આજે 13 એપ્રિલને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
અરવલ્લીના ધનસુરા તાલુકા પંચાયતમાં ભાજપે ખોલાવ્યું ખાતું. બે બેઠકોના બે ઉમેદવારો બિનહરીફ થયા છે. ધનસુરા તાલુકા પંચાયત બેઠક-01 ઉપર રવિભાઈ વસાવા બિન હરીફ વિજેતા જાહેર થયા છે. ધનસુરા તાલુકા પંચાયત બેઠક-02 ઉપર કાજલબેન ખાંટ બિનહરીફ થયા છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ફોર્મ રદ થતા આ બન્ને ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે.
અમદાવાદના વેજલપુર શ્રીનંદ સિટીમાં દારૂની મહેફિલ ઝડપાઈ. જન્મ દિવસ નિમિતે યોજાઈ હતી દારૂની મહેફિલ. પોલીસે દરોડા પાડી યુવતીઓ સહિત 10 ની કરી ધરપકડ. કુંધાલી તોસીવી નામની યુવતીનો જન્મ દિવસ ઉજવાયો હતો. દારૂ પીને ધમાલ કરતા હોવાથી પોલીસને થઈ જાણ. પોલીસે દારૂ બિયરની બોટલો અને 5 મોબાઈલ સહિત 1 લાખનો મુદ્દામાલ કર્યો કબજે. વેજલપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સીબીઆઈએ 11 અપહરણ, અટેમ્પ્ટ ટુ મર્ડર અને મર્ડર તેમજ ગેરકાયદેસર હથિયારોના કેસમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. સુરતમાં છુપાયેલા 2015 થી ફરાર આરોપી ભોલા સિંહને ઝડપી પાડ્યો છે. 2014 થી કોલકાતાના બે લોકોના અપહરણ કેસમાં 2015થી ભોલાસિંહ ફરાર હતો. આરોપી સુરતમાં “અમિત શર્મા” નામની ખોટી ઓળખ સાથે રહેતો હોવાની માહિતીના આધારે ધરપકડ. આરોપી ભોલા સિંહ ઉર્ફે ગૌતમ કુમાર ઉર્ફે અમિત શર્મા નામ ધરાવે છે. બિહાર પોલીસના 11 ગંભીર કેસોમાં પણ વોન્ટેડ હતો. હત્યા ,અપહરણ ,ગેરકાયદેસર હથિયારો અને વિસ્ફોટકો રાખવાના ગુનામાં છે આરોપી. CBI દ્વારા ઓપરેશન કરીને ધરપકડ કરવામાં આવી છે. આજે સુરતની અદાલતમાં ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે રજૂ કર્યા બાદ આવતીકાલે કોલકાતાની સંબંધિત કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
રાજકોટ કોંગ્રેસના અનેક ઉમેદવારો ભુગર્ભમાં ઉતરી ગયા છે. તોડજોડની રાજનિતીનો શિકાર ના બને તે માટે ભુગર્ભમાં ઉતર્યા હોવાનું કહેવાય છે. ભાજપ દ્રારા કોંગ્રેસના ઉમેદવારોને તોડવાનો પ્રયાસ કરાયો હોવાની ચર્ચા ચાલી છે. પ્રથમ વખત ચૂંટણી લડતા અનેક ઉમેદવારોને ભુગર્ભમા ઉતારાયા છે. બુધવારે ફોર્મ પરત ખેંચવાનો દિવસ પૂર્ણ થાય બાદમાં તેઓ પ્રચાર શરૂ કરશે. 7 થી 8 કારમાં અંદાજિત 25થી વધારે ઉમેદવારોને લઇ ગયા છે.
રાજકોટના જસદણ ગુંદાળા ગામ નજીક બે યુવક ડેમમાં ડૂબ્યા છે. ગુંદાળા ગામા નજીક ડેમમાં કુલ 10 યુવક ગયા હતા નાહવા. એક યુવકનું પાણીમાં ડૂબી જતા મોત થયું છે. અન્ય યુવકને સ્થાનિકોએ બચાવીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. પાલિકા દ્વારા સ્થાનિક તરવૈયા દ્વારા મૃતદેહને બહાર કઢાવ્યો. આટકોટ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. મૃતકના પરિવાર અંગે તપાસ શરૂ કરી છે.
