આજે 14 માર્ચના શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. ત્યારે તમામ અપડેટ્સ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
વડોદરામાં સામાન્ય બાબતે શરૂ થયેલો ઘરકંકાસ હત્યામાં પલટાયો. વડોદરાના બકરાવાડી વિસ્તારમાં આવેલા નારાયણ એવન્યુમાં ઘરકંકાસમાં પતિએ જ પત્નીની કરપીણ હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા પતિએ પત્નીના મોઢા અને છાતી પર છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દેતા મહિલા લોહીથી લથપથ હાલતમાં ઘટનાસ્થળે જ ઢળી પડી અને તેનું મોત નીપજ્યું.
મામલાની જાણ થતાં જ નવાપુરા પોલીસ અને DCP સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી પતિને ઝડપી લીધો અને FSLની મદદથી પુરાવા એકત્ર કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડ્યો.
કચ્છના નખત્રાણાના ખાંભલા ગામમાં દ્રશ્યમ ફિલ્મને પણ ટક્કર મારે તેવી ઘટના બની. અહીં એક પિતા હેવાન બન્યો અને પુત્રી તેમજ તેના પ્રેમીની ઘાતકી હત્યા કરી નાંખી. યુવક-યુવતી ભાગી ગયા બાદ યુવતીના પિતાએ ફોસલાવી બન્નેને પરત બોલાવ્યા. જે બાદ યુવતીના પિતાએ પોતાના ભાણેજ સાથે મળી બન્નેની ગળુ દબાવી હત્યા કરી નાંખી અને સીમમાં આવેલા કુવામાં બંનેના મૃતદેહો નાખી દીધા. સમગ્ર મામલે નખત્રાણા પોલીસ મથકે યુવતીના પિતાની ઉલટ તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી. ડબલ મર્ડરની ઘટના પરથી પરદો ઊંચકાયો ત્યાર બાદ 39 દિવસ બાદ બંનેના મૃતદેહને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યા. હાલ પોલીસે આરોપી પિતા અને તેના ભાણેજને રાઉન્ડઅપ કરી તેમના વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદ શક્તિસિંહે ભારતની વિદેશ નીતિ પર સવાલ ઉઠાવ્યા. સરકાર પર પ્રહાર કરતા કહ્યુ ભારતની વિદેશનીતિ હવે સરેન્ડર થઈ ગઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિની સૂચનાથી ભારત નિર્ણય લેતું હોય એવું લાગે છે. આપણા PM ટ્રમ્પના આદેશ સામે નમતા જોવા મળે છે. “ઓઇલ ક્યાંથી ખરીદવું એવા ટ્રમ્પના નિર્ણયનો સ્વિકાર કેમ કરવામાં આવ્યો. યુદ્ધ બંધ કરવાના ટ્રમ્પના નિર્ણયને ભારત સ્વીકારે છે. ટ્રમ્પને PM જવાબ આપે, વિપક્ષ એમની સાથે છે.
સુરતઃ રખડતા ઢોરના કારણે વધુ એક અકસ્માત સર્જાયો. કીમ-માંડવી રોડ મોટા બોરસરા પાટિયા નજીક એકાએક ડિવાઇડર કૂદી ઢોર વાહન સામે આવી ચડ્યુ.
ઢોર આવતા સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થઈ હતી.
પાટણ: સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નનો વિવાદ સમેટાયો છે. કિંજલ રબારી ઘરે પરત આવતા વિવાદ સમગ્ર વિવાદ પર ઠંડુ પાણી રેડાઈ ગયુ છે. રાધનપુરના સિનાડ ગામે કિંજલ રબારી તેન ઘરે પરત આવી ગઈ છે. આંજણા પટેલ સમાજના યુવક સાથે પ્રેમલગ્ન બાદ તેનો સતત વિરોધ થઈ રહ્યો હતો. અન્ય સમાજના યુવક સાથે પ્રેમલગ્ન કરતા વિવાદ થયો હતો. આગેવાનો અને પરિવારજનોની મધ્યસ્થીતી કિંજલ રબારીએ જાતે પરત આવવાનો નિર્ણય લીધો હતો.
સાબરકાંઠાઃ ખેતરમાં સુતેલા પરિવાર પર ક્રેન ફરી વળી. ક્રેન નીચે કચડાઈ જવાથી સૂઈ રહેલા બાળકનું મોત થયુ. અન્ય સગીરાનો આબાદ બચાવ થયો છે.
