આજે 10 જુલાઈને શુક્વારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
અમદાવાદથી 10 કિમીના અંતરમાં આવતા ગામો-નગરે ભરવો પડશે વ્હિકલ ટેક્ષ. અમદાવાદની બન્ને આરટીઓ કચેરીમાં નોંધાતા વાહનો માલિકો પાસેથી AMC દ્વારા વ્હિકલ રોડ ટેક્ષ વસૂલવામાં આવશે. 195 ગામો ને AMC માં વ્હિકલ રોડ ટેક્ષ ભરવો પડશે. વ્હિકલ રોડ ટેક્ષથી અંદાજીત 12 કરોડની રેવન્યુ જનરેટ થવાની ધારણા છે. અમદાવાદ મહાનગરપાલિકામાં ના આવતા હોય પરંતુ અમદાવાદ આરટીઓમાં વાહનોની નોંધણી કરાવનારા બારેજા, બારેજડી, ભાટ, થોળ , એનાસન, કણભા, કુંજાડ, તેલાવ, અસલાલી, રોપાડા, ચાંગોદર સહિત 195 ગામોને લાગુ પડશે વ્હિકલ ટેક્ષ. RTO પાસિંગ સમયે હવે આ ગામોના વ્હિકલ નોંધાશે તો ટેક્ષ ભરવો પડશે.
વિઠલાપુર રોડ પર વીજ કરંટ લાગતાં અકસ્માતની ઘટનામાં 1 મોત , 1 સારવાર હેઠળ દાખલ બાઈક ઉપર મોપેડ પર લઈ જવાતું લોખંડનું બોર્ડ વીજ તારને અડકતાં બંને યુવકો પટકાયા હતા. હાંસલપુર ગામના સંજયકુમાર ઉર્ફે લાલભાઈ પટેલનું સારવાર દરમિયાન મોત થયું છે. અન્ય યુવક દીપકભાઈ પટેલની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. વિઠલાપુર પોલીસે એ.ડી. નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નવસારી શહેર અને જિલ્લામાં આવેલા પૂર બાદ જિલ્લા કલેકટર મનીષ ગુરુ વાણી આક્રમક મૂડમાં જણાયા છે. સરકારી હોસ્પિટલ જર્જરિત હોવાથી અધિકારીઓનો ઉધડો લીધો હતો. 60 વર્ષ જૂની મેંગુસી હોસ્પિટલની ખખડધજ હાલતને જોઈને કલેકટરે, આરોગ્ય વિભાગના પી.આઈ.યુ. ડિપાર્ટમેન્ટને આડેહાથ લીધુ હતું. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના પ્રોજેક્ટ ઇમ્પલિમેન્ટેશન યુનિટને તાત્કાલિક હોસ્પિટલ તોડી પાડી નવી બનાવવા આદેશ કર્યો.
60 વર્ષથી વધુ જૂની થતા જર્જરીત હાલતમાં આવી ગયેલી હોસ્પિટલ બિલ્ડિંગનો સ્ટેબિલિટી રિપોર્ટ આવ્યો છે નેગેટીવ. અતિવૃષ્ટિ સમયે તૂટી પડવાની શક્યતાઓ અને નુકસાનની ભીતિને પગલે આપ્યા આદેશ.
મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પોઝિટિવ કેસ નોંધાયો છે. વિસનગર તાલુકાના લાછડી ગામમાં કેસ આવતા આરોગ્ય વિભાગ સતર્ક થયુ છે. અસરગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક સઘન સર્વેલન્સ અને દવાનો છંટકાવ શરૂ કર્યો છે. આરોગ્ય વિભાગે 183 ઘરોમાં સર્વે કરી 821 લોકોની તપાસ કરી છે. દર્દીની GMERS વડનગર હોસ્પિટલમાં સારવાર ચાલુ, હાલ તબિયત સ્થિર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. નવો કોઈ શંકાસ્પદ કેસ નહીં, ગામમાં મેલેથીયોન ડસ્ટિંગની કામગીરી કરાઈ છે. 15 વર્ષથી નાના બાળકોનું ખાસ ધ્યાન રાખવા આરોગ્ય વિભાગની અપીલ કરી છે. તાવ, ઊલટી કે ખેંચ આવે તો તાત્કાલિક સરકારી દવાખાને જવા સૂચના આપવામાં આવી છે.