પંચમહાલ જિલ્લાની શહેરા નગરપાલિકા ભાજપે ચૂંટણી પહેલા જ કરી કબજે. શહેરા નગરપાલિકાની 15 બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા છે. વોર્ડ 1 અને વોર્ડ 5 ની તમામ બેઠકો થઈ બિનહરીફ. શહેરા નગરપાલિકાના કુલ 7 વોર્ડની 28 બેઠકો પૈકી 15 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. હવે 13 બેઠકની ચૂંટણી યોજાનાર છે.
ગુજરાત યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટરે વધારાના 34 કરોડ માંગતા વિદ્યાર્થી સંગઠનોએ હોબાળો મચાવ્યો છે. EC બેઠકમાં ઓક્ટ્રસ કંપનીને એક્સ્ટ્રા એક્સેસ આપવા પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો. 34 કરોડ વધારાના આપી દેવાને લઈ EC મેમ્બરોએ વિરોધ કર્યો હતો. ABVP કાર્યકરોએ ગુજરાત યુનિવર્સિટી કુલપતિ કચેરીમાં કર્યો હોબાળો. કુલપતિ હાજર ના રહેતા રામધુન બોલાવી કર્યો વિરોધ. સમીર શુકલાની ઓક્ટ્રસ કંપનીને વધારાના 34 કરોડ આપવા લવાઈ હતી દરખાસ્ત. કંપનીને L1 તરીકે કોન્ટ્રાક્ટ આપ્યો હોવા છતાં 34 કરોડ વધુ ખર્ચી નાખ્યા હતા. 34 કરોડનો આંકડો માત્ર બે બાંધકામ કમિટીનો જ છે. જો છેલ્લા ત્રણ વર્ષના વધારાના ખર્ચના આંકડા તપાસવામાં આવે તો આંકડો કરોડોના જઈ શકે છે. ABVP એ માંગ કરી છે કે L1 ટેન્ડર અપાયું હોવાથી વધારાનો ખર્ચ આપવાનો ના રહે. ઓક્ટ્રસ કંપનીને વધારાના 34 કરોડ ના આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પિયુષ પટેલે કબૂલાત કરી છે કે, વધારાના ખર્ચ પેટે ઓક્ટ્રસ કંપનીને રૂપિયા આપવા દરખાસ્ત આવી હતી, પરંતુ ગુજરાત યુનિએ વધારાનો ખર્ચ નહીં આપવા નિર્ણય લીધો છે.
અમદાવાદ ગ્રામ્યમાં આવતા વિરમગામ નગરપાલિકામાં ભાજપના 7 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. ચૂંટણી પહેલા વિરમગામ નગરપાલિકાના વોર્ડ-2 ,6 અને 9 મા ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી વિરમગામ નગરપાલિકા ચૂંટણીમા ઉમેદવારી ફોર્મ ચકાસણી રદ થતા બિનહરીફ વિજેતા જાહેર થયા છે. હવે 29 સભ્યો માટે ચૂંટણી યોજાશે.
અમદાવાદના પોપ્યુલર બિલ્ડરના દશરથ પટેલની ગ્રામ્ય LCB ટીમે ધરપકડ કરી હતી. ગ્રામ્ય LCB ની ટીમે દશરથ પટેલની શ્રીનાથજી ખાતેથી ધરપકડ કરીને પોલીસ રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મજૂર કર્યા છે. બોપલ ગોધાવી ગામની પૂજારીની બોગસ વારસાઈ કરી જમીન પચાવી પાડવાનો કેસમાં ધરપકડ કરવામાં આવી છે. વર્ષ 2022 માં બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો ગુનો. ખોટી વારસાઈ કરી પોતાના નામે જમીન પચાવી પાડી હતી. આ કેસમાં બિલ્ડર દશરથ પટેલની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
રાજકોટના સાધુ વાસવાણી રોડ પર કોમ્પ્લેક્સમાં એકાએક આગ ભડકી ઉઠી હતી. કોમ્પલેક્ષમાં ફસાયેલા ત્રણ લોકોને બચાવી લેવાયા છે. 3 ફાયર ફાઈટર આગને કાબૂમાં લેવા ઘટના સ્થળે પહોચ્યા હતા. આગ લાગ્યાની જાણ થતાની સાથે જ લોકોના ટોળેટોળા ઉંમટી પડ્યા હતા.
જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકા પંચાયતની કોયલાણા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ થયું છે. નીતાબેન જેન્તીભાઈ મગરાનું ફોર્મ રદ થયું છે. કોંગ્રેસના ઉમેદવારે ફોર્મમાં ભાજપા લખ્યું હતું મેન્ડેટ કોંગ્રેસનો રજૂ કર્યો હતો. ટેકનિકલ કારણોસર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરાયું છે. કોયલાણા તાલુકા પંચાયત બેઠક પર ભાજપ અને આપ વચ્ચે જામશે ચૂંટણી જંગ.
ગાંધીનગરમાં કલેકટર સમક્ષ પોલીસ ઈન્સ્પેક્ટરના વર્તન અંગે રજૂઆત માટે કોંગ્રેસ પક્ષનું ડેલીગેશન પહોંચ્યું કલેકટર ઓફિસે પહોચ્યું હતું. ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ સોલંકીની આગેવાની હેઠળ કોંગ્રેસ પક્ષનું ડેલીગેશન કલેક્ટર ઓફિસે પહોચ્યું હતું. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સાતેજ પોલીસના પીઆઇ વિરુદ્ધ કોંગ્રેસ પક્ષે કરી ફરિયાદ. સાતેજ પીઆઇ મૂછાળ દ્રારા તાલુકા પચાયતના કોંગ્રેસ પક્ષના ઉમેદવારનું ફોર્મ પરત ખેંચવા દબાણ કરે છે. કલોલ તાલુકાના તાલુકા પચાયત મોટી ભોંયણના કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા દબાણ કરવામાં આવે છે. પીઆઇ દ્રારા વારંવાર દબાણ કરીને ધાક ધમકી થી ફોર્મ પરત ખેંચવા દબાણ કરવામાં આવી રહ્યું છે.
નવસારી જિલ્લામાં કુલ 42 બેઠકો બિન હરીફ જાહેર થઈ છે. નવસારી જિલ્લા પંચાયતની છ બેઠકો સહિત કુલ 42 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ચૂંટણી પહેલા જ જીત મેળવી છે. નવસારી મહાનગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકામાં મેળવી છે જીત. ગણદેવી સમગ્ર પાલિકા ભાજપે બિનહરીફ કબજે કરી છે. જીતને પગલે ભારતીય જનતા પાર્ટીમાં ખુશીનો માહોલ,
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે બાળકીના મોતના મામલાએ ગંભીર વળાંક લીધો છે. ઘટનામાં પતિ વિમલ બાદ હવે માતા ભાવનાને પણ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રજા મળતા જ પોલીસ દ્વારા ભાવનાની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ કેસમાં બાળકીના મોત સ્વાભાવિક હતા કે હત્યા, તે અંગે મહત્વપૂર્ણ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે તપાસ વધુ તેજ બની છે.
વડોદરા શહેરના વોર્ડ નંબર 15માં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર બારોટનું નામ મતદાર યાદીમાં ન મળતા તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. જોકે, તેમના ડમી ઉમેદવાર હિતેશ માછીનું ફોર્મ મંજૂર કરવામાં આવ્યું છે. આ મુદ્દે કોંગ્રેસ દ્વારા ભારતીય જનતા પાર્ટી અને અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. રાજેન્દ્ર બારોટે આક્ષેપ કર્યો કે તેમને જાણતા જ હેરાન કરવા માટે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના કારણે ચૂંટણીમાં રાજકીય તણાવ વધ્યો છે.
વડોદરાના સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે બનેલી દુર્ઘટનાનો મામલો વધુ ગંભીર બન્યો છે, જેમાં શેડ ધરાશાયી થવાની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. 10 એપ્રિલના રોજ બસ સ્ટેશનના ઉપરના ભાગનું સ્ટ્રક્ચર અચાનક તૂટી પડતા અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં એક વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એક અન્ય વ્યક્તિને ઈજા પહોંચી હતી. ઘટનાને લઈને હવે જવાબદારી કોની તે અંગે સવાલો ઊભા થયા છે અને બેદરકારી અંગે તપાસની માંગ ઉઠી રહી છે.
