The liveblog has ended.
-
13 Nov 2025 09:37 PM (IST)
આરોપીને આશરો આપવા અને ઘરમાંથી દારુની બોટલ મળી આવતા, 2 મહિલા કોન્સ્ટેબલ સામે નોંધાઈ ફરિયાદ
ભાવનગરની બે મહિલા પોલીસ કોન્સ્ટેબલ સામે આરોપીને આશરો આપવા અને ઘરમાંથી દારુની બોટલ મળી આવતા કેસ નોંધવામાં આવ્યો છે. ભાવનગર શહેર ના ભરતનગર પોલીસ મથક અને AHTU પોલીસમાં ફરજ બજાવતા 2 મહિલા કોન્સ્ટેબલ અને એક યુવાન સામે નોંધાઇ પોલીસ ફરીયાદ. ભરતનગર પોલીસ મથક માં AHTU માં ફરજ બજાવતા કોન્સ્ટેબલએ નોંધાવી પોલીસ ફરીયાદ. થોડા સમય પહેલા વરતેજ પોલીસ મથકમાં નોંધાયેલ એટ્રોસીટી ગુન્હાના આરોપીને આ મહિલા કોન્સ્ટેબલે આપ્યો હતો પોતાના જ ધરે આશરો. AHTU અને પેરોલ ફર્લોની ટિમને મળેલી બાતમીના આધારે મહિલા કોન્સ્ટેબલના ઘરે ચેકીંગ કરવામાં આવતા એટ્રોસીટીનો આરોપી મળી આવ્યો હતો. આ સાથે પોલીસને એક દારૂની બોટલ પણ મહિલા કોન્સ્ટેબલના ઘરેથી મળી આવી હતી. AHTUના કોન્સ્ટેબલ એ ભરતનગર પોલીસ મથકમાં 2 મહિલા કોન્સ્ટેબલ અને એટ્રોસીટીના આરોપી પાર્થ ધાંધલ્યા સામે ફરીયાદ નોંધાઈ છે.
ભરતનગર પોલીસ એ 2 મહિલા કોન્સ્ટેબલ અને 1 યુવાન ની કરી અટકાયત. બંને મહિલા કોન્સ્ટેબલ સામે આરોપીને આશરો આપવાની પણ અલગથી નોંધાઇ પોલીસ ફરીયાદ. મહિલા કોન્સ્ટેબલ વિરુદ્ધ પોતાના જ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાતા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે.
-
13 Nov 2025 09:33 PM (IST)
રાધનપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈના મનામણા ?
રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ નારાજ થઈને કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ આપી દિધુ હતું. રઘુ દેસાઈના રાજીનામા મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પ્રતિક્રિયા સામે આવી છે. રઘુ દેસાઈના રાજીનામાની વાત પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, રઘુ દેસાઈ કોંગ્રેસ સાથે જ છે. રઘુ દેસાઈને થયેલ મનદુંખ મામલે કોંગ્રેસના નેતાઓએ બેઠક યોજી હતી. રઘુ દેસાઈને મનાવવામાં કોંગ્રેસ સફળ રહી છે.
-
-
13 Nov 2025 09:14 PM (IST)
ધોળકાના જવારજ ગામ પાસેથી અજાણી મહિલાનો કોહવાયેલો મૃતદેહ મળ્યો
અમદાવાદના ધોળકાના જવારજ ગામ પાસેથી અજાણી મહિલાનો મૃતદેહ કુતરાઓએ ફાડી કાઢેલી હાલતમાં મળી આવ્યો છે. કોઠ પોલીસને ઘટના જાણ થતા ઘટના સ્થળે દોડી આવી હતી. મહિલાના મૃતદેહને DNA સેમ્પલ તેમજ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. રીપોર્ટ આવ્યા બાદ મહીલાની ઓળખ તથા તેનુ મોત કઈ રીતે થયુ તે જાણવા મળશે.
-
13 Nov 2025 08:56 PM (IST)
ગુજરાત ATS આતંકી ડોકટર અહેમદ સૈયદને લઈને દિલ્હી પહોંચી
અમદાવાદના અડાલજ પાસેથી પકડાયેલા આતંકવાદી પૈકી એક આતંકવાદી દિલ્હી ગયો હોવાનું ખુલતા ગુજરાત એટીએસ તેને લઈને દિલ્હી પહોચી છે. ગુજરાત ATS એ પકડેલા, આતંકી ડોકટર અહેમદ સૈયદ એક વખત દિલ્હી ગયો હતો. જુલાઈ મહિનામાં આતંકી અહેમદ સૈયદ દિલ્હી ગયો હતો. ગુજરાત ATS ટીમ આતંકી અહેમદ સૈયદને લઈને દિલ્હી પહોંચી છે. દિલ્હીમાં આતંકી ડોકટર અહેમદ સૈયદ ક્યાં રોકાયો હતો ? કોને મળ્યો હતો ? તે દિશામાં ગુજરાત ATS એ તપાસ શરૂ કરી છે. આતંકી ડોકટર અહેમદ સૈયદ અને અન્યો પાસેથી ઓકાવી કાઢેલ માહિતીના આધારે હાલ ગુજરાત ATSની વિવિધ ટીમ દિલ્હી, યુપી અને રાજસ્થાનમાં તપાસ કરી રહી છે.
