહિત્ય જપ્ત કરાયું છે. બેઝ ઓઇલ ઇમ્પોર્ટને લઈને તપાસમાં મોટુ ટેકસ ફ્રોડ બહાર આવે તેવી શક્યતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.


  • 15 Dec 2024 11:32 AM (IST)

    ભરૂચમાં નકલી કિન્નરને લોકોએ ચખાડ્યો મેથીપાક

    ભરૂચમાં કિન્નરનો વેશ ધારણ કરી લોકોને ઠગતો શખ્સ ઝડપાયો છે. છેલ્લા ત્રણ દિવસથી ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં નકલી કિન્નર દ્વારા છેતરપિંડી કરાઈ હોવાના કિસ્સા સામે આવ્યા હતા. સોસાયટીના રહીશોએ નકલી કિન્નરને મેથીપાક ચખાડતા, ઈજાગ્રસ્ત થયેલ નકલી કિન્નરને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • 15 Dec 2024 11:30 AM (IST)

    લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ પર રાહુલ ગાંધીએ પાઠવી શ્રદ્ધાંજલિ

    કોંગ્રેસના સાંસદ અને લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું, ‘ભારતના ‘લોખંડી પુરુષ’ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર નમસ્કાર. દેશની એકતા અને ભાઈચારા જાળવવા માટે તેમના દ્વારા લેવામાં આવેલ દરેક પગલું આપણને પ્રેરણા આપતું રહેશે.

  • 15 Dec 2024 11:13 AM (IST)

    સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નકલી માર્કશીટથી પ્રવેશનું કૌંભાડ

    સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નકલી માર્કશીટ લઈ પ્રવેશ મેળવવાનું કૌંભાડ ઝડપાયું છે. અન્ય રાજ્યના બોર્ડની બોગસ માર્કશીટથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યાનુ ખુલ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 62 વિદ્યાર્થીઓએ બોગસ પ્રવેશ મેળવ્યા હતો. યુનિવર્સિટી દ્વારા ત્રણ વર્ષમાં 62 ના પ્રવેશ રદ કરાયા છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, રાજસ્થાન બોર્ડની બોગસ માર્કસીટિ મેળવ્યો હતો પ્રવેશ. કેટલાક વિદ્યાર્થીઓએ તો એમબીબીએસ સહિત વકીલના પણ અભ્યાસ પૂર્ણ કર્યા છે. યુનિવર્સિટી દ્વારા તમામ ડોક્યુમેન્ટની ખરાઈ કરતાં નકલી માર્કશીટ થી પ્રવેશ મેળવવાનું રેકેટ સામે આવ્યું છે. યુનિવર્સિટી દ્વારા પોલીસ ફરિયાદ કરવા સુધીની તૈયારી શરૂ કરી દેવાઈ છે.


  • 15 Dec 2024 11:09 AM (IST)

    રાજકોટમાં ફી નિયમન સમિતિએ સૌરાષ્ટ્ર ઝોનની ખાનગી શાળાની ફી ઘટાડતા, શાળા સંચાલકો નારાજ

    રાજકોટમાં ફી નિયમન સમિતિએ, સૌરાષ્ટ્ર ઝોનની ખાનગી શાળાની ફી ઘટાડતા, શાળા સંચાલકો નારાજ થયા છે. રાજ્યમાં એક માત્ર સૌરાષ્ટ્ર ઝોનની ખાનગી શાળાઓની ફી મા વધારાના બદલે ઘટાડો કરવામાં આવતા ફી નિયમન સમિતિ સામે શાળા સંચાલકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. રાજ્યના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ભરત ગાજીપરાએ રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને લેખીત રજુઆત કરી છે.

    વડોદરા, સુરત અને અમદાવાદમાં ફી નિયમન સમિતિ દ્વારા ખાનગી શાળાઓની ફી મા 7 થી 12 ટકાનો વધારો મંજૂર કર્યો છે. જ્યારે રાજકોટમાં બેસતી સૌરાષ્ટ્ર ઝોનની FRC એ ફી વધારવાના બદલે ઘટાડો કર્યો છે. 70 માંથી 25 જેટલી ખાનગી શાળાઓની ફી માં ઘટાડો કર્યાનો આદેશ કર્યો છે. રાજકોટ સ્થિત ફી નિયમન સમિતિએ 45 સ્કૂલોની ફીમાં 5 હજાર સુધીનો ઘટાડો કરવા આદેશ આપ્યો છે.