કોંગ્રેસનો છાત્રો કી ગુંજ કાર્યક્રમ ગુજરાત યુનિવર્સિટીમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં NSUI ના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદ જાખર રહ્યા ઉપસ્થિત. છાત્રો કી ગુંજ કાર્યક્રમ હેઠળ કોંગ્રેસ શિક્ષણ વ્યવસ્થા અંગે પ્રશ્નો ઊભા કરી રહ્યું છે. પેપર લીક કાંડ બાદ શિક્ષણ મંત્રી રાજીનામું આપે તેવી માંગ કરાઈ છે. NSUI ના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદ જાખડ કહ્યું- NEET ને કારણે 16 થી વધુ વિધાર્થીઓ એ આત્મહત્યા કરી છે. ભાજપના રાજમાં 4 વાર NEET પરીક્ષા ના પેપર લીક થયું. વિદ્યાર્થીઓ શિક્ષણમાં લેવા બદલાવ ઈચ્છે છે તે અંગે સૂચનો મેળવી રહ્યા છે. ગુજરાતમાં પણ શિક્ષણ ખાડે ગયું છે. વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળતી નથી. દેશમાં ગુજરાત મોડલની વાત થાય છે પરંતુ તે ફેલ છે. એન ટી એ સૌથી ભ્રષ્ટ છે, જે બંધ થવું જોઈએ. રાહુલ ગાંધી 17 તારીખે દેહરાદૂન ખાતે છાત્રો કી ગુંજ યોજશે.
વડોદરાના ડભોઇ પોલીસે આર એન્ડ બી વિભાગ સામે કરી લાલ આંખ. ડભોઇ વડોદરા રોડ ઉપર અકસ્માતોને પગલે કરી લાલ આંખ. “જો કોઈ અકસ્માત થશે તો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પર નોંધાશે FIR. GHV એજન્સીને પણ આપી પોલીસે આપી ચેતવણી. વડોદરાથી SOU ના મુખ્ય માર્ગનું GHV એજન્સી પાસે છે કામ. કરોડો રૂપિયાના ખર્ચે SOU રોડનું થઇ રહ્યું છે સમારકામ. રોજિંદા પણે અનેક અકસ્માતો SOU રોડ ઉપર થઈ રહ્યા છે. અકસ્માતમાં અનેક લોકોના થયા છે મૃત્યું.
રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે હાઈકોર્ટમાં ચાલી રહેલ સુનાવણી દરમિયાન સરકારે જાહેર કર્યુ કે, જવાબદાર 6 અધઇકારી-કર્મચારી સામે પગલાં લેવાયા છે. વિભાગીય તપાસ પૂર્ણ થતાં અનેક અધિકારીઓને ગુજરાત સિવિલ સર્વિસ નિયમો હેઠળ મોટી સજા ફટકારાઈ છે. કેટલાક અધિકારીઓને સરકારી સેવામાંથી બરતરફ કરાયા અને ભવિષ્યમાં સરકારી નોકરી માટે પણ અયોગ્ય ઠેરવાયા છે. અન્ય એક અધિકારીને સેવામાંથી દૂર કરાયો, જ્યારે એક વર્ગ-1ના વરિષ્ઠ અધિકારી સામે પણ મોટી સજાની કાર્યવાહી કરાઈ છે. કાર્યવાહી કરવામાં આવી તે અધિકારીઓમાં ગૌતમ જોષી, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરી, રાજેશ મકવાણા, રોહિત વિગોરા, મનસુખ સાગઠિયાનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આવતીકાલ શનિવારથી 3 દિવસ માટે ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. 12 અને 13 જુલાઈના રોજ વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી. સાયન્સ સિટી, ગોતા, ગોધાવી કેનાલ, બોપલ સહિતના સ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમમાં આપશે હાજરી. વાડજ NDDB પ્લોટ ખાતે પણ આપશે હાજરી. પ્રહલાદનગર ખાતે સમુત્કર્ષ એકેડમી ખાતે પણ હાજરી આપશે શાહ. 13 જુલાઈના રોજ NFSU ખાતે ઇન્ટરપોલના કાર્યક્રમમાં આપશે હાજરી. બપોરે 1:30 કલાકે દહેગામ ખાતે APMC ના કાર્યક્રમમાં આપશે હાજરી. બપોરે બાદ સર્કિટ હાઉસ ખાતે વિવિધ મુદ્દે બેઠક કરશે શાહ.
