આજે 07 જુલાઈને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
નવસારીમાં પૂરની પરિસ્થિતિના પગલે 1000થી વધુ લોકોને કરાયા સ્થળાંતરિત. શહેરની પૂર્ણ નદીકાંઠાના 15થી વધુ વિસ્તારના લોકોને કરાયા સ્થળાંતરિત. શહેરના દશેરા ટેકરી ભેસત ખાડા, મહાવીર સોસાયટી રીંગરોડ કમેલા દરવાજા, હદાયત નગર, કાશીવાડી, બંદર રોડ મિથિલાનગરી અને જલાલપોર વિસ્તારના લોકોને કરાયા સ્થળાંતરિત. શહેરની શાળાઓમાં સ્થળાંતરિત લોકોને અપાયો આશરો. 56 જેટલી ટીમો બનાવી સ્થળાંતરિતોની દેખરેખ શરૂ કરવામાં આવી.
ગુજરાતમાં આજે 7 જુલાઈને મંગળવારના રોજ, 182 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વઘુ વરસાદ સુરત જિલ્લામાં નોંધાયો છે. સુરત જિલ્લામાં બારેય મેંઘ ખાંગા થયા હોય તે રીતે સાંબેલાધારે વરસાદ તુટી પડ્યો હતો. સવારના 6થી રાતના 8 સુધીના 14 કલાકમાં પલસાણામાં 17.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે કામરેજમાં 16 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. નવસારીમાં 14 ઈંચથી વઘુ વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં આશરે 13 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. નવસારીના જલાલપોરમાં 10 ઈંચ, સુરતના મહુવામાં સવા આઠ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. 55 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી હાથ ધરીને રૂપિયા 1 કરોડનું સોનુ પકડી પાડ્યું છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આશરે 1 કરોડનું સોનું પકડાયું. AIU યુનિટને મળેલી માહિતીના આધારે કરાઈ કાર્યવાહી. હૈદરાબાદથી આવેલી મહિલા પેસેન્જર પાસેથી 729 gram સોનું મળી આવ્યું છે. મહિલા પેસેન્જર પાસેથી સોનાની બંગડીઓ, હાર, ચેઇન, ઝાંઝર, સોનાની બુટ્ટીઓ અને વીંટીઓ મળી આવી હતી. મહિલા પેસેન્જરે સોનાના દાગીના પર્સ તેમજ શરીર પર કપડાની નીચે પહેરી રાખ્યા હતા. કસ્ટમ વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
સુરત શહેરમાં ભારે વરસાદથી મીનીબજાર ખાતે વિશાળ વૃક્ષ પડતા બેના મોત થયા છે. વરાછા મિનિબજાર પાસે ઝાડ પડતા પાંચ લોકો દબાયા હતા. ચાલુ બાઈક પર જતા લોકો પર ઝાડ પડતા બે ના મોત થયા છે. ત્રણ ઈજાગ્રસ્તને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. રોડ પર તૂટી પડેલા મહાકાય વૃક્ષને કાપીને દૂર કરવામાં આવ્યું હતું. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં આવતીકાલ બુધવારે પણ રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદની સ્થિતિને લઇને તંત્રએ જાહેર કરી રજા. હવામાન વિભાગે આવતીકાલ બુધવારને 8 જુલાઈના રોજ અતિ ભારે વરસાદની કરી છે આગાહી. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને રાખીને તંત્રનો નિર્ણય. સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જાહેર કરાયો સત્તાવાર પરિપત્ર.
નવસારી જિલ્લામાં કુલ 89 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. 89 રસ્તાઓમાંથી 84 રસ્તાઓ પાણીના ઓવરટોપિંગ (Overtopping) ને કારણે બંધ કરવામાં આવ્યા છે. રસ્તાઓ પૈકી 4 રસ્તાઓ રેલવે અંડરપાસ (Rail UnderPass) માં પાણી ભરાવવાના કારણે અને 1 રસ્તો નદી પર સ્ટ્રક્ચર ન હોવાના (No Structure on River) કારણે બંધ કરાયો છે. ગઈકાલ સોમવારને 6 જુલાઈની સ્થિતિએ 22 રસ્તાઓ બંધ હતા, જ્યારે આજે નવા 67 રસ્તાઓ બંધ થતાં કુલ આંકડો 89 પર પહોંચ્યો છે.