  • 15 Dec 2024 09:54 AM (IST)

    ગુજરાતમાં આજથી રવિ સિઝનના ડિજિટલ ક્રોપ સર્વેનો પ્રારંભ, 45 દિવસમાં 33 જિલ્લાના 18,464 ગામોમાં કરાશે સર્વે

    ભારત સરકાર દ્વારા વર્ષ 2024-25 થી દેશના તમામ રાજ્યોમાં ડિજિટલ ક્રોપ સર્વેની નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગુજરાતમાં ખરીફ 2024-2025 સીઝનનો ડિજિટલ ક્રોપ સર્વે ગત તા. 25 ઓક્ટોબરે પૂર્ણ કરવામાં આવ્યો હતો.

    હવે રવિ સીઝન શરૂ થતા રાજ્યના 33 જિલ્લાના તમામ ખેતર માટે રવિ 2024-25 ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. આજ તા. 15મી ડિસેમ્બરથી રાજ્યભરમાં 45 દિવસ સુધી જે-તે ગ્રામ્ય લેવલે પસંદ કરેલ સર્વેયર દ્વારા ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે. જે અંતર્ગત રાજ્યના 33 જિલ્લાના 18,464 ગામોમાં તમામ ખેતીલાયક વિસ્તારના આશરે એક કરોડથી વધારે સર્વે પ્લોટને આવરી લેવાશે.

    આ ડિજિટલ ક્રોપ સર્વેના લીધે જે અગાઉ મહેસૂલ વિભાગ દ્વારા પાણીપત્રક નમૂના નં. 12 ની નોંધણી કરવામાં આવતી હતી, જે પૂરે પૂરી થતી નહોતી, જે ડિજિટલ ક્રોપ સર્વે થકી જે-તે સર્વે નંબર ડિજિટલાઈઝ ક્રોપ સર્વે થતાં 100 % પાણીપત્રક નમૂના નં. 12 માં નોંધણી થશે. જેથી નમૂના નં. 12 માં પાકની નોંધણી સદર બાબતે ખેડૂતોને વધુ સુગમતા રહેશે.

  • 15 Dec 2024 09:44 AM (IST)

    ભાજપના નેતાને રિવોલ્વોરના લાયસન્સની ભલામણ કરનાર પોલીસ કોન્સ્ટેબલની બદલી

    સુરતમાં લગ્ન પ્રસંગમાં ભાજપ નેતા દ્વારા કરાયેલ ફાયરિંગ મામલે, પોલીસ કોન્સ્ટેબલની હજીરામાં બદલી કરી છે. ભાજપ કોષાધ્યક્ષ ઉમેશ તિવારીને, રિવોલ્વોરના લાયસન્સની ભલામણ પોલીસ કોન્સ્ટેબલ સંતોષ પાટીલે કરી હતી. આથે પોલીસ કોન્સ્ટેબલ સંતોષ પાટીલ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ડીંડોલીના પોલીસ કોન્સ્ટેબલ સંતોષ પાટીલની સિંગલ ઓર્ડરથી સુરતના છેવાડે હજીરા ખાતે શિક્ષાત્મક બદલી કરાઈ છે. ઉમેશ તિવારીને રિવોલ્વોરનું લાઇસન્સ આપવા ડીંડોલીના કોન્સ્ટેબલે ભલામણ કરી હતી. ઘટના અંગે પોલીસે ચાર દિવસની તપાસ કરી હતી.

  • 15 Dec 2024 09:41 AM (IST)

    ધોળકા બાવળા રોડ પર ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત

    ધોળકા બાવળા રોડ પર ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત થયું છે. સિંધરેજ ગામ નજીક બાઈક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં સિંધરેજ ગામના જગદીશ ઠાકોર ઉંમર વર્ષ 19 નુ ઘટના સ્થળે મોત થયું છે. ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. બાવળા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો.

