આજે 08 મેને શુક્વારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
સુરત: વરાછામાં મમતા હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાત કૌભાંડમાં સંડોવાયેલા ફાર્માસિસ્ટ રામગોપાલની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે ગાંધીનગરથી તપાસના આદેશ અપાયા હતા. 6 માસમાં રામગોપાલે નવી હોસ્પિટલ ખોલતાં તંત્રએ કાર્યવાહી કરી છે. આરોપીએ જુના સ્થળે જ હોસ્પિટલ ખોલી હોવાનો ખુલાસો થયો હતો. રામગોપાલ તેના કારનામાથી મહારાષ્ટ્ર્રથી રાજસ્થાન સુધી કુખ્યાત છે.
સુરતઃ માંગરોળમાં દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયુ છે. 30થી વધુ દબાણો જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. 53 જેટલા મકાનધારકોને નોટિસ અપાઈ હતી. પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવા કાર્યવાહી કરવામાં આવી છે. માંગરોળ, માંડવી માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ ડિમોલેશનમાં જોડાયા છે. 2 PI, 3 PSI, પોલીસ અને GRD જવાનોનો કાફલો સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો છે.
સુરત: વરાછા SBI લૂંટ કેસના આરોપી પર પોલીસે ફાયરિંગ કર્યુ. લૂંટના આરોપી શુભમે પોલીસ પર 1 રાઉન્ડ ફાયરિંગ કર્યુ
ક્રાઈમબ્રાંચે આરોપી શુભમ પર સ્વબચાવમાં ફાયરિંગ કર્યુ હોવાનું જણાવ્યુ છે. આરોપીને તપાસ માટે લઈ ગયા તે દરમિયાન ઘર્ષણ થયુ હતુ. આરોપીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો છે.
જુનાગઢઃ વિલિંગ્ડન ડેમમાં ડૂબવાથી ત્રણ લોકોના મોત થયા છે. ડેમમાં નાહવા પડેલા 7માંથી 3 લોકો ડૂબ્યા છે.
હાલ ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે.
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રચંડ પ્રકોપ જોવા મળી રહ્યો છે. રાજ્યના 9 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. જેમા સૌથી વધુ તાપમાન 43.1 ડિગ્રી સાથે અમદાવાદમાં નોંધાયુ છે. રાજકોટ અને ગાંધીનગરમાં 42.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.
રાજકોટઃ ગોંડલના ઘોઘાવદર રોડ પર રહેતા એક પરિવારમાં 2 સંતાનની હત્યા કરી પિતાએ પણ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પિતાએ પહેલા ગળાટૂંપો આપી પુત્ર અને પુત્રીની હત્યા કરી. સંતાનોની હત્યા બાદ ગળેફાંસો ખાઈ પિતાએ પણ આપઘાત કરી લીધો હતો. પોલીસે ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે.
પિતા જયપાલભાઈ સવારે પોતાના બંને બાળકોને વહાલથી ઘરેથી કારખાને સાથે લાવ્યા હતા. અહીં કોઈ અગમ્ય કારણોસર તેમણે પ્રથમ બંને બાળકોને ગળાટૂંપો આપ્યો અને ત્યારબાદ પોતે પણ પંખા સાથે લટકી આપઘાત કરી લીધો.
સુરતના પુણા વિસ્તારમાં ફરી એકવાર હત્યાની ઘટના સામે આવી છે. એક જ કારખાનામાં કામ કરતા બે મિત્રો વચ્ચે થયેલા ઝઘડામાં ખેલાયો ખૂની ખેલ. મૃતક અને આરોપી બન્ને પશ્ચિમ બંગાળના વતની હોવાનું સામે આવ્યું છે. બન્ને મિત્રો હતા પરંતુ કોઈ યુવતીને મેસેજ મોકલવા બાબતે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં બન્ને વચ્ચે મારામારી થઈ. જેમાં આરોપીએ કાતરનો ઘા ઝીંકતા યુવકનું મોત નીપજ્યું. જ્યારે આરોપી પણ ઝઘડામાં ઘાયલ થયો હતો.