-
13 Nov 2025 08:46 PM (IST)
RFO સોનલ સોલંકી પર ફાયરિંગ કેસના આરોપી ઈશ્વરપુરી ગોસ્વામી 20 નવેમ્બર સુધી રિમાન્ડ પર
સુરત RFO સોનલ સોલંકી પર ફાયરિંગ થયાનો કેસમાં આરોપી નિકુંજ ગૌસ્વામીના મિત્ર ઈશ્વરપુરી ગોસ્વામીએ સોનલ સોલંકીને સુરત કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગણી કરી હતી. સુરત કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આગામી 20 નવેમ્બર સુધી રિમાન્ડ પર સોપવાનો હુકમ કર્યો છે. હથિયાર ક્યાં છે, કેટલા દિવસ પહેલા પ્લાન બનાવ્યો તે બાબતે વધુ પૂછતાછ કરવામાં આવશે.
-
13 Nov 2025 07:53 PM (IST)
ઓનલાઈન સટ્ટાબાજી કરનારની સ્થિર મિલકતો ED એ PMLA હેઠળ જપ્ત કરી
EDએ ઓનલાઈન સટ્ટાબાજીના કેસમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. PMLA હેઠળ રૂ. 81 લાખની અચલ મિલકતો જપ્ત કરી છે. સુરત ડીસીબી પોલીસે કમલેશ જરીવાલા અને અન્ય સામે નોંધાવ્યો હતો કેસ. EDની તપાસમાં બહાર આવ્યું ગેરકાયદેસર સટ્ટાબાજીનો કાળો કારોબાર. સટ્ટાબાજી વેબસાઇટ્સ M/s CBTF247.COM અને T20EXCHANGE.COMનો ઉપયોગ કરતા હતા. નકલી કંપનીઓના બેંક ખાતાઓ મારફતે પૈસાની લેવડ દેવડ કરતા હતા. અમિત મજીઠિયા અને તેના સાથીદારો મુખ્ય ભુમિકા ભજવતા હોવાનું ખુલ્યું હતું. નોઇડાની BCC મ્યુઝિક ફેક્ટરીમાં પત્ની રોહિણીને બનાવ્યા 85 % ભાગીદાર. ગેરકાયદેસર કમાણીથી રોહિણીના નામે ખરીદાઈ હતી મિલકતો. EDની કાર્યવાહીથી ઓનલાઈન સટ્ટાબાજી કરતી મંડળીમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
-
13 Nov 2025 07:48 PM (IST)
PM મોદી વિરુદ્ધ ટિપ્પણી કરનાર સામે સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
વડાપ્રધાનને અભદ્ર ટિપ્પણી કરનારા સામે સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ. સાયબર ક્રાઈમ બ્રાન્ચે બેંગલુરુના ગુરુદત શેટ્ટીને નોટિસ આપીને કાર્યવાહી કરી હતી. પૂર્વ એમ.પી સુબ્રમણ્યમ સ્વામી X પર પોસ્ટ કરતા સમગ્ર મામલો ગરમાયો. વાણી સ્વાતંત્રનો મુદ્દો ઉઠાવીને સુબ્રમણ્યમ સ્વામી X પર કરી પોસ્ટ. આ પોસ્ટમાં ગુજરાત પોલીસ કામગીરી સવાલ ઉઠાવ્યા. ટિપ્પણી કરનાર યુવકને નોટિસ આપી કાર્યવાહી કરી. સાયબર ક્રાઈમ વધુ તપાસ શરૂ કરી.
-
13 Nov 2025 07:45 PM (IST)
વિરમગામથી પસાર થતી નર્મદાની સૌરાષ્ટ્ર શાખા મુખ્ય કેનાલમાં બે યુવકો ડૂબ્યા
અમદાવાદના વિરમગામથી પસાર થતી નર્મદાની સૌરાષ્ટ્ર શાખા મુખ્ય કેનાલમાં બે યુવકો ડૂબ્યા છે. વિરમગામ સુરેન્દ્રનગર હાઇવે પર થોરી મુબારક ગામ પાસે કેનાલમાથી બંને યુવકોના મૃતદેહ મળી આવ્યા છે. વિરમગામ નગરપાલિકા ફાયર ટીમ એ યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. ગઇકાલે શ્રમિક પરિવારના બે યુવકો નાહવા જતા ડૂબ્યા હતા. બારીયા કાર્તિક રાયસીંગભાઇ અને રાઠોડ સચિન વિક્રમભાઈ ઉંમર વર્ષ 18ના મૃતદેહ મળ્યા છે.