પ્રાંતિજના નનાનપુરના ખેતરમાં આ અકસ્માત સર્જાયો.
અમદાવાદ: કાલુપુરમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ થયો છે. ધનાસુથારની પોળમાં દારૂ પાર્ટી ચાલતી હતી. દારૂ તથા નોનવેજ આરોગી રહ્યા હતા ત્યા જનતા રેડ કરવામાં આવી, સ્થાનિકોએ વીડિયો બનાવીને પોલીસને જાણ કરી. પરપ્રાંતિય યુવકો પોલીસ નોંધણી વગર રહેતા હોવાનો આરોપ લાગ્યો છે. આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
સરસ્વતીના વાયડ ગામમાં એક જ જાતિના બે જૂથ વચ્ચે વરઘોડો કાઢવા મામલે જૂથ અથડામણ થઈ. જેમા કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે ખસેડાયા છે. ગામમાં વરઘોડો કાઢવા બાબતે પ્રતિબંધ છે. શુક્રવારે પોલીસ બંદોબસ્ત સાથે વરઘોડો નીકળ્યો હતો. જેની અદાવતમાં આજે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ છે. ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
સુરતના વેસુ વિસ્તારમાં બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે. અભિષેક પાર્ક સોમેશ્વરા એન્કેલ નજીક અકસ્માત સર્જાયો છે. બેફામ કાર ચલાવીને અન્ય વાહનોને પણ અડફેટે લીધા. ઘટનાને પગલે રાહદારીઓમાં નાસભાગ મચી ગઈ છે. ઘટનાને પગલે અન્ય વાહન ચાલકોને નાની મોટી ઈજા પહોંચી છે. પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ: ભાજપના પૂર્વ કોર્પોરેટરઅનિલ મકવાણા સામે લાંચ માગવા મુદ્દે હવે તેમણે કરેલી અરજીના ડોક્યુમેન્ટ આવ્યા સામે આવ્યા છે. જેમા તપાસની માગ કર્યા બાદ અરજી પાછી ખેંચી છે. વોર્ડ નંબર 8માં એક બાંધકામની અરજી કરીને પરત ખેંચી છે.
મહત્વનું છે કે કોર્પોરેટર અનિલ મકવાણા પર રૂપિયા માંગવાનો આક્ષેપ છે. જેમાં રવિરત્ન પાર્કમાં ગેરકાયદે બાંધકામ અંગે કરેલી અરજીની પતાવટ માટે રૂપિયા માંગ્યા હોવાનો આરોપ લાગ્યો છે. આ મામલે પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાનો વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં પહેલા તેમણે ત્રણ લાખ અને બાદમાં સવા લાખ પતાવટ માટે માંગ્યા હોવાનો દાવો છે. વીડિયોમાં 60 હજાર રૂપિયામાં પતાવટ કરવાની ફરિયાદી કોન્ટ્રાક્ટરે વાત કરી હતી. ત્યારે અનિલ મકવાણાએ પહેલા અરજી કરીને અરજી પાછી ખેંચી લીધી હોય તેવા ડોક્યુમેન્ટ સામે આવતા ચર્ચાએ જોર પકડ્યું છે.
સુરત: ઓલપાડના કીમમાં મોબાઈલ ચોરનો આતંક સામે આવ્યો છે. દુકાનદાર બહાર ગયો ત્યારે યુવકે ચોરીને અંજામ આપ્યો. કાઉન્ટરમાં મુકેલા નવા મોબાઈલની ચોરી કરી. મોબાઈલની ચોરી કરી અજાણ્યો યુવક ફરાર થયો. પોલીસે CCTVના આધારે શખ્સને શોધવા તપાસ હાથ ધરી.
અમદાવાદ: વેજલપુર ગેસ એજન્સી બહાર લાંબી લાઈનો લાગી છે. ઘરેલું ગેસ સિલિન્ડર ન મળતા એજન્સી બહાર ગ્રાહકોએ લાઈનમાં ઉભા છે. બુકિંગ બાદ ડિલિવરી ન મળતી હોવાનો ગ્રાહકોની ફરિયાદ છે. એક સાથે વધુ લોકો બુકિંગ કરાવતા ઓનલાઈન સિસ્ટમને અસર થઈ રહી છે. આ તરફ ગેસ પુરવઠો પૂરતો હોવાનું ગેસ એજન્સી જણાવી રહી છે. લોકો ખોટો પેનિક કરી રહ્યા છે. જેની જરૂર નથી.
