10 નવેમ્બરના મહત્વના સમાચાર : દિલ્હી બ્લાસ્ટમાં મોટું અપડેટ, i20 પુલવામાના તારીકને વેચી હોવાનું આવ્યું સામે

આજે 10 નવેમ્બરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

10 નવેમ્બરના મહત્વના સમાચાર : દિલ્હી બ્લાસ્ટમાં મોટું અપડેટ, i20 પુલવામાના તારીકને વેચી હોવાનું આવ્યું સામે
| Edited By: | Updated on: Nov 10, 2025 | 11:57 PM

આજે 10 નવેમ્બરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 10 Nov 2025 11:14 PM (IST)

    દિલ્હી બ્લાસ્ટમાં મૃતક અને ઇજાગ્રસ્તના નામ આવ્યા સામે

  • 10 Nov 2025 10:35 PM (IST)

    Delhi Blast : અમિત શાહ ઘટનાસ્થળે પહોંચ્યા

    LNJP હોસ્પિટલ પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઘટનાસ્થળે પહોંચ્યા. તેઓ અધિકારીઓ સાથે વાત કરી રહ્યા છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં આઠ લોકોના મોત થયા છે.

    ઘણા લોકો ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. દરમિયાન, વિસ્ફોટ અંગે મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. જે વાહનમાં વિસ્ફોટ થયો હતો તેનો હરિયાણા રજીસ્ટ્રેશન નંબર છે. દિલ્હી પોલીસ આ મામલે હરિયાણા પોલીસના સંપર્કમાં છે. જે વ્યક્તિના નામે વાહન રજીસ્ટર થયેલ છે તેની ઓળખ થઈ ગઈ છે. સ્પેશિયલ સેલની ટીમ હવે હરિયાણા જવા રવાના થઈ ગઈ છે.


  • 10 Nov 2025 09:52 PM (IST)

    અભિનેતા પ્રેમ ચોપરા હોસ્પિટલમાં દાખલ, જાણો તેમના સ્વાસ્થ્ય અંગે મોટી અપડેટ

    સુપરસ્ટાર ધર્મેન્દ્ર હાલમાં બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ધર્મેન્દ્રને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, ત્યારે એક બીજામોટા સમાચાર આવી રહ્યા છે કે પીઢ અભિનેતા પ્રેમ ચોપરાને પણ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રેમ ચોપરાને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સંદર્ભમાં, પ્રેમ ચોપરાના જમાઈ વિકાસ ભલ્લાએ અભિનેતા પ્રેમ ચોપરાના સ્વાસ્થ્ય વિશે મહત્વપૂર્ણ માહિતી આપી છે, તેમણે કહ્યું છે કે પ્રેમ ચોપરાનું સ્વાસ્થ્ય સ્થિર છે. ચિંતા કરવાનું કોઈ કારણ નથી, તેમને થોડા દિવસોમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

  • 10 Nov 2025 09:49 PM (IST)

    દિલ્હી બ્લાસ્ટમાં મૃત્યું પામેલા પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા વડાપ્રધાન મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, સોશિયલ મીડિયા X પર ટ્વિટ કરીને દિલ્હી બ્લાસ્ટમાં મૃત્યું પામેલા પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

  • 10 Nov 2025 09:35 PM (IST)

    લાલ કિલ્લા કાર વિસ્ફોટમાં ઘાયલ થયેલાઓની મુલાકાત લેતા અમિત શાહ, તમામ સંભાવનાઓને ધ્યાને રાખીને તપાસ કરવાના આદેશ

    દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ અંગે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે પોલીસની પ્રાથમિક તપાસના આધારે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, બ્લાસ્ટ આઈ20 કારમાં થયો હતો. બ્લાસ્ટ થયાની ગણતરીની મિનીટોમાંજ સુરક્ષા એજન્સી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો. કારમાં નુકસાન થયુ છે, આવતા જતા લોકો ઈજાગ્રસ્ત થયા છે. 10 મિનીટમાં પોલીસ ઘટના સ્થળે હતી. ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવ્યા છે. સીસીટીવી પણ ચકાસવામાં આવી રહ્યાં છે. તમામ સંભાવનાઓને ધ્યાને રાખીને તપાસ કરાશે. તપાસમાં જે કોઈ સામે આવશે તે દેશની જનતા સમક્ષ રજૂ કરાશે તેમ અમિત શાહે જણાવ્યું હતું.

