આજે 13 જુલાઈને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
અમદાવાદના ગોમતીપુર પોલીસ અને LCB સ્કોર્ડની ટીમે એમ.ડી ડ્રગ્સની હેરાફેરી કેસમાં મહિલા આરોપી સીમા દિવાકરને સકંજામાં લીધી છે..જ્યારે પતિ સુરજ ઉર્ફે ટકલાને વોન્ટેડ જાહેર કર્યો છે..પોલીસને માહિતી મળતા વિક્રમમિલની ચાલીમાં રહેતા આરોપીના ઘરે રેડ પાડતા ચોકલેટ ફોર્મમાં એમ.ડી ડ્રગ્સનો જથ્થો 127 ગ્રામ, 132 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. ડ્રગ્સનો જથ્થો ન પકડાય તે માટે ચોકલેટ ફોર્મમાં એક રેપરમાં એમ.ડી ડ્રગ્સ વાળી ચોકલેટ વેચવામાં આવતી. જે સામાન્ય રીતે ચોકલેટ હોવાથી શંકા ન જાય તેવી હતી. પરંતુ પોલીસે ચોકલેટની FSL કરાવતા હાઈકોલિટી વાળું એમ.ડી ડ્રગ્સ ચોકલેટમાં મિલાવટ કર્યું હોવાનું સામે આવ્યું..પોલીસે આ કેસમાં મહિલા આરોપી સીમાની ધરપકડ કરી છે. જ્યારે પતિને વોન્ટેડ જાહેર કર્યો છે.
અમદાવાદ: ચાંદખેડામાં સ્થાનિકો અને બુટલેગરો વચ્ચે માથાકૂટ થઈ. સ્થાનિકોએ દારૂનું વેચાણ બંધ કરાવવાની માંગ કરતા બોલાચાલી થઈ. બોલાચાલી ઉગ્ર બનતા બુટલેગર દ્વારા હુમલો કર્યાનો આક્ષેપ કરાયો છે. હુમલામાં સ્થાનિકો અને મહિલાઓને માર મરાયાનો આરોપ લગાવાયો. સ્થાનિકોએ બુટલેગરની દાદાગીરીનો વીડિયો વાયરલ કર્યો. પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો.
ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસ દ્વારા આ વર્ષે ગોઠવવામાં આવી છે અત્યાર સુધીની સૌથી અદ્યતન સુરક્ષા વ્યવસ્થા. રથયાત્રામાં પ્રથમવાર AI ટેક્નોલોજી, ફેસ રેકગ્નિશન, 3D મેપિંગ, ડ્રોન સર્વેલન્સ અને ‘દિવ્ય નૈત્ર’ કમાન્ડ વેનના સહારે પોલીસ ચાંપતી નજર રાખશે. રથયાત્રાના રૂટ પર 3,500થી વધુ CCTV કેમેરા સતત નજર રાખશે. સાથે જ સંવેદનશીલ વિસ્તારોમાં 60થી વધુ ડ્રોન ટીમો અને 7 વિશેષ ડ્રોન હવાઈ સર્વેલન્સ કરશે. જ્યારે કે ડાર્ક ઝોનમાં પોર્ટેબલ CCTV કેમેરા ગોઠવી દરેક હલચલ પર નજર રાખવામાં આવશે. આ વર્ષે પ્રથમ વખત AI Voice આધારિત સુરક્ષા વ્યવસ્થા અમલમાં મુકાઈ છે. ભીડમાં કોઈ અસામાન્ય સ્થિતિ સર્જાય તો AI સિસ્ટમ તાત્કાલિક એલર્ટ આપશે. સાથે જ AI આધારિત ક્રાઉડ એનાલિટિક્સ દ્વારા ભીડની ઘનતા, અવરજવર અને સંભવિત જોખમોનું રિયલ ટાઈમ વિશ્લેષણ કરવામાં આવશે, જેથી અકસ્માત કે ભાગદોડ જેવી સ્થિતિને સમયસર અટકાવી શકાય.
વિસાવદર બાદ હવે જૂનાગઢ તાલુકામાં બોગસ મંડળીનો વિવાદ ગરમાયો છે. બોગસ મંડળીઓને લઈ ખેડૂતોમાં ભારે ફફડાટ છે. સભાસદોના નામે ધિરાણ અને લોન મેળવી કરોડો રૂપિયાના વ્યવહારો કરાયાના આક્ષેપ થયા છે. મૃત્યુ પામેલા સભાસદોના નામે પણ લોન લેવાઈ હોવાનો આક્ષેપ કરાયો. કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને ઉગ્ર રજૂઆત કરાઈ. બોગસ મંડળી કૌભાંડ મામલે કડક પગલાની માગ કરાઈ. આ આખા કૌભાંડથી પોતાના જમીનના દસ્તાવેજો સાત-બાર અસુરક્ષિત બન્યા હોવાની ભીતિ સાથે ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ અને કડક કાર્યવાહીની માંગ કરી છે.
