
આજે 11 ઓગસ્ટને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
અંકલેશ્વરમાં એક યુવાનને ચાલુ બાઇક પર બે બાળક સાથે રીલ બનાવવી ભારે પડી.આ વીડિયો વાયરલ થતા પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસે ઇમરાન મનીહર નામના યુવકને પકડીને તેની પાસે માફી મંગાવી છે. ઉલ્લેખનીય છે કે પીરામણ રોડ પરનો વીડિયો થયો હતો વાયરલ..જેમાં આ યુવાને બે નાના બાળકો સાથે ચાલુ બાઇક પર રીલ શૂટ કરી હતી.
પંચમહાલના શહેરામાં ધોધમાર વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. શહેરામાં ભારે વરસાદથી પાનમ ડેમ તરફ જતો રસ્તો પાણીમાં ગરકાવ થતાં માર્ગ બંધ કરવાની ફરજ પડી છે. પાનમ પાટિયાથી પાનમ ડેમ તરફ જતો માર્ગ પણ વરસાદી પાણીમાં ડૂબી ગયો છે. ગમન બારિયાના મુવાડા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા રસ્તો બંધ થયો છે. પાડી વાછરડી કેન્દ્ર નજીક પણ રસ્તા પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો છે. દરમિયાન રસ્તા પર પાણી ભરાતા એક કાર પાણીમાં ફસાઈ ગઈ હતી. પાનમ ડેમ તરફનો માર્ગ બંધ થતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
મહીસાગરના કોઠંબા વિસ્તારમાં વીજ ટ્રાન્સફોર્મર પાણીમાં ગરકાવ થતાં અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો છે. કોઠંબાથી રાઘવના મુવાડા જવાના કોતર પર આવેલું વીજ ટ્રાન્સફોર્મર પાણીમાં ડૂબી ગયું છે. જેના કારણે બ્રહ્મભટ્ટ ફળિયું, ચારણ ફળિયું, ઉડી ફળિયું અને હોળી ફળિયામાં વીજ પુરવઠો ખોરવાયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ટ્રાન્સફોર્મર નીચાણવાળા વિસ્તારમાં હોવાથી અગાઉ પણ તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં તેને અન્ય સ્થળે શિફ્ટ ન કરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ ટ્રાન્સફોર્મરને તાત્કાલિક નીચાણવાળી જગ્યાએથી ખસેડી વીજ પુરવઠો પુનઃ શરૂ કરવાની માંગ કરી છે.
નવસારીના ખેરગામના વડપાડામાં પાણીની પાઇપલાઇનમાં મોટું ભંગાણ થતાં અચાનક 70 ફૂટથી વધુ ઊંચો પાણીનો ફુવારો ઉડ્યો હતો. નેશનલ હાઇવે ચોકડી પાસે બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. પાણીના ભારે દબાણના કારણે પાઇપલાઇનમાં ભંગાણ પડતાં ગગનચુંબી ફુવારો ઉછળ્યો હતો. પાણીનો ગગનભેદી અવાજ અને ફુવારાની ઊંચાઈ જોઈને ગામલોકો અચંબિત થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પાઇપલાઇનમાં ભંગાણનું ચોક્કસ કારણ અને નુકસાન અંગેની વિગતો તપાસ બાદ સામે આવશે.
અમદાવાદના આનંદનગર દુષ્કર્મ કેસ બાદ સિક્યુરિટી એજન્સીઓ સામે SOG ક્રાઈમ દ્વારા મેગા તપાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. પોલીસ કમિશનરના આદેશ બાદ અમદાવાદની તમામ સિક્યુરિટી એજન્સીઓના નિયમ પાલનની ચકાસણી હાથ ધરાઈ છે. SOGની અલગ-અલગ ટીમો દ્વારા એજન્સીઓના લાયસન્સ અને જરૂરી ડોક્યુમેન્ટ્સની તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં કુલ 1,361 સિક્યુરિટી એજન્સીઓને લાયસન્સ આપવામાં આવ્યા છે, જેમાંથી નિયમોનું પાલન ન કરનાર ચાર એજન્સીના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. સિક્યુરિટી ગાર્ડને ફરજ પર મૂકતા પહેલાં ખાસ તાલીમ આપવી, જરૂરી ડોક્યુમેન્ટ અને પોલીસ વેરિફિકેશન કરાવવું સહિતના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. હવે અન્ય એજન્સીઓ સામે પણ કાર્યવાહી થાય તેવી શક્યતા છે.
