
અમદાવાદથી ગાંધીનગર જવું હવે વધુ સરળ અને ઝડપી બન્યું છે. ઈસ્કોન-સાણંદ એલિવેટેડ બ્રિજ શરૂ થતાં વાહનચાલકોનો સમય અને પેટ્રોલ બંને બચશે. છેલ્લા ઘણા સમયથી બ્રિજનું કામ ચાલતું હોવાથી SG હાઈવે પર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. જેના કારણે સરખેજથી ગાંધીનગર પહોંચવું મુશ્કેલ બન્યું હતું. જોકે, હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રૂ.460 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ એલિવેટેડ બ્રિજની ભેટ આપી છે. TV9ના રિયાલિટી ચેકમાં મુસાફરીનો સમય ઘટ્યો હોવાનું સામે આવ્યું છે. અગાઉ આશરે 31 કિલોમીટરનું અંતર કાપવામાં દોઢ કલાક લાગતો હતો, જે હવે ઘટીને માત્ર 40થી 45 મિનિટ થયો છે. બ્રિજ શરૂ થતાં અપડાઉન કરતા નાગરિકોને પણ મોટી રાહત મળશે.
સુરતના ઉધના રેલવે સ્ટેશન પર છઠ પૂજાને પગલે મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. દિવાળી અને છઠ પૂજાના તહેવાર નિમિત્તે પરપ્રાંતિય શ્રમિકો મોટી સંખ્યામાં વતન જવા રવાના થઈ રહ્યા છે. ઉત્તરપ્રદેશ, બિહાર અને ઝારખંડ જવા માટે હજુ પણ હજારો મુસાફરો સ્ટેશન પર લાઈનો લગાવીને ઊભા છે. છેલ્લા 10 દિવસમાં 28 રેગ્યુલર ટ્રેનો દોડાવવામાં આવી છે અને અનેક સ્પેશિયલ ટ્રેનો પણ શરૂ કરાઈ છે. આ દરમિયાન 1.85 લાખ મુસાફરો વતન પહોંચવા રવાના થયા છે. જોકે, ટ્રેનોમાં પૂરતી જગ્યા ન મળતા મુસાફરોમાં નારાજગી છે. કેટલાક મુસાફરો રાતથી જ સ્ટેશન પર બેસી રહેવા મજબૂર બન્યા છે. મુસાફરોએ વધુ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની માગ કરી છે.
આસામના ગુવાહાટી નજીક આજે સવારે મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. કામરૂપ જિલ્લાના દિગારુ રેલવે સ્ટેશન નજીક સવારે આશરે 7 વાગ્યે કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 6 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. દુર્ઘટનામાં આશરે 50 મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘટના બાદ રેલવે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. આ દરમિયાન દુર્ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં લોકો પાયલટ કંટ્રોલ રૂમને ટ્રેનની બ્રેક સિસ્ટમ કામ કરતી ન હોવાની જાણ કરતો સંભળાય છે. વીડિયોમાં ટ્રેનની ગતિ બેકાબૂ હોવાની વાત પણ સામે આવી છે.
અમરેલીના કુકાવાવમાં નવા વર્ષના દિવસે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. પૈસાની લેતીદેતીના મામલે બે જૂથો સામસામે આવી જતાં મારામારી થઈ હતી. જેમાં લોખંડના પાઈપ અને પથ્થરોથી કારના કાચ તોડવામાં આવ્યા હતા. કાર અને બાઈકમાં પણ તોડફોડ કરી નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ ઘટનામાં એક મહિલાને છાતીના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. મારામારીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. બનાવને પગલે વડિયા પોલીસ સ્ટેશનમાં 16 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આજે 11 નવેમ્બર બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 11:09 am, Wed, 11 November 26