  • 10 Nov 2025 09:18 PM (IST)

    Delhi Bomb Blast : દિલ્હી વિસ્ફોટ બાદ રાજસ્થાનમાં પણ એલર્ટ

    દિલ્હી વિસ્ફોટ બાદ રાજસ્થાનમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્ય નિયંત્રણ ખંડ તરફથી તમામ જિલ્લાઓને સંદેશ મોકલવામાં આવ્યો છે. તમામ જિલ્લાઓમાં સુરક્ષા વધારવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. જાહેર સ્થળોએ કડક સુરક્ષા જાળવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

  • 10 Nov 2025 09:07 PM (IST)

    Delhi Bomb Blast : પ્રાથમિક તપાસમાં આતંકી ઘટના હોવાનું સામે આવ્યું, બ્લાસ્ટની અસર 200 મીટર સુધી થઈ : દિલ્હી પોલીસ

    દિલ્હી બ્લાસ્ટ અંગે દિલ્લી પોલીસે હાથ ધરેલ તપાસમાં, આ આતંકી ઘટના હોવાનું સામે આવ્યું છે. આ બ્લાસ્ટની અસર 200 મીટર સુધીના વિસ્તારમાં જોવા મળી હતી. વિસ્ફોટની તીવ્રતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે વાહનના ટુકડા થઈ ગયા હતા. દરમિયાન, પોલીસનું કહેવું છે કે વિસ્ફોટમાં ઘણા લોકો ઘાયલ થયા છે અને કેટલાકના મોત થયા છે.”

  • 10 Nov 2025 09:00 PM (IST)

    Delhi Bomb Blast : દિલ્હીમાં બનેલી કાર બ્લાસ્ટ ઘટના અનુસંધાને ગુજરાત પોલીસ દ્વારા એલર્ટ જાહેર કરાયુ

    દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટનું કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા તકેદારીના ભાગરૂપે રાજ્યભરમાં એલર્ટ માટેના આદેશ આપવામાં આવ્યા છે. ખાસ કરીને મહાનગરો અને રાજ્યના એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ તેમજ શહેર જિલ્લાના તમામ એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ પર નાકાબંધી, વાહન ચેકીંગ, પોલીસ પેટ્રોલિંગ અને પોલીસ પ્રેઝન્સ માટે તમામ શહેર જિલ્લા પોલીસના વડાઓને સૂચના આપવામાં આવી છે.

  • 10 Nov 2025 08:52 PM (IST)

    Delhi Bomb Blast : પીએમ મોદીએ અમિત શાહ સાથે વાત કરી

    દિલ્હી બોમ્બ બ્લાસ્ટ પછીની પરિસ્થિતિની સમીક્ષા પ્રધાનમંત્રીએ કરી. તેમણે ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરી અને પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી.

  • 10 Nov 2025 08:37 PM (IST)

    દિલ્હી બ્લાસ્ટના પગલે, અમદાવાદમાં પોલીસે શરૂ કર્યું ચેકિંગ, ક્રાઈમ બ્રાન્ચે પણ રસ્તા ઉપર શરૂ કર્યું ચેકિંગ

    અમદાવાદ શહેરમાં હાઈએલર્ટ જાહેર કરાયુ છે. જેના પગલે, શહેર પોલીસ ચેકીંગ શરૂ કર્યું છે. ક્રાઇમ બ્રાન્ચ ટીમ પણ શહેરના રસ્તા ઉપર ઉતરી આવી છે. ક્રાઈમ બ્રાન્ચે શહેરના કેટલાક વિસ્તારોમાં ચેકીંગ શરૂ કર્યું છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ બિનવારસી વાહનો તપાસ શરૂ કરી છે. હોટલ, જાહેર સ્થળો પર પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. કારંજ ભદ્રકાળી મંદીર પાસે ચેકીંગ શરૂ કરાયું છે. જુહાપુરામાં પણ પોલીસે વાહન ચેકીંગ શરૂ કર્યું છે.