અમદાવાદમાં ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ સામે આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો છે. એનાલોગ પનીરનો ઉપયોગ કરતા ત્રણ એકમોને સીલ કરવામાં આવ્યા છે. દાણીલીમડાની એશિયન બેકરી અને પ્રહલાદનગરનું KFC રેસ્ટોરન્ટ પણ સીલ કરાયું છે. આ ઉપરાંત નવરંગપુરાના HL ફ્રેન્કી, જય સોમનાથ ટી સ્ટોલ અને દિલ્લી સિક્સ પરાઠા પોઈન્ટ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. દરમિયાન હળદરના સેમ્પલ સબ-સ્ટાન્ડર્ડ આવતા કુબેરનગરનું PM ફૂડ પણ સીલ કરવામાં આવ્યું છે. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને નિયમોના ભંગ મામલે આરોગ્ય વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરતની ન્યૂ સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ચાર રેસિડેન્ટ ડોક્ટરો સામે ગુનો દાખલ કર્યો છે. જેમાં ડૉ. દીક્ષિતા ઘેવરીયા, ડૉ. નિરાલી વસાવે, ડૉ. અનુજ મહેશ્વરી અને ડૉ. હિના ભુતનો સમાવેશ થાય છે. સિવિલ મેડિકલ વિભાગના અધિકારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં હર્ષ પંડ્યાને ગોંધી રાખવા, ડરાવવા અને ટોર્ચર કરવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ કેસમાં રેગિંગની પ્રથમ ફરિયાદ નોંધાઈ છે. હવે ખટોદરા પોલીસ દ્વારા બીજી ફરિયાદ પણ નોંધાય તેવી શક્યતા છે. બીજી ફરિયાદ એન્ટિ-રેગિંગ કમિટી તરફથી નોંધાઈ શકે છે.
અમદાવાદઃ આનંદ નિકેતન સ્કૂલ વિવાદમાં DEOએ કાર્યવાહી હાથ ધરી છે. વિદ્યાર્થીઓની સુરક્ષા અને આરોગ્યને ધ્યાને રાખીને શાળાનું કેન્ટીન બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. DEOની ટીમ દ્વારા કરાયેલી તપાસ દરમિયાન ભોજનમાંથી કાચનો ટુકડો મળી આવ્યો હોવાની માહિતી સામે આવી છે. હવે શાળાના કેન્ટીન પાસે ફૂડ સેફ્ટી સર્ટિફિકેટ છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે. આરોગ્ય વિભાગ તરફથી ફૂડ ક્લિયરન્સ મળ્યા બાદ જ કેન્ટીન ફરી શરૂ કરી શકાશે. આ ઉપરાંત કેન્ટીન સંચાલક સહિત ઘટનામાં સામેલ લોકો સામે કાર્યવાહી કરવા પણ DEO દ્વારા સૂચના આપવામાં આવી છે.
