12 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : કચ્છના લખપતમાં ભેદી રોગાચાળાથી વધુ એક મોત

|

Sep 12, 2024 | 9:10 PM

આજે 12 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો

12 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : કચ્છના લખપતમાં ભેદી રોગાચાળાથી વધુ એક મોત

Follow us on

વડીલો માટે મોદી સરકારેે સૌથી મોટી જાહેરાત કરી છે. 70થી વધુ વયના લોકોને આયુષ્માન યોજનાનો લાભ મળશે. 5 લાખ સુધીની મફત સારવાર મળશે. 4.5 કરોડ પરિવારોને ફાયદો થશે. PM મોદીની ગુજરાત મુલાકાતને લઇને તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. 16મીએ GMDC ગ્રાઉન્ડમાં જંગી જાહેર સભા સંબોધશે. 5 હજાર પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે.  અમેરિકામાં રાહુલ ગાંધીએ અનામત મુદ્દે આપેલા નિવેદન પર CM ભૂપેન્દ્ર પટેલે નિશાન સાધ્યુ છે. પછાત અને પીડિત વર્ગો પ્રત્યે રાહુલની અસંવેદનશીલતા છે. પાટણમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના બની છે. 7 લોકો સરસ્વતી નદીમાં ડૂબ્યા છે, 4 લોકોના કરુણ મોત થયા છે. 3 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 12 Sep 2024 08:49 PM (IST)

    કચ્છના લખપતમાં ભેદી રોગાચાળાથી વધુ એક મોત

    લખપતના રોડાસર ગામની 27 વર્ષની યુવતીનુ ભેદી રોગાચાળાથી મોત થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ યુવતીના મોતની સાથે ભેદી રોગાચાળાથી મૃત્યુનો આંક 18 પર પહોંચ્યો છે. આરોગ્ય કમિશ્નરે લખપત વિસ્તારની મુલાકાત લીધી છે.

  • 12 Sep 2024 07:13 PM (IST)

    તાનાશાહની જેમ વર્તતા ધારાસભ્યની વિરુધ્ધમાં રાજીનામા આપ્યા: કલોલ નગરપાલિકાના ચેરમેન

    કલોલ નગરપાલિકાના ચેરમેન પ્રકાશ વરઘડેએ રાજીનામા આપવા બાબતે જણાવ્યું છે કે, અમે અનેક રજૂઆતો કરી પરંતુ કોઈએ અમારી રજૂઆતોને ધ્યાને લીધી નથી કે કોઈ અમારુ સાંભળતુ નથી. અમિતભાઈ શાહની ઓફિસ સુધી રજૂઆત કરી છે. પરંતુ કોઈ પરિણામ ના આવતા, ના છુટકે અમારે 12 સભ્યોએ રાજીનામા આપવાની ફરજ પડી છે. સ્થાનિક ધારાસભ્ય તાનાશાહની જેમ વર્તી રહ્યાં છે. ટેન્ડર પ્રક્રિયાના વિવાદમાં અમે રાજીનામુ આપ્યું છે. હજુ પણ બીજા સભ્યો રાજીનામા આપવાના છે તેમ તેમણે જણાવ્યું હતું.

     

     

     

     


  • 12 Sep 2024 07:07 PM (IST)

    અમદાવાદના ગોતામાં સેવન્થ એવેન્યુના સાતમા માળે લાગી આગ, વૃદ્ધનુ મોત

    અમદાવાદના ગોતાની હાઇરાઈઝ્ડ બિલ્ડીંગના 7માં માળે આગ લાગી હતી. ગોતા વિસ્તારમાં આવેલ સેવન્થ એવેન્યુ બિલ્ડીંગના સાતમા માળે આગ લાગવાની ઘટના બની હતી. એક વૃદ્ધની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. 68 વર્ષીય વૃદ્ધ દાઝ્યા હતા. ગૂંગળામણની અસરથી તબિયત ગંભીર થઈ હોવાનુ સ્થાનિકોનું કહેવું છે. સૂત્રોએ જણાવ્યું છે કે, વૃદ્ધનું નિધન થયું છે.