-
13 Nov 2025 07:17 PM (IST)
સેનાની ત્રણેય પાંખે યોજેલી સંયુક્ત કવાયતથી પોરબંદરનો દરિયાકાંઠો ધ્રુજી ઉઠ્યો
પોરબંદર સમુદ્ર કિનારા પર ભારતીય સેનાની ત્રણેય પાંખનો આયુક્ત કવાયત યોજાઈ હતી. ઇન્ડિયન નેવી, ઇન્ડિયન એરફોર્સ, અને ઇન્ડિયન આર્મી દ્વારા કવાયત યોજાઈ હતી. ભારતીય બનાવટની શીપ, ટેન્ક, એરક્રાફ્ટ, મિગ 29 અને જગુઆર જેવા આધુનિક ટેકનોલોજી વાળા શસ્ત્ર સંરજામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. માધવપુર ખાતે યોજાયેલ યુદ્ધાભ્યાસમાં આત્મનિર્ભર ભારત અંતર્ગતના શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવેલ હતો. ડ્રોન કેસ સહિતની રોમાંચક કવાયત આજની ઇવેન્ટ માં જોવા મળી હતી. માધવપુર સમુદ્ર કિનારા પર બંકરો અને લેન્ડ ગ્રેનેટ, બોમ્બ મારથી ધરા ધ્રુજી ઉઠી હતી.ૉ
-
13 Nov 2025 06:39 PM (IST)
CM ભૂપેન્દ્ર પટેલ આકરા પાણીએ, રોડની ગુણવત્તા અંગે મ્યુ. કમિશનરોને રોજ ફિલ્ડ વિઝીટ કરીને રિપોર્ટ આપવા કર્યો આદેશ
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ મહત્વપૂર્ણ બેઠકમાં રસ્તાની ગુણવત્તા અંગે કડકાઈ દાખવી છે. મુખ્યમંત્રીએ આ બેઠકમાં સ્પષ્ટ સૂચનાઓ આપી કે, રોડ-રસ્તાના કામોની ક્વોલિટીમાં બાંધછોડ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં. તાજેતરમાં 3 કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, હલકી ગુણવત્તાના કામો કરનારા 13થી વધુ કોન્ટ્રાક્ટરોને આ વર્ષે બ્લેકલિસ્ટ કરવા સુધીના સખત શિક્ષાત્મક પગલાં પણ મુખ્યમંત્રીની સીધી સૂચનાથી લેવાયા છે.
તેમણે શહેરી મહાનગરોના કમિશનરો અને ડેપ્યુટી કમિશનરોને દરરોજ ગ્રાઉન્ડ પર ઉતરીને ફિલ્ડ વિઝીટ કરવા અને 30મી નવેમ્બર સુધીમાં સ્થળ અહેવાલ આપવા જણાવ્યું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, જે રોડ-રસ્તા મેન્ટેનન્સ-ગેરેન્ટી પિરીયડ દરમિયાન તૂટી જાય તો તેના કોન્ટ્રાક્ટર્સને તાત્કાલિક બ્લેક લિસ્ટ કરવા સહિતની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.
-
13 Nov 2025 06:20 PM (IST)
50 હજારથી લઈને દોઢ લાખમાં કાચબાનું ગેરકાયદે વેચાણ કરવાનુ કૌંભાડ પકડાયું, ગુજરાત-રાજસ્થાનમાંથી 4ની ધરપકડ
અમદાવાદ ગ્રામ્ય SOG અને વન વિભાગે સંયુક્ત કામગીરી હાથ ધરીને ઇન્ડિયન સ્ટાર ટોર્ટોઈસ (કાચબા) ના વેચાણનું આંતર રાજ્ય વેચાણ ઝડપાયું છે. ગુજરાત અને રાજસ્થાનમાંથી 4 શખ્સોની કરાઈ ધરપકડ. ફોરેસ્ટ વિભાગને ઈન્સ્ટાગ્રામ પર કાચબાના વેચાણ કરવામાં આવતુ હોવાની જાણ થઈ હતી. ઈન્સ્ટાગ્રામ પર અમદાવાદ ડોગ લવર નામના પેજ પર જાહેરાત મુકાઇ હતી. ફોરેસ્ટની ટીમ અને ગ્રામ્ય SOG ગ્રાહક બનીને આરોપી સુધી પહોંચી. જયપુરનો મુકેશ સોની ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત મુકતો હતો.
અજમેરનો શુભમ નોતવાણી મુકેશ પાસે આવતા ઓર્ડર આગળ પહોંચાડતો હતો. યશવંત ચૌહાણ શુભમ પાસે મળેલા ઓર્ડર અમદાવાદ સુધી પહોંચાડતો હતો. સંકેત સોનવણે પોર્ટર મારફતે કાચબાની ડિલિવરી કરતો હતો. A to Z નામની દુકાનનો માલિક મુઝાહિદ્દી કાચબા સપ્લાય કરતો હતો. આરોપીઓએ અત્યાર સુધી 50 થી 60 કાચબા વેચ્યા હતા. 50 હજારથી લઈને દોઢ લાખ સુધીમાં વેચાણ કરતા. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ મુજબ આ સ્ટાર કાચબા શિડ્યુલ 1 માં આવે છે. સિંહ કે વાઘને પાળવા બદલ કાર્યવાહી થાય તે જ કાર્યવાહી આ કાચબા રાખવા બદલ થાય છે.
7 વર્ષની બિન જમીનપાત્ર સજા અને 25 હજારનો દંડ આ ગુનામાં થાય છે. આ કેસના આરોપી મુઝાહિદને પકડવા ટીમો કામે લાગી છે.
