14 માર્ચના મહત્વના સમાચાર : આ વર્ષે પણ 45 ડિગ્રીથી વધુ ગરમી માટે તૈયાર રહેવા હવામાનના જાણકારની ચેતવણી

|

Mar 14, 2025 | 9:54 PM

આજે 14 માર્ચને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

14 માર્ચના મહત્વના સમાચાર : આ વર્ષે પણ 45 ડિગ્રીથી વધુ ગરમી માટે તૈયાર રહેવા હવામાનના જાણકારની ચેતવણી

Follow us on

આજે 14 માર્ચને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 14 Mar 2025 09:30 PM (IST)

    સુરેન્દ્રનગરના થાન સરોડી ગામે એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે મારામારી, એકનુ મોત

    સુરેન્દ્રનગરના થાન સરોડી ગામે એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે મારામારી, એકનુ મોત થયું છે. ધૂળેટીની ઉજવણી દરમિયાન એકબીજાને રંગવા બાબતે બોલાચાલી થઈ હતી. મામલો ઉગ્ર બનતા એક વ્યક્તિની તીક્ષ્ણ હથિયારો વડે હત્યા કરવામાં આવી હતી. ત્રણથી ચાર વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અન્ય ચાર થી પાંચ વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. મૃતદેહને પીએમ અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખસેડાયા છે.

  • 14 Mar 2025 09:27 PM (IST)

    આ વર્ષે પણ 45 ડિગ્રીથી વધુ ગરમી માટે તૈયાર રહેવા હવામાનના જાણકારની ચેતવણી

    ગુજરાતવાસીઓને કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવા હવામાનના જાણકારનું કહેવું છે. આવનારા સમયમાં પાછલા વર્ષની જેમ તાપમાન 45 ડિગ્રીથી વધુ રહેવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. હવામાનના જાણકાર ચિરાગ શાહે આગાહી કરી છે કે, ત્રણ સિસ્ટમ સક્રિય થવાથી વાતાવરણમાં પરિવર્તન થઈ રહ્યું છે. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી તાપમાનમાં વધારો થશે. જ્યારે અરબ સાગરમાં પણ સાયક્લોનિક સકર્યુલેશન સક્રિય થઈ રહ્યું છે. ગુજરાત ઉપર છે લા નીનોની અસર. પેસિફિક મહાસાગરમાં થતી હલચલ વિશ્વમાં વાતાવરણની દિશા નક્કી કરે છે. છેલ્લા 7 વર્ષથી પેસિફિક મહાસાગરમાં થયેલા ફેરફાર વાતાવરણમાં પરિવર્તનનું મોટું કારણ બન્યું છે.

  • 14 Mar 2025 09:21 PM (IST)

    વસ્ત્રાલના અસામાજીક તત્વો 4 દિવસના રિમાન્ડ પર સોંપાયા

    વસ્ત્રાલમાં અસામાજીક તત્વો દ્વારા તોડફોડ કરનારા અસામાજીક તત્વોને 4 દિવસના રિમાન્ડ પર સોંપવા માટે કોર્ટે હુકમ કર્યો છે. રામોલ પોલીસે પકડેલા 13 આરોપીઓને મેટ્રો કોર્ટમાં રજૂ કરીને આરોપીઓની સઘન પુછપરછ અને વધુ તપાસ માટે સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. મેટ્રો કોર્ટે 14 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.

  • 14 Mar 2025 08:33 PM (IST)

    સુવર્ણ મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓ પર હુમલો, આરોપીની ધરપકડ

    અમૃતસરના સુવર્ણ મંદિર પરિસરમાં ભક્તો પર હુમલો થયો. એક અજાણ્યા વ્યક્તિએ પાંચ લોકો પર લાકડી વડે હુમલો કર્યો, જેમાં બધા ઘાયલ થયા. માહિતી મળતાં, પોલીસે આરોપી હુમલાખોરની ધરપકડ કરી લીધી છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે. આ ઘટના અમૃતસરના સુવર્ણ મંદિર પરિસરમાં બની હતી. શુક્રવારે, એક અજાણ્યો વ્યક્તિ લાકડી લઈને શ્રી હરમંદિર સાહિબ પરિસરમાં ઘૂસી ગયો અને 5 શ્રદ્ધાળુઓ પર હુમલો કરીને તેમને ઘાયલ કર્યા. આ હુમલામાં ભટિંડાના એક શીખ યુવકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે અને તે અમૃતસર સ્થિત શ્રી ગુરુ રામદાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચના ઇમરજન્સી વિંગમાં સારવાર હેઠળ દાખલ કરાયો છે.