રાજકોટ: ‘LAWYER’ લખેલી મોપેડચાલક મહિલાએ રૈયારોડ બાનમાં લીધો. ST બસ આડે સ્કૂટર રાખી હંગામો મચાવ્યો. બસના ડ્રાઇવર અને કંડકટરને મહિલાએ અપશબ્દો કહ્યા. વહેલી સવારે હનુમાનમઢી ચોક સિગ્નલ પાસે આ ઘટના બની હતી.
બસમાંથી વીડિયો ઉતારનાર જાગૃત નાગરિકને પણ ધમકી આપી હતી.
વડોદરાના યાકુતપુરામાં ઘરફોડ ચોરી કરનારા આરોપીને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો. પોલીસે આરોપીનું જાહેરમાં સરઘસ કાઢીને ચોરીનું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. જે સ્થળે આરોપીએ ચોરીને અંજામ આપ્યો હતો ત્યાં આરોપીને સાથે રાખીને પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. આરોપીએ યાકુતપુરામાં ઘડફોર ચોરી કરી હતી. ફરિયાદીના ઘર નજીક રહેલા વીજપોલ પર ચડીને આરોપી ઘરમાં ઘુસ્યો હતો અને તિજોરીનું તાળું તોડીને સોનાના દાગીના સહિત કુલ 4.14 લાખની ચોરી કરી હતી. ચોરી કરવા માટે આરોપીએ ફરિયાદી સાથે મિત્રતા કેળવી ઘરની રેકી કરી હતી. ફરિયાદીના સંબંધીનું અવસાન થતા પરિવાર બહાર ગયો ત્યારે આરોપીએ બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરી.
ગાંધીનગર: શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 8થી 16 મે દરમિયાન GCAS માર્ગદર્શન કેમ્પ યોજશે. અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર સહિત અનેક શહેરોમાં કેમ્પ યોજાશે. GCAS પ્રવેશ પ્રક્રિયા માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળશે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓને સહાય મળશે. અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન ફી 300થી ઘટાડી 150 રૂ. કરાઈ છે. વધારાની ફી ભરનાર વિદ્યાર્થીઓને 150 રૂ. પરત મળશે. જનરલ કેટેગરીના વિદ્યર્થીઓને 300 રૂપિયા ફી ભરવી પડશે. પ્રથમ વખત ‘AI AGENT’ સુવિધા શરૂ કરાઈ છે. વિદ્યાર્થીઓ હવે AI દ્વારા પ્રવેશ માહિતી મેળવી શકશે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરતી ચોર ટોળકીનો પર્દાફાશ. પોલીસે 2 સગીર સહિત ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. આ ટોળકીના નિશાન પર હંમેશા સિનિયર સિટીઝન રહેતા. આરોપીઓ એવી દુકાનમાં જતા કે જ્યાં કોઈ મોટી ઉંમરના વ્યક્તિ દુકાનનું સંચાલન કરતા હોય. આરોપઓ પહેલાથી દુકાનમાં જઈને કોઈ વસ્તુની માગણી કરતા. દુકાનદાર વસ્તુ લેવા માટે જાય એટલે તકનો લાભ લઈને આરોપીઓ દુકાનદારની નજર ચૂકવીને ગલ્લામાંથી રૂપિયા અને કિંમતી સામાનની ચોરી કરી ફરાર થઇ જતા હતા. આરોપીઓની આ કરતૂત સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. જેમાં આરોપીઓ દુકાનમાં હાથફેરો કરતા નજરે પડે છે. આ ટોળકી સામે રાજકોટમાં બે અલગ-અલગ ફરિયાદ નોંધાઈ હતી.
સુરતઃ સીમાડા નાકા પાસે ચાલુ કારમાં ભીષણ આગ ભભુકી ઉઠી હતી. અચાનક આગ લાગતાં અફરાતફરી સર્જાઈ હતી.
કારમાં આગ લાગતાં રસ્તામાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. કારમાં આગને પગલે રોડ પર લોકોનાં ટોળા ઉમટી પડ્યા હતા. ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ કર્યો હતો.
તમિલનાડુમાં એક્ટર વિજયને મળ્યો બહુમતીનો આંકડો. બહુમતી માટે જરૂરી 118 ધારાસભ્યનું TVKને સમર્થન. એક્ટર વિજયનું હવે તમિલનાડુના CM બનવાનું નક્કી થયુ છે. VCK, CPI અને CPMએ વિજયને સમર્થન આપ્યું છે. VCK, CPI અને CPM પાસે 2-2 ધારાસભ્યો જ્યારે 5 ધારાસભ્યો ધરાવતી કોંગ્રેસે પહેલાથી ટેકો જાહેર કર્યો છે.