સુરત શહેરના લસકાણા પોલીસે રીઢો ગુનેગાર વૃશાંત ઉર્ફે શ્યામ ધનેશાની ધરપકડ કરી. ભેજાબાજ આરોપી ચેઈન સ્નેચિંગ કરી નાસતો-ફરતો હતો. સકંજામાં આવેલા આરોપીએ જુનાગઢ, લસકાણા અને ઉત્રાણ વિસ્તારમા ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપી ખાસ કરીને રાહદારી અને મહિલાઓને ટાર્ગેટ કરતો. પોલીસે 4.10 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી.
બનાસકાંઠા: અંબાજી મંદિરના ભંડારામાં ચોરી મામલે કલેક્ટરે જણાવ્યુ કે કર્મચારીએ રોકડના બંડલની ચોરી કરી હતી. ચિરાગ ઠાકોર સહિત ત્રણ પૂર્વ કર્મચારીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. ત્રણેય આરોપી કર્મચારીઓને ટ્રસ્ટે તાત્કાલિક અસરથી બરતરફ કર્યા છે. ભંડારાની ગણતરી માટે અંબાજી મંદિર ટ્રસ્ટે નવી SOP અમલમાં મૂકી છે. 20થી વધુ CCTV કેમેરાની દેખરેખમાં ભંડારાની ગણતરી થશે. CCTVનું રેકોર્ડિંગ 6 મહિના સુધી સચવાશે.
સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી જી.જી. હોસ્પિટલમાંથી સ્વચ્છતાના અભાવનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. હોસ્પિટલની નવી બિલ્ડિંગના છઠ્ઠા માળે દર્દીઓની પથારી અને સાધનોની આસપાસ વંદા સહિતના જીવજંતુઓ ફરતા જોવા મળ્યા છે. દર્દીઓના આરોગ્ય સામે જોખમ ઉભું કરતી આ સ્થિતિએ હોસ્પિટલની સફાઈ વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. કરોડો રૂપિયાના સફાઈ કોન્ટ્રાક્ટ હોવા છતાં આવી બેદરકારી સામે આવતાં હવે જવાબદારો સામે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે.
અમદાવાદના વિરમગામમાં પણ સરકારી હોસ્પિટલમાં સારવાર ન મળ્યાનો વીડિયો વાયરલ થતાં વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. વીડિયોમાં દર્દીને સમયસર સારવાર ન મળતા પરિવારજનોએ ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ હોસ્પિટલ તંત્રએ નર્સ, મેડિકલ ઓફિસર, સિક્યુરિટી સહિતના જવાબદાર કર્મચારીઓને નોટિસ ફટકારી છે. સાથે જ રાત્રિ શિફ્ટમાં વધારાનો સ્ટાફ મૂકવા અને દર્દીઓને સમયસર સારવાર મળે તે માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે.
બનાસકાંઠાના દાંતામાં જ્યાં સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારી સામે આવી છે. દર્દીને ચઢાવવામાં આવેલી સેલાઇન બોટલ એક્સપાયરી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. બોટલ ચઢાવ્યા બાદ મહિલાના શરીરે રિએક્શન અને સોજો આવતાં પરિવારજનોએ બોટલ પર મેન્શન્ડ તારીખ તપાસી તો બોટલ પર 5 મેની એક્સપાયરી ડેટ હોવાનું સામે આવ્યું. પરિવારનો આક્ષેપ છે કે ઘટનાના સમયે હોસ્પિટલમાં કોઈ ડોક્ટર હાજર નહોતા એકમાત્ર નર્સ હતી તે પણ લાંબા સમય સુધી ગાયબ રહી હતી. રવિવારે ખાનગી હોસ્પિટલ બંધ હોવાથી મહિલાને દાંતા રેફરન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલની ગંભીર બેદરકારીના આક્ષેપ ઉઠ્યા છે.
મહેસાણા: ખેરવા ગામમાં ધોળે દિવસે લૂંટનો બનાવ સામે આવ્યો છે. ક્રેડિટ સોસાયટીની બહાર નીકળતો ગ્રાહક લૂંટાયો છે. દાગીના અને રોકડ લઈને આવેલો ગ્રાહકની
આંખમાં મરચું છાંટી હુમલો કરી લાખોની લૂંટ કરી લૂંટારા ફરાર થયા છે. 10 તોલા સોનું અને દોઢ લાખની રોકડની લૂંટ કરવામાં આવી. છરા જેવા ઘાતક હથિયારો લઈને લૂંટારું આવ્યા હતા. લૂંટારાઓએ હુમલો કરી હાથની આરપાર છરો ખૂંપાવી દીધો હતો. હાથમાં ખૂંપેલા છરા સાથે લૂંટનો ભોગ બનનાર ઈસમ હોસ્પિટલ પહોંચ્યો
મહેસાણા જિલ્લા પોલીસે લૂંટારાને શોધવા તપાસ શરૂ કરી છે.