  • 14 Mar 2025 08:29 PM (IST)

    ભરૂચ જિલ્લાના વિવિધ નદી-નાળામાં નાહવા પડેલા છ ડૂબ્યા !

    ધુળેટી પર્વે ભરૂચ જિલ્લામાં અલગ અલગ ચાર સ્થળોએ નાહવા પડેલા છ લોકો જળાશયોમાં લાપતા બન્યા છે. ભરૂચ તાલુકાના કડોદ, મકતમપુર, રહાડપોર અને જંબુસરમાં સર્ચ ઓપરેશનો શરૂ કરાયા છે. ભરૂચ ફાયર બ્રિગેડ સહિત ટુકડીઓ ઘટના સ્થળે પહોંચીને જળાશયમાં ડૂબેલાની શોધખોળ હાથ ધરી છે. ધુળેટી પર્વની ઉજવણી બાદ નદી-નાળામાં નાહવા પડ્યા હતા.

  • 14 Mar 2025 08:26 PM (IST)

    આંકલાવના રામપુરા ખાતે તબેલામાં આગ લાગતા ચાર પશુના મોત

    આણંદ જિલ્લાના આંકલાવના રામપુરા ખાતે તબેલામાં આગ લાગતા ચાર પશુના મોત થયા છે. તબેલા નજીક આવેલ વીજ ડીપીમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. ડીપીના તણખા ઘાસના પૂળામાં પડતા આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા તબેલામાં બાંધેલ ચાર ભેંસો ગંભીર રીતે દાઝી જતા મોત થયા છે. બોરસદ અને આણંદ ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી.

  • 14 Mar 2025 08:25 PM (IST)

    નડિયાદમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત, એકનુ મોત

    નડિયાદના vkv રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક સવારનું મોત થયું છે. ઘટના બન્યા બાદ બ્લેક કાચ વાળી ફોર્ચ્યુનર કાર નંબર GJ 27 ED 0056નો ચાલક કાર લઈને ફરાર થયો હોવાનું સ્થાનિકોનુ કહેવું છે. ઘટના સ્થળે મરણજનાર યુવકનું નામ યુવરાજ દિલીપ રાજપુત હોવાનુ અને છ મહીના પહેલા જ તેના લગ્ન થયા હોવાનું સામે આવ્યું છે. નડિયાદ શહેર પોલીસે મૃતકના મૃતદેહનો કબજો લઇ પીએમ માટે હોસ્પિટલમાં મોકલી, ફરાર થઈ ગયેલા કાર ચાલક અંગે વધુ તપાસ હાથ ધરી છે.

  • 14 Mar 2025 07:16 PM (IST)

    અમરેલીના લાઠીમાં પતિએ જ, પત્નીનુ ગળું કાપી કરી કરપીણ હત્યા

    અમરેલીના લાઠીમાં ધૂળેટી પર્વે હત્યાની ઘટના ઘટતા સ્થાનિકોમાં હાયકારો નીકળી ગયો છે. લાઠી કેરિયા રોડ ઉપર આવેલા ખોડિયાર નગરમાં 26 વર્ષીય પરણિત યુવતીની હત્યા ખૂદ તેના પતિએ જ કરી છે. પતિએ જ ગળું કાપી કરી પત્નીની કરપીણ હત્યા કરી છે. 26 વર્ષીય રેહાના નામની યુવતીની તેના જ પતિએ કરી બેરહેમીથી હત્યા. ગળા તથા પેટના ભાગે છરીના આડેધડ ઘા ઝીંકી દેતા ઘટનાસ્થળે પરણિત મહિલાનું મોત થયું હતું. પત્નીના ચારિત્ય બાબતની શંકામાં પતિએ કરી નિર્મમ હત્યા. અમરેલીના DYSP ચિરાગ દેસાઈ અને લાઠી પોલીસ ઘટનાસ્થળે પહોચીને મૃતક મહિલાના પતિ ગુલાબ કરીમ શમા સામે ગુન્હો નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે.