અમદાવાદઃ 1992માં વટવામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. ફરઝાના ઉર્ફે શબનમની પ્રેમપ્રકરણમાં હત્યા થઈ હતી
વટવામાંથી મૃતકના અવશેષો કાઢીને DNA મેચ કરાયા છે. મૃતકના અવશેષોનો DNA રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
ક્રાઈમબ્રાંચે હત્યા કેસમાં FIR નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના પ્રેમી સહિત 4 આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે.
મુખ્ય 4 આરોપી પૈકી 2 આરોપીના મોત થયા છે. પ્રેમી શમસુદ્દીન, તેનો ભાઈ ઈકબાલ, મિત્ર અબ્દુલ કરીમ અને મકાન માલિક સાલિયા બીબી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, તાલુકા અને જિલ્લા પંચાયતમાં મળેલી કારમી હાર અંગે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે પ્રતિક્રિયા આપી છે. અમિત ચાવડાએ કહ્યું કે, કેટલાક બિલ્ડર અને સરકારી અધિકારીઓએ ભાજપના કાર્યકર અને એજન્ટની જેમ કામ કર્યું છે. અમે અમારી હારના કારણોની સમિક્ષા કરી રહ્યાં છીએ. આવકથી વધુ સંપતિ ધરાવનારા અધિકારીઓની વિગતો એકઠી કરી રહ્યાં છીએ. આવા અધિકારીઓને જાહેરમાં ખુલ્લા પાડીને અનેક મોરચે લડાઈ લડીશું. ગુજરાતમાં સત્તાવિરોધી લહેર હતી. પરંતુ ભાજપની બી ટીમ આમ આદમી પાર્ટીમાં એ મત વહેચાઈ ગયા છે. જેથી સત્તા વિરોધી મતનું પરિણામ 2027ની વિધાનસભાની ચૂંટણીમાં મળશે.
કચ્છમાંથી બિનવારસી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જખૌ નજીક શેખરણ ટાપુ પરથી ચરસના 20 બિનવારસી પેકેટ મળી આવ્યા છે. જખૌ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ટીમને પેટ્રોલિંગ દરમ્યાન ચરસના પેકેટો મળ્યા. 15 દિવસ દરમ્યાન કચ્છમાં વિવિધ સુરક્ષા એજન્સીઓને 150થી વધુ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. સતત બિનવારસુ ડ્રગ્સના પેકેટો મળવા મામલે સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. કચ્છના સરહદી વિસ્તારમાં સર્ચ ઓપરેશન વધુ તેજ કરવામાં આવ્યું છે. કચ્છનો દરિયાકાંઠો અને ક્રિક વિસ્તાર ડ્રગ્સ સ્મગલિંગ માટે સંવેદનશીલ બનતો જઈ રહ્યો છે.
ખેડા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ ડાકોર મંદિરના ભક્તોએ હવે સહન કરવો પડશે મોંઘવારીનો માર. ડાકોર મંદિરે મનોરથના લાગામાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. ગરીબોના બેલી ગણાતા રાજા રણછોડરાયના દર્શને આવતા ભક્તો માટે હવે મનોરથ કરવા ખૂબ જ મોંઘા બનશે. ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા ભક્તો દ્વારા કરવામાં આવતા વિવિધ મનોરથોના દર (લાગા) માં તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવેલા નવા ફેરફાર મુજબ વિવિધ સેવાઓના દર વધારવામાં આવ્યા છે.
ધજા ચડાવવાથી લઈને રાજભોગ સુધીની તમામ પૂજા વિધિઓના ભાવમાં સીધો બમણો કે તેનાથી પણ વધુ વધારો કરવામાં આવ્યો છે. ટેમ્પલ કમિટી દ્વારા આ વધારો મંદિરના વ્યવસ્થાપન અને ખર્ચને પહોંચી વળવા માટે કરવામાં આવ્યો હોવાનું મનાય છે.