અમદાવાદના શાસ્ત્રીનગરમાં સ્કૂલ બસે અકસ્માત સર્જ્યો છે. આ અકસ્માતમાં એક યુવાનનું મોત થયું છે. ડી પી એસ સ્કૂલ બસે સર્જ્યો અકસ્માત.પોલીસ ઘટના સ્થળે પહોંચી
5 વર્ષની બાળકીના અપહરણનો ભેદ અમદાવાદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. કંટ્રોલ રૂમમાં બાળકીના અપહરણની માહિતી મળતાં પોલીસ દોડતી થઈ હતી. હમીરગઢ બોર્ડર પરથી બાળકીને સુરક્ષિત રીતે શોધી કાઢાઈ છે. આરોપી મહિલા બાળકીને લઈને બિહાર ભાગવાની તૈયારીમાં હતી. આરોપી મહિલા, ફરિયાદીના દિયરની પ્રેમિકા હોવાનું તપાસમાં ખુલ્યું છે. પારિવારિક ઝઘડાનો બદલો લેવા બાળકીનું અપહરણ કરાયું હતું. પ્રાથમિક તપાસમાં બાળકી પાસે ભીખ મંગાવવાનો હેતુ સામે આવ્યો. શહેર કોટડા પોલીસની ત્વરિત કાર્યવાહીથી બાળકીનો સુરક્ષિત બચાવ થયો.
વડોદરાના પાદરા નજીક મહુવા ચોકડી પર સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં ડમ્પરે બાઈકચાલકને અડફેટે લેતા નિવૃત્ત શિક્ષક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે તેમના બંને પગ ડમ્પરના પૈડાં નીચે કચડાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ તાત્કાલિક ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. સામે આવેલા CCTV વીડિયોમાં ડમ્પરચાલકની બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે. પોલીસે ઘટના અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે આયુર્વેદિક દવાના નામે કરોડોની છેતરપિંડી કરતી ટોળકીનો પર્દાફાશ કરીને 7 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાંથી કોલ સેન્ટર ચલાવી સોશિયલ મીડિયા પર સેક્સ્યુઅલ પાવર વધારવાની લાલચ આપતી જાહેરાતો દ્વારા લોકોને ફસાવતા હતા. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર આકર્ષક જાહેરાતો માટે દરરોજ અંદાજે ₹30 હજારનો ખર્ચ કરવામાં આવતો હતો. તપાસમાં સામે આવ્યું છે કે ઉત્તર પ્રદેશના ઇટાવાનો દેવેન્દ્ર રાજાવત સમગ્ર રેકેટનું સંચાલન કરતો હતો. દવા ખરીદવાનો ઇનકાર કરનાર લોકોને ફોન પર ધમકીઓ આપવામાં આવતી હતી, જ્યારે કેટલાક કિસ્સામાં એસપી બની ફોન કરીને ₹2 હજારથી લઈને ₹1 લાખ સુધીની ખંડણી પણ માંગવામાં આવતી હતી. પોલીસે કાર્યવાહી દરમિયાન 44 મોબાઇલ ફોન, 23 કોમ્પ્યુટર CPU અને 14 બેંક કિટ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે.
નર્મદા જિલ્લામાં શામળાજી-વાપી નેશનલ હાઇવે પ્રોજેક્ટને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાવડી, વડીયા અને જીતનગર ગામોના ખેડૂતો યોગ્ય વળતરની માંગ સાથે ધરણાં પર ઉતર્યા હતા. ખેડૂતોનું કહેવું છે કે હજારો એકર જમીન સંપાદિત કરવામાં આવી રહી છે, પરંતુ યોગ્ય વળતર મળતું નથી. બીજી તરફ શ્રી રામ હેરિટેજ સોસાયટીના રહીશોએ પણ હાઇવે પ્રોજેક્ટનો વિરોધ નોંધાવ્યો છે. પ્રોજેક્ટના કારણે 22 મકાનો કપાતમાં જતા અનેક પરિવારો ઘરવિહોણા બનવાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે. વિરોધ પ્રદર્શન દરમિયાન ખેડૂતો અને સ્થાનિકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી હતી. સાથે જ ચેતવણી આપી હતી કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે.
ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સંગઠનાત્મક બેઠકોનો ધમધમાટ જોવા મળ્યો. બેઠકમાં તમામ જિલ્લા પ્રમુખો, જિલ્લા પ્રભારીઓ, વિવિધ મોરચાના અધ્યક્ષો સહિત પક્ષના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ આગામી પેટાચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વ્યૂહરચના અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત મંડળથી લઈને મોરચા સુધીની બાકી રહેલી સંગઠનાત્મક સંરચના ઝડપથી પૂર્ણ કરવા તેમજ આગામી સમયમાં યોજાનારા વિવિધ કાર્યક્રમોની રૂપરેખા અને આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
બોટાદ જિલ્લામાં સોશિયલ મીડિયા પર આરોપીની બહેનને રિક્વેસ્ટ મોકલવાના મુદ્દે યુવકની હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, સમાધાનની વાત કરવા બહાને યુવકને બોલાવવામાં આવ્યો હતો, જ્યાં ઉગ્ર બોલાચાલી બાદ પાંચ લોકોએ ભેગા મળી તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓને કારણે યુવકનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને ફરાર થયેલા પાંચેય આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.