  • 10 Nov 2025 08:33 PM (IST)

    દિલ્હી બ્લાસ્ટ બાદ, ગુજરાતમાં એલર્ટ, પોલીસને ચેકીંગ કરવા આદેશ

    દિલ્હીના લાલ કિલ્લા પાસે કારમાં થયેલા પ્રચંડ વિસ્ફોટ બાદ, ગૃહવિભાગ દ્વારા ગુજરાતમાં પણ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યભરમાં પોલીસને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. પેટ્રોલિંગ વધારવાની તથા ભીડભાડ વાળી જગ્યા પર ચેકીંગની સૂચના આપવામાં આવી છે. વાહનોનું સઘન ચેકીંગ કરાવની સૂચના આપવામાં આવી છે.

  • 10 Nov 2025 08:30 PM (IST)

    NIA અને NSG ટીમ લાલ કિલ્લા ખાતે હાજર, વિસ્ફોટની તપાસમાં જોડાઈ

    લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે કારમાં થયેલા શક્તિશાળી વિસ્ફોટમાં અત્યાર સુધીમા 8 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ઉચ્ચ સુરક્ષા એજન્સીએ સક્રિય થઈ ગઈ છે. NIA અને NSG ટીમ પણ ઘટનાસ્થળે હાજર છે. આ ટીમ વિસ્ફોટ અંગેની તપાસમાં જોડાઈ છે.

  • 10 Nov 2025 08:03 PM (IST)

    મહેમદાવાદના અકલાચા ગામની શિકાગો બ્લોઅર કંપનીના બોઈલર મશીનમાં આવી જતા યુવાનનુ મોત

    મહેમદાવાદના અકલાચા ગામમાં આવેલી શિકાગો બ્લોઅર કંપનીમાં યુવકના કુરચે-કુરચા ઉડી ગયા. ​શિકાગો બ્લોઅર કંપનીમાં મહુધા તાલુકાના ધંધોડી ગામનો આશરે 30 વર્ષનો યુવાન નોકરી કરતો હતો. ​આજે બપોરના સમયે, ચાલુ કામ દરમિયાન તે બોઇલર મશીનમાં આવી જવાથી તેના શરીરના ટુકડે-ટુકડા અલગ થઈ ગયા હતા. ​કંપનીના બોઇલરથી 50 ફૂટ સુધી શરીરના અલગ-અલગ ટુકડાઓ વેરવિખેર પડ્યા હતા. ​કંપનીમાં સાથે કામ કરતા લોકોનું કહેવું છે કે યુવાન બોઇલરની હવાના પ્રેશરથી અંદર ખેંચાઈ ગયો હતો. ​બપોરના સમયે બનેલી આ ઘટનાની જાણ મહેમદાવાદ પોલીસને થતાં, પીઆઈ સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. ​મહેમદાવાદ પોલીસ સાથે FSL ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહના ટુકડાઓ એકઠા કરી તપાસ કરી રહી છે. ​પરિવારમાં માતા-પિતા અને પત્ની આ અચાનક આવેલા આઘાતથી હૈયાફાટ રુદન કરી રહ્યા છે.