અમદાવાદઃ HPCL કંપનીની પાઇપલાઇનમાંથી ગેરકાયદેસર રીતે ક્રૂડ ઓઇલની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો ગુજરાત ATSએ પર્દાફાશ કર્યો છે. ATSએ ગેંગના 8 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ રાજસ્થાનના બાલોત્રા જિલ્લાના કાલુડી ગામની સીમમાં ખરાબાની જમીનમાં 3થી 4 ફૂટનો ખાડો ખોદી HPCLની પાઇપલાઇનને પંચર કરતા હતા. ત્યારબાદ પાઇપલાઇનમાં વાલ્વ લગાવી ક્રૂડ ઓઇલની ચોરી કરવામાં આવતી હતી. ચોરાયેલું ક્રૂડ ઓઇલ ગુજરાતમાં અમદાવાદ-રાજકોટ હાઇવે પર વેચવામાં આવતું હોવાની માહિતી સામે આવી છે. પકડાયેલા આરોપીઓમાં મહેસાણાના ઘનશ્યામ સોની, ધોરાજીના જયરાજસિંહ ચુડાસમા, જાલોરના મુકેશ મેઘવાલ, કલોલના રણજીત ચોરસિયા, મહેસાણાના રમેશ ઠાકુર સહિત ઉત્તર પ્રદેશના દિલીપ યાદવનો સમાવેશ થાય છે. ATSએ વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણાના હિંગળાજપુરા ગામે ONGCની પાઇપલાઇનમાં લીકેજ થતાં ખેડૂતોની મુશ્કેલી વધી છે. પાઇપલાઇનમાંથી ઓઇલ લીકેજ થતાં ખેતરોમાં ઓઇલ ફરી વળ્યું છે. જેના કારણે પાકને નુકસાન થતું હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, ONGCની બેદરકારીને કારણે તેમના મહામૂલા ખેતરો બરબાદ થઈ રહ્યા છે અને ખેતી કરવી મુશ્કેલ બની છે. ઓઇલના કારણે થયેલા ભારે નુકસાનને પગલે પીડિત ખેડૂતે યોગ્ય વળતરની માંગ કરી છે. ખેડૂતો દ્વારા પાઇપલાઇન લીકેજનું તાત્કાલિક સમારકામ કરવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. ખેતરોમાં વારંવાર ઓઇલ ભરાઈ જતું હોવાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે.
અમદાવાદના આનંદનગર PGમાં યુવતી પર સિક્યુરિટી ગાર્ડે દુષ્કર્મ આચરવાના કેસમાં વધુ એક કાર્યવાહી સામે આવી છે. લાયસન્સ વગર સિક્યુરિટી એજન્સી ચલાવવાના આરોપસર સંચાલક રામપ્રકાશ તિવારીની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે કંપનીનું લાયસન્સ 5 એપ્રિલ 2026ના રોજ એક્સપાયર થયું હતું અને ત્યારબાદ રિન્યુઅલની કોઈ પ્રક્રિયા કર્યા વગર એજન્સી ચાલુ રાખવામાં આવી હતી. આરોપી ધર્મસિંહ રાઠોડ થલતેજની એ-વન સિક્યુરિટી સર્વિસમાં કામ કરતો હતો. તેને કોઈ તાલીમ કે પોલીસ વેરિફિકેશન વગર નોકરીએ રાખવામાં આવ્યો હતો. એટલું જ નહીં, આરોપીને કોઈ ઓળખપત્ર પણ આપવામાં આવ્યું ન હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
અમદાવાદમાં દારૂની હેરાફેરીના કેસમાં પોલીસ કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. વસ્ત્રાપુર પોલીસે કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા અશોક પટેલને ઝડપી પાડ્યો છે. પોલીસે અગાઉ આશરે એક લાખ રૂપિયાના દારૂના જથ્થા સાથે નંબર પ્લેટ વગરની બિનવારસી કાર ઝડપી હતી. કારની તપાસ દરમિયાન સમગ્ર મામલે પ્રથમ ચિરાગ ચૌધરીનું નામ સામે આવ્યું હતું. ચિરાગની પૂછપરછ કરતાં પોલીસ કર્મચારી અશોક પટેલની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે વસ્ત્રાપુર પોલીસે અશોક પટેલની ધરપકડ કરી છે. હાલ પોલીસે દારૂની હેરાફેરીમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ અને દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે સહિતના મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના સિંગણપોરના નવા મહોલ્લામાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. શ્રદ્ધા દીપ સર્કલ પાસે આવેલા એપાર્ટમેન્ટના પહેલા માળે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ગેરકાયદે ગોડાઉનના કારણે આગ વધુ વિકરાળ બની હોવાની માહિતી સામે આવી છે. આગની તીવ્રતા ફરી વધતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. આગમાં ફસાયેલા ત્રણ લોકોને સ્થાનિકોએ રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ચાર ટીમો સ્થળ પર પહોંચી આગ કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહી છે. જોકે, આગ ફરી ભડકતા ફાયર વિભાગની કામગીરી વધુ પડકારજનક બની છે. સાવચેતીના ભાગરૂપે ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ પણ તૈનાત રાખવામાં આવી છે.