-
13 Nov 2025 06:11 PM (IST)
સુરભી ડેરીનું નકલી પનીર પકડાવવા મામલે ડેરીના સંચાલકો સામે નોંધાશે ગુનો
સુરભી ડેરીનું નકલી પનીર પકડવાના મામલે એસઓજી પોલીસે સુરભી ડેરીના સંચાલકો સામે કાર્યવાહી કરવાની કમર કસી છે. સુરભી ડેરીના સંચાલક શૈલેષ છગનભાઈ પટેલ અને કૌશિક વલ્લભભાઈ પટેલ સામે કરવામાં આવશે કાર્યવાહી. બંને સંચાલકોએ ઓરીજનલ પનીર ન હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું છે. સુરભી ડેરી દ્વારા બનાવવામાં આવતું પનીર એનાલોગ પનીર હતું. પોલીસ માત્ર લેબોરેટરી ટેસ્ટના રિપોર્ટની રાહ જોઈ રહી છે. સંચાલકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા રિપોર્ટની રાહ છે. રિપોર્ટ આવ્યા બાદ લોકોના આરોગ્ય સાથે ચેડા, છેતરપિંડી સહિતની ગુનો સંચાલકો સામે SOG પોલીસ નોંધશે.
-
13 Nov 2025 05:56 PM (IST)
રાજકોટના આંબેડરનગર મેઇન રોડ પર પાનની દુકાનમાં થયો વિસ્ફોટ, ઘટનાને છુપાવવા દુકાનદારોનો પ્રયાસ
રાજકોટના આંબેડરનગર મેઇન રોડ પર આવેલ પાનની દુકાનમાં સિલીન્ડર ફાટતા મોટો વિસ્ફોટ થયો હતો. ગાત્રાળ ડિલક્સ નામની દુકાનમાં સિલીન્ડર ફાંટ્યુ હતું. સિલીન્ડર ફાંટતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ગેસનું મિની સિલીન્ડર એકાએક ફાંટતા અફરાતફરી મચી જવા પામી હતી. દુકાનદાર દ્રારા ઘટનાને દબાવવાનો પ્રયાસ કરાયો હતો. પોલીસ તપાસમાં દુકાનમાંથી દારૂની પોટલીઓ મળી આવી હતી. જેના લીધે દુકાનમાં જ દેશી દારૂનું વેચાણ ચાલતુ હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. ગેરકાયદેસર રીતે ગેસના સિલીન્ડર પણ વહેંચાતા હોવાની શંકા સેવાઈ રહી છે.
-
13 Nov 2025 05:28 PM (IST)
દિલ્હી બ્લાસ્ટમાં મૂળ જમ્મુ કાશ્મીરના એવા વધુ એક ડોકટરને પોલીસે ઉપાડ્યો
દિલ્હી બ્લાસ્ટ અંગે તપાસ કરી રહેલ પોલીસના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, પોલીસે વધુ એક ડોકટર ફારુકને તપાસ અર્થે ઉઠાલી લીધા છે. ડો. ફારુક લગભગ છેલ્લા એક વર્ષથી મેડિકલ કોલેજ કેમ્પસમાં રહેતા હતા. તેમણે હરિયાણાના ફરીદાબાદમાં અલ-ફલાહ યુનિવર્સિટીમાંથી એમબીબીએસ અને એમડીની ડિગ્રી મેળવી હતી. સૂત્રો એ જણાવ્યું છે કે, અલ-ફલાહ યુનિવર્સિટીના અન્ય ડોકટરોની જેમ, ડોકટર ફારુક ઉપર પણ આતંકવાદી સંગઠનો સાથે સંબંધ હોવાની શંકા છે. હાપુડમાં તેમની અટકાયત કર્યા પછી, દિલ્હી પોલીસ તેમને પોતાની સાથે લઈ ગઈ. હવે, ફારુકની પૂછપરછ બાદ, ઘણા રહસ્યો ખુલી શકે છે.
-
13 Nov 2025 05:09 PM (IST)
ભરૂચના સાયખા GIDC ની VK ફાર્મા કંપનીમાં વિસ્ફોટ બાદ લાગેલી આગથી 3ના મોત
ભરૂચ જિલ્લાના સાયખા GIDC ની VK ફાર્મા કંપનીમાં વિસ્ફોટ બાદ લાગેલી આગમાં મોતનો આંકડો વધ્યો છે. VK ફાર્મા કંપનીના પ્લાન્ટમાંથી ત્રીજો મૃતદેહ મળી આવ્યો છે. VK ફાર્મા કંપનીમાં વિસ્ફોટ બાદ લાગેલી આગમાં કુલ 3 જણાના મોત થયા છે.
-
13 Nov 2025 04:29 PM (IST)
રાશનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા સામે હાઈકોર્ટમાં કરાયેલ અરજી, અરજદારે પાછી ખેંચી લીધી
રાજ્ય સરકારને ગુજરાત હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. રાશનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા મામલે વ્યાજબી ભાવના દુકાનદારોએ કરેલી અરજી કોર્ટે ફગાવી છે. રાજ્ય સરકારની ફરજિયાત શરતને પડકારતી અરજી કોર્ટે ફગાવી છે.