  • 10 Nov 2025 07:22 PM (IST)

    વડોદરામાં રખડતા ઢોરને કારણે યુવકનુ મોત, ઢોરના માલિક સામે કરાશે કેસ, મૃતકના પરિવારને મનપા કરશે સહાય

    રખડતાં ઢોરને કારણે યુવકનાુ મોત થયા બાદ વડોદરાનાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે જણાવ્યું કે, ગાયનાં માલિક સામે પોલીસ કેસ દાખલ કરાશે. યુવકનાં પરિવારને પાલિકા તરફથી સહાય કરાશે. રખડતાં ઢોરની સમસ્યાને લઇને પાલિકા ગંભીર છે. છેલ્લા બે વર્ષથી પાલિકા સતત કામગીરી કરે છે. છતાં ક્યારેય આવા દુઃખદ બનાવો બની જાય છે. આ ઘટના બાદ ઝુંબેશને વધુ સક્રિય બનાવીશું. રખડતાં ઢોરોને પકડવાં તંત્રની 18 ટીમો કાર્યરત છે. બે વર્ષમાં રખડતાં ઢોરનાં માલિકો સામે 413 FIR કરી છે. 3114 રખડતાં પશુઓ પકડી 41.36 લાખ દંડ વસૂલ્યો છે.

  • 10 Nov 2025 07:18 PM (IST)

    સુરેન્દ્રનગરના થાનમાં ખેડૂતોના મુદ્દે કોંગ્રેસે યોજી બાઈક રેલી, જાહેરસભા

    સુરેન્દ્રનગરના થાનમાં ખેડૂતોના દેવા માફીની માંગ સાથે કોગ્રેસની બાઇક રેલી યોજાઈ હતી. જીગ્નેશ મેવાણીની ઉપસ્થિતિમાં બાઇક રેલી યોજાઈ હતી.
    વિદેશથી આવતા કપાસ પર રોક લગાવા માંગ કરવામાં આવી હતી. ખાતર-પાણી પણ સમયસર પહોંચાડવા માંગ કરાઈ હતી. રેલી બાદ સભાનું પણ કરાયું આયોજન. નુકસાન વળતરથી ખેડૂતોનું કાંઈ નહીં વળે તેવી પરિસ્થિતિ છે.  આમ આદમી પાર્ટી બાદ હવે ખેડૂતોના પ્રશ્ને કૉંગ્રેસ પણ મેદાને આવ્યું છે.

  • 10 Nov 2025 06:33 PM (IST)

    થરાદના SDMની કારને નડ્યો અક્સ્માત, કુલ ચાર જણા ઈજાગ્રસ્ત

    વાવ થરાદ જિલ્લાના થરાદના SDMને નડ્યો અક્સ્માત.  થરાદ – વાવ હાઈવે પર ચારડા નજીકની બની અકસ્માતની ઘટના. થરાદથી વાવ તરફ જઈ રહ્યા હતા SDM સાજણ મેર. અન્ય કાર અને SDM ની કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં SDM સાજણ મેર અને કારના ચાલકને ઈજાઓ થઈ હતી. અન્ય કારમાં સવાર બે વ્યક્તિઓને પણ ઈજા થવા પામી હતી. SDM સહિત અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે થરાદની હોસ્પિટલમાં ખસેડાયા છે.

  • 10 Nov 2025 06:03 PM (IST)

    કડીના ભવપુરા ખાતે દીવાલ ધસી પડતા 1નું મોત, 6 ને ઇજા

    મહેસાણાના કડીના ભવપુરા ખાતે દીવાલ ધસી પડતા 1નું મોત થયુ છે જ્યારે 6 ને ઇજા પહોચી છે.  ભવપુરા વિસ્તારમાં નવા મકાનનું  કામ ચાલતું હતું તે 7 જેટલા શ્રમિકો દટાયા હતા. એક શ્રમિકનું ઘટના સ્થળે મોત થયું છે. નવીન મકાનના બાજુના મકાનની જર્જરીત દીવાલ પડી. ઇજાગ્રસ્ત શ્રમિકોને સારવાર હેઠળ ખસેડાયા છે.