સચિન GIDCમાં વરસાદી પાણીમાં બે બાળકના ડૂબવાથી મોત થયા છે. મહાવીર સોસસિટીમાં એક બાળકી અને બાળક ડૂબ્યા. રમતા રમતા ખાડામાં પડી જતા ડૂબી ગયા. છઠ પૂજા માટે ખોડ્યો હતો ખાડો. શ્રેયા અને ક્રિષ્ણા નામના બાળકો ડૂબતા બન્નેના મોત થયા છે. બંનેની ઉમર 7 થી 8 વર્ષની હોવાનું સામે આવ્યું છે. અન્ય કોઈ બાળક ડૂબ્યા છે કે નહિ તે માટે ફાયર અને પોલીસે શોધખોળ હાથ ધરી છે.
સુરત શહેરમાં વરસેલા અનરાધાર વરસાદને કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. પરિસ્થિતિને ધ્યાને લઈને મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજને, સુરતના શહેરીજનોને કામ સિવાય બહાર ના નીકળવા માટે અપીલ કરી છે.
સુરત શહેરમાં 5 કલાક વીત્યા છતાં કેટલાય વિસ્તારોમાંથી હજુ પણ વરસાદી પાણી ઓસર્યા નથી. શહેરના અનેક વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાયા છે. કતારગામ, ડભોલી, સિંગણપોર અને વેદ રોડ વિસ્તારમાં કમર સુધીના વરસાદી પાણીનો ભરાવો થયો છે.
સુરતના કીમમાં કુદરતી આફતનો ભોગ ભગવાનના મંદિરો પણ બન્યાં છે. ઓલપાડના કીમ ગામમાં આવેલા મંદિરોમાં ભરાયા પાણી. હરિહરેશ્વર મહાદેવ, રાધાકૃષ્ણ, અંબાજી મંદિર પરિસરમાં ભરાયાં વરસાદી પાણી. હરિહરેશ્વર મહાદેવ, રાધાકૃષ્ણ મંદિરના ગર્ભગૃહમાં ભરાયાં પાણી. છેલ્લાં 3 વર્ષથી મંદિરમાં પાણી ભરાવવાની સમસ્યા વકરી છે. વરસાદી પાણીમાં શિવલિંગ પણ ડૂબ્યું છે. ડ્રેનેજ ગટર વ્યવસ્થાના અભાવે પાણી ભરાવવાની સમસ્યા વધી છે.
ભાવિક ભકતો પાણી ભરાતા મુશ્કેલીમાં મુકાયા છે. પાણીમાં ઉભા રહીને પૂજા અર્ચના કરવા મજબૂર બન્યા છે.
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની સતત ડ્રાઇવ ચાલુ રાખવામાં આવી છે. વધુ 11 ખાણીપીણીવાળાને ત્યાં હાથ ધરાઇ તપાસ. યાગ્નિક રોડ પર પિત્ઝા કન્ટ્રી કિચન, જાગનાથમાં આવેલા અમુલ પાર્લર, રેસકોર્ષમાં આવેલ માણેક ચોક સેન્ડવીચ એન્ડ પિત્ઝા, નાણાવટી ચોકમાં આવેલા કટક-બટક ફાસ્ટફુડ, ઢેબર રોડ પર આવેલા જૈન ફુડ, નિર્મલા રોડ પર આવેલા દેવ ફાસ્ટફુડ,જય દ્વારકાધીશ ગોલા, કોટેચા ચોકમાં આવેલા ઇટ એન્ડ જોય ફૂડ, રૈયા રોડ પર આવેલી ગુજરાત ફુડ્સ પર તપાસ હાથ ધરાઇ છે. 122 કિલો અખાદ્ય અને વાસી જથ્થો ઝડપી પાડીને કુલ 13000 દંડ વસુલવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગે પીત્ઝા કીચન કન્ટ્રીને નોટિસ ફટકારી.
મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે સર્જાયેલ તારાજીથી જાણીતા કથાકાર મોરારીબાપુનુ ર્હદય દ્રવી ઉઠ્યુ. કથાકાર મોરારીબાપુ દ્વારા તારાજીનો ભોગ બનેલાઓ માટે આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે. અત્યાર સુધી વરસાદને કારણે 13 મૃતકોના પરિવારજનોને સહાય આપવાની વાત કથાકાર મોરારીબાપુ દ્વારા કરવામાં આવી છે. પ્રતિ મૃતક 15 હજાર લેખે કુલ 1.95 લાખની સહાય ચૂકવાશે.
ભાવનગરના થોરડી ગામે ચાર વ્યક્તિઓ વરસાદી પાણીનાં વહેણમાં તણાયા છે. ગઇકાલે રાત્રીનાં સમયે વરસાદી પાણીનાં વહેણ સાથે તણાયેલાની શોધખોળ હાથ ધરવામાં આવી છે. બાઈક સાથે ચાર વ્યક્તિઓ તણાઇ જતાં ત્રણનો થયો આબાદ બચાવ. અન્ય એકની શોધખોળ હાથ ધરાઇ, ગૂમ થયેલાંનું નામ દિલીપ રાઠોડ છે. NDRF ની ટીમ ફાયર તેમજ સ્થાનિક તરવૈયાઓની ટીમ દ્વારા શોધખોળ કરી રહી છે.