સુરતના નાસીરનગરમાં ભૂતિયા ડિમોલિશન કેસમાં હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. SMCના સસ્પેન્ડેડ એન્જિનિયરની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થઈ. જેમા સુજલ પ્રજાપતિએ જણાવ્યુ કે SMC કમિશનરના આદેશથી જ ડિમોલિશન કર્યું. તપાસ કમિટી સમક્ષ પણ આ જ હકીકત કહી હોવાનો દાવો કરાયો. હાઈકોર્ટે SMC કમિશનરને એફિડેવિટ દાખલ કરવા આદેશ કર્યો. પ્રથમ દ્રષ્ટિએ કમિશનરે મેસેજ ફોરવર્ડ કર્યો હોવાનું લાગે છે. સસ્પેન્શન રદ કરવાની સસ્પેન્ડેડ એન્જિનિયરે હાઈકોર્ટમાં માંગ કરી. વધુ સુનાવણી 21 જુલાઈના રોજ હાથ ધરાશે.
વિજ્ઞાનજાથાના જયંત પંડ્યાએ ફરી એકવારા આગાહીકારો પર નિશાન તાક્યૂં અને આક્ષેપ કર્યો છે કે આગાહીકારોની ખોટી આગાહીથી ખેડૂતોનું બિયારણ નિષ્ફળ ગયું છે. ફરી આગાહીકારો સામે વિજ્ઞાન જાથાએ બાંયો ચડાવી છે. જયંત પંડ્યાએ આગાહીકારો પર ગંભીર આક્ષેપ કરતા કહ્યુ, વર્તમાન સમયમાં જે વરતારા કરવામાં આવ્યા છે તે બોગસ છે. ખોટી આગાહીના લીધે ખેડૂતોનું બિયારણ નિષ્ફળ ગયું છે. આગાહીકારો વિરૂદ્ધ કાનુની કાર્યવાહી કરાશે. હવામાનના વરતારા કરનારને જેલના સળિયા પાછળ ધકેલવા માગ કરી. વરતારા કરનારા પાસે એકપણ વિજ્ઞાનલક્ષી ઉપકરણ નથી. એક તરફ નિવૃતીની જાહેરાત કરતા જયંત પંડ્યાના નિશાને ફરી એકવાર આગાહીકારો છે. તો બીજી તરફ આગાહીકારોએ પણ જયંત પંડ્યાના વિરોધમાં મોરચો માંડ્યો છે.
વિજ્ઞાન જાથાના ત્રાસથી કંટાળી જઈ હવામાનના નિષ્ણાંત અને આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી નહીં કરવાની જાહેરાત કરતા અનેક લોકો તેમના સમર્થનમાં આવ્યા છે અને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનો વિરોધ કર્યો છે. આગાહીકાર પરેશ ગોસ્વામીએ જયંત પંડ્યાના નિવેદનને વખોડ્યું જણાવ્યુ કે આગાહીકારો ભડલી વાક્ય અને ગ્રહ નક્ષત્રના આધારે આગાહી કરે છે. આશરે 8 ટકા આગાહી ખોોટી પડતી હોય તેમા બધા આગાહીકારો ખોટા નથી હોતા. જયંત પંડ્યાને ભારતીય સંસ્કૃતિમાં વિશ્વાસ નથી. જયંત પંડ્યાની વિચારધારા ભારતીય સંસ્કૃતિ વિરોધી હોવાનું પરેશ ગોસ્વામીએ આક્ષેપ કર્યો.
જ્યાં સુધી જયંત પંડ્યા જ્યાં સુધી દોરા, ધાગા, અને ભૂવાઓનો વિરોધ કરતા હતા, ત્યાં સુધી તેઓના કાર્યોના વખાણ પણ થયા છે. પણ વર્ષોથી
ગ્રહ નક્ષત્ર જોઈને આગાહી કરતા આગાહીકારોને તેમણે ખોટા કહેતા એક મોટો વિવાદ સર્જાયો છે.
નવસારી શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોરોનો જમાવડો જોવા મળી રહ્યો છે..ખાસ કરીને નવસારી રેલવે સ્ટેશન પર તૈયાર કરવામાં આવેલા નવા ઓવરબ્રિજ પાસે રાત્રિના સમયે રખડતા ઢોર અડીંગો જમાવીને બેસી રહેતા હોય છે. જેના કારણે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને અકસ્માતનો ભોગ બનવાની દહેશત વર્તાઈ રહી છે.. મહાનગરપાલિકા દર વર્ષે કાયદા બનાવવાની વાતો કરે છે. પોતાના બચાવ માટે પરિપત્ર બહાર પાડી દે છે પરંતુ અત્યાર સુધી નક્કર કામગીરી થઈ શકી નથી. જેના કારણે શહેરીજનો પરેશાન થઈ રહ્યા છે. આ અંગે વિપક્ષે પણ સવાલ ઉઠાવતા એક મહિલાનું મોત પણ થયુ હોવાનું સત્તા પક્ષને યાદ અપાવ્યુ.