  • 10 Nov 2025 04:25 PM (IST)

    માવઠાએ સ્થિતિ બગાડતા રાજકોટ જિલ્લાના બે ખેડૂતોએ કરી આત્મહત્યા, સરકાર 25 લાખ સહાય કરેઃ લલિત વસોયા

    કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું પાક સહાય અંગે નિવેદન સામે આવ્યું છે. ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ નિવેદન આપતા કહ્યું કે, સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર કરાયેલા પેકેજથી ખેડૂતો અસંતુષ્ઠ છે. પાક પર માવઠું પડતા પાકને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે. નુકસાનના વળતરની જગ્યાએ ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરવા વસોયાએ કરી માંગ. આર્થિક નુકસાનીનો સામનો કરેલ રાજકોટ જિલ્લાના બે ખેડૂતોએ આત્મહત્યા પણ કરેલ છે. આત્મહત્યા કરનાર ખેડૂતો ના પરિવારો ને સરકાર દ્વારા રૂપિયા 25 લાખની સહાય જાહેર કરે તેવી માંગણી લલિત વસોયાએ કરી છે.

  • 10 Nov 2025 03:49 PM (IST)

    સરકારે ખેડૂતો સાથે મશ્કરી કરી છે, વિઘે માત્ર 3500 જ આપશે, પેકેજ નહીં પડીકું છેઃ અમિત ચાવડા

    ખેડૂત આત્મહત્યા મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની પ્રતિક્રિયા સામે આવી છે. અમિત ચાવડાએ કહ્યું છે કે, સરકારે પેકેજના નામે પડીકું જાહેર કર્યું છે.
    ખેડૂતોને પેકેજમાંથી વિઘે માત્ર 3500 રૂપિયા મળવાના છે. રાજ્યમાં 4 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. સરકાર હજુ કેટલા ખેડૂતોનો ભોગ લેશે ? ગુજરાતના ખેડુતોના સંપૂર્ણ દેવા માફ કરવાની માંગણી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કરી છે.

  • 10 Nov 2025 02:56 PM (IST)

    વડોદરા જિલ્લામાં એકના ડબલ કરવાનું કહીંને 30 લાખ પડાવનારા 3 ઝડપાયા

    એકના ડબલ કરી આપવાનું કહી રૂપિયા 30 લાખ પડાવનાર 3 ઝડપાયા છે. બોડેલીના એક વેપારીએ શિનોર તાલુકામાં એકના ડબલ કરી આપતી ગેંગના વિશ્વાસે રૂપિયા 30 લાખ ગુમાવતા શિનોર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ત્રણ આરોપી ઝડપી પાડ્યા છે જ્યારે એક ભાગી ગયો છે. બોડેલીમાં અનાજ કરિયાણાનો વેપાર કરતા નિલેશ ઓમ પ્રકાશ અગ્રવાલે નોંધાવી પોલીસ ફરિયાદ. તા.19 ઓક્ટોબરથી તા.4 નવેમ્બર સુધીમાં એકના ડબલની લાલચમાં 4 વ્યક્તિઓએ ફરિયાદી સાથે 30 લાખની છેતરપિંડીઆચરી હતી.

  • 10 Nov 2025 02:47 PM (IST)

    જૂનાગઢ: માવઠાના માર બાદ ખેડૂતોએ મગફળીના ચારાને દિવાસળી ચાંપી

    જૂનાગઢ: માવઠાના માર બાદ ખેડૂતોએ મગફળીના ચારાને દિવાસળી ચાંપી. ભેસાણ પંથકના કરીયા ગામના ખેડૂતોએ મગફળીનો ચારો સળગાવ્યો. કમોસમી વરસાદ બાદ પાકમાં વ્યાપક નુક્સાન થતાં નિર્ણય લીધો. પાક નુક્સાન બાદ ખેડૂતો સહિત ખેત મજૂરોની હાલત પણ કફોડી છે. પશુઓનો ચારો પણ બગડી જતાં ખેડૂતને પડ્યા માથે પાટાં જેવી સ્થિતિ છે.