સુરત: કોમર્શિયલ ગેસની બોટલની અછત સામે સમુહ લગ્નમાં ભોજન માટે લાકડાનો ઉપયોગ કરાયો છે. ઉત્તર ભરતીય સમૂહ વિધવા સમિતિએ લગ્નનું આયોજન કર્યુ હતુ. કોમર્શિયલ ગેસ પૂરતો ન મળતા લાકડાના ચૂલા બનાવ્યા છે. 15000થી વધુ લોકોનુ ભોજન બનાવવા ચુલાનો ઉપયોગ કરાયો છે. સમૂહ લગ્નના મેનૂની વાનગી પણ ઘટાડવામાં આવી છે.
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે કોંગ્રેસે કમર કસી છે અને ચૂંટણીની તૈયારીઓ અંગે કોંગ્રેસમાં બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. પ્રભારી મુકુલ વાસનિક અને અમિત ચાવડાની અધ્યક્ષતામાં ચૂંટણી સમિતિઓની બેઠક ચાલી રહી છે. ચૂંટણીની તમામ સમિતિઓના પ્રમુખો અને સભ્યોની બેઠક મળી છે. ચૂંટણી પૂર્વેની તૈયારીઓ અને સમિતિની જવાબદારીઓ અંગે ચર્ચા કરવામાં આવશે. કયા વિસ્તારમાં કયા મુદ્દાઓને મહત્વ આપવું અને રણનીતિ અંગે ચર્ચા થશે. તમામ જિલ્લા-શહેર પ્રમુખો સાથે પણ પ્રભારી અને પ્રદેશ અધ્યક્ષ બેઠક કરશે. ગુજરાત આવેલા કોંગ્રેસ પ્રભારી અને રાજ્યસભા સાંસદ મુકુલ વાસનિકે જણાવ્યુ કે સરકારને દુનિયામાં શું ચાલી રહ્યુ છે તેની કંઈ ચિંતા જ નથી. ઈરાન પર અમેરિકા દ્વારા હુમલો કરાયો અને એમના સુપ્રીમ લીડરની હત્યા કરાઈ ત્યારે PM કે વિદેશમંત્રીએ નિંદાનો એક શબ્દ પણ ન કર્યો. ઈરાન અન્ય ખાડી દેશો પર હુમલો કરે એનો ભારત વિરોધ કરે છે પરંતુ ઈરાન પર હુમલો થાય એ અંગે વડાપ્રધાન કઈ બોલતા નથી.
મહેસાણાનો વિજાપુર તાલુકો બટાકાના ઉત્પાદનમાં હમેંશા અગ્રિમ હરોળમાં રહ્યો છે. પરંતુ આ વખતે બટાકાનું મોટાપાયે ઉત્પાદન કરવું ખેડૂતો માટે જોખમરૂપ સાબિત થયું છે. ખેડૂતોએ સારા ભાવની આશા સાથે બટાકાનું મબલખ ઉત્પાદન મળે તે પ્રમાણે વાવેતર કર્યું હતુ અને અંતે બટાકાનું ઉત્પાદન પણ મબલખ મળ્યું પરંતુ જ્યારે માર્કેટમાં બટાકા વેચવા ગયા તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા જગતનો તાત ભારે પરેશાન છે. કુદરતની કરામત અને બજારની મંદીએ ખેડૂતોની કમર તોડી નાખી છે. ગત વર્ષ કરતા આ વખતે બટાકાના ભાવમાં મોટો કડાકો છે. 20 કિલો બટાકાના ભાવ 250થી 450 રૂપયાની આસપાસ હતા, જે ચાલુ વર્ષે ઘટીને માત્ર 80થી 150 રૂપિયા સુધી પહોંચી ગયા છે. જેથી ખર્ચ કાઢવો પણ હવે ખેડૂતો માટે લોઢાના ચણા ચાવવા જેવું બન્યું છે.
અમદાવાદ: ભાજપ અમરાઈવાડી વિધાનસભામાં આંતરિક ભડકો સામે આવ્યો છે. ધારાસભ્ય સામે કાર્યકરોએ બળાપો કાઢ્યો છે. MLA વિરુદ્ધ કાર્યકરોનો આક્રોશ અને ‘હિટલરશાહી’ના આક્ષેપ લાગ્યા છે. MLA કાર્યક્રમમાં હાજર ના રહેતા હોવાનો આક્ષેપ સાથે અમરાઈવાડીમાં હિટલરશાહી ચાલતી હોવાનો આક્ષેપ કરાયો છે.