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ઉમેદવારોના ફોર્મની ચકાસણી દરમિયાન ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. વોર્ડ નંબર 7માંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શીતલ વાઘેલાનું ફોર્મ રદ કરવાની માંગ કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવી છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે શીતલ વાઘેલાને ત્રણ બાળકો હોવાના પુરાવા રજૂ કરવામાં આવ્યા છે, જેને આધારે ફોર્મ અમાન્ય ગણાવવું જોઈએ. આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસની લીગલ ટીમો વચ્ચે સામસામે તર્કવિતર્ક થયા હતા, જેના કારણે ચકાસણી સ્થળે તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. કોંગ્રેસના વિક્રમ માડમ સહિતના આગેવાનો તેમજ શહેર ભાજપ પ્રમુખ અને અન્ય નેતાઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા. બંને પક્ષોની જોરદાર દલીલોને કારણે સમગ્ર પ્રક્રિયા દરમિયાન રાજકીય તાપમાન ઊંચું રહ્યું હતું.
સુરત મનપા ચૂંટણીના જંગ વચ્ચે MLA કુમાર કાનાણીએ પ્રચાર દરમિયાન આકરા પ્રહાર કરતા રાજકીય માહોલ ગરમાવ્યો છે. તેમણે આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા કટાક્ષ કર્યો કે જ્યારે તેઓ વિકાસની વાત કરે છે ત્યારે ‘આપ’ના કાર્યકરો તેને પ્રજાના ટેક્સના પૈસા હોવાનું કહે છે. કાનાણીએ પડકાર આપતા કહ્યું કે “તું સત્તામાં આવીશ તો તારા બાપના પૈસાથી વિકાસ કરીશ?” તેમણે વધુમાં ઉમેર્યું કે સરકાર ગમે તેની હોય, તે જનતાના ટેક્સથી જ ચાલે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી આ પૈસાનો યોગ્ય અને અસરકારક ઉપયોગ કરી રહી છે.
સુરત શહેરના વોર્ડ નંબર 12માં કોંગ્રેસને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. ઉમેદવાર ભુપેન્દ્ર પટેલનું નામંકન ફોર્મ રદ થતાં કોંગ્રેસની આખી પેનલ ખંડિત થઈ ગઈ છે. ડમી ઉમેદવાર ન ભરાવાતા હવે કોંગ્રેસ માત્ર ત્રણ ઉમેદવાર સાથે જ ચૂંટણી મેદાનમાં રહી ગઈ છે. આ પરિસ્થિતિનો સીધો રાજકીય ફાયદો ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીને મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે વોર્ડમાં ચૂંટણીનું સમીકરણ બદલાઈ ગયું છે.
સુરતના સચિન પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં એક આરોપીનું મોત થતાં ચકચાર મચી છે. વાહન ચોરીના કેસમાં આરોપીની પૂછપરછ ચાલી રહી હતી અને પુરાવાના આધારે તેને ગોધરાથી સુરત લાવવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન કુદરતી હાજતે જવાનું કહી આરોપી ડી-સ્ટાફની કેબિનમાં ગયો હતો, જ્યાં તેણે ટોયલેટ ક્લિનર એસિડ પી લીધું હતું. ગંભીર હાલતમાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ સુરત ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
વડોદરા શહેરમાં પૂર્વ પ્રધાન ભૂપેન્દ્ર લાખાવાલાના નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટીના આંતરિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. લાખાવાલાએ વડોદરાની ઈમેજ બગડ્યાનું નિવેદન આપતા વિવાદ સર્જાયો હતો, જેના પર વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લાએ વળતો જવાબ આપ્યો છે. શુક્લાએ સ્પષ્ટ કર્યું કે ભૂપેન્દ્ર લાખાવાલા પાર્ટીના પ્રદેશ પ્રમુખ કે અધિકૃત પ્રવક્તા નથી અને તેમનું નિવેદન સંપૂર્ણપણે વ્યક્તિગત છે, પાર્ટીનો તેમાં કોઈ રોલ નથી. તેમણે વધુમાં જણાવ્યું કે લાખાવાલાને પાર્ટીએ કોઈ પણ પ્રકારની નિવેદન આપવાની સત્તાવાર જવાબદારી સોંપી નથી. શુક્લાના જણાવ્યા મુજબ, આવા નિવેદનોનો પાર્ટી પર કોઈ અસર નહીં પડે. મનપાના પૂર્વ શાસન સંબંધિત મુદ્દે ભાજપના નેતાઓ વચ્ચે જ વિરોધાભાસ જોવા મળતા રાજકીય માહોલ વધુ ગરમાયો છે.