  • 10 Nov 2025 02:36 PM (IST)

    ગાંધીનગરઃ મુખ્યપ્રધાને કેબિનેટ પ્રધાનો સાથે મુલાકાત કરી

    ગાંધીનગરઃ મુખ્યપ્રધાને કેબિનેટ પ્રધાનો સાથે મુલાકાત કરી. સ્વર્ણિમ સંકુલમાં કેબિનેટ પ્રધાનોની મુલાકાત લીધી. પ્રધાનમંડળના વિસ્તરણ બાદ પ્રથમ વાર પ્રધાનો સાથે મુલાકાત કરી. પ્રધાનોની ઓફિસમાં જઈ મુખ્યપ્રધાને ચર્ચા કરી. સ્વર્ણિમ સંકુલ-1 ના પહેલા અને બીજા માળે કેબિનેટ પ્રધાનોના કાર્યાલય છે. સોમવાર હોવાથી મુલાકાતી અને નાગરિકોને CM અને પ્રધાનો મળે છે.

  • 10 Nov 2025 02:13 PM (IST)

    બનાસકાંઠા: પાલનપુર જિલ્લા પંચાયતની ઈમારતમાં સ્લેબ ધરાશાયી, મોટી દુર્ઘટના ટળી

    બનાસકાંઠાના પાલનપુરમાં જિલ્લા પંચાયતની ઈમારતના ત્રીજા માળેથી સ્લેબ ધરાશાયી થતા ખળભળાટ મચ્યો. ઘટના સમયે કચેરીમાં કામકાજ ચાલુ હોવાથી અચાનક દોડધામ મચી ગઈ, પરંતુ સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. મળતી માહિતી મુજબ સ્લેબ ત્રીજા માળે લોબીના ભાગમાં ધરાશાયી થયો હતો. 40 વર્ષથી વધુ જૂની આ ઈમારત વિશે અગાઉથી જ ખાલી કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. હાલ તંત્રે તાત્કાલિક ઈમારત ખાલી કરાવવાના અને જિલ્લા પંચાયત કચેરીને અન્યત્ર ખસેડવાના આદેશ આપી દીધા છે. જિલ્લા પંચાયતની ઈમારતની જર્જરિત હાલતને કારણે કર્મચારીઓ અને નાગરિકોમાં દહેશતનું માહોલ છે, છતાં માર્ગ અને મકાન વિભાગની ઉદાસીનતા પર અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.

  • 10 Nov 2025 01:45 PM (IST)

    ભાવનગર: મહુવા ડોળીયા ગામની શાળાને તાળાબંધી

    ભાવનગરના મહુવા ડોળીયા ગામમાં શાળાને આચાર્ય દંપતી અને ગ્રામજનો વચ્ચેના વિવાદને કારણે તાળાબંધી કરવામાં આવી છે. ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી અને આચાર્યની બદલીની માંગ કરી. તાળાબંધીના કારણે લગભગ 456 વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહેતા થયા છે.

  • 10 Nov 2025 01:34 PM (IST)

    ગીર સોમનાથ: સોમનાથ નજીક ગેરકાયદે દબાણો પર તંત્રની તવાઈ

    ગીર સોમનાથના રંગીલા દરગાહ નજીક ગેરકાયદે બાંધકામો પર તંત્રની કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર દ્વારા 11 મકાનો અને દુકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું. ડિમોલિશન માટે 10 JCB અને 15 ટ્રેક્ટર સહિતની મશીનરી ઉપયોગમાં લેવાઈ હતી. આ કામગીરીમાં લગભગ 1300 ચોરસ મીટરની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં ગેરકાયદે બાંધકામ અટકાવવામાં મદદ મળે.

  • 10 Nov 2025 01:33 PM (IST)

    ગાંધીનગર: SOG પોલીસ કોન્સ્ટેબલ આપઘાતથી સમગ્ર પરિવાર શોકમાં

    ગાંધીનગરમાં SOGમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે અચાનક ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. આ ઘટના માણસાના હરણાહોડા વિસ્તારમાં બની છે. બનાવનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે કોન્સ્ટેબલની દિકરી તેને સવારે જગાડવા ગઈ હતી. અજાણ્યા કારણોસર પોતાના જીવને અંત આપતા કોન્સ્ટેબલના પરિવાર પર  આભ તુટી પડ્યુ છે. પોલીસને ઘટનાની જાણ થતાં તેણે સમગ્ર મામલે ગુનો નોંધ્યો અને તપાસ શરૂ કરી છે.

