અમદાવાદમાં અલગ-અલગ રિક્ષા યુનિયન દ્વારા ભાડા વધારાની માંગ સાથે હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. જોકે, કેટલાક રિક્ષા યુનિયન આ હડતાળમાં જોડાયા નથી. દરમિયાન ઈસ્કોન ચાર રસ્તા પર હડતાળમાં જોડાયેલા રિક્ષા ચાલકોએ અન્ય રિક્ષાઓને રોકી હતી અને તેમાં સવાર પેસેન્જરોને ઈસ્કોન ખાતે ઉતારી દીધા હતા. રિક્ષા ચાલકોએ ઓનલાઈન એપ આધારિત સેવાઓને કારણે પૂરતું વળતર મળતું ન હોવાનો પણ આક્ષેપ કર્યો છે. હડતાળને પગલે શહેરમાં રિક્ષા સેવા અને મુસાફરોની અવરજવર પર અસર જોવા મળી રહી છે.
ગીર સોમનાથના સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના અંતિમ સોમવારે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. રાત્રિથી જ શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડતાં મંદિર બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. ભક્તોની વધતી સંખ્યાને પગલે રાત્રે 3 વાગ્યે મંદિરના ગેટ ખોલવામાં આવ્યા હતા. સઘન સુરક્ષા વચ્ચે હજારો ભક્તોએ સોમનાથ મહાદેવના પ્રથમ દર્શન કર્યા હતા. મંદિર પરિસર અને પ્રભાસ તીર્થ ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું, જ્યારે શ્રાવણીયા સોમવારે ભક્તો શિવધૂનમાં લીન જોવા મળ્યા હતા. વહેલી સવારથી જ દર્શન માટે લાંબી કતારો લાગતા સમગ્ર સોમનાથમાં ભક્તિમય માહોલ છવાયો હતો.
સાબરકાંઠાના હિંમતનગરના હડિયોલ ખાતે બટાકાનું ઉત્પાદન કરતા ખેડૂતો દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને વિરોધ સંમેલન યોજાયું હતું. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો સંમેલનમાં જોડાયા હતા. અપોષણક્ષમ ભાવ, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અને વિવિધ બહાના હેઠળ ખેડૂતોના ચૂકવવાના રૂપિયામાં કપાત કરાતી હોવાના આક્ષેપો સાથે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. ખેડૂતોની ચાર મુખ્ય માગણીઓને લઈને યોજાયેલા આ વિરોધ સંમેલનમાં આગામી 13 સપ્ટેમ્બરે હિંમતનગર ખાતે બટાકા ઉત્પાદક ખેડૂતોનું વિશાળ મહાસંમેલન યોજી ઉગ્ર વિરોધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
રવિવારે મિયામી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક એમેઝોન કાર્ગો પ્લેન રનવે પરથી લપસી ગયું. વાહનો સાથે અથડાતા અને આગ લાગી જતાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા. સાન જુઆન, પ્યુઅર્ટો રિકોથી આવી રહેલ આ પ્લેન બપોરે 2 વાગ્યાની આસપાસ રનવે પરથી નીચે ઉતરી ગયું. મિયામી-ડેડ કાઉન્ટીના અધિકારીઓએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે પાંચ લોકોના મોત થયા છે, ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા છે અને બે અન્ય લોકોને ઓછી ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિવિધ મંત્રાલયો (ખાસ કરીને સામાજિક ન્યાય અને કલ્યાણ મંત્રાલય) ની કામગીરીની સમીક્ષા કરશે.
આજે 07 સપ્ટેમ્બરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:31 am, Mon, 7 September 26