જુનાગઢઃ ગિરનાર પર સિંહના હુમલા રોકવા સરકાર હરકતમાં આવી છે. આ અંગે સરકારે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ગિરનાર પર્વતના સીડી વિસ્તારમાં 25 ટ્રેકર નિયુક્ત કરાશે. સંવેદનશીલ વિસ્તારમાં ચેક પોસ્ટ ઊભી કરાશે. ગિરનાર પર યાત્રિકોની અવર-જવર અંગે માર્ગદર્શિકા બનશે. દાતાર વિસ્તારને કાયમી સાયલેન્ટ ઝોન જાહેર કરાશે. વન્ય પ્રાણી પર ડ્રોનથી નજર રાખવામાં આવશે. તાજેતરમાં ગીરનાર ખાતે સિંહ હુમલામાં 11 વર્ષના બાળકના મોત બાદ વન વિભાગ સાબદુ થયું. વન મંત્રી અર્જુન મોઢવાડીયાએ વન વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી સિંહના હુમલાને રોકવા માટે એક્શન પ્લાન તૈયાર કરવા મંથન કર્યું.
ઉત્તર ગુજરાત સહીત બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોના હાલ બેહાલ થયા છે. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ શરૂઆતના વરસાદ પછી મોંઘા બિયારણો લાવી ખેતરોમાં સારા વરસાદની આશાએ વાવેતર તો કરી દીધૂ પરંતુ તે બાદ વરસાદ ખેંચાયો છે.ભર ચોમાસુ ચાલી રહ્યું છે તેમ છતાંય બનાસકાંઠા કોરૂ ધાકોર રહેતા ખેડૂતોનો પાક નાશ પામે તેવી ભીતિ સેવાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં વરસાદ વરસતો જ નથી અને ખેડૂતો કાગડોળે આકાશ સામે મીટ માંડી વરસાદની રાહ જોઈ રહ્યા છે ..મહત્વની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દિવસે ને દિવસે ભૂગર્ભ જળ પણ ઊંડા જઈ રહ્યા છે.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પરથી લોખંડના સળિયાની ચોરી કરતા એક મોટા રેકેટનો નવસારી ગ્રામ્ય પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે 7 આરોપીઓની ધરપકડ કરી છે અને વાહનો સહિત કુલ 99 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. . આ તમામ આરોપીઓ સુરતના અંત્રોલી અને કડોદરા વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે.આ ગેંગ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં વપરાતા કિંમતી સામાન પર નજર રાખીને તેને ક્રેન અને ટ્રેલર મારફતે સગેવગે કરતી હતી. પોલીસે આ કેસમાં 7 આરોપી પકડી પાડ્યાં અને 4 આરોપીને વોન્ટેડ જાહેર કરાયાં છે.
દેવભૂમિ દ્વારકા માં વીજળીના ધાંધિયાથી ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કલ્યાણપુર તાલિકાના લાંબા ગામે વીજ સમસ્યા અંગે ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો. નિયમિત વીજળી આપવાની માગ કરી. વારંવાર વીજ પૂરવઠો ખોરવાતો હોવાની ફરિયાદ કરી. નમી ગયેલી વીજપોલ અને જુના વાયરો બદલવાની માગ કરી. વીજ ફીડરનું યોગ્ય મેઈન્ટેનન્સ, કાયમી બે વીજ હેલ્પરની નિમણૂક અને વીજ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની માગણી કરી તો બીજી તરફ નાયબ ઈજનેરે ખેડૂતોને માગણી સાંભળી અને ચાર દિવસમાં જ વીજ સમસ્યાનો ઉકેલ લાવવા ખાતરી આપી.