ભીષણ ગરમીમાં શેકાવા તૈયાર રહેવા હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી સાત દિવસ રાજ્યમાં ગરમી અંગે હવામાન વિભાગે કરી આગાહી. આવતીકાલથી રાજ્યમાં તાપમાનમાં થશે વધારો. તાપમાનમાં વધારાને કારણે આગામી સાત દિવસ સુધી અલગ અલગ જગ્યાએ હીટ વેવની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છ, અમદાવાદ ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં હીટ વેવની આગાહી કરાઈ છે.
રાજકોટના ધોરાજીમાં ભરઉનાળે પાણીનો કકળાટ જોવા મળ્યો. ધોરાજીમાં પીવાના પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાતા સ્થાનિકોમાં રોષ. ધોરાજી ના વોર્ડ નંબર 5 ની મહિલાઓએ ધારાસભ્ય અને નગર પાલિકા વિરુદ્ધ કર્યા સુત્રોચ્ચાર. વોર્ડ નંબર 5 ની મહિલાઓનો આક્ષેપ કે છેલ્લા 10 દિવસથી નગર પાલિકા દ્વારા પાણી વિતરણ નથી કરાયું. નગરપાલિકા દ્વારા પાણી વિતરણ ની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ નથી. નગરપાલિકાની ચૂંટણીના સમયે ભાજપના આગેવાનો દ્વારા 2 દિવસે પાણી વિતરણનું વચન આપવામાં આવ્યું હતું. નગરપાલિકાની ચૂંટણીના સમયે ભાજપના રાજકોટ જિલ્લા પ્રમુખે લોકોને આપેલ વચનનો વીડિયો લોકો એ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. પીવાના પાણીની સમસ્યા બાબતે ધોરાજી ના વોર્ડ નંબર 5 ની મહિલાઓ માં ભારે રોષ. રોષે ભરાયેલ મહિલાઓ એ ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા વિરુદ્ધ કર્યા સુત્રોચાર
સુરેન્દ્રનગરના થાનગઢમાં ખનીજ માફિયાઓએ ખોદેલી ગેરકાયદે ખાણોએ યુવકનો જીવ લઈ લીધો છે. સુરેન્દ્રનગરના થાનગઢમાં ગેરકાયદે ખાણમાં ડૂબી જતાં યુવકનું મોત થયું છે. ગેરકાયદે ખાણો તંત્ર દ્વારા બુરવામાં ન આવી અને યુવકનો ભોગ લઈ લીધો. ગેરકાયદે ખાણમાં યુવક પડ્યો અને ડૂબી જતાં નિપજયુ મોત. તંત્રને જાણ કરવા છતાં 6 કલાક સુધી તંત્રની ટીમો બચાવ કામગીરી માટે પણ ન આવતા રોષ વ્યાપ્યો છે. અજય રાઠોડ નામના યુવકનું ડૂબી જવાથી મોત થયું છે. 6 કલાક બાદ તપાસમાં પહોંચેલી ટીમે ખાણમાંથી મૃતદેહ બહાર કાઢ્યો. એકના એક દીકરાનું ડૂબી જવાના પગલે પરિવાર પર પણ આભ ફાટી પડ્યું.
સુરત શહેરના વેસુનો કાપડ વેપારી હનીટ્રેપમાં ફસાવ્યો. 20 લાખની માંગ કરી આખરે વેપારી પાસેથી 5 લાખ રૂપિયા પડાવ્યા હતા. વેપારીના ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી. સાથો સાથ રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ભોગ બનાર વેપારીએ અલથાણ પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી. સુરત શહેરના હનીટ્રેપ કરતી ગેંગ ફુટી નીકળી છે.
મહેસાણામાં ગત 19મી એપ્રિલે SMCની ટીમે છઠીયારડાના ફાર્મ હાઉસમાં દરોડા પાડીને 18 લાખનો વિદેશી દારુ ઝડપી પાડ્યો હતો. આ કેસમાં બેદરકારી બદલ, મહેસાણા તાલુકા પીઆઈ અને જમાદારને રાજ્ય પોલીસ વડાએ સસ્પેન્ડ કરી દીધા છે. છઠીયારડામાંથી 18 લાખનો દારૂ ઝડપાવા મામલે રાજ્યના પોલીસ વડાની કાર્યવાહી હાથ ધરી છે. ફરજમાં નિષ્કાળજી બદલ પીઆઇ ડી.આર. રાવ અને જમાદાર ચિરાગને સસ્પેન્ડ કરાયા છે. SMCની ટીમે છઠીયારડાના ફાર્મ હાઉસમાં પાડેલા દરોડામાં 40 લાખના મુદ્દામાલ સાથે 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. તાલુકા પોલીસ મથકનો ચાર્જ અન્ય જિલ્લામાંથી આવેલા પીઆઇ અમીનને સોંપાયો છે.