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સમગ્ર મામલે સિનિયર ડૉ. દીક્ષિતા ઘેવરિયા મુખ્ય સૂત્રધાર હોવાનો ખુલાસો થયો હોવાનો દાવો છે. સિનિયર તબીબો દ્વારા જુનિયર ડૉક્ટરો સાથે અમાનવીય વર્તન અને સતત માનસિક ત્રાસ અપાતો હોવાના આક્ષેપ છે. 10 જુનિયર તબીબોને હેરાન કરવામાં આવતા હોવાની માહિતી સામે આવી છે. હર્ષ પંડ્યાએ આપઘાતના બે દિવસ પહેલાં HoDને રજૂઆત કરી હતી, છતાં પગલાં ન લેવાયાનો આક્ષેપ છે. તેઓ ₹40 લાખના બોન્ડ હેઠળ હોવાથી વિભાગ છોડી શકતા ન હતા. ઘટનાના 24 કલાક બાદ પણ CCTV સર્વર બંધ હોવા અને એન્ટિ-રેગિંગ કમિટીની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં ગંભીર સવાલો ઉઠ્યા છે. ઘટનાના બે દિવસ બાદ પણ FIR નોંધાઈ નથી. સિવિલ મેડિકલ કોલેજના ડીન ડૉ. જયેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે તપાસ કમિટીના તારણોના આધારે જવાબદારો સામે FIR માટે ખટોદરા પોલીસને રિપોર્ટ સબમિટ કરાયો છે. સમગ્ર મામલે સિનિયર ડૉક્ટરો દ્વારા જુનિયરોને માનસિક ત્રાસ અપાતો હોવાના આક્ષેપ છે. 10 જુનિયર તબીબોને હેરાન કરવામાં આવતા હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. આપઘાતના બે દિવસ પહેલાં HoDને રજૂઆત છતાં પગલાં ન લેવાયા હોવાનો દાવો છે. સાથે જ CCTV સર્વર બંધ હોવા અને એન્ટિ-રેગિંગ કમિટીની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે.
અમદાવાદઃ શિલજની આનંદ નિકેતન સ્કૂલનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. શાળામાં છેલ્લા એક મહિનાથી સવારની પ્રાર્થના બંધ કરવામાં આવી હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. સર્વધર્મ પ્રાર્થના બંધ કરાતા વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, વિદ્યાર્થીઓને અન્ય ધર્મ સંબંધિત પુસ્તકો વાંચન માટે અપાતા હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે. જેમાં ‘મલાલા’ અને ‘ફાસીઝમ’ જેવા પુસ્તકોનો સમાવેશ થતો હોવાનો આક્ષેપ છે. સમગ્ર મામલે અમદાવાદ DEO દ્વારા શાળાને કારણદર્શક નોટિસ ફટકારી છે. હવે શાળા તરફથી આ અંગે શું જવાબ આપવામાં આવે છે તેના પર સૌની નજર છે.
અમરેલી જિલ્લામાં 12 વર્ષ બાદ સગીરાના અપહરણ કેસનો ભેદ ઉકેલાયો છે. વર્ષ 2014માં નોંધાયેલા અપહરણ અને POCSO કેસમાં પોલીસ પાસે માત્ર બાળકીનો જૂનો ફોટો અને પરિવારની વિગતો હતી. PI વી.પી. ગોલની સૂચનાથી મહિલા પોલીસકર્મીઓની ટીમે 1,800થી વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટ તપાસ્યા. દરમિયાન જન્મતારીખના દિવસે સગીરાને બર્થડે વિશ કરતી પોસ્ટ મળી. પ્રોફાઈલના ફોટામાં દેખાતી રિક્ષાના નંબર પરથી RTOની મદદથી માલિકની વિગતો મેળવી પોલીસ મોરબીના હળવદ તાલુકાના ભલગામડા પહોંચી. તપાસ બાદ 12 વર્ષથી ગુમ યુવતી ત્યાં જ હોવાની હકીકત સામે આવી અને પોલીસે આરોપી સંજય દેત્રોજાની ધરપકડ કરી.