જામનગરની ઐતિહાસિક ધરોહર અને સ્થાપત્ય કલાના બેનમૂન નમૂના સમાન ‘ભુજિયા કોઠા’ના પુનઃનિર્માણનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે. 174 વર્ષ જૂનું આ સ્થાપત્ય ફરી જીવંત બનતા જામનગરની શાનમાં વધારો થયો છે. જામ રણમલજી બીજાના શાસનકાળ દરમિયાન ભયંકર દુષ્કાળ સમયે પ્રજાને રોજગારી આપવાના ઉમદા હેતુથી આ કોઠાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 2001ના વિનાશક ભૂકંપ દરમિયાન રક્ષિત સ્મારકના ઉપરના ત્રણ માળ ક્ષતિગ્રસ્ત થયા . સ્મારકને મૂળ ભવ્યતામાં પાછા લાવવા માટે વર્ષ 2021માં જામનગર મહાનગરપાલિકા જીર્ણોદ્ધારનું કાર્ય શરૂ કર્યું. પ્રવાસીઓ 66 પગથિયાં ચડીને ‘ભુજિયા કોઠા’ પ્રથમ માળે પહોંચી શકે છે. અંદર પ્રવેશતા જ ભવ્ય સિંહદ્વાર, મજબૂત લાકડાના થાંભલાઓની હારમાળા, આકર્ષક મકરાકૃતિ કમાનો અને હીરાથી સુશોભિત રંગમંડપ, પ્રાચીન રાજપૂત સ્થાપત્ય શૈલીની ઝાંખી કરાવે છે.સ્મારકની પુનઃનિર્માણ કામગીરી આશરે સાડા ચાર વર્ષ સુધી ચાલી. ફેઝ-1નું કામ પૂર્ણ થયા બાદ સ્થળ પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. અત્યાર સુધીમાં 50 હજારથી વધુ મુલાકાતીઓ ‘ભુજિયા કોઠા’ની મુલાકાત કરી.
નર્મદાનો સાગબારા જંગલ વિવાદમાં નેતાઓ વચ્ચે પણ વિવાદ સામે આવ્યો છે. ભાજપ જિલ્લા પ્રમુખ નીલ રાવે પણ વિવાદમાં ઝંપલાવતા સ્થાનિક MLA બગડ્યાં છે.
MLA દર્શના દેશમુખે નીલ રાવ પર નિશાન સાધ્યું. ધારાસભ્યે નિશાન સાધ્યુ કે વિવાદમાં સંગઠનનો નહીં પણ આદિવાસી સમાજનો પ્રશ્ન છે . નીલ રાવને લાગતુ હશે કે તેઓ પ્રશ્નો હલ કરશે. પ્રશ્નો સમજવા આદિવાસી હોવુ જરૂરી છે. આદિવાસીના પ્રશ્નો આદિવાસી પ્રતિનિધિઓ હલ કરી શકે. સાંસદ આદિવાસી નેતા છે તેઓ ન્યાય અપાવી શકે. સાંસદ મનસુખ વસાવાએ ઉપર સુધી રજૂઆત કરી. આ વિવાદનું નિરાકરણ સુખદ આવશે.
સાગબારાના ખોપી સહિત 12થી વધુ ગામોના ખેડૂતોનો આક્ષેપ છે કે તેઓ વર્ષોથી ખેતી કરી રહ્યા છે છતાં વન અધિકાર કાયદા હેઠળની અરજીઓ પેન્ડિંગ છે. ખેડૂતોનો દાવો છે કે તેઓ વર્ષોથી જંગલની જમીન પર ખેતી કરી રહ્યા હોવા છતાં વન વિભાગ દ્વારા સતત હેરાનગતિ કરવામાં આવી રહી છે. સાથે જ વન અધિકાર કાયદા હેઠળની અરજીઓ ઘણા વર્ષોથી પેન્ડિંગ છે.. સાંસદ અને ધારાસભ્ય આ વિવાદને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે એવામાં જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ પણ પ્રશ્ન હલ કરવા સામે આવતા ફરી એકવાર નર્મદા જિલ્લામાં ભાજપનો આંતરિક ડખો સામે આવ્યો છે..
નવસારીના વિજલપોર વિસ્તારમાં આવેલું અમરદીપ એપાર્ટમેન્ટ એક ફૂટ જેટલું જમીનમાં ધસી જતાં મનપાએ હવે જર્જરિત ઇમારતો સામે તાબડતોબ કાર્યવાહી શરૂ કરી છે. અમરદીપ એપાર્ટમેન્ટ જમીનમાં ધસી જતા અહીં 26 ફ્લેટમાં રહેતા પરિવારો રાતોરાત નધણિયાતા થઇ ગયા છે. 40 વર્ષ જૂના એપાર્ટમેન્ટમાં રિનોવેશન કરવા છતાં કોલમ નબળા થવાથી અને જમીનમાં પોલાણ વધવાથી એપાર્ટમેન્ટ બેસી ગયું છે. હાલ મનપા તંત્ર દ્વારા ફ્લેટના રહેવાસીઓને અન્યત્ર રહેવાની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. સાથે જ એપાર્ટમેન્ટનો સ્ટેબિલિટી રિપોર્ટ કાઢવાની પ્રક્રિયા પણ હાથ ધરાઇ છે. પરંતુ ઘટનાને પગલે 26 જેટલા ફ્લેટધારકો રાતોરાત ઘરવિહોણા બની જતા રસ્તા પર આવી ગયા છે.