નકલી રેશનકાર્ડ અને ભૂતિયા લાભાર્થી સહિતની બાબતો દૂર કરવા માટે રાજ્ય સરકારનો પ્રયાસ હોવાની સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી. રાજ્ય સરકાર જાહેર વિતરણ વ્યવસ્થા ને વધુ મજબૂત અને પારદર્શક બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હોવાની પણ સરકારી વકીલની રજૂઆત કરાઈ છે. નેશનલ ફૂડ સેફટી એક્ટ પર ઉભા કરવામાં આવેલા સવાલો માં દખલ કરવાનું કારણ દેખાતું ન હોવાનો હાઇકોર્ટનો મત. ગુજરાત હાઇકોર્ટના નિર્ણય બાદ જાહેર વિતરણ વ્યવસ્થા અને અનાજ સાચા હકદાર સુધી પહોંચવાના પ્રયાસ માટે નો માર્ગ મોકળો કરશે. ફેર પ્રાઇસ શોપ ઓનર્સ એસોસિએશનના ચેરમેન પ્રહલાદ મોદીએ કરેલી અરજી પરત ખેચી છે.
-
13 Nov 2025 03:35 PM (IST)
10,000 કરોડના કૃષિ રાહત પેકેજનો લાભ લેવા આવતીકાલથી ઓનલાઇન અરજી પોર્ટલ શરૂ થશે
ગુજરાત સરકરે જાહેર કરેલ રૂપિયા 10,000 કરોડના કૃષિ રાહત પેકેજનો લાભ લેવા માટે, આવતીકાલ 14મી નવેમ્બરને શુક્રવારના રોજ બપોરના 12 કલાકથી, આગામી 15 દિવસ સુધી ઓનલાઇન અરજી કરવા માટેનું પોર્ટલ કાર્યરત થશે
-
13 Nov 2025 02:49 PM (IST)
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન
અમદાવાદમાં આજથી આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળાનો પ્રારંભ થયો છે. જે 23 નવેમ્બર સુધી રિવરફ્રન્ટ પર યોજાશે. નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અને AMCના સંયુક્ત આયોજન થકી આ પુસ્તક મેળામાં વાંચે ગુજરાત કન્સેપ્ટ હેઠળ વિવિધ વિષયોને આવરી લેવાયા છે. સાથે જ 100થી વધુ સાહિત્યકારોના સાહિત્ય અને 300 જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. તો બીજી તરફ સ્કૂલ બોર્ડ દ્વારા જુદી-જુદી સ્પર્ધા અને ઈનામનું પણ આયોજન કરાયું છે. નિશુલ્ક પ્રવેશ સહિત આવનારી પેઢી પુસ્તકોથી જોડાય તેવા હેતુથી આ મેળાનું આયોજન 23 નવેમ્બર સુધી ચાલશે. સીએમ પણ આ પ્રસંગે હાજર હતા.
-
13 Nov 2025 02:47 PM (IST)
જૂનાગઢઃ માંગરોળમાંથી જમ્મુ-કાશ્મીરના 2 યુવકોની અટકાયત
જૂનાગઢઃ માંગરોળમાંથી જમ્મુ-કાશ્મીરના 2 યુવકોની અટકાયત કરવામાં આવી. SOGએ શંકાસ્પદ ગતિવિધિના કારણે અટકાયત કરી. બંને કાશ્મીરી યુવકો ફાળો ઉઘરાવવા આવ્યા હોવાની માહિતી છે.
બન્ને સગા ભાઈઓની SOG પોલીસે પૂછપરછ હાથ ધરી. માંગરોળની એક હોટેલમાં બંને કાશ્મીરી ભાઇઓ રોકાયા હતા.
-
13 Nov 2025 02:09 PM (IST)
દ્વારકાઃ ઓખા નજીક નિર્માણાધીન કોસ્ટ ગાર્ડની જેટીનો ભાગ ધરાશાયી
દ્વારકાઃ ઓખા નજીક નિર્માણાધીન કોસ્ટ ગાર્ડની જેટીનો ભાગ ધરાશાયી થયો છે. ચાલુ કામ વખતે મોટો ભાગ ધસી પડતાં 3 કામદાર દરિયામાં ખાબક્યા. મરીન પોલીસ અને નેવીની બોટ ઘટનાસ્થળે પહોંચી. રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને ત્રણેયને કામદારોને બહાર કઢાયા. રેસ્ક્યૂ કરાયેલા કામદારોને સારવાર અર્થે મીઠાપુર હોસ્પિટલ ખસેડાયા છે.
-
13 Nov 2025 02:04 PM (IST)
અલ-ફલાહ યુનિવર્સિટીની વેબસાઇટ બંધ કરી દેવામાં આવી
અલ-ફલાહ યુનિવર્સિટીની વેબસાઇટ બંધ કરી દેવામાં આવી છે. મેનેજમેન્ટે વેબસાઇટ બંધ કરવાનો નિર્ણય લીધો છે.