સુરતમાં પૂરની સ્થિતિ બાદ અસરગ્રસ્ત પરિવારોને સહાય પહોંચાડવા રાજ્ય સરકારે કામગીરી વધુ ઝડપી બનાવી છે. નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું કે અત્યાર સુધીમાં 9 હજારથી વધુ પરિવારોનો ડોર-ટુ-ડોર સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે, જ્યારે 800થી વધુ પરિવારોને ઘરવખરી સહાય અને કેશડોલની ચુકવણી કરવામાં આવી છે. શુક્રવાર સાંજ સુધીમાં તમામ અસરગ્રસ્તોને તેમના રહેઠાણ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. વિવિધ ટીમો દ્વારા વૈકલ્પિક સહાય પહોંચાડવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. સરવેમાં રહી ગયેલી સોસાયટીઓમાં પણ તાત્કાલિક સર્વે કરીને સહાય ચૂકવવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. નાયબ મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું કે વેપારીઓને થયેલા કોમર્શિયલ નુકસાન અંગે પણ આગામી સમયમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
સુરત સાયબર ક્રાઇમ સેલે RTO ઈ-ચલણના નામે લોકો સાથે સાયબર ઠગાઈ કરતી ટોળકીનો પર્દાફાશ કરીને મધ્યપ્રદેશના ઉજ્જૈનથી બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ ઈ-ચલણની APK ફાઇલ મોકલી ફરિયાદીનો મોબાઇલ હેક કરતા અને ત્યારબાદ બેંક ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરી લેતા હતા. એક ફરિયાદીના ફોનને હેક કરીને ₹3 લાખથી વધુની ઉઠાંતરી કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ 26 જાન્યુઆરીથી 25 મે દરમિયાન આ કાવતરું આચર્યું હતું અને ગુનામાં ઉપયોગ માટે યુકો બેંકમાં એકાઉન્ટ પણ ખોલાવ્યું હતું. આ ખાતામાંથી ₹7 લાખથી વધુના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. NCCRP પોર્ટલ પર આ બેંક ખાતા સામે બિહારમાં બે ફરિયાદ નોંધાયેલી હોવાનું પણ ખુલ્યું છે, જ્યારે બિહારમાં ₹70 હજારની સાયબર ઠગાઈમાં પણ આ જ ટોળકીની સંડોવણી સામે આવી છે. હાલ સાયબર ક્રાઇમ સેલે બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના ખાનપુર વિસ્તારમાં ભાજપ કાર્યાલય પાસે એક મહાકાય વૃક્ષ અચાનક ધરાશાયી થતાં ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. વૃક્ષ નીચે દટાઈ જવાથી એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ દુર્ઘટનામાં બે રિક્ષા અને એક કારને પણ નુકસાન પહોંચ્યું હતું. વૃક્ષ રસ્તા પર પડતાં વિસ્તારમાં વાહનવ્યવહાર થોડા સમય માટે ખોરવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને વૃક્ષ કાપીને રસ્તો ક્લિયર કરી વાહનવ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો. તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. રથયાત્રા પૂર્વે મેયર, મંદિરના ટ્રસ્ટીઓ તેમજ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું હતું. યાત્રા દરમિયાન કોઈ અવરોધ ન સર્જાય તે માટે માર્ગ પર આવેલા જર્જરિત મકાનોની તપાસ, રસ્તાઓના સમારકામ તેમજ વૃક્ષોની ડાળીઓના ટ્રિમિંગ સહિતની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. યાત્રા સુચારુ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે તંત્ર તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી રહ્યું છે.
રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસોને લઈને ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. અત્યાર સુધીમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે 5 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જેમાં માત્ર સાબરકાંઠાના હિંમતનગરમાં જ 7 દર્દીઓમાંથી 3 દર્દીઓના મોત થયા છે. મૃત્યુ પામેલા ત્રણ દર્દીઓમાંથી એકનો રિપોર્ટ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે એક બાળકનો રિપોર્ટ નેગેટિવ હોવા છતાં તેનું મોત થયું છે. અન્ય એક મૃતકનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે. હાલ બે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સમગ્ર ઘટનાને લઈને જિલ્લા આરોગ્ય વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે અને મહત્વની માહિતી છુપાવવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ ફરી એકવાર ખુલ્લા સંઘર્ષમાં ફેરવાયો છે. અમેરિકાએ ઈરાનના અનેક વ્યૂહાત્મક સ્થળો પર હવાઈ હુમલા કર્યા હોવાનું સામે આવ્યું છે. દક્ષિણ ઈરાનના વ્યૂહાત્મક ચાબહાર પોર્ટ પર પ્રથમ વખત અમેરિકાએ હુમલો કર્યો હોવાનું અહેવાલો સૂચવે છે. હુમલા દરમિયાન ચાબહારના ટ્રાફિક કંટ્રોલ ટાવર અને ઈમામ અલી બેઝ સહિતના મહત્વના લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા હોવાનું કહેવાય છે. ચાબહાર પોર્ટના શાહિદ બેહેશ્તી પોર્ટ વિસ્તારમાં પણ ભારે નુકસાન થયાના અહેવાલો સામે આવ્યા છે. આ હુમલા બાદ મધ્ય પૂર્વમાં ફરીથી યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે અને વૈશ્વિક સ્તરે ચિંતા વધી છે. ચાબહાર પોર્ટ ભારત માટે પણ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે, જ્યાં ભારતે અંદાજે ₹1,000 કરોડનું રોકાણ કર્યું હતું. જોકે હુમલાથી ભારતના રોકાણને કેટલી અસર થઈ છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.
ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી સરેરાશ માત્ર 9 ઈંચ વરસાદ નોંધાયો છે, જે સિઝનના કુલ સરેરાશ વરસાદના માત્ર 24.63 ટકા જેટલો છે. ગત વર્ષની સરખામણીએ રાજ્યમાં 23.37 ટકા ઓછો વરસાદ નોંધાતા કૃષિ અને જળસંચય અંગે ચિંતા વધી છે. ગયા વર્ષે 9 જુલાઈ સુધીમાં રાજ્યમાં સરેરાશ 16.45 ઈંચ વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી એક અઠવાડિયા દરમિયાન રાજ્યમાં વ્યાપક વરસાદની શક્યતા નહીંવત્ છે અને વિવિધ વિસ્તારોમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની જ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના નાંદેડ-લાતુર રોડ પર આવેલા એક વર્ષ પહેલાં બનાવાયેલા ફ્લાયઓવરનો એક હિસ્સો અચાનક ધરાશાયી થતાં ભારે અફરાતફરી મચી હતી. બ્રિજનો કાટમાળ નીચે પડતાં ત્યાંથી પસાર થતા કેટલાક વાહનચાલકો માંડમાંડ બચી ગયા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની કે ઇજાના અહેવાલ સામે આવ્યા નથી. ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને વિસ્તારને સુરક્ષિત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ખેડાના કપડવંજમાં 27 જૂને થયેલા ફટાકડા ફેક્ટરીના પ્રચંડ બ્લાસ્ટ કેસમાં પોલીસને મહત્વની સફળતા મળી છે. વિસ્ફોટના 11 દિવસ બાદ ફેક્ટરી માલિક અને મુખ્ય આરોપી મિતુલ પટેલની બાતમીના આધારે ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પ્રાથમિક તપાસમાં મંજૂરી વિના ગેરકાયદેસર રીતે ફેક્ટરી ચલાવવામાં આવતી હોવાનો આરોપ સામે આવ્યો છે. આ દુર્ઘટનામાં બે શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હતા, જેમાં એક શ્રમિકનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસનું માનવું છે કે આરોપીની પૂછપરછ દરમિયાન વિસ્ફોટ કેસમાં વધુ મહત્વના ખુલાસા થઈ શકે છે.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મધ્યરાત્રિએ પૂરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
Gujarat Deputy Chief Minister Harsh Sanghavi conducted a midnight ground inspection of cleanup operations in flood-affected areas.
(Image source: X/Harsh Sanghvi) pic.twitter.com/OIKvg3BSzz
— ANI (@ANI) July 9, 2026
દેશભરમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે. ગુજરાત, દિલ્હી-એનસીઆર અને ઉત્તર પ્રદેશ સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે.
Published On - 7:33 am, Fri, 10 July 26