વિજલપોરની ઘટના બાદ હવે નવસારી શહેરમાં મનપાએ 200થી વધુ ઇમારતોને નોટિસ પાઠવી છે. સાથે જ 25 વર્ષથી વધુ જુના મકાનોના સ્ટેબિલિટી રિપોર્ટ કરવા માટેની પરિપત્ર બહાર પાડ્યો છે.
રાજકોટ: અંબાલાલ પટેલના સમર્થનમાં ખેડૂતો આવ્યા છે. અંબાલાલની આગાહી 90થી 95 ટકા સાચી પડતી હોવાનો ખેડૂતોનો દાવો છે. હવામાનમાં ફેરફારને કારણે 5 ટકા ભૂલ સ્વાભાવિક છે. અનેક ખેડૂતો આજે પણ અંબાલાલ પટેલની આગાહી પર ભરોસો રાખે છે. ખેડૂતોએ જણાવ્યુ કે ધરતીપુત્રોના હિતામાં જ અંબાલાલ પટેલ કરતા હતા અને તેઓ ફરી આગાહી શરૂ કરે તેવી માગ કરી છે.
ખેડૂતોનું કહેવું છે કે અંબાલાલ પટેલની હવામાન આગાહીએ વર્ષો સુધી ખેડૂતોને યોગ્ય આયોજન કરવામાં મદદ કરી છે. વાવાઝોડું હોય કે કમોસમી વરસાદ, તેમની અનેક આગાહીઓ સાચી પડતાં ખેડૂતોને પાકને નુકસાનથી બચાવવાનો સમયસર મોકો મળ્યો હતો. ખેડૂતોનું માનવું છે કે હવામાનમાં અચાનક ફેરફારોને કારણે કેટલીક આગાહી ખોટી પડી શકે, પરંતુ મોટાભાગની આગાહી વિશ્વસનીય રહી છે. તેથી અંબાલાલ પટેલ ફરી હવામાન અંગે આગાહી શરૂ કરે તેવી ખેડૂતો દ્વારા માંગ ઉઠી છે.
જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી વાઘને પજવવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં કેટલાક મુલાકાતીઓ વાઘના પાંજરામાં કપડાનો ટુકડો નાખીને તેને છંછેડતા હોવાનું જોવા મળે છે, જેનાથી ઝૂના નિયમોના ઉલ્લંઘનના આક્ષેપ થયા છે. જોકે, આ વીડિયો કેટલા સમય પહેલાનો છે તેની TV9 દ્વારા કોઈ સ્વતંત્ર પુષ્ટિ કરવામાં આવી નથી. વીડિયો સામે આવ્યા બાદ સક્કરબાગ ઝૂ ઓથોરિટીએ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને વીડિયોની સત્યતા તેમજ જવાબદાર લોકોની ઓળખ માટે કાર્યવાહી હાથ ધરી છે.
હવામાન આગાહીકારોને લઈને વિજ્ઞાન જાથાએ ફરી વિરોધનો સૂર ઉઠાવ્યો છે. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ દાવો કર્યો કે હાલમાં કરવામાં આવતી અનેક હવામાન આગાહીઓ બોગસ છે અને તેના કારણે ખેડૂતો ખોટા નિર્ણયો લેતા હોવાથી તેમના બિયારણ અને પાકને નુકસાન થઈ રહ્યું છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે આવી આગાહીઓ કરનારા લોકો પાસે કોઈપણ પ્રકારના વૈજ્ઞાનિક ઉપકરણો કે પ્રમાણભૂત પદ્ધતિ નથી. વિજ્ઞાન જાથાએ આવા આગાહીકારો સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ સાથે જણાવ્યું કે લોકોને ગેરમાર્ગે દોરતી ખોટી આગાહીઓ કરનારાઓ સામે કડક પગલાં ભરવામાં આવે અને જરૂર પડે તો તેમને કાયદેસરની કાર્યવાહી હેઠળ જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે.
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાંથી સ્વચ્છતાને લઈને ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. હોસ્પિટલની નવી બિલ્ડિંગના છઠ્ઠા માળે દર્દીઓની પથારી નજીક વંદા અને અન્ય જીવજંતુઓ આંટા મારતા જોવા મળ્યા હતા, જેના કારણે દર્દીઓના આરોગ્ય સામે પણ જોખમ ઊભું થયું છે. હોસ્પિટલમાં સાફ-સફાઈનો અભાવ સ્પષ્ટ જોવા મળતા દર્દીઓ અને તેમના સ્વજનોમાં નારાજગી ફેલાઈ છે. સ્વચ્છતા જાળવવા માટે કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપવામાં આવતા હોવા છતાં કોન્ટ્રાક્ટરોની બેદરકારી સામે આવી હોવાનું કહેવાઈ રહ્યું છે. સમગ્ર મામલે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે.
