11 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : આજથી રાજ્યમાં ફરીથી વરસાદી વાતાવરણ છવાશે, રાજ્યના અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

આજે 11 સપ્ટેમ્બરને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

11 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : આજથી રાજ્યમાં ફરીથી વરસાદી વાતાવરણ છવાશે, રાજ્યના અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
| Edited By: | Updated on: Sep 11, 2026 | 8:51 AM

LIVE NEWS & UPDATES

  • 11 Sep 2026 08:40 AM (IST)

    વડોદરાના સાવલીની ધનતેજ ડેરીમાં ગેરરીતિના આક્ષેપોથી મામલો ગરમાયો

    વડોદરાના સાવલીની ધનતેજ ડેરીમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને વિવાદ વકર્યો છે. મંત્રી ઘનશ્યામ પરમારે ડેરીમાંથી લાખો રૂપિયાની ઉચાપત કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘનશ્યામ પરમારે ડેરીમાંથી રૂ.12 લાખથી વધુ રકમ ઉપાડી હોવાનો આક્ષેપ થતાં ડેરીના વ્યવહારોને લઈને સવાલો ઉઠ્યા છે. મંત્રીના આક્ષેપ બાદ ડેરી પ્રમુખે પણ વળતો આક્ષેપ કર્યો છે. સમગ્ર મામલો ગરમાતા ડેરીના લોકોએ ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે નારેબાજી કરી વિરોધ નોંધાવ્યો હતો. હવે ડેરી પ્રમુખ સહિતના સભ્યો દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.

  • 11 Sep 2026 08:20 AM (IST)

    દિલ્લીમાં આવતીકાલથી 18મી BRICS સમિટ 2026નો પ્રારંભ, પુતિન દિલ્લી પહોંચ્યા

    દિલ્લીમાં આવતીકાલથી 18મી BRICS સમિટ 2026નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. સમિટમાં હાજરી આપવા માટે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દિલ્લી પહોંચી ગયા છે. દિલ્લી એરપોર્ટ પર રાષ્ટ્રપતિ પુતિનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે એરપોર્ટ પર પુતિનનું સ્વાગત કર્યું હતું. BRICS સમિટને લઈને દિલ્લીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે. મહત્ત્વના સ્થળો અને કાર્યક્રમ સ્થળો પર સુરક્ષા દળોની તૈનાતી વધારવામાં આવી છે. સમિટ દરમિયાન અનેક દેશોના નેતાઓ અને પ્રતિનિધિઓ દિલ્લીમાં હાજરી આપવાના હોવાથી સુરક્ષા એજન્સીઓ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.


  • 11 Sep 2026 08:10 AM (IST)

    ચીનના પોર્ટમાં જહાજમાં ભીષણ આગ, 25 લોકોના મોત

    ચીનના એક પોર્ટ પર શિપયાર્ડમાં રિપેરિંગ માટે આવેલા જહાજમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, રેસ્ક્યુ ઓપરેશન છતાં આ દુર્ઘટનામાં 25 લોકોના મોત થયા છે. આગ લાઈબેરિયામાં નોંધાયેલા જહાજમાં લાગી હોવાનું સામે આવ્યું છે. જહાજમાં આગ કેવી રીતે લાગી તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનાને પગલે પોર્ટ વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને આગના કારણો તેમજ મૃતકોની ઓળખ અંગે પણ તપાસ હાથ ધરાઈ છે.

  • 11 Sep 2026 07:51 AM (IST)

    13-14 સપ્ટેમ્બરે ભારેથી અતિભારે વરસાદની આગાહી

    રાજ્યમાં આજથી ફરી વરસાદી વાતાવરણ છવાવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ 10થી 16 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. 12 સપ્ટેમ્બરે કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે, જ્યારે 13 અને 14 સપ્ટેમ્બરે ઓરેન્જ વોર્નિંગ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની શક્યતાને પગલે તંત્રને પણ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેવાની સાથે કેટલીક જગ્યાએ ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે.

  • 11 Sep 2026 07:24 AM (IST)

    અમદાવાદના પાંચકુવા દરવાજા પાસે ટેક્સટાઇલમાં આગ, ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો

    અમદાવાદના પાંચકુવા દરવાજા પાસે આવેલા ગુરુકૃપા હાઉસ ટેક્સટાઇલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડની ટીમે સમયસર આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

  • 11 Sep 2026 07:24 AM (IST)

    મહેસાણાના ખેરાલુના મીયાસણા ગામમાં ફાયરિંગ, ટ્રેક્ટરની ઉઘરાણી મુદ્દે કનુસિંહને પેટમાં ગોળી વાગી

    મહેસાણાના ખેરાલુના મીયાસણા ગામમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. નંદાલી ગામના કનુસિંહ રાજપૂત પર ટ્રેક્ટરની ઉઘરાણી મામલે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. કનુસિંહ ખેતરમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ખેતરમાં છુપાયેલા શખ્સે અચાનક ફાયરિંગ કરતા તેમના પેટમાં ગોળી વાગી હતી. ઘટનાને પગલે ઇજાગ્રસ્ત કનુસિંહને તાત્કાલિક સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, વધુ સારવાર અને ઓપરેશનની જરૂરિયાત હોવાથી તેમને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. ફાયરિંગની ઘટનાની જાણ થતાં ખેરાલુ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

  • 11 Sep 2026 07:22 AM (IST)

    અમેરિકા-ઈરાન સંઘર્ષ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, બ્રેન્ટ 108 ડોલરને પાર

    અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સંઘર્ષની સીધી અસર આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલ બજાર પર જોવા મળી રહી છે. વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ 108 ડોલરને પાર પહોંચી ગયો છે. ગત 25 મે બાદ પ્રથમ વખત બ્રેન્ટ ક્રૂડ આટલી ઊંચી સપાટીએ પહોંચ્યું છે. બીજી તરફ WTI ક્રૂડ ઓઇલનો ભાવ પણ વધીને પ્રતિ બેરલ 102.97 ડોલર થયો છે. અમેરિકા-ઈરાન વચ્ચેના તણાવને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના પુરવઠાને લઈને ચિંતા વધી છે, જેના પગલે ભાવમાં વધુ ઉછાળો જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઇલ મોંઘું થતાં પેટ્રોલ-ડીઝલથી લઈને પરિવહન અને ઉત્પાદન ખર્ચમાં વધારો થવાની શક્યતા છે, જેની સીધી અસર વિશ્વના અનેક દેશોની અર્થવ્યવસ્થા અને મોંઘવારી પર પડી શકે છે.

આજે 11 સપ્ટેમ્બરને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:21 am, Fri, 11 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.