-
13 Nov 2025 01:39 PM (IST)
દિલ્લી આતંકી હુમલા બાદ સુરત પોલીસ એલર્ટ
દિલ્લીમાં થયેલા આતંકી હુમલા બાદ સુરત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે અને ખાસ કરીને ભાડૂઆત તથા કામદારોની વિગતોની ચકાસણી શરૂ કરવામાં આવી છે. પોલીસ કમિશનરની સૂચના બાદ તમામ ઝોનમાં કાર્યવાહી તેજ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ભાડૂઆત અને કામદારોના ઓળખપત્ર તથા જરૂરી દસ્તાવેજો જમા કરાવવા સૂચના આપવામાં આવી છે. જે માલિકો અથવા કારખાનેદારોએ આ દસ્તાવેજો જમા ન કરાવ્યા હોય તેમના વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. કાપોદ્રા પોલીસે 21 જેટલા મકાનમાલિકો સામે, જ્યારે વરાછા પોલીસે 25થી વધુ કારખાનેદારો વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરી છે. પોલીસ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે સુરક્ષાને લઈને કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં.
-
13 Nov 2025 01:29 PM (IST)
બોટાદઃ રાણપુર તાલુકાના જાળીલા ગામે યુવકનો મૃતદેહ મળ્યો
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામમાં એક યુવકનો મૃતદેહ મળતા ગામમાં ચકચાર મચી ગઈ છે. યુવકનો મૃતદેહ પાણીની ટાંકી પાસે પરથી મળ્યો હતો. માહિતી મુજબ, અજાણ્યા વ્યક્તિનો ફોન આવતા યુવક “મિત્રને મળી પાછો આવું છું” કહીને ઘરેથી નીકળ્યો હતો, પરંતુ મોડી રાત્રે પણ પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. ત્યારબાદ તપાસ દરમિયાન યુવકનો મૃતદેહ મળ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ મૃતદેહ પર ઇજાના નિશાન જોવા મળ્યા છે, જેના આધારે પરિવારજનોએ હત્યાનો આક્ષેપ કર્યો છે. તેઓએ આરોપીઓ સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. ઘટનાની જાણ થતાં રાણપુર પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે, જ્યારે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને પરિવારજનો હોસ્પિટલ ખાતે એકત્ર થયા છે.
-
13 Nov 2025 12:37 PM (IST)
દિલ્હી વિસ્ફોટો અંગે ગૃહમંત્રી અમિત શાહે એક મોટી બેઠક યોજી
ગૃહમંત્રી અમિત શાહ દિલ્હી લાલ કિલ્લા આતંકવાદી હુમલાની ચાલી રહેલી તપાસ અંગે એક બેઠક યોજી રહ્યા છે. તેમના નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં ઉચ્ચ ગુપ્તચર અધિકારીઓ અને ગૃહ મંત્રાલયના કેટલાક અધિકારીઓ સાથે બેઠક યોજાઈ રહી છે.
-
13 Nov 2025 12:37 PM (IST)
અમદાવાદ ગ્રામ્ય પોલીસે કાચબાનું સ્મગલિંગ રેકેટ ઝડપી પાડ્યું
અમદાવાદ ગ્રામ્ય પોલીસે કાચબાનું સ્મગલિંગ રેકેટ ઝડપી પાડ્યું છે. 10 કાચબા સાથે 4 આરોપીઓની ધરપકડ કરી. ગ્રામ્ય પોલીસ અને ફોરેસ્ટ વિભાગનુ સંયુક્ત ઓપરેશન હતુ. રાજસ્થાન અને ગુજરાતના આરોપીઓને ઝડપી પાડ્યા. કાચબાને વિદેશ અથવા ભારતમાં વેચાણ કરતા હતા.
-
13 Nov 2025 11:27 AM (IST)
આતંકવાદ સામેની લડાઈમાં ભારતને વૈશ્વિક સમર્થન
દિલ્લી બ્લાસ્ટ પછી ભારતને આતંકવાદ સામેની લડાઈમાં વૈશ્વિક સમર્થન મળ્યું છે. વિશ્વના અનેક દેશોએ આ દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે અને ભારત પ્રત્યે એકતા દર્શાવી છે. અમેરિકા, ચીન, ઈઝરાયલ, જાપાન સહિતના 15 જેટલા દેશોએ જાહેર રીતે ભારતને સમર્થન આપ્યું છે. આ દેશોએ જણાવ્યું છે કે આતંકવાદ માનવતાનો શત્રુ છે અને તેની સામે લડવામાં ભારત સાથે ખભે ખભો મિલાવી ચાલશે. વૈશ્વિક સમુદાયે સંદેશ આપ્યો છે કે આતંકવાદને કોઈ ધર્મ કે દેશ સાથે જોડવો યોગ્ય નથી અને આવા કૃત્યોનો સામૂહિક રીતે વિરોધ કરવો જરૂરી છે.
-
13 Nov 2025 11:22 AM (IST)
ગીર સોમનાથઃ 3 શંકાસ્પદ કાશ્મીરી પકડાવાનો મામલો
ગીર સોમનાથઃ 3 શંકાસ્પદ કાશ્મીરી પકડાવાના મામલામાં SOG દ્વારા ત્રણેય શંકાસ્પદોની સઘન પૂછપરછ હાથ ધરાઇ છે. ત્રણેય ઇસમો ફાળો ઉઘરાવવા આવ્યા હોવાનો ખુલાસો થયો છે. SOGને પૂછપરછમાં કોઈ શંકાસ્પદ ગતિવિધિ ન મળી. પોલીસે પૂછપરછ બાદ ત્રણેયને મુક્ત કર્યા. ગઇકાલે ભુજના જનતાઘર ગેસ્ટ હાઉસમાંથી પણ 3 કાશ્મીરી ઇસમો ઝડપાયા હતા.