સુરતમાં વરાછા મમતા હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાત કરાવવાના કેસમાં ફાર્માસિસ્ટની ધરપકડ કરી છે. પોલીસે મમતા હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાત કરાવતા ફાર્માસિસ્ટ રામગોપાલની ધરપકડ કરી છે. રામગોપાલના કારનારનામા મહારાષ્ટ્ર્ર થી રાજસ્થાન સુધી ચર્ચામાં છે. 6 માસમાં રામગોપાલે જુના સ્થળે નવી હોસ્પિટલ ખોલી છતાં આરોગ્ય વિભાગ ઊંઘતું ઝડપાયું હતું. સૌથી મોટી બેદરકારી સુરત જિલ્લા આરોગ્ય વિભાગની રહી છે. ગાંધીનગર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.
રાજકોટ રેન્જ IGની ટીમે સુરેન્દ્રનગરના બુટલેગરના ઘર દરોડા પાડીને 30 લાખનો દારુ પકડી પાડ્યો છે. બુટલેગરના ઘર પર રેડ કરી 29.75 લાખનો દારૂ ઝડપ્યો. રાજકીય રેન્જ આઇ.જી. ટીમને બાતમી મળી હતી કે, લખતરનો નામચીન બુટલેગર ઇમરાન ઉર્ફે મસાલ હબીબશાહ અને તેનો ભાઇ ઇમરાન પોતાના કબ્જા વાળા ઘરે ગેરકાયદેસર પરપ્રાત્ય દારૂ મંગાવી વેચાણ કરે છે. જેથી પોલીસ એ રેડ કરતા આરોપીના ઘરમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો 7163 નંગ તેમજ બીયર ટીન 1080 કિમત 28.75 લાખ મળી આવ્યો હતો. પોલીસ એ આરોપીના કબ્જા માથી કુલ રૂપીયા 30.45 લાખનો મુદ્દામાલ કબ્જે કરી નાશી છુટેલા આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. સુરતના પરવટ પાટિયાના અનમોલ કોમ્પલેક્સની ઘટના. ઘરમાં જ 70 વર્ષીય વૃદ્ધાની કરપીણ હત્યા કરાઈ. ઘટનાની જાણ થતા પુણા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. પોલીસને વૃદ્ધાના દોહિત્ર પર જ શંકા હોવાથી તપાસમાં ભાંગી પડ્યો. રોજિંદી કચકચથી ત્રાસી બેકાર દોહિત્રે જ નાનીને રહેંસી નાંખી હોવાનું સામે આવ્યું. પોલીસ દ્વારા દોહિત્રની ધરપકડની કાર્યવાહી હાથ ધરાઈ.
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં પાર્લામેન્ટ્રી બોર્ડ બેઠક યોજાશે. ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ બેઠકનો ત્રીજો દિવસ છે. મુખ્યમંત્રી નિવાસ સ્થાને બેઠકનું આયોજન કરાયું છે. સવારે 10.30 વાગ્યે બેઠકની શરૂઆત થશે. તાજેતરમાં યોજાયેલ પંચાયતોની ચૂંટણી બાદ, વિવિધ પંચાયતોમાં વડાની પસંદગી માટે ચર્ચા હાથ ધરાશે. બે દિવસની ચર્ચા છતાં, મનપા, નગરપાલિકા કે પંચાયતમાં કોઈના નામની જાહેરાત કરાઈ નથી.