સિનિયર કાર્યકર્તાઓનું પ્રભારી પણ સાંભળતા ન હોવાનો અને કાર્યકરો અને હોદ્દેદારોનું સન્માન ઘવાતું હોવાનો આરોપ લગાવાયો છે. AC ઓફિસમાં બેસેલા લોકોને કાર્યકરોની વેદના ક્યાં સમજાય છે. આ તમામ બાબતે કાર્યકરોએ સોશિયલ મીડિયામાં બળાપો કાઢ્યો છે.
કાર્યકરોએ સોશિયલ મીડિયામાં કાઢ્યો બળાપો
રાજકોટ: AIIMSમાં અભ્યાસ કરતા તબીબ વિધાર્થીએ આપઘાત કર્યો છે. રતનકુમાર મેઘવાળ નામના વિધાર્થીએ ટ્રેન નીચે ઝંપલાવીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. અગાઉ પણ યુવક એક વખત આપઘાતનો પ્રયાસ કરી ચુક્યો છે. પોલીસે મૃતદેહને PM અર્થે ખસેડ્યો
સિંગર કિંજલ રબારી ઘરે પરત આવતા વિવાદ સમેટાયો છે. કિંજલ રબારી ઘરે પરત આવતા વિવાદ સમેટાયો છે. સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નનો સતત વિરોધ થઈ રહ્યો હતો. કિંજલે આંજણા પટેલ સમાજના યુવક સાથે પ્રેમલગ્ન કરતા બખેડો સર્જાયો હતો. સમાજના આગેવાનો અને પરિવારજનોની મધ્યસ્થીથી કિંજલ રબારી ઘરે પરત ફરી છે. રાધનપુરના સિનાડ ગામે કિંજલ રબારી પહોંચી.
જર, જમીન, જોરું, ત્રણ કજીયાના છોરુંની કહેવતમાં હાલના સમયમાં જમીનોના ભાવ કરોડોએ પહોંચતા જમીનો મુદ્દે કજીયા અને વિવાદો વધી ગયા છે. મહેસાણા જિલ્લામાં જ્યાં પણ જાવ ત્યાં જમીનોના ભાવ સાતમા આસમાને જોવા મળી રહ્યા છે અને તેના કારણે જમીનોના વિવાદ પણ મોટા પ્રમાણમાં સરકારી ચોપડે નોંધાયા છે. મહેસાણા જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં જમીન વિવાદમાં કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગની અરજીઓમાં જબરદસ્ત વધારો નોંધાયો છે. ગત વર્ષે મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરીમાં જમીન વિવાદમાં લેન્ડ ગ્રેબિંગ મુદ્દે 273 અરજીઓ નોંધાઈ હતી અને જમીનની 273 અરજીમાંથી 134 અરજીઓમાં સમાધાન થયું હતું. જોકે જમીન વિવાદના ગંભીર પ્રકારના કિસ્સામાં 6 અરજીઓમાં તાજેતરમાં કુલ 6 લેન્ડ ગ્રેબિંગની ફરિયાદો નોંધાઈ છે.
અમદાવાદમાં આવેલા જસુભાઈ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ સામે CBIની કાર્યવાહી કરી. જસુભાઈ જ્વેલર્સના MD સહિત 7 લોકો સામે બેંક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ. મુંબઈ CBIએ 145 કરોડના કૌભાંડ બદલ ગુનો નોંધી તપાસ હાથ ધરી. SBI, BOI અને IOB બેંક સાથે છેતરપિંડી આચરવામાં આવી. ફોરેન્સિક ઓડિટમાં આરોપીઓની ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવણી હોવાની વિગત ખૂલી. વસ્ત્રાપુરના જસુભાઈ જ્વેલર્સે બેંક ભંડોળનું ડાયવર્ઝન અને ગેરઉપયોગ કર્યો હોવાનો ઉલ્લેખ છે.
વર્ષ 2012-13માં લીધેલી લોન ભરપાઈ ન કરતા કાર્યવાહી કરાઈ.