-
13 Nov 2025 10:07 AM (IST)
ગુજરાત ATS દ્વારા પકડાયેલા ત્રણ આતંકીઓ બાદ રાજ્યભરમાં એલર્ટ રહેવા સૂચના
ગુજરાત ATS દ્વારા ત્રણ આતંકીઓને પકડાયા બાદ રાજ્યભરમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. રાજ્યના પોલીસ વડાએ વીડિયો કોન્ફરન્સ મારફતે તમામ જિલ્લા અને શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના આપી છે. આતંકી મોડ્યુલની સંભવિત પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને સ્થાનિક સ્તરે કડક ચકાસણી અને સતત નજર રાખવા આદેશ આપવામાં આવ્યો છે. ATSએ ઉચ્ચ પોલીસ અધિકારીઓને આતંકી નેટવર્ક સંબંધિત મહત્વપૂર્ણ માહિતી પણ આપી છે. સાથે જ NDPS અને હથિયાર સંબંધિત ગુનેગારો પર વિશેષ વોચ રાખવાની તેમજ અગાઉ પકડાયેલા આરોપીઓની ફરી તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે. શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવા SOGની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવા પણ આદેશ આપવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં વિશેષ તકેદારી રાખી દરેક શંકાસ્પદ હલચલ પર ચુસ્ત નજર રાખવા પોલીસે નિર્દેશ આપ્યા છે.
-
13 Nov 2025 09:57 AM (IST)
દિલ્લી: મહિપાલપુર પાસે વિસ્ફોટનો અવાજ સંભળાયો
દિલ્લી: મહિપાલપુર પાસે વિસ્ફોટનો અવાજ સંભળાયો. રેડિસન હોટલ પાસે વિસ્ફોટનો અવાજ સંભળાયો. ફાયર વિભાગની 3 ગાડીઓ હાલ ઘટનાસ્થળે છે. મહિપાલપુરમાં ઘટનાસ્થળે પહોંચી પોલીસની ટીમ. પોલીસ તપાસમાં હજુ કંઈ સામે આવ્યું નથી. મળતી વિગતો અનુસાર સવારે 9.18 કલાકે ફાયર વિભાગને વિસ્ફોટની જાણ થઈ હતી.
-
13 Nov 2025 09:35 AM (IST)
જામનગરઃ JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટ PMJAY યોજનામાંથી સસ્પેન્ડ
જામનગરના JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ વિરુદ્ધ ગંભીર કાર્યવાહી કરવામાં આવી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ હૃદય સંબંધિત ઓપરેશનોમાં થયેલી ક્ષતિઓ અને ગેરરીતિઓ બહાર આવતા હોસ્પિટલને યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. તપાસમાં 105 કાર્ડિયાક પ્રોસિજરમાં અનિયમિતતા જણાતા હોસ્પિટલ પર 6 લાખથી વધુનો દંડ ફટકારાયો છે. ઉપરાંત, આ કેસમાં સંકળાયેલા ડૉક્ટર પાર્શ્વ વ્હોરાને પણ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે દર્દીઓની સલામતી સાથે કોઈ સમજૂતી નહીં કરવામાં આવે અને આવા કેસોમાં કડક કાર્યવાહી ચાલુ રહેશે.
-
13 Nov 2025 09:13 AM (IST)
અમદાવાદઃ NCP પ્રદેશ કાર્યાલયમાં ITનું સર્ચ ઓપરેશન
અમદાવાદઃ NCP પ્રદેશ કાર્યાલયમાં ITનું સર્ચ ઓપરેશન હાથ ધરાયુ. અજિત પવારની પાર્ટી NCPના ગુજરાતના કાર્યાલયમાં તપાસ હાથ ઘરાઇ. ગઈકાલથી IT વિભાગની ટીમ સતત કાર્યવાહી કરી રહી છે. IT અધિકારીઓની ટીમ પુરાવા એકત્રિત કરી રહી છે. ITના અધિકારીઓ દ્વારા સંબંધિત લોકોની પૂછપરછ હાથ ધરાઇ. ગુજરાતમાં કુલ 20થી વધુ સ્થળો પર દરોડાની કાર્યવાહી થઇ રહી છે.
-
13 Nov 2025 08:57 AM (IST)
દિલ્હી બ્લાસ્ટમાં કુલ 12 લોકોના થયા મોત, તપાસમાં થયો ખુલાસો
દિલ્હી વિસ્ફોટો પછી કુલ 21 નમૂનાઓ FSL ને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. લાલ કિલ્લા વિસ્ફોટમાં મુખ્ય શંકાસ્પદ સહિત કુલ 12 લોકો મૃત્યુ પામ્યા હતા. બાકીના નમૂનાઓ અન્ય પીડિતો પાસેથી એકત્રિત કરવામાં આવ્યા હતા અને વિસ્ફોટથી પ્રભાવિત કાર અને ઇ-રિક્ષા સહિત નજીકના ક્ષતિગ્રસ્ત વાહનોમાંથી જૈવિક અવશેષો મળી આવ્યા હતા.