બનાસકાંઠાના વાવ-થરાદ વિસ્તારમાં ભાભર તાલુકાના ખારા ગામ નજીક એમ્બ્યુલન્સ અને કાર વચ્ચે થયેલા ભીષણ અકસ્માતમાં બે લોકોના કરૂણ મોત થયા છે. માહિતી મુજબ, જુનાગઢના ધરણીધરના દર્દીને મૂકીને પરત ફરી રહેલી એમ્બ્યુલન્સ અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળે જ બે લોકોના મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી સમગ્ર મામલે વધુ તપાસ તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહીસાગર જિલ્લાના લુણાવાડામાં શહેરી વિસ્તારની ચોકી નજીકથી ગાયો ભરેલી બે ટ્રકો ઝડપાતાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિકોને ટ્રકો અંગે શંકા જતાં તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચી ટ્રકોની તલાશી લેતા મોટી સંખ્યામાં ગાયો મળી આવી હતી. ગાયોને કતલખાને લઈ જવાતી હતી કે પશુપાલન માટે પરિવહન કરવામાં આવી રહી હતી તે સહિતના તમામ મુદ્દાઓની તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ બંને ટ્રકોને લુણાવાડા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી છે અને જરૂરી કાયદાકીય કાર્યવાહી સાથે સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.
નવસારીમાં પૂર્ણા નદીના કાંઠે વધુ એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. બંદર રોડ પર આવેલા ભૂતમામાના મંદિર નજીકથી કહોવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક આશંકા મુજબ ગત અઠવાડિયે આવેલા પૂરના કારણે મૃતદેહ તણાઈને નદી કિનારે પહોંચ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. મૃતદેહ ખૂબ જ કહોવાયેલી હાલતમાં હોવાથી મૃતકની ઓળખ કરવી મુશ્કેલ બની છે. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતકની ઓળખ તેમજ મોતના કારણ અંગે વધુ તપાસ શરૂ કરી છે.
પાટણ જિલ્લાના હારિજમાં એક વિસ્તારના નામને લઈને વિવાદ સામે આવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ઝાપટપરા તરીકે ઓળખાતા વિસ્તારનું નામ સરકારી દસ્તાવેજોમાં ‘ઈસ્લામપુરા’ દર્શાવવામાં આવતાં લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. કોઈ સ્પષ્ટ આધાર કે સત્તાવાર માહિતી વિના નામ બદલાયું હોવાના આક્ષેપ સાથે હિન્દુ સમાજે વિરોધ વ્યક્ત કર્યો છે. કયા આધારે અને કઈ પ્રક્રિયા મુજબ વિસ્તારનું નામ બદલવામાં આવ્યું તે અંગે અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર મામલે સ્થાનિકો દ્વારા યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
પાટણ જિલ્લાના હારિજમાં એક વિસ્તારના નામને લઈને વિવાદ સામે આવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ઝાપટપરા તરીકે ઓળખાતા વિસ્તારનું નામ સરકારી દસ્તાવેજોમાં ‘ઈસ્લામપુરા’ દર્શાવવામાં આવતાં લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. કોઈ સ્પષ્ટ આધાર કે સત્તાવાર માહિતી વિના નામ બદલાયું હોવાના આક્ષેપ સાથે હિન્દુ સમાજે વિરોધ વ્યક્ત કર્યો છે. કયા આધારે અને કઈ પ્રક્રિયા મુજબ વિસ્તારનું નામ બદલવામાં આવ્યું તે અંગે અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર મામલે સ્થાનિકો દ્વારા યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
અમદાવાદમાં યોજાનારી 149મી જગન્નાથ રથયાત્રા પૂર્વે શહેર પોલીસે સુરક્ષા વ્યવસ્થાને લઈને મેગા રીહર્સલ યોજ્યું હતું. પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ રીહર્સલમાં જોડાયા હતા અને રથયાત્રાના સમગ્ર રૂટ પર સુરક્ષા વ્યવસ્થાની વિસ્તૃત સમીક્ષા કરી હતી. યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ ઉપરાંત પેરામિલિટરી દળ પણ બંદોબસ્તમાં તૈનાત રહેશે. રથયાત્રાના દિવસે અંદાજે 30 હજાર જેટલા પોલીસ જવાનો ખડેપગે રહી સમગ્ર રૂટ પર સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની જવાબદારી સંભાળશે.
ઉત્તર ગુજરાતમાં વરસાદની અછત વચ્ચે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પાટણ, બનાસકાંઠા અને વાવ-થરાદ વિસ્તારની વરસાદી સ્થિતિ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે આ વિસ્તારોમાં વરસાદની સ્થિતિનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને હાલ નર્મદા કેનાલમાં પૂરતું પાણી ઉપલબ્ધ હોવાથી તાત્કાલિક ચિંતાનું કોઈ કારણ નથી. જોકે વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા સ્વાભાવિક હોવાનું તેમણે સ્વીકાર્યું અને ભગવાનને પ્રાર્થના કરી કે રાજ્યમાં વહેલી તકે સારો વરસાદ વરસે અને વરસાદની અછત દૂર થાય.