ખેડા જિલ્લાના કઠલાલ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે ભારતીય જનતા પાર્ટીમાં ભંગાણ સર્જાયું છે. ભાજપના 6 હોદ્દેદારોએ રાજીનામા આપી સમાજવાદી પાર્ટીને સમર્થન જાહેર કર્યું છે. શહેર ભાજપ ઉપપ્રમુખ વિજય બારૈયાએ પણ રાજીનામું આપી પાર્ટીથી અલગ થવાનો નિર્ણય લીધો છે. સાથે જ ભગા પરમાર, કિરણ પરમાર અને દશરથ પરમાર સહિતના આગેવાનોના રાજીનામા બાદ રાજકીય માહોલ વધુ ગરમાયો છે.
સુરતના સુરત એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થામાં મોટી ચૂક સામે આવી છે, જ્યાં રનવે પર એક શિયાળ આવી જતા વિમાન નીચે કચડાઈ ગયું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે હૈદરાબાદથી આવેલી ફ્લાઇટ લેન્ડિંગ કરી રહી હતી. અચાનક રનવે પર શિયાળ દેખાતા આ અકસ્માત સર્જાયો, જેને પગલે એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.
સુરત શહેરના કાપોદ્રા વિસ્તાર માં બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવતા કૌભાંડનો પર્દાફાશ થયો છે. SOG દ્વારા દરોડા પાડી નકલી લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવતી ટોળકીને ઝડપી પાડવામાં આવી હતી. આ ટોળકી લોકો પાસેથી 7થી 10 હજાર રૂપિયા વસૂલીને બોગસ લર્નિંગ લાયસન્સ બનાવી આપતી હતી. પોલીસે કાર્યવાહી દરમિયાન કુલ 13 નકલી લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત કર્યા છે, જ્યારે આરોપીઓએ 25થી વધુ બોગસ લાયસન્સ બનાવ્યાની કબૂલાત પણ આપી છે.
અમદાવાદ શહેરના વટવા વિસ્તાર માં પોલીસ દ્વારા વિશાળ સ્તરે મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન કુલ ૭૫ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી, જ્યારે શંકાસ્પદ રીતે ફરી રહેલા ૪૫ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું. ઉપરાંત, વિદેશી દારૂની ૪૩૫ બોટલો સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. નશો કરીને વાહન ચલાવતા ૨ વ્યક્તિઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. ચાર માળિયા સહિતના વિવિધ વિસ્તારોમાં કુલ ૫૫ સ્થળોએ બ્લોક ચેકિંગ ગોઠવીને પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી હતી.
ભરૂચમાં નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી કંઈક અનોખો અંદાજમાં જોવા મળ્યા, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન હર્ષ સંઘવીએ ભરૂચમાં નાસ્તાની રેંકડી પર ભાજપ કાર્યકરો સાથે બેઠક જમાવી હતી.સિક્યુરિટી પ્રોટોકોલ તોડીને હર્ષ સંઘવીએ નાગરિકની જેમ રેંકડી પર નાસ્તો કરતા કાર્યકરો સાથે ચૂંટણી અંગે ચર્ચા કરી હતી.ભાજપના કાર્યકરો અને સ્થાનિક ધારાસભ્ય પણ આ ચર્ચામાં જોડાયા હતા.
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રાજ્યના 6 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર ગયો છે. રાજ્યમાં સૌથી વધુ ગરમી રાજકોટમાં નોંધાઈ. રાજકોટમાંથી 41.7 ડિગ્રી ગરમી નોંધાઈ. અમદાવાદમાં 40.7 ડિગ્રી પર પારો રહ્યો. ભૂજ, કંડલા, વડોદરા, ગાંધીનગરમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ.
Published On - 7:13 am, Mon, 13 April 26