  • 14 Mar 2025 07:12 PM (IST)

    અંકલેશ્વર નજીક સ્ક્રેપ માર્કેટમાં ફરી લાગી આગ

    ભરૂચના અંકલેશ્વર નજીક સ્ક્રેપ માર્કેટમાં ફરી આગ લાગી છે. નોબલ માર્કેટના સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે, તેના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડયા હતા. નેશનલ હાવેઇ 48ને અડીને આવેલું સ્ક્રેપ માર્કેટ છે. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવા પ્રયત્ન કર્યા છે.

  • 14 Mar 2025 07:10 PM (IST)

    ગોંડલના ચર્ચાસ્પદ રાજકુમાર જાટ મૃત્યુ કેસનો ભેદ ઉકેલાયો, પોલીસે કર્યો મોટો ખુલાસો

    રાજકોટ જિલ્લાના ગોંડલમાં રહેતા મૂળ રાજસ્થાનના યુવાન રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે.રાજકુમારનું મોત અકસ્માતને કારણે જ થયું હોવાનો પોલીસે ખુલાસો કર્યો છે આ કેસમાં પોલીસે ખાનગી બસના ડ્રાઇવર રમેશ મેર નામના વ્યક્તિની ધરપકડ કરી છે.

    રાજકુમારના મોત બાદ પરિવારજનો આ મોતને શંકાસ્પદ ગણાવતા હતા અને આ કેસમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સામે આંગળી ચીંધી રહ્યા હતા જો કે અકસ્માત બન્યા બાદ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી હતી અને અમદાવાદ હાઇ વે પર જતા વાહનો અંગે તપાસ શરૂ કરી હતી.

    પોલીસે આ કેસમાં અકસ્માત સ્થળથી કુવાડવા સુધી કુલ 150 સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. બનાવ બન્યો તે સમયગાળામાં પોલીસ તપાસમાં 12 મોટા વાહનો મળીને કુલ 30 જેટલા વાહનો પસાર છતા જોવા મળ્યા હતા. જો કે એક ડમ્પર ચાલકે પોલીસને મહત્વની લીડ આપી હતી જેના આધારે પોલીસ અકસ્માત સર્જનાર વાહન સુધી પહોંચી હતી.

  • 14 Mar 2025 04:43 PM (IST)

    નેશનલ હાઇવે પર પોરથી કરજણ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 થી 4ના મોતની આશંકા

    નેશનલ હાઇવે પર પોરથી કરજણ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં આશરે 3 થી 4 લોકોના મોત થયાની વાત સામે આવી છે. પોરથી કરજણ વચ્ચે હાઇવે પર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો. કાર ધડાકા ભેર ઝાડમાં અથડાઈ રોડના કિનારે ખાડામાં ખાબકી છે. ઘટના સ્થળ પર જ 3 થી 4 ના મોત થયા હતા. રાહદારીઓએ ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર અર્થે ખસેડ્યા છે.

  • 14 Mar 2025 04:19 PM (IST)

    અમદાવાદના ફ્રુટના વેપારીને હની ટ્રેપમાં ફસાવનાર ગેંગના 2 આરોપી ઝડપાયા

    અમદાવાદમાં વેપારીને હનીટ્રેપમાં ફસાવીને એક કરોડની ખંડણી માંગીને રૂપિયા 1.20 લાખની લૂંટ કરનાર ગેંગના 2 આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીએ તેની પ્રેમિકાની મદદથી અમદાવાદના નરોડા સ્થિત ફ્રુટમાર્કેટના ફ્રૂટના વેપારીને ફસાવીને અપહરણ કરીને 2 કરોડની ખડણી માંગી હતી. પકડાયેલા બંને આરોપીઓ 20થી વધુ ગુનામાં સંડોવાયેલા હોવાનું ખુલ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે હનીટ્રેપમાં વોન્ટેડ મહિલા આરોપીની શોધખોળ શરૂ કરી છે.