ડિજિટલ રોકાણના નામે ઠગબાજોએ રોકાણકારોને છેતર્યા હતા. આરોપીઓએ ગુજરાત અને મહારાષ્ટ્રના રોકાણકારોને છેતર્યા હતા. રોકાણકારોએ 2થી 10 ટકાના રિટર્નના નામે લોકોને છેતર્યા હતા. જે અંગેની તપાસમાં લગભગ 183 કરોડની ગેરકાયદેસર આવક સામે હતી.જે બાદ આરોપીઓ દુબઈ ભાગી ગયા હતા અને નેપાળના માર્ગે પરત આવ્યા હતા
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, સરકારે દેશના ઉર્જા પુરવઠાને સુરક્ષિત રાખવા અને આ કટોકટીનો સામનો કરવા માટે ઘણા પગલાં અમલમાં મૂક્યા છે. સરકારે કેરોસીનનો સ્થાનિક ઉપયોગ અસ્થાયી રૂપે પુનઃસ્થાપિત કર્યો છે, અને હોટલ અને રેસ્ટોરન્ટમાં કોલસા અને અન્ય વૈકલ્પિક ઇંધણના ઉપયોગ માટે પરવાનગી આપવામાં આવી છે.
નોઇડાના સેક્ટર-4 સ્થિત એક કંપનીમાં ભીષણ આગ લાગી છે. માહિતી મળતાં, ઘણા ફાયર ટેન્ડર ઘટનાસ્થળે દોડી ગયા છે અને હાલમાં આગ ઓલવવામાં રોકાયેલા છે. દરમિયાન, કંપની પરિસરમાં લાગેલી આગનો એક વિડિઓ પણ સામે આવ્યો છે.
ગુજરાતમાં ભર ઉનાળા વચ્ચે માવઠાનું સંકટ, 18 અને 19 માર્ચએ માવઠાની આગાહી કરવામાં આવી છે. 18 માર્ચે કચ્છ,બનાસકાંઠા, પાટણમાં માવઠાની શકયતા છે, જયારે 19 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર મોરબીમાં માવઠાની શકયતા તે સિવાય 19 માર્ચે રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, છોટાઉદેપુર, ભરૂચ નર્મદા સુરત તાપી માવઠાની શકયતા છે.
વિશ્વમાં યુદ્ધની સ્થિતિ સામાન્ય માણસના ખિસ્સા પર અસર પાડી રહી છે.. ત્યારે ગેસ સિલિન્ડરમાં પણ કાળાબજારીમાં વધારો થયો છે. સુરતમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ 4800 રૂપિયા પહોંચ્યા છે..
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) એ ઈરાનના ખાર્ગ ટાપુ પર સ્થિત લશ્કરી થાણાઓ પર ભારે બોમ્બમારો કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ કાર્યવાહી દરમિયાન, ટાપુ પર સ્થિત તમામ લશ્કરી થાણાઓ સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં, તેમણે જણાવ્યું હતું કે આ હુમલો તેમના આદેશ હેઠળ કરવામાં આવ્યો હતો અને તે પ્રદેશના ઇતિહાસમાં સૌથી શક્તિશાળી બોમ્બમારો હતો.
યુનાઈટેડ સ્ટેટ્સે ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેની સહિત 10 ઈરાની નેતાઓ અને લશ્કરી અધિકારીઓને પકડવા તરફ દોરી જતી માહિતી માટે 10 મિલિયન ડોલરનું ઈનામ જાહેર કર્યું છે.
જમ્મુ અને કાશ્મીરના પૌનીના ગાજોદ વિસ્તારમાં, એક કાર ઊંડી ખીણમાં ખાબકી. આ અકસ્માતમાં i20 કારમાં મુસાફરી કરી રહેલા એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે બે અન્ય લોકોને ગંભીર ઇજાઓ પહોંચી. મૃતકની ઓળખ ખૈરલેડના રહેવાસી દરાવર સિંહના પુત્ર 24 વર્ષીય સર્વજીત સિંહ તરીકે થઈ છે. દરમિયાન, ઘાયલોની ઓળખ 23 વર્ષીય મકસૂદ અહેમદ, મોહમ્મદ ખાનના પુત્ર અને 23 વર્ષીય અમનદીપ સિંહ, પ્રીતમ સિંહના પુત્ર તરીકે થઈ છે – બંને ખૈરલેડના રહેવાસી છે.
Published On - 8:39 am, Sat, 14 March 26