  • 12 Sep 2024 06:44 PM (IST)

    સરદાર સરોવર નર્મદા ડેમના 15 દરવાજા ફરી ખોલાયા, વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામને એલર્ટ કરાયા

    સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થવા પામ્યો છે. ઉપરવાસમાંથી પાણીની સતત થઈ રહેલ આવકને પગલે, જળસપાટીમાં વધારો થવા પામ્યો છે. ઉપરવાસમાંથી સરદાર સરોવર નર્મદા ડેમમાં 3,78,911 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા નદીમાં કુલ 3,24,956 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 135.71 મીટરે પહોંચી છે. જેના પગલે, ફરીથી નર્મદા ડેમના 15 દરવાજા 2.5 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામને એલર્ટ કરાયા છે.

  • 12 Sep 2024 05:28 PM (IST)

    જૂનાગઢ જિલ્લા જેલના જેલ સહાયક પર કેદીએ કર્યો હુમલો

    જૂનાગઢ જિલ્લા જેલના જેલ સહાયક પર કેદીએ હુમલો કર્યો હતો. જૂનાગઢ જિલ્લા જેલ સર્કલ 2માં ફરજ બજાવતા જેલ સહાયક આકાશ ગામીત ઉપર દુષ્કર્મ કેસના આરોપીએ હુમલો કર્યો હતો. દુષ્કર્મ કેસનો આરોપી એક સર્કલમાંથી બીજા સર્કલમાં ફરતો હોવાથી, જેલ સહાયક આકાશ ગામીતે ટકોર કરી હતી. આથી ઉશ્કેરાયેલા આરોપીએ હુમલો કરીને, જેલ સહાયક આકાશ ગામીતના ગળાના ભાગે ઈજા પહોચાડી હતી. આ અંગે જૂનાગઢ એ ડિવિઝન પોલીસમાં, હુમલો કરનારા આરોપી વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે.

  • 12 Sep 2024 04:17 PM (IST)

    અમદાવાદમાં સ્કૂલ બસ ચાલકે સર્જેલા અકસ્માતમાં એક્ટિવા ચાલક મહિલાનું મોત

    અમદાવાદમાં સ્કૂલ બસ ચાલકે સર્જેલા અકસ્માતમાં એક્ટિવા ચાલક મહિલાનું મોત થયું છે. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે. હાથીજણ જશોદાનગર રોડ પર સ્કૂલ બસ ચાલકે, એક્ટિવા ચાલક મહિલાને ટક્કર મારી હતી. અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. ટ્રાફિક પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી.

  • 12 Sep 2024 04:13 PM (IST)

    સીતારામ યેચુરીનું નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસ

    ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસવાદી)ના મહાસચિવ સીતારામ યેચુરીનું આજે ગુરૂવારે નિધન થયું છે. તેમને દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને ICUમાં રાખવામાં આવ્યા હતા. તબીબોની ટીમના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકથી તેમની હાલત ખૂબ જ ગંભીર હતી. કહેવામાં આવી રહ્યું છે કે, સીતારામ યેચુરીના ફેફસામાં ઈન્ફેક્શન થયું હતું. આ સિવાય તેના મલ્ટી ઓર્ગન્સ પણ ફેલ થઈ ગયા હતા. છાતીમાં ઈન્ફેક્શન બાદ ગત 19 ઓગસ્ટે તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.

  • 12 Sep 2024 03:32 PM (IST)

    ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો, એક મહિનાનો પગાર પૂર રાહત ફંડમાં જમા કરાવશે

    કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈને પોતાના સહિતન મત્રીમંડળના સભ્યોનો એક મહિનાનો પગાર પૂર રાહત ફંડમાં જમા કરવાનો નિર્ણય કર્યો છે. કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યો પોતાનો એક મહિનાનો પગાર પૂર રાહત ફંડમાં આપશે. મુખ્યમંત્રી પૂરરાહત નિધિમાં જમા કરાવશે પગાર. અધિકારીઓને પણ પૂરરાહત નિધિમાં સહાય કરવા મુખ્ય પ્રધાનનો આદેશ.