  • 15 Dec 2024 09:25 AM (IST)

    માઉન્ટ આબુ ઠંડીમાં ઠૂંઠવાયુ, તાપમાન પહોચ્યું માઈનસ 3 ડીગ્રીએ

    રાજ્સથાનના સિરોહી જિલ્લામાં ઠંડીનો પ્રકોપ સતત ચાલુ છે. હિમાચલના પર્વતીય વિસ્તારમાંથી આવતા બર્ફીલા પવનોને કારણે માઉન્ટ આબુમાં શનિવારે પાંચમા દિવસે પણ તીવ્ર ઠંડીનો દોર યથાવત રહ્યો છે. માઉન્ટ આબુમાં આજે સવારે બધે બરફ જોવા મળ્યો હતો. શનિવારે સવારે વિવિધ સ્થળોએ પારામાં વધઘટ જોવા મળી હતી. કુમ્હારવાડા, ચાચા મ્યુઝિયમ, પોલો ગ્રાઉન્ડ, મેઈન બજાર, ગુરુ શિખર, હેતમજી, અરણા, ઉડિયા, અચલગઢમાં પારો માઈનસ 2 ડિગ્રી સુધી ગગડ્યો હતો.

  • 15 Dec 2024 08:42 AM (IST)

    સુરતના કામરેજના મોરથાના ગામે કાર અડફેટે ચાર મહિનાના બાળકનું મોત

    કામરેજના મોરથાના ગામની સીમમાં શ્રમજીવી પરિવાર શેરડી કાપી રહ્યો હતો તે દરમિયાન તેઓએ પોતાના બાળકને રોડની સાઈડમાં એક ફાર્મની દીવાલ પાસે સુવડાવ્યો હતો. જીપ કાર ચાલકે, વળાંક લેતી વેળાએ બાળકને અડફેટે લીધો હતો. અકસ્માત સર્જી કાર ચાલક સ્થળ પર કાર મૂકી ભાગી ગયો. બાળકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાજર તબીબે મૃત જાહેર કર્યો હતો.

  • 15 Dec 2024 08:22 AM (IST)

    IND vs AUS : ઓસ્ટ્રેલિયાએ બીજા દિવસે લંચ સુધી ત્રણ વિકેટે 104 રન બનાવ્યા

    ઓસ્ટ્રેલિયાએ રવિવારે અહીં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે લંચ સુધી તેની પ્રથમ ઇનિંગમાં ત્રણ વિકેટે 104 રન બનાવ્યા હતા. લંચ બ્રેકના સમયે સ્ટીવ સ્મિથ 25 રન અને ટ્રેવિસ હેડ 20 રન બનાવીને ક્રિઝ પર છે. ભારત તરફથી જસપ્રીત બુમરાહે બે અને નીતિશ કુમાર રેડ્ડીને એક વિકેટ મળી હતી. ઓસ્ટ્રેલિયન ટીમે દિવસની શરૂઆત કોઈપણ નુકશાન વિના 28 રનથી આગળ કરી હતી. મેચના પહેલા દિવસે વરસાદના કારણે માત્ર 13.2 ઓવર જ રમાઈ શકી હતી.

  • 15 Dec 2024 07:49 AM (IST)

    બોટાદના બરવાળામાં ઇન્ચાર્જ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર પર ભૂમાફિયા દ્વારા ડમ્પર ચડાવવાના પ્રયાસ

    બોટાદના બરવાળામાં તાલુકા ઇન્ચાર્જ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર પર ભુમાફિયા દ્વારા ડમ્પર ચડાવવાના પ્રયાસ કરાયો હતો. જો કે આ ઘટના બે દિવસ પૂર્વે ચારણકી ચોકડીથી પોલરપુર રોડ પર બની હતી. સમગ્ર મામલે મામલતદાર સી.જે.પ્રજાપતિ દ્રારા બરવાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સી.જે.પ્રજાપતિ બરવાળા મામલતદાર દ્રારા, રોડ પર પસાર થતા દરમ્યાન રેતીની હેરાફેરી કરતા ડમ્પરને ઉભું રાખી તપાસ કરેલ. તપાસ દરમ્યાન ગેરકાયદેસર રેતીની હેરાફેરી જણાતા ડમ્પર સિઝની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તે દરમ્યાન અન્ય બે વ્યક્તિ આવી બોલાચાલી કરેલ અને ડ્રાયવર દ્રારા રેતી ત્યાં અનલોડ કરી મામલતદાર પર ડમ્પર ચલાવવાનો પ્રયાસ કર્યો હતો.