સુરતના સરથાણામાં ભારે વરસાદ વચ્ચે સરથાણા પોલીસે પ્રશસનિય કામગીરી કરી છે. શાળામાં ફસાયેલ વિદ્યાર્થીઓ સહિત સ્ટાફનુ રેસ્ક્યુ કર્યું છે. ભારે વરસાદના કારણે આદર્શ નિર્વાસિત શાળા બાળકો ફસાયા હતા. 37 વિદ્યાર્થી, 12 સ્ટાફનું રેસ્ક્યુ કરાયુ. તમામને દોરડા વડે ખેંચી અને ઉચકીને બહાર કઢાયા.
નવસારી શહેર નજીકથી વહેતી પૂર્ણ નદીની સપાટીમાં ખૂબ ઝડપથી વધારો થઈ રહ્યો છે. જળસપાટી 19 ફૂટ નજીક પહોંચી છે. પૂર્ણ નદીની સપાટીમાં વધારો થતા નવસારી મહાનગરપાલિકાની ચિંતા વધવા પામી છે. ડાંગ, સુરત અને તાપી જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે, પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે. નદીમાં ઘોડાપૂરની સ્થિતિના પગલે પૂર્ણ નદી કિનારે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે.
વેલ માર્ક લો પ્રેશર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, મોન્સુન ટ્રફ સક્રિય થયું છે. સમગ્ર ગુજરાતમાંથી ચોમાસાની લાઇન પસાર થઈ છે. આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર, તાપી, ડાંગ અને ભાવનગરમાં રેડ એલર્ટ. સૌરાષ્ટ્રમાં આજે અમરેલી, ગીર સોમનાથ, મધ્ય પૂર્વ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, ખેડા, અરવલ્લીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે જુનાગઢ બોટાદ અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા આણંદ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર માં ભારે વરસાદની આગાહી કરાઈ છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. પોર્ટ પર 3 નંબરનું ભયસુચક સિગ્નલ લગાવાયું. અમદાવાદમાં થન્ડરસ્ટ્રોમ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વરસાદે નવસારી શહેરને રીતસરનું બાનમાં લીધું હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. વોટર લોગીંગના કારણે નવસારી શહેરનો 50 % વિસ્તાર પ્રભાવિત થયો છે. મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા વાહન ચાલકોની હાલાકી વધી છે. સવારે 8:00 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધીના સમયગાળામાં આઠ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેને પગલે શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
સુરતના ઉધના દરવાજા વિસ્તારમાં અંદાજે 4 ફૂટ પાણી ભરાયું છે. ભારે વરસાદથી ઉધનાના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા છે. વરસાદી પાણીમાં અનેક ટુ- વ્હીલર અને કાર બંધ પડ્યા. વાહનચાલકો અને રાહદારીઓને વરસાદી પાણીથી હાલાકી. નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવથી જનજીવન પ્રભાવિત. લોકોને પોતાના ઘરે પહોંચવામાં પણ પડી રહી છે મુશ્કેલી.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દરિયાકાંઠાના ગામોમાં ધોધમાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત બન્યું છે. આશરે 2 ઈંચ વરસાદ બાદ કાજ ગામના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. વાડી વિસ્તારમાંથી વરસાદી પાણી ગામમાં પ્રવેશતાં વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે સ્થાનિક લોકો પણ પાણી ભરાવાની સમસ્યાથી પરેશાન બન્યા હતા.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. અનેક નીચાણવાળા વિસ્તારો અને માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનવ્યવહારને અસર પહોંચી છે. હિંમતનગરના ખેડ-તસીયા રોડ પર ભૂવો પડતાં કેટલાક વાહનો ફસાઈ ગયા હતા. ઉપરાંત હાથમતી પુલ, ટાવરચોક, નવી પાલિકા અને સેવા સદન વિસ્તારમાં પણ પાણી ભરાઈ જતાં લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
સીરિયાની રાજધાની દમાસ્કસમાં એક હોટલની બહાર બોમ્બ વિસ્ફોટ થયો છે, જ્યાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન રોકાયા છે. મેક્રોન સીરિયાના રાષ્ટ્રપતિ અલ-શારાના આમંત્રણ પર દમાસ્કસની મુલાકાતે છે. જોકે, વિસ્ફોટમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. વિસ્ફોટ બાદ દમાસ્કસને સુરક્ષા ઘેરા હેઠળ રાખવામાં આવ્યું છે.