  • 12 Sep 2024 03:26 PM (IST)

    ગુજરાતમાં 30 વર્ષનું શાસન છતા ભાજપ દ્વારા, વડોદરામાં પૂર નિયંત્રણ માટે કોઈ પગલા નહીઃ મુકુલ વાસનિક

    વડોદરામાં આવેલા વરસાદી પૂરના મુદ્દે કોંગ્રેસના ગુજરાત રાજ્યના પ્રભારી મુકુલ વાસનિકે કહ્યું છે કે, ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે છતા વડોદરાને પૂરથી બચાવી શક્યા નથી. મુકુલ વાસનિકે રાજકીય પ્રહાર કરતા કહ્યું કે,  વડોદરાના રહિશોએ 2014માં નરેન્દ્ર મોદીને જીતાડીને દિલ્હી મોકલ્યા હતા, પણ દિલ્હીમાં ગયા બાદ પીએમ મોદી વડોદરાવાસીઓને ભૂલી ગયા. વડોદરામાં આવેલા વિનાશક પૂર માટે સરકાર જવાબદાર છે. લોકોની કિંમતી ચીજવસ્તુઓ પાણીમાં ખરાબ થઈ ગઈ છે. સરકાર દ્વારા સર્વે પણ યોગ્ય અને સાચો થયો નથી. જેના કારણે સાચા અસરગ્રસ્તો સહાયથી વંચિત રહેશે.

     

  • 12 Sep 2024 03:19 PM (IST)

    સુરતના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર સામે 1.57 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો

    સુરતના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર વિરુદ્ધ લાંચ રુશ્વત વિરોધી બ્યુરોએ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો છે. ACB દ્વારા કૈલાશ ભોયા વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરાયો છે. રૂપિયા 1 કરોડ 57 લાખ 24 હજાર 114 રૂપિયાની અપ્રમાણસર મિલકત અંગે ગુનો દાખલ કરાયો છે. કૈલાશ ભોયાની કાયદેસરની આવક 2 કરોડ 75 લાખ 99 હજાર 747 છે. પોતાના અને પોતાના પરિવરજનોના નામે કુલ રૂપિયા 4 કરોડ 33 લાખ 23 હજાર 861 ની સંપત્તિ ધરાવે છે.

  • 12 Sep 2024 02:25 PM (IST)

    વડોદરા પૂર મામલે રાજ્ય સરકારની જાહેરાત

    વડોદરા પૂર મામલે રાજ્ય સરકારે મુખ્યપ્રધાન રાહત નિધિમાંથી આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. પુનઃવર્સન મામલે પણ સહાય આપવામાં આવશે. લારી અને રેકડી ધારકને ઉચ્ચક 5 હજારની રોકડ સહાય આપવામાં આવશે. 40 સ્કવેર ફૂટથી નાની સ્થાયી કેબિન ધારકને 20 હજાર આપવામાં આવશે. 40 સ્કવેર ફૂટથી મોટી કેબિન ધારકને 40 હજારની રોકડ સહાય અપાશે. નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકને 85 હજારની રોકડ સહાય અપાશે. માસિક ટર્નઓવર 5 લાખથી વધુ હોય તેમને 20 લાખ સુધીની લોન અપાશે.

  • 12 Sep 2024 01:09 PM (IST)

    સિંગતેલમાં 40 રૂપિયાનો ઘટાડો

    સિંગતેલમાં 40 રૂપિયાનો ઘટાડો થયો છે. તો સિંગતેલ સિવાયના અન્ય તેલના ભાવ વધ્યા છે. કપાસિયા તેલમાં એક સપ્તાહમાં આશરે 75 રૂપિયાનો વધારો થયો છે. તો પામોલીન તેલમાં એક સપ્તાહમાં 60 રૂપિયાનો વધારો થયો છે. કપાસિયા તેલનો ડબ્બાનો ભાવ 1,885નો થયો છે. પામોલીન તેલનો ડબ્બાનો ભાવ 1685 થયો છે.
    રાયડાના તેલમાં 50, કોપરેલમાં 120 રૂપિયાનો વધારો થયો છે. તેલિબીયાના પાકમાં મોટું નુકસાન થવાના કારણે તેલના ભાવ વધ્યા છે.

  • 12 Sep 2024 12:12 PM (IST)

    અમદાવાદ: ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યું 1 કિલો M.D. ડ્રગ્સ

    અમદાવાદ: ક્રાઇમ બ્રાન્ચે 1 કિલો M.D. ડ્રગ્સ ઝડપ્યું છે. ઝડપાયેલા ડ્રગ્સની કિંમત એક કરોડ જેટલી છે. પોલીસે 2 આરોપીઓની પણ અટકાયત કરી છે. જયપુર – રતલામ માર્ગે ડ્રગ્સ અમદાવાદમાં લવાયુ હતુ. ઈકો કારના ટાયરમાં સંતાડીને ડ્રગ્સ લવાતું હતું.