અમદાવાદના શીલજની આનંદ નિકેતન સ્કૂલમાં વાલીઓએ મચાવ્યો હોબાળો. બાળકને આપેલ ભોજનમાંથી કાચનો ટુકડો નીકળ્યો હોવાની વાલીની ફરિયાદ. વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ જતા રિપોર્ટ કરવા કાંચનો ટુકડો માંગ્યો. વાલીએ શાળા પાસે કાંચનો ટુકડો માંગતા સ્કુલ તંત્રે ઈન્કાર કર્યો હતો. વીડિયોમાં ઘટનાને લઈ વાલીઓ સાથે શિક્ષકોએ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. આજે વાલીઓ સમૂહમાં રજૂઆત કરવા આવતા આચાર્ય ગાયબ થયા. વાલીઓના હોબાળા બાદ પોલીસ શાળા પર પહોંચી.
વિરમગામ SBI બેંકની શાખામાંથી રૂ.1 લાખ ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. 2 મહિલા રૂ. 1 લાખ ભરેલી થેલી ચોરતી CCTVમાં થઈ કેદ. સિકંદર મલેક પોતાના ખાતામાંથી 1 લાખ ઉપાડીને બેંકમાં બેઠા હતાં. લોન ઓફિસર સાથે વાતચીત કરતાં વેપારીની નજર ચૂકવી મહિલાઓ ફરાર થઈ ગઈ હતી. ચોરી અંગે વિરમગામ ટાઉન પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ધોરાજી ઉપલેટા ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ PGVCLને પત્ર લખ્યો. ધોરાજી-ઉપલેટા પંથકમાં ઓછા વરસાદને લઈ વીજપુરવઠો વધારવાની માગ. ઓછા વરસાદના કારણે ખેડૂતો સિંચાઈ માટે વીજળી પર નિર્ભર છે.
ગ્રામ્ય પંથકમાં હાલ 8 કલાકનો વીજપુરવઠો અપાય છે. સિંચાઈ માટે 8 કલાકનો વીજપુરવઠો અપૂરતો હોવાનો ધારાસભ્યનો મત. ખેડૂતોને સિંચાઈ માટે 10 કલાક વીજપુરવઠો આપવા માગ કરી.
અમરેલીના લાઠીમાં એનાલોગ પનીરના વેચાણ સામે અમરેલી SOGની કાર્યવાહી કરી છે. લાઠીની બે દુકાનોમાં SOGની ટીમે દરોડા પાડ્યા હતા. ચામુંડા ડેરી ફાર્મ અને કેક શોપમાંથી શંકાસ્પદ પનીર ઝડપાયું. મુકેશ મકવાણા અને કેશુ મકવાણાની દુકાન પર દરોડા પાડવામાં આવ્યા છે. બંને દુકાનોમાંથી 19 કિલો શંકાસ્પદ એનાલોગ પનીર ઝડપાયું છે. ફૂડ એન્ડ સેફ્ટી ઓફિસરને સાથે રાખી SOGની કાર્યવાહી. સરકારના પ્રતિબંધિત આદેશના અમલને લઈ કાર્યવાહી તેજ. ભેળસેળયુક્ત પનીરના વેચાણ સામે અમરેલી SOGની કડક કાર્યવાહી.