સાબરકાંઠાના હિંમતનગરમાં સિવિલ સર્કલ વિસ્તારમાં આગની ઘટના ઘટી છે. શાકુંતલ ચેમ્બર્સ પાછળ બંધ પાર્લરમાં અચાનક આગ લાગી. અચાનક જ પાર્લર આગની જ્વાળાઓ ભભૂકવા લાગતા અફરાતફરી મચી જવા પામી છે. આસપાસના લોકોએ પાણીનો છંટકાવ કરી આગ બુઝાવવા પ્રયાસ કર્યો હતો. ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચતા આગને બુઝાવી વધુ પ્રસરતી અટકાવી. આગ લાગવાના કારણને જાણવા ફાયર ટીમે પ્રાથમિક તપાસ હાથ ધરી
દાહોદના લીમખેડાના પ્રતાપપુર ગામે હાઈવે પર અકસ્માત થયો છે. ઉજ્જૈનથી ગોધરા તરફ જઈ રહેલી બસ ઊંડા ખાડામાં ઉતરી જવા પામી હતી. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી ગઈ. અકસ્માતમાં 20થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોચી છે. તમામ ઈજાગ્રસ્તોને 108થી તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતમાં સદનસીબે મોટી જાનહાનિ ટળી છે.
ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ પ્રધાન અર્જૂનસિંહ ચૌહાણે, તેમના મતવિસ્તારમાં ચાલી રહેલા સરકારી કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાનું ખુલ્લુ પાડ્યું હતું. ચૌહાણે હાથમાં હથોડી લઈને માઇનોર કેનાલની મજબૂતાઈ ચકાસી હતી. જેવી કેનાલની દિવાલ પર અર્જૂન ચૌહાણે હથોડી મારી કે તરત જ ભ્રષ્ટાચારના પોપડાની માફક સિમેન્ટનો થર તુટી પડ્યો હતો. સરકારી કામમાં ગુણવત્તાયુક્ત કામ થયું નથી તેવુ તેમણે સાબિત કર્યું હતું. આ અંગે તેમણે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને જણાવ્યુ હતું. જો કે, CMને રજૂઆત કર્યાના માત્ર 24 કલાકમાં જ નબળી કેનાલ તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સરકારની સ્પષ્ટ ચેતવણી જનતાના પૈસાનો બગાડ સહન નહીં થાય.
સાબરકાંઠાના હિંમતનગરના તખતગઢમાં રામદેવપીરના મંદિરમાં ચોરી થવા પામી છે. તસ્કરો રામદેવપીરનું ચાંદીનું છત્ર અને દાનપેટી લઈને ફરાર થઈ ગયા છે. તસ્કરોએ રાત્રીના સમયે તાળું તોડી ચોરી આચરી છે. મંદિરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં તસ્કરો કેદ થયા છે. થોડા સમય અગાઉ પણ તખતગઢ ગામમાં થઈ હતી ચોરી.
જૂનાગઢ ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી તેમજ તેમની સાથે રહેલ વ્યક્તિ પર હુમલાનો મામલે અજાણ્યા ત્રણ ઈસમો વિરૃધ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે. બક્ષીપંચ મોરચાના પ્રમુખ તેમના મિત્ર સાથે ફોર વ્હીલમા જતા હતા ત્યારે અજાણ્યા ત્રણ ઈસમો બાઈક પર આવ્યા હતા. અજાણ્યા ઈસમોએ બન્નેને લોખંડના પાઈપ. ઢીકાપાટુ મારી ગંભીર ઈજા પહોચાડી હતી. બન્ને ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ફરિયાદી એ ત્રણ અજાણ્યા ઈસમો વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી. જૂનાગઢ બી ડીવીઝન પોલીસે હાથ ધરી તપાસ.
નાસિકમાં ટીસીએસમાં કથિત ધર્મ પરિવર્તન કેસમાં ફરાર મુખ્ય આરોપી નિદા ખાનની પોલીસે છત્રપતિ સંભાજીનગરથી ધરપકડ કરી છે. આ કાર્યવાહી નાસિક પોલીસ અને છત્રપતિ સંભાજીનગર પોલીસની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બંગાળની મુલાકાત લેશે. તેઓ કોલકાતાની એક હોટલમાં સવારે 10:30 થી 2:50 વાગ્યા સુધી ધારાસભ્યો સાથે મુલાકાત કરશે. ત્યારબાદ, બપોરે 3:00 થી 5:00 વાગ્યા સુધી, તેઓ બિસ્વા બાંગ્લા કન્વેન્શન સેન્ટરમાં યોજાનાર બેઠકમાં ભાગ લેશે. આ સમય દરમિયાન એક સન્માન સમારોહ પણ યોજાશે.
Published On - 7:09 am, Fri, 8 May 26