
આજે 08 એપ્રિલને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
સુરત જિલ્લાના ઉમરપાડાની હોસ્ટેલમાં 14 વર્ષીય વિદ્યાર્થિનીના મોતને લઈ આદિવાસી આગેવાનોએ રેલી યોજી વિરોધ નોંધાવ્યો છે. આરોપ છે કે માથાના દુઃખાવાની દવા લીધા બાદ વિદ્યાર્થિનીનું મોત થયું અને તેને માર મારતા લોહીની ઉલ્ટી થઈ હતી. ઘટનાને છુપાવવા દબાણ કરાયું હોવાનો અને વોર્ડનની બેદરકારીથી મોત થયું હોવાનું પણ આરોપ છે. પોલીસે વોર્ડન અને આચાર્ય વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
મોરબી: વાંકાનેરની લક્ષ્મીપરા સોસાયટી લોન રિકવરી અધિકારી સહિત 3 પર હુમલો થયો. કોર્ટના આદેશથી ફેન્સીંગ દૂર કરતા સમયે માથાકૂટ થઇ. રાજકોટની જીવન કોમર્શિયલ બેંકના અધિકારી હતા. 2 મહિલા સહિત 10 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો. હુમલા મુદ્દે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
સુરત: પાણીપુરીના વિક્રેતાઓ પર તંત્રની તવાઈ યથાવત છે. સતત બીજા દિવસે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. પાંડેસરાના વડોદગામ અને પુણાગામમાં મનપાએ દરોડા પાડ્યા. તપાસમાં મોટા પ્રમાણમાં અખાદ્ય જથ્થો મળી આવ્યો છે. બાફેલા બટાટા સડેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. સ્થળ પર જ સડેલા બટાટા અને પુરીઓના જથ્થાનો નાશ કરાયો.
અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ફરી એકવાર ધમકી મળી. લંડનથી અમદાવાદ આવેલી ફ્લાઈટને ઉડાવી દેવાની ધમકીભર્યો લેટર મળ્યો. ફ્લાઈટના ટોયલેટમાંથી લેટર મળતા ખળભળાટ મચ્યો છે. ફ્લાઈટને 2 કલાકમાં બોમ્બથી ઉડાવી દેવાનો પત્રમાં ઉલ્લેખ હતો. બોમ્બ સ્કવોડ અને સ્થાનિક પોલીસ દ્વારા ફ્લાઈટમાં ચેકિંગ કરાયું. કોઈપણ પ્રકારની વાંધાજનક વસ્તુ પ્લેનમાંથી મળી નહીં. ધમકી માત્ર એક અફવા જ હોવાનું સામે આવ્યું.
એરપોર્ટ પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી.
સુરત: જહાંગીરપુરા પોલીસની પેટ્રોલિંગ દરમ્યાન કારમાંથી દારૂ ઝડપાયો છે. કારમાં જુદી-જુદી જગ્યાએ ચોરખાનું બનાવી દારૂ છૂપાવ્યો હતો. લાખોની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. દારૂની બોટલો સહિત 1 લાખ 29 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લવાયો તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરાઇ છે.
વડોદરામાં વાઘોડિયામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. વાઘોડિયા ચોકડી પાસે ટેમ્પો ચાલકે એક્ટિવા પર જતી વિદ્યાર્થિનીઓને અડફેટે લીધી હતી. જેમાં એક વિદ્યાર્થિનીએ જીવ ગુમાવ્યો છે. જ્યારે અન્ય એક ગંભીર ઈજાગ્રસ્ત છે. અકસ્માત બાદ ટેમ્પો ચાલક ફરાર છે. તો છેલ્લાં ઘણાં સમયથી નશામાં ધૂત થઈ વાહનો હંકારવાની અને અકસ્માત સર્જવાની ઘટનાઓ વડોદરામાં સતત વધી રહી છે. વારસિયામાં એસ્સાર પેટ્રોલ પંપ પાસે એક આવી જ દુર્ઘટના ઘટી કે જ્યાં નશામાં ધૂત ચાલકે 6 જેટલાં વાહનોને અડફેટે લીધાં. અકસ્માતમાં એક વૃદ્ધાને ઈજાઓ પહોંચી હતી. તો બેફામ ચાલકની કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી. ગુજરાતમાં દારૂબંધીના પણ જાણે ખુલ્લેઆમ લીરેલીરા ઉડી રહ્યા છે.
બિહારઃ પટનામાં રાહુલ ગાંધીની હાજરીમાં કાર્યકર્તાઓ વચ્ચે માથાકૂટ થઇ છે. વક્ફ બિલના સમર્થનમાં પોસ્ટર દેખાડતા મામલો ગરમાયો છે. સદાકત આશ્રમ ખાતે કોંગ્રેસીઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઇ. ‘પલાયન રોકો, નોકરી આપો’ પદયાત્રા દરમિયાન મારામારી થઇ.
ગુજરાતમાં 64 અને અમદાવાદના આંગણે 104 વર્ષે AICCનું રાષ્ટ્રીય અધિવેશન મળવા જઇ રહ્યું છે. 8 એપ્રિલે CWC બેઠક અને 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળવાનું છે ત્યારે, આ અધિવેશન પહેલા કોંગ્રેસ તડામાત તૈયારીઓમાં જોડાઇ છે.. તો સાથે જ આજથી કોંગ્રેસની રાષ્ટ્રીય નેતાગારીનો ગુજરાતમાં જમાવડો શરૂ થઇ ગયો છે.. અધિવેશનમાં કોંગ્રેસ ગુજરાત અને દેશમાં સત્તાાનું સપનું સાકાર કરવા મંથન કરશે. અમદાવાદના આંગણે યોજાનાર અધિવેશનમાં કોંગ્રેસના 210 જેટલા રાષ્ટ્રીય નેતાઓ સરદાર સ્મારકના પ્રાંગણમાં મંથન કરશે.
Published On - 7:32 am, Tue, 8 April 25