મોરબીના વિરપરડા ગામે આવેલ કુવાની અત્યાર સુધીમાં વિવિધ વિભાગોની ટીમે તપાસ હાથ ધરી છે. કુવાનું પાણી દરિયાની જેમ હિલોળા લેતા જોવા મળતા તપાસ હાથ ધરાઈ છે. પ્રથમ મોરબી ભૂસ્તર વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી. ત્યારે બાદ રાજકોટની વોટર રિસર્ચ ટીમે પણ તપાસ કરી સેમ્પલ લીધા હતા. જિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમે પણ કુવાની મુલાકાત લઈ તપાસ હાથ ધરી હતી. મોરબીના ભૂસ્તરશાસ્ત્રી એ કહ્યું હતું કે જિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમે તપાસ કરી છે અને તેનો રિપોર્ટ આવતા સમગ્ર મામલો સ્પષ્ટ થશે.
ગુજરાત રાજ્યમાં ગાજવીજ પવન સાથે સાર્વત્રિક વરસાદ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે. આજે મહીસાગર પંચમહાલ દાહોદ ખેડા છોટા ઉદેપુર તાપી ડાંગ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો આજે ગાંધીનગર અમદાવાદ પવન સાથે વરસાદ રહેવાની પણ આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર,કચ્છમાં પણ વરસાદ રહેશે. આજે પંચમહાલ દાહોદ મહીસાગર ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદ. આવતીકાલે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી 3 કલાક એટલે કે સાંજના 4 વાગ્યા સુધી હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું છે. મહિસાગર અને પંચમહાલમાં આગામી 3 કલાકમાં રેડ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત 13 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ ઉપરાંત સુરેન્દ્રનગર, નર્મદા, તાપી, ડાંગ, ખેડા, આણંદ, દાહોદ, વડોદરા, અરવલ્લી, બોટાદ, છોટાઉદેપુર અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગનુ કહેવું છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા.
અમદાવાદના આનંદ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદ્યાર્થીની પર સિક્યુરિટી ગાર્ડ દ્વારા કરવામાં આવેલો બળાત્કાર મામલે સિક્યોરિટી એજન્સીને લઈને મોટો ખુલાસો થવા પામ્યો છે. આરોપી ગાર્ડ જે સિક્યુરિટી કંપનીમાં નોકરી કરતો હતો તે સિક્યુરિટી કંપનીનું લાઇસન્સ એક્સપાયર થઈ ગયુ હતું. લાઇસન્સ ઘટનાના ચાર માસ પહેલા એક્સપાયર થઈ ગયું હતું. એ વન સિક્યુરિટી સર્વિસમાં કામ કરતો હતો આરોપી ધર્મસિંહ રાઠોડ. સિક્યુરિટી એજન્સી સંચાલક રામ પ્રકાશ તિવારી વિરુદ્ધ નોંધાયો ગુનો. આનદ નગર પોલીસે સંચાલક રામ પ્રકાશ તિવારી ધરપકડ કરી. ગત તારીખ 5, 04, 2026 ના રોજ લાઇસન્સ પૂર્ણ થઈ ગયું હતું. રીન્યુની કોઈ પ્રોસેસ કર્યા વગર સિક્યુરિટી એજન્સી ધમ ધમતી હતી. આરોપી ધર્મસિંહને કોઈપણ પ્રકારની તાલીમ વગર અને પોલીસ વેરીફિકેશન વગર નોકરીએ રાખવામાં આવ્યો હતો. આરોપીને ઓળખ કાર્ડ પણ આપવામાં આવ્યું ન હતુ. થલતેજ વિસ્તારમાં આવી છે એ વન સિક્યુરિટી સર્વિસની ઓફિસ.
અમદાવાદના શાહપુર વિસ્તારમાં 4 મકાન ધરાશાયી થયા છે. શહેરમાં આજે સવારે વરસેલા વરસાદ બાદ શાહપુરમાં 4 મકાન ધરાશાયી થયા. મકાનનો મોટાભાગનો ભાગ અડધાથી વધુ નમી ગયો છે. AMCએ પહેલેથી જ તમામ મકાનને કરાવ્યા હતા ખાલી. લલ્લુભાઈની પોળ, મંગળ પારેખના ખાંચામાં મકાન ધરાશાયી થવાની આ ઘટના બની હતી.
જામનગરમાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ. જીજી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો. ધ્રોલનાં રાજપરા ગામના ત્રણ વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે. મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. જીજી હોસ્પિટલમાં અત્યાર સુધી ચાંદીપુરાના 12 શંકાસ્પદ કેસ નોંધાયા. 12 પૈકી 11 દર્દીઓના રિપોર્ટ જાહેર થયા. 11 રિપોર્ટમાંથી 10 નેગેટિવ અને એક પોઝિટિવ. એક શંકાસ્પદ દર્દીના રિપોર્ટની હજુ જોવાઇ રહી છે રાહ. 12 શંકાસ્પદ દર્દીઓમાંથી અત્યાર સુધી 8 દર્દીઓનાં મોત થયા છે. મૃતક 8 દર્દીઓમાંથી 7ના ચાંદીપુરા રિપોર્ટ નેગેટિવ હતા. એક મૃતકનો ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
હાલ જીજી હોસ્પિટલમાં બે દર્દીઓ સારવાર હેઠળ. બંને દર્દીઓની હાલત સામાન્ય હોવાનું તબીબોનું જણાવવું. પ્રથમ પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં સતર્કતા વધારાઈ છે.
અમદાવાદમાં સવારે વરસેલા વરસાદ અને હવા પછી વરસાદની આગાહીને ધ્યાને લઈને, વાસણા બેરેજના 3 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે. વરસાદની સ્થિતિને લઈને વાસણા બેરેજનાં 3 દરવાજા ખોલવામાં આવ્યા. નદીનું લેવલ 130 ફૂટ સુધી કરવા તંત્રના પ્રયાસ છે. હાલ સાબરમતી નદીની સપાટી 131 ફૂટ છે. વાસણા બેરેજનાં 25,26 અને 27 દરવાજા 1 ફુટ સુધી ખોલાયા છે. વાસણા બેરેજના દરવાજા ખોલતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના
ઉપરવાસના વરસાદને કારણે, નર્મદા જિલ્લામાં આવેલ સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. સરદાર સરોવર ડેમની જળ સપાટી 133.39 મીટર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 21 સે.મી.નો વધારો થયો છે. ડેમમાં 35,451 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. સરદાર સરોવર ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ 82.58 ટકા સરદાર સરોવર ડેમનું જળસ્તર.
હવામાન વિભાગે, આગામી 3 કલાક સુધી એટલે કે બપોરના 1 વાગ્યા સુધીના સમયગાળા માટે વરસાદને લઈને નાઉકાસ્ટ જાહેર કર્યું છે. નાઉકાસ્ટ અનુસાર, બપોરના 1 વાગ્યા સુધીમાં 13 જિલ્લામાં વરસાદ વરસી શકે છે. સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર અને અમદાવાદમાં મધ્યમ વરસાદની શક્યતા છે. દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, બોટાદ, મહિસાગર, પંચમહાલ, ખેડા અને આણંદમાં પણ મધ્યમ વરસાદ શક્ય હોવાનું હવામાન વિભાગનું માનવું છે.
અમદાવાદમા આજે સવારે વરસેલા વરસાદથી કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ખાસ કરીને કઠવાડા વિસ્તારમાં વરસેલા પોણા બે ઈંચ વરસાદથી કેટલાક સ્થળોએ વરસાદી પાણી ભરાયા હતા. અમદાવાદ પૂર્વના ઓઢવ, નિકોલ, હંસપુરામાં આશરે એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
મહીસાગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. વાયરસથી એક બાળકીનું મોત થયાના સમાચાર સામે આવ્યા છે. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સાત વર્ષની બાળકીની તબિયત લથડતા સારવાર અર્થે લુણાવાડા અને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા SSG હોસ્પિટલમાં કરવામાં આવી હતી દાખલ. સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું. આકલિયા ગામની સાત વર્ષીય હિરલ ડામોરનું મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ. ચાંદીપુરા વાયરસને લઈ એક મોત થતા આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તારમાં કામગીરી હાથ ધરાઇ છે.