  • 14 Mar 2025 04:06 PM (IST)

    સરકાર-પોલીસની સત્તાને અસામાજીક તત્વો છડેચોક પડકારે છે, ગૃહપ્રધાન કહે છે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પણ એકાદ ચમરબંધીને તો પકડો-કોંગ્રેસ

    છેલ્લા 72 કલાક દરમિયાન  રાજ્યના વિવિધ વિસ્તારોમાં બનેલ ઘટનાને લઈને કોંગ્રેસે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંધવી સામે પ્રહાર કર્યાં છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિ અંગે કોંગ્રેસના નેતાએ કહ્યુ છે કે, રાજ્યમાં 72 કલાકમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી અનેક ઘટનાઓ ઘટવા પામી છે. મહિલા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. અમદાવાદના ભરચક સોસાયટીથી ઘેરાયેલા વિસ્તારમાં સશસ્ત્ર આતંક ફેલાવામાં આવે છે. ઘટના બાદ ગૃહરાજ્યમંત્રી કહે કે કોઇ ચમરબંધીને છોડવામાં નહી આવે, કોંગ્રેસ કહે છે કે એકાદ ચમરબંધીને તો પકડો. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ગૃહમંત્રી તરીકે મક્કમ પગલાં ક્યારે લેશે.

     

  • 14 Mar 2025 03:53 PM (IST)

    ધૂળેટી પર્વના દિવસે કરજણ નવા બજાર વિસ્તારમાં આવેલ સરકારી ગોડાઉનમાં લાગી આગ

    ધૂળેટી પર્વના દિવસે કરજણ નવા બજાર વિસ્તારમાં આવેલ સરકારી ગોડાઉનમાં આગ લાગી હતી. સિવિલ કોર્ટ પાસેના ગાર્ડનની સામે આવેલ એક સરકારી ગોડાઉનમાં લાગી આગ. કરજણ ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચીને સતત પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબુ. કરજણ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવતા ગોડાઉનમાં ભારે નુકસાન થતું અટકાવ્યું. સદનસીબે આગના બનાવ માં કોઈ જાનહાનિ થયેલ નથી…

  • 14 Mar 2025 02:48 PM (IST)

    સુરત : એક સાથે બે કંપની આવી આગની લપેટમાં

    સુરતઃ સચિન હોજીવાલા વિસ્તારમાં એક સાથે બે કંપની આગની લપેટમાં આવી છે. પ્લાસ્ટિક અને કાપડની કંપનીમાં આગ લાગી. ડીપીમાં બ્લાસ્ટ બાદ આગ લાગ્યાનું અનુમાન છે. કાપડ કંપનીમાં લાગેલી આગ પ્લાસ્ટિક કંપનીમાં પણ ફેલાઈ. ફાયર બ્રિગેડના 5થી વધુ ગાડી ઘટનાસ્થળે છે.

  • 14 Mar 2025 02:03 PM (IST)

    ગીર સોમનાથઃ વેરાવળ નજીક સિંહણ કુવામાં ખાબકી

    ગીર સોમનાથઃ વેરાવળ નજીક સિંહણ કુવામાં ખાબકી જતા કુવામાં દોરડા અને ખાટલો ઉતારી રેસ્ક્યૂ કરાયું. સિંહણ કુવામાં ખાબક્યાની ખેડૂતને જાણ થઈ હતી. વન વિભાગના અધિકારીઓએ સિંહણનું રેસ્ક્યૂ કર્યું.

  • 14 Mar 2025 11:17 AM (IST)

    રાજકોટમાં હાઈપ્રોફાઈલ બિલ્ડિંગમાં આગ, 3 મોત

    શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી હાઈપ્રોફાઈલ એસ્લાન્ટિંસ બિલ્ડિંગમાં અચાનક આગ ભભૂકી ઉઠતા હાહાકાર મચી ગયો. ત્રણના મોતની આશંકા છે.  જાણકારી મળતા જ ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી.

  • 14 Mar 2025 11:01 AM (IST)

    અમદાવાદના કુમકુમ મંદિરે યોજાયો ફૂલડોલોત્સવ

    અમદાવાદના કુમકુમ મંદિરે પણ ફૂલડોલોત્સવની ઉજવણી કરાયો. ગુલાલ અને કેસૂડાના જળથી શ્રી સ્વામિનારાયણ ભગવાનને રંગવામાં આવ્યા. પૂજારી ભગવાનને પિચકારી મારતા પણ જોવા મળ્યા.  તેમને લાલ-પીળા, જાંબલી અને વાદળી સહિતના રંગે રંગી દીધા. ઉપરાંત, ખજૂર અને ધાણીનો પ્રસાદ પણ અર્પણ કરાયો. મહત્વનું છે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં 200 વર્ષથી ફૂલડોલોત્સવની ઉજવણી કરવામાં આવે છે.