  • 12 Sep 2024 11:00 AM (IST)

    નર્મદાઃ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં થયો વધારો

    નર્મદાઃ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે. ઉપરવાસમાંથી 2,12,916 ક્યુસેક આવક થઇ છે. નર્મદા નદીમાં કુલ 2,12,457 ક્યુસેક છોડાઈ રહ્યું છે. હાલ નર્મદા ડેમ ની સપાટી 135.67 મીટરે પહોંચી છે. ફરી નર્મદા ડેમના 15 દરવાજા 1.9 મીટર ખોલાયા છે. વડોદરા ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ કરાયા છે.

  • 12 Sep 2024 09:37 AM (IST)

    બનાસકાંઠા: અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ

    બનાસકાંઠા: અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે. 7 દિવસ સુધી ભાદરવી પૂનમનો મેળો ચાલશે. મેળા દરમિયાન 35 લાખથી વધુ પદયાત્રી આવવાની શક્યતા છે. તમામ યાત્રિકોને 7 દિવસ બંને ટાઈમ નિ:શુલ્ક ભોજન અપાશે. અંબાજી આવતા તમામ યાત્રીકોને વીમા કવચથી સુરક્ષિત કરાયા. વીમા કવચ અંબાજીથી 20 કિલોમીટરના ત્રિજ્યામાં લાગુ પડશે.

  • 12 Sep 2024 08:49 AM (IST)

    સુરેન્દ્રનગર : ભાજપના સદસ્યતા અભિયાનને લઇને વધુ એક શાળા વિવાદમાં

    સુરેન્દ્રનગર : ભાજપના સદસ્યતા અભિયાનને લઇને વધુ એક શાળા વિવાદમાં આવી છે. ભાજપ શહેર પ્રમુખ મહેન્દ્ર પટેલની IPS સ્કૂલના વાલીઓને મેસેજ કરી ભાજપના સભ્ય બનવા દબાણ કરાઇ રહ્યું છે. ધોરણ-4માં અભ્યાસ કરતા બાળકોના ગ્રુપમાં શાળા સંચાલકોએ મેસેજ મુક્યા છે. શાળા સંચાલકોએ બાળકોના વાલીઓને ભાજપમાં જોડાવા અપીલ કરી છે. ટાર્ગેટ પૂરો ન થતાં હવે બાળકોના વાલીઓને સભ્ય બનાવવા દોડધામ છે.

  • 12 Sep 2024 08:36 AM (IST)

    બનાસકાંઠાઃ વાસણ બોડર પરથી ઝડપાયું MD ડ્રગ્સ

    બનાસકાંઠાઃ વાસણ બોડર પરથી MD ડ્રગ્સ ઝડપાયું છે. લક્ઝરી બસમાંથી ચેકિંગ કરતા MD ડ્રગ્સ મળી આવ્યું છે. 42.84 ગ્રામ MD ડ્રગ્સ એક ઇસમની અટકાયત થઇ છે. ધાનેરા પોલીસે 4.34 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. ધાનેરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  • 12 Sep 2024 07:42 AM (IST)

    પાટણઃ ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના

    પાટણઃ ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના બની છે. સરસ્વતી નદીમાં ડૂબી જવાથી 4 લોકોના મોત થયા છે. ચારેય મૃતકો એક જ પરિવારના સભ્યો છે. 3ને તરવૈયાઓએ બચાવ્યા છે. ત્રણેય સારવાર હેઠળ છે.

  • 12 Sep 2024 07:41 AM (IST)

    કર્ણાટક: મંડ્યામાં ગણેશ વિસર્જન દરમિયાન સાંપ્રદાયિક હિંસા

    કર્ણાટક: મંડ્યામાં ગણેશ વિસર્જન દરમિયાન સાંપ્રદાયિક હિંસા થઇ છે. ગણેશ વિસર્જન દરમિયાન બે કોમના લોકો વચ્ચે હંગામો થયો છે. પથ્થરમારો, આગચંપી અને ગોળીબાર પણ થયો હોવાની માહિતી છે. પથ્થરમારામાં પોલીસકર્મીઓ પણ ઘાયલ થયાની માહિતી છે. ટોળાએ અનેક દુકાનોમાં તોડફોડ કરી આગ ચાંપી છે.

Published On - 7:40 am, Thu, 12 September 24