મોરબી જિલ્લા પોલીસ બેડામાં કામગીરીના રિપોર્ટના આધારે બદલી કરવામાં આવી છે. FIR, પંચનામા સહિતના કામોમાં બેદરકારી રાખનારા 14 પોલીસ કર્મીઓની હેડક્વાર્ટરમાં બદલી કરાઈ છે. સારી કામગીરી કરનારા 9 પોલીસ કર્મીઓને હેડ ક્વાર્ટરમાંથી પોલીસ મથકોમાં બદલી કરાઈ છે. કામગીરીને ધ્યાને લઈને એસપી મુકેશ પટેલના આ આદેશથી પોલીસ બેડામાં ગયો છે સકારાત્મક સંદેશ. કામગીરીમાં બેદરકારીનું પરિણામ પણ મળશે અને સારી કામગીરીનું પરિણામ પણ મળશે તેવો આ બદલીના હુકમથી મોરબી પોલીસને સંદેશ આપવાનો એસપી નો પ્રયત્ન કરાયો છે.
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં રહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે. ગોધરા શહેરમાં વહેલી સવારથી વરસાદ વરસતા શહેરના મુખ્ય માર્ગો થયા પાણી-પાણી. ગોધરા શહેરના પુરાવા વિસ્તારમાં આવેલ સોસાયટીના મુખ્ય માર્ગો પર ભરાયા પાણી. સમયસર ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે.
થરાદમાં ગૌરક્ષકોએ 20 ગાય અને 3 વાછરડા ભરેલી આઇસર ઝડપી પાડી છે. આઇસરમાં 20 ગાય અને 3 વાછરડા મળી કુલ 23 પશુ મળી આવ્યા છે. ઢીમા ત્રણ રસ્તા નજીકથી ગાડીનો પીછો કરી ડીસા હાઇવે પર રોકાવી આઇસરમાં પશુઓને ખીચોખીચ ભરી ક્રૂરતાપૂર્વક લઈ જવાતા હોવાનો ગૌરક્ષકોનો આક્ષેપ. પશુઓ માટે ઘાસચારા અને પાણીની વ્યવસ્થા ન હોવાનો પણ સામે આવ્યું. 112 પર જાણ કરાતા થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી. 23 પશુઓની અંદાજિત કિંમત રૂ.4.15 લાખ હોવાનું સામે આવ્યું. પશુઓ ક્યાંથી લાવ્યા અને ક્યાથી ક્યાં લઈ જવાતા હતા તે દિશામાં પોલીસ તપાસ શરૂ છે.
ભારતીય હવામાન વિભાગે, સવારે 7 કલાકે આગામી ત્રણ કલાક માટેનું નાઉ કાસ્ટ જાહેર કર્યું છે. સવારે 10 કલાક સુધીમાં અમદાવાદ, મહીસાગર અને ખેડામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં યેલો એલર્ટ આપ્યું છે. અરવલ્લી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, આણંદમાં યેલો એલર્ટ જાહેર કર્યું છે. પંચમહાલ, દાહોદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરતમાં યેલો એલર્ટ તેમજ તાપી, ડાંગ, નવસારી, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં યેલો એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ શહેરમાં સવારથી જ વરસાદી માહોલ સર્જાયો છે. શહેરભરમાં પડી રહ્યો છે ધીમી ધારે વરસાદ.
ગાંધીનગરના દહેગામ અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. 2 કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. દહેગામના વૈભવ કોમ્પ્લેક્સ, એમ.જી. અમીન કોમ્પ્લેક્સ, મોડાસા રોડ, પૂર્ણિમા ઢાળી અને નેહરુ ચોકડી પાણીમાં ગરકાવ થયા છે.
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના જવાહર-વિક્રમગઢ વિસ્તારમાં ભૂકંપના સતત બે આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.2 અને 3.4 માપવામાં આવી હતી. ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી, છતા વહીવટીતંત્રે દરેકને સતર્ક રહેવાની અપીલ કરી છે.
Published On - 7:11 am, Tue, 11 August 26