  • 14 Mar 2025 10:56 AM (IST)

    જામનગર: હોલિકા દહનની મોડી રાત્રે ખેલાયો ખૂની ખેલ

    જામનગર: હોલિકા દહનની મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો. મોરકંડા પાટીયા પાસે સામાન્ય બોલાચાલી બાદ જીવલેણ હુમલો થયો. ત્રણ સગા ભાઈ પર હુમલો થતા એકનું ગંભીર ઈજાને કારણે મોત થયુ. અન્ય બે યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી.

  • 14 Mar 2025 09:27 AM (IST)

    તેલના ડબ્બાના ગોડાઉનમાં આગ લાગી

    અમદાવાદઃ અમરાઈવાડી વિસ્તારમાં તેલના ડબ્બાના ગોડાઉનમાં આગ લાગી. વિકરાળ આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઇ. ફાયરબ્રિગેડે મહામહનતે આગને કાબૂમાં લીધી.

  • 14 Mar 2025 09:12 AM (IST)

    સોમનાથ-ભાવનગર હાઈવે પર બસ પલટતા અકસ્માત, 1 મોત

    ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ-ભાવનગર હાઈવે પર ઉંબરી ગામના પાટીયા નજીક એક ગંભીર બસ અકસ્માત થયો. મુસાફરો ભરેલી બસ અચાનક પલટી જતા એક વ્યક્તિનું દુખદ મૃત્યુ નીપજ્યું, જ્યારે 14 લોકો ઘાયલ થયા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને ઘાયલ મુસાફરોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. આ દુર્ઘટનાને કારણે હાઈવે પર થોડો સમય માટે ટ્રાફિક જામ સર્જાયો, אך અધિકારીઓએ પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી.

  • 14 Mar 2025 07:14 AM (IST)

    ગાંધીનગરઃ પાલજમાં સૌથી મોટી હોલિકા દહન

    પાલજ ગામમાં હોળીનું ઉત્સવ વિશેષ ઉત્સાહ અને પરંપરાગત રીતિથી ઉજવવામાં આવે છે. અહીંની સૌથી વિશિષ્ટ પરંપરા મહાકાળી મંદિર પાસે 35 ફૂટ ઊંચી હોલિકા દહન કરવાની છે, જે 700 વર્ષથી ચાલતી આવી રહી છે. ગામના યુવાનો 15 દિવસ પહેલાંથી જ તૈયારીઓ શરૂ કરે છે અને હોળીની જ્વાળાઓ પરથી આવનાર વર્ષ માટેનું વરતારો નક્કી કરવામાં આવે છે. હોળીના દિવસે ગામમાં વિશાળ મેળો ભરાય છે, અને દરેક ઘરમાં લાડવા બનાવવાનું વિશેષ મહત્વ છે.

  • 14 Mar 2025 07:13 AM (IST)

    દેવભૂમી દ્વારકાઃ ફૂલડોલ ઉત્સવ માટે ભક્તોની ભારે ભીડ

    દ્વારકામાં જગતમંદિરમાં ફૂલડોલ ઉત્સવમાં માટે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ ઉમટ્યા છે. હોળી ધૂળેટીની પર્વને લઈ ભગવાન દ્વારકાધીશની નગરી ભક્તિમય માહોલથી રંગાઈ છે. રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં લોકો ફૂલડોલ ઉત્સવ માટે આવી રહ્યા છે. જગતમંદિરના પરિસરમાં શ્રધ્ધાળુઓ ગરબે ઘૂમ્યા. ત્યારે જગતમંદિરના ડ્રોન વીડિયો પણ સામે આવ્યા છે. ભક્તનોની સુરક્ષા અને સલામતી માટે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે.

  • 14 Mar 2025 07:12 AM (IST)

    જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં અનેક સ્થળોએ ભૂકંપના આંચકા અનુભવાયા

    જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, શુક્રવારે સવારે લદ્દાખના કારગિલમાં 5.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જ્યારે જમ્મુ અને કાશ્મીરના ઘણા વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં ભૂકંપ સવારે 2.50 વાગ્યે 15 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.

Published On - 7:11 am, Fri, 14 March 25