-
13 Nov 2025 08:42 AM (IST)
ગીર સોમનાથઃ પોલીસે શંકાસ્પદ 3 કાશ્મીરી લોકોની કરી અટક
દિલ્લી બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓએ દેશભરમાં દરોડા પાડ્યા છે અને શંકાસ્પદ હિલચાલ પર કાર્યવાહી ચાલી રહી છે ત્યારે ગઇકાલે કચ્છના ભુજમાં આવેલા જનતાઘ ગેસ્ટ હાઉસમાંથી 3 શંકાસ્પદ કાશ્મીઓ ઝડપાયા હતા. જેમના મોબાઇલ FSLમાં તપાસ અર્થે મોકલાયા છે. ત્યારે આજે વધુ એક કેસમાં ગીરસોમનાથ પોલીસે અન્ય 3 શંકાસ્પદ કાશ્મીરીઓની અટક કરીને વધુ તપાસ હાથ ધરી છે. જોવાનું રહ્યું કે, શંકાસ્પદ કાશ્મીરીઓની તપાસમાં શું ખુલાસો થાય છે.
-
13 Nov 2025 08:32 AM (IST)
આંગળીયામાંથી રૂપિયા લઈને જતા વ્યક્તિ સાથે લૂંટ
અમદાવાદઃ શહેરકોટડા વિસ્તારમાં 18 લાખની લૂંટ થઇ. વંદે માતરમ્ પાર્ટી પ્લોટ પાસે બનાવ બન્યો. આંગળીયામાંથી રૂપિયા લઈને જતા વ્યક્તિ સાથે લૂંટ થઇ. આરોપીએ ફરિયાદીના કાર આગળ બાઈક રોકી બોલાચાલી કરી. બોલાચાલીમાં કારની ચાવી પડાવી રોડ પર ફેંકી દીધી. અન્ય આરોપીએ કારની ડેકીમાંથી રૂપિયા લઈ ફરાર થયો. પોલીસે ફરિયાદ લઈ આરોપીઓની શોધખોળ હાથ ધરી.
-
13 Nov 2025 07:56 AM (IST)
ફરીદાબાદઃ ખંદાવલી પહોચી NSGની ટીમ
ફરીદાબાદઃ ખંદાવલી NSGની ટીમ પહોચી. ખંદાવલીથી લાલ ‘ઇકો સ્પોર્ટ્સ’ કાર મળી આવી હતી. લાલ ‘ઇકો સ્પોર્ટ્સ’ કાર આતંકી ઉમરના નામે રજીસ્ટર્ડ છે. લાલ ‘ઇકો સ્પોર્ટ્સ’ કારને કલર કરાયો હોવાની આશંકા છે.
-
13 Nov 2025 07:39 AM (IST)
બાંગ્લાદેશઃ પૂર્વ PM શેખ હસીના વિરૂદ્ધ માનવ વધના ગુનામાં સુનાવણી
બાંગ્લાદેશમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીના વિરુદ્ધ માનવ હત્યાના ગંભીર આરોપોને લઈને ઢાકાની ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલ કોર્ટમાં સુનાવણી શરૂ થવાની છે. હસીનાના વિરુદ્ધ 1400 લોકોની હત્યા, અપહરણ અને ત્રાસજનક યાતનાઓના કેસ દાખલ થયા છે. કોર્ટ હવે તેમની વિરુદ્ધ મોતની સજા કે માફી અંગેનો મહત્વપૂર્ણ ચુકાદો આપી શકે છે. આ મામલાને લઈ બાંગ્લાદેશની રાજકીય પરિસ્થિતિ તંગ બનતી જઈ રહી છે, જ્યારે હસીનાની પાર્ટીએ દેશમાં લોકડાઉનની જાહેરાત કરી છે, જેથી કોઈ અશાંતિ ન ફેલાય.
-
13 Nov 2025 07:36 AM (IST)
જયશંકરે સાઉદી અરેબિયા અને યુક્રેનના વિદેશ પ્રધાનો સાથે મુલાકાત કરી
કેનેડામાં G7 વિદેશ પ્રધાનોની બેઠક દરમિયાન વિદેશ પ્રધાન જયશંકરે સાઉદી અરેબિયા અને યુક્રેનના તેમના સમકક્ષો સાથે મુલાકાત કરી.
-
13 Nov 2025 07:23 AM (IST)
દિલ્હી: ડૉ. ઉમર બ્લાસ્ટ થયેલી કારમાં હતા, DNA ટેસ્ટથી પુષ્ટિ
દિલ્હી બ્લાસ્ટ કેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે સ્પષ્ટ થઈ ગયું છે કે i20 કાર ચલાવનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ ડૉ. ઉમર હતો. DNA રિપોર્ટ જાહેર થયા બાદ આ વાતની પુષ્ટિ થઈ. તપાસ એજન્સીઓએ ડૉ. ઉમરની માતાના DNA નમૂનાઓને i20 કારમાંથી મળેલા હાડકાં અને દાંતના DNA નમૂનાઓ સાથે મેચ કર્યા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ડૉ. ઉમરની માતાના DNA નમૂનાઓ i20 કારમાંથી મળેલા હાડકાં અને દાંતના DNA નમૂનાઓ સાથે મેચ થયા.