  • 10 Nov 2025 12:00 PM (IST)

    વડોદરા: રખડતા ઢોરના કારણે 2 અકસ્માત સર્જાયા

    વડોદરા: રખડતા ઢોરના કારણે 2 અકસ્માત સર્જાયા. માલિકો ઢોરને રાત્રે રખડતા મૂકી દેતા વાહન ચાલકો ભોગ બની રહ્યા છે. ન્યૂ સમા રોડ પર ગાયની અડફેટે બાઇક ચાલકનું મોત થયુ, તો સોમા તળાવ પાસે ગાયની અડફેટે બાઇક ચાલક ઘાયલ થયો છે.

  • 10 Nov 2025 11:29 AM (IST)

    ધોરાજીમાં યુવકની સ્ટંટબાજીનો વીડિયો થયો વાયરલ

    ધોરાજી શહેરમાં એક યુવકનો જોખમી સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ બન્યો છે. લાઈક્સ અને ફોલોઅર્સ મેળવવાના ચક્કરમાં યુવકે બાઈક ઉલાળી ખતરનાક સ્ટંટ કર્યો હતો. યુવકના આ કૃત્યથી તેણે પોતાનો તેમજ રસ્તા પરથી પસાર થનારા રાહદારીઓનો જીવ જોખમમાં મૂકી દીધો હતો. વાયરલ થયેલો વીડિયો ધોરાજીના આઇકોન નિર્મલપથ રોડનો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. આ ઘટના બાદ પોલીસ સક્રિય બની ગઈ છે અને વાયરલ વીડિયોમાં દેખાતા યુવકની ઓળખ કરીને તેને ઝડપવા તપાસ હાથ ધરી છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે આવા જોખમી સ્ટંટ કરીને પોતાની અને અન્યની જાન જોખમમાં ન મૂકે તથા ટ્રાફિક નિયમોનું પાલન કરે.

  • 10 Nov 2025 10:15 AM (IST)

    સુરતમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જમાલ અંસારી વિરુદ્ધ ખંડણીનો ગુનો દાખલ

    સુરત શહેરમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જમાલ અંસારી સામે ખંડણીનો ગુનો નોંધાયો છે. વોર્ડ નંબર 18ના પૂર્વ પ્રમુખ જમાલ અંસારી પર બાંધકામ તોડાવાની ધમકી આપીને ખંડણી વસૂલવાનો ગંભીર આરોપ છે. ફરિયાદ અનુસાર, અંસારીએ મનપામાં અરજી કરીને 2 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. આરોપ છે કે અરજી કર્યા બાદ બાંધકામ તોડાવીને 98 હજાર રૂપિયાની રકમ પડાવવામાં આવી હતી. નોંધનીય છે કે જમાલ અંસારીએની પત્નીએ વર્ષ 2020માં કોર્પોરેશનનું ઈલેક્શન લડ્યું હતું. હાલ પોલીસએ પૂર્વ પ્રમુખ જમાલ અંસારીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ આ સમગ્ર પ્રકરણમાં અન્ય સંકળાયેલા લોકોની પણ પૂછપરછ કરી રહી છે.

  • 10 Nov 2025 09:56 AM (IST)

    આબુમાં લઘુતમ તાપમાન 7 ડિગ્રી નોંધાયું

    રાજસ્થાનઃ માઉન્ટ આબુમાં હાડ થિજાવતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. શિયાળાની શરૂઆત સાથે ઠંડીનો પારો ગગડયો. આબુમાં લઘુતમ તાપમાન 7 ડિગ્રી નોંધાયું. ઠંડથી બચવા લોકોએ તાપણાનો સહારો લીધો. ઠંડીમાં રાહત માટે સહેલાણીઓએ ચાની ચૂસ્કી લગાવી. હજુ પણ તાપમાનનો પારો વધુ ગગડે તેવી શક્યતા છે.