  • 15 Dec 2024 07:46 AM (IST)

    સુરતમાં સ્ટેટ મોનિટરીંગ સેલે આયાતી કોલસાની ચોરીનું રેકેટ ઝડપ્યું, 3ની ધરપકડ-4 વોન્ટેડ જાહેર

    સ્ટેટ મોનિટરીંગ સેલે સુરતમાં મોટી કાર્યવાહી હાથ ધરીને, રાજ્યમાં પ્રથમ વખત આયાતી કોલસાની ચોરીનું રેકેટ ઝડપી પાડ્યું છે. કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આયાતી કોલસાની ચોરીનું કૌભાંડ ઝડપાયું છે. આયાતી કોલસાની ચોરી પ્રકરણમાં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ત્રણની ધરપકડ કરી છે. જ્યારે ચાર વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા છે. 59 ટન આયાતી અને 8 ટન મિક્ષ કોલસો મળી આવ્યો છે. 35 ટન વેસ્ટ કોલસોનો જથ્થો પણ હાથ લાગ્યો છે. બે ટ્રક અને રોકડા રૂપિયા, એક કાર સહિતનો કુલ 45 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.

  • 15 Dec 2024 07:27 AM (IST)

    બનાસકાંઠાના રાણપુર રતનપુરની બ્રાન્ચ કેનાલમાં કાર ખાબકી, ચાલકનુ મોત

    બનાસકાંઠાના સરહદી વિસ્તાર રાણપુર રતનપુરની બ્રાન્ચ કેનાલમાં કાર ખાબકી હતી. કાર ખાબકવાની ઘટનામાં કારચાલકનું મોત થયું છે. સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા દુર્ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમે મૃતકના મૃતદેહને કેનાલમાંથી બહાર નીકાળ્યો છે.

  • 15 Dec 2024 07:25 AM (IST)

    શ્રીલંકાના રાષ્ટ્રપતિ આજે ત્રણ દિવસીય ભારતની મુલાકાતે આવશે

    શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસાનાયકે, આજે રવિવારે 15 ડિસેમ્બરે ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવશે. રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ આ તેમની પ્રથમ વિદેશ યાત્રા હશે. ભારત યાત્રા દરમિયાન તેઓ પીએમ મોદીને મળશે.

  • 15 Dec 2024 07:23 AM (IST)

    મહારાષ્ટ્રમાં આજે દેવેન્દ્ર ફડણવીસ કેબિનેટનું વિસ્તરણ

    મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના મંત્રીમંડળનું આજે રવિવારે 15 ડિસેમ્બરે નાગપુરમાં વિસ્તરણ કરવામાં આવશે. સત્તાવાર નિવેદન અનુસાર, ફડણવીસ સરકારની કેબિનેટનો શપથ સમારોહ સાંજે 4 વાગ્યે થશે. કેબિનેટમાં લગભગ 35 મંત્રીઓનો સમાવેશ થાય તેવી શક્યતા છે. ભાજપના 19 ધારાસભ્યો મંત્રી બને તેવી શક્યતા છે.

ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને નવા મંત્રીઓ નાગપુરમાં આયોજિત સમારોહમાં પદ અને ગુપ્તતાના શપથ લેશે. મહારાષ્ટ્રમાં મંત્રી પરિષદમાં મુખ્યમંત્રી સહિત વધુમાં વધુ 43 સભ્યો હોઈ શકે છે.

બંગાળના પશ્ચિમી જિલ્લાઓમાં કોલ્ડવેવની સ્થિતિની સંભાવના છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજધાની દિલ્હીમાં આયોજિત મુખ્ય સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસાનાયકે આજે રવિવારથી ભારતની ત્રણ દિવસીય મુલાકાત શરૂ કરશે. પદ સંભાળ્યા બાદ આ તેમની પ્રથમ વિદેશ યાત્રા હશે. નીચે વાંચો આજના સમાચારો સંબંધિત મોટા અપડેટ્સ…

Published On - 7:22 am, Sun, 15 December 24