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં દારૂના વેચાણને લઈને સ્થાનિકો અને બુટલેગરો વચ્ચે ઉગ્ર માથાકૂટ સર્જાઈ હતી. સ્થાનિકોએ વિસ્તારમાં દારૂનું વેચાણ બંધ કરવાની માંગ કરતા બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી. વિવાદ વધતા બુટલેગર દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. હુમલામાં સ્થાનિકો તેમજ મહિલાઓને માર મારવામાં આવ્યો હોવાનો પણ આરોપ છે. ઘટનાનો વીડિયો સ્થાનિકોએ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે, જેમાં બુટલેગરોની દાદાગીરીનો દાવો કરવામાં આવી રહ્યો છે. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસે તપાસ શરૂ કરી છે અને વીડિયો સહિતના પુરાવાના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે 9 વર્ષીય બાળકના મોતથી આરોગ્ય તંત્રમાં ચિંતા ફેલાઈ છે. ગોધરાથી સારવાર માટે લાવવામાં આવેલા બાળકને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલ તંત્રના જણાવ્યા અનુસાર બાળકને મૃત હાલતમાં જ લાવવામાં આવ્યો હતો. હાલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા અન્ય બે બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બંને બાળકોના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને તેમના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ સમગ્ર મામલે નજર રાખી જરૂરી તકેદારીના પગલાં લઈ રહ્યું છે.
અમેરિકાના અનેક વિસ્તારોમાં પ્રખર હીટવેવનો કહેર જોવા મળી રહ્યો છે, જેના કારણે અંદાજે 4.40 કરોડથી વધુ લોકો અસરગ્રસ્ત બન્યા છે. રોકી માઉન્ટ વિસ્તાર, મોન્ટાના અને નોર્થ ડકોટા સહિતના રાજ્યોમાં વિક્રમી ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક શહેરોમાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે તેવી આગાહી કરવામાં આવી છે. ગરમીના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને લોકોને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. અમેરિકાના કેટલાક વિસ્તારોમાં પ્રથમ વખત આટલી પ્રખર હીટવેવનો અનુભવ થઈ રહ્યો છે. સાથે જ ભારે ગરમી અને સૂકા વાતાવરણને કારણે જંગલોમાં દાવાનળ ફાટી નીકળવાનો ખતરો પણ વધી ગયો છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ગુજરાત પ્રવાસના બીજા દિવસે ગાંધીનગર જિલ્લામાં વિવિધ જાહેર કાર્યક્રમો યોજાનાર છે. સવારે 10:15 વાગ્યે તેઓ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ખાતે ઇન્ટરપોલની 11મી ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપ બેઠકનું ઉદ્ઘાટન કરશે. આ બેઠકમાં ડિજિટલ ફોરેન્સિક, સાયબર ક્રાઈમ તપાસ અને આધુનિક ટેક્નોલોજી આધારિત ગુનાઓ સામેની કાર્યવાહી જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ બપોરે 12:45 વાગ્યે અમિત શાહ દહેગામ APMC ખાતે નવનિર્મિત શાક માર્કેટનું લોકાર્પણ કરશે અને APMC દ્વારા આયોજિત અમૃત મહોત્સવની ઉજવણીમાં પણ હાજરી આપશે.
બેંગકોકના એક પબમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ઓછામાં ઓછા 27 લોકોના મોત થયા હતા. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. બચાવકર્મીઓએ જણાવ્યું હતું કે આગ મધ્યરાત્રિના સુમારે લાગી હતી. દ્રશ્યના પ્રથમ પ્રતિસાદકર્તાઓ દ્વારા ઓનલાઈન શેર કરાયેલા ફૂટેજમાં થાઈ રાજધાનીમાં પબના આગળના દરવાજેથી પ્રચંડ જ્વાળાઓ નીકળતી અને લોકો ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે ગાઢ કાળો ધુમાડો આકાશમાં ફેલાઈ રહ્યો હતો.
રોઇટર્સના અહેવાલ મુજબ, અમેરિકાના હુમલાઓ બાદ ઈરાને ગલ્ફ દેશો પર હુમલાઓ વધારી દીધા હતા, જેના કારણે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ઉર્જા પુરવઠાને જોખમ થયું હતું. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ (LCOc1) 2204 GMT સુધીમાં $2.67 અથવા 3.51% વધીને $78.68 પર પહોંચી ગયો હતો, જ્યારે યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડ (CLc1) $2.48 અથવા 3.47% વધીને $73.89 પ્રતિ બેરલ પર પહોંચી ગયો હતો.
Published On - 7:35 am, Mon, 13 July 26