  • 10 Nov 2025 09:38 AM (IST)

    હરિયાણામાં આતંકી ષડયંત્રનો પર્દાફાશ : 350 કિલો RDX સાથે ડોક્ટર ધરપકડ

    ગુજરાત પછી હવે હરિયાણામાં આતંકીઓના નાપાક ષડયંત્રનો મોટો પર્દાફાશ થયો છે. જમ્મુ-કાશ્મીર પોલીસે હરિયાણાના ફરીદાબાદ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરતાં 350 કિલો RDX જપ્ત કર્યું છે. પોલીસએ મુઝમ્મિલ શેખ નામના ડોક્ટરને ધરપકડ કરી છે, જે પુલવામાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તેની ધરપકડ દરમિયાન તેના ઘરેથી AK-47 રાઈફલ અને મોટી સંખ્યામાં કારતૂસો પણ જપ્ત કર્યા છે. આ કાર્યવાહી બીજી એક ધરપકડ કરાયેલા ડોક્ટર આદિલની બાતમીના આધારે હાથ ધરાઈ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંને આતંકી નેટવર્ક સાથે સંકળાયેલા હતા અને દેશમાં મોટી સાજિશ રચવાની તૈયારીમાં હતા. પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ આ કિસ્સામાં વધુ તપાસ કરી રહી છે અને અન્ય સંભવિત સહયોગીઓની શોધખોળ ચાલુ છે.

  • 10 Nov 2025 08:54 AM (IST)

    ડાંગ: ગીરીમથક સાપુતારામાં ઠંડીનું પ્રમાણ વધ્યું

    ડાંગ: ગીરીમથક સાપુતારામાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. રાત્રે ઠંડીનો પારો 10 ડિગ્રીએ પહોંચી ગયો. એકાએક કડકડતી ઠંડીથી પ્રવાસીઓ અને સ્થાનિકો ઠુંઠવાયા છે. છેલ્લા બે દિવસથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ગત રાત્રે વધુ ઠંડી વધતા લોકોએ તાપણાનો સહારો લીધો. વહેલી સવારે ઠંડી વધતાં પ્રવાસીઓ હોટલની બહાર ન નીકળ્યા. માર્ગો સુમસામ બન્યા અને સર્પગંગા તળાવનું પાણી ઠંડુગાર બન્યું.

  • 10 Nov 2025 08:20 AM (IST)

    ખેડા: વિદેશી દારૂ ભરેલી પિકઅપ ટ્રક પલટી

    ડાકોર પોલીસને બાતમી મળી હતી કે, વિદેશી દારૂ ભરીને એક વાહન ડાકોરથી પસાર થવાનું છે. પોલીસે દારૂ ભરેલ વાહન ને ઓળખીને ફિલ્મી ઢબે તેનો પીછો કર્યો. પોલીસને જોઈ દારૂ ભરેલા ડાલાનો ચાલક ગભરાયો અને તેણે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો. ​સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા વિદેશી દારૂ ભરેલા ડાલાએ પુલ આશ્રમ નજીક પલટી ખાધી. ​ઘટનાસ્થળ પરથી ડાલાનો ચાલક ફરાર થઈ ગયો.

  • 10 Nov 2025 07:37 AM (IST)

    ગીર સોમનાથ : ઉનાના નવાબંદર નજીક બોટને ડૂબતા બચાવાઈ

    ગીર સોમનાથ : ઉનાના નવાબંદર નજીક બોટને ડૂબતા બચાવાઈ. માછીમારી કરવા ગયેલી બોટ મધદરિયે ડૂબતા બચાવાઈ. વિજયસાગર નામની બોટમાં સવાર 9 ખલાસીઓને બચાવાયા. બોટમાં રહેલો પંખો તૂટી જતા બોટમાં પાણી ભરાયું. ડૂબી ગયેલી બોટને અન્ય બોટ સાથે બાંધી કિનારે લવાઈ.

Published On - 7:35 am, Mon, 10 November 25