તાપી જિલ્લામાં સતત વરસાદને કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. ભારે વરસાદના પગલે અનેક લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતાં સલામતીના ભાગરૂપે જિલ્લા પંચાયત હસ્તકના કુલ 26 રસ્તાઓ તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યા છે. પાણી ઉતરે ત્યાં સુધી વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અને જરૂરી સાવચેતી રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
વડોદરાના કમાટીપુરા વિસ્તારમાં આવેલી એક ખાનગી ઓફિસમાં અગરબત્તી સળગાવતી વખતે ગેસ લીકેજના કારણે થયેલા સંભવિત બ્લાસ્ટમાં એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયો હતો. પ્રચંડ ધડાકાથી ઓફિસના કાચ તેમજ બહાર પાર્ક કરેલી કારના કાચ તૂટી ગયા હતા, જ્યારે ઓફિસમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક બહાદુરીપૂર્વક આગ પર કાબૂ મેળવતા મોટી હોનારત ટળી હતી. બાદમાં વડીવાડી ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. પ્રાથમિક તપાસમાં ગેસ લીકેજ બાદ સ્પાર્ક થવાથી બ્લાસ્ટ થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
અરવલ્લી જિલ્લાના માલપુર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા અનેક ગામોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. માલપુરના મોર ડુંગરી, જેશીંગપુર, મેડીટીમબા તેમજ મોડાસાના સરડોઇ ગામમાં ભારે વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે ડુંગર પરથી પાણી ગામમાં પ્રવેશતાં મુખ્ય માર્ગો પર નદી વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. રસ્તાઓ પર પાણી ફરી વળતાં રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
નવી મુંબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ખરાબ હવામાન અને ઓછી વિઝિબિલિટીના કારણે ઇન્ડિગોની એક ફ્લાઇટનું લેન્ડિંગ અંતિમ ક્ષણે અટકાવવામાં આવ્યું હતું. રનવે સ્પષ્ટ ન દેખાતા પાયલોટે સમયસૂચકતા દાખવી વિમાનને ફરી હવામાં ઉડાવવાનો નિર્ણય લીધો, જેના કારણે સંભવિત મોટી દુર્ઘટના ટળી હતી. પાયલોટની સતર્કતા અને ઝડપી નિર્ણયની પ્રશંસા થઈ રહી છે, જ્યારે સમગ્ર ઘટનાનો શ્વાસ થંભાવી દેનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ગાંધીનગરના સેક્ટર-24 વિસ્તારમાં ગટર અને પાણીની સમસ્યાને લઈને ભાજપના કોર્પોરેટર અંકિત બારોટ અને કોંગ્રેસના એક કાર્યકર વચ્ચે ઉગ્ર વાકયુદ્ધ સર્જાયું હતું. સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ અંગે થયેલી ચર્ચા દરમિયાન કોંગ્રેસ કાર્યકરે કામ ન કરાવી શકવાના આક્ષેપ કરતાં મામલો ગરમાયો હતો. આ દરમિયાન ભાજપ કોર્પોરેટર દ્વારા વીડિયો બતાવી દેવાની ધમકી ઉચ્ચારવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. નોંધનીય છે કે અંકિત બારોટ અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
વડોદરાની MS યુનિવર્સિટીમાં B.Com પ્રવેશ પ્રક્રિયાને લઈને ફરી વિવાદ ઊભો થયો છે. યુનિવર્સિટીના એક સેનેટ સભ્યએ પ્રવેશ પ્રક્રિયામાં આશરે 20 લાખ રૂપિયાના ગેરકાયદે ઉઘરાણાનો આક્ષેપ કર્યો છે. સાથે જ કોમર્સ ફેકલ્ટીના ડીનના નિર્ણય સામે ગંભીર સવાલો ઉઠાવતા પ્રવેશ પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવ, SC-ST વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થયાના આરોપ લગાવવામાં આવ્યા છે. સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ પણ ઉઠી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં છેલ્લા 24 કલાકમાં પડેલા આશરે 2 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત બન્યું છે. નવાગામ અને કરાવેલ ગામને જોડતા માર્ગ પર બ્રિજની કામગીરી દરમિયાન બનાવવામાં આવેલ ડાયવર્ઝન વરસાદી પાણીમાં ધોવાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો છે. તંત્રની ધીમી કામગીરીને કારણે ચાર ગામોના લોકોને આશરે 15 કિલોમીટરનો લાંબો ફેરો કરીને અવરજવર કરવાની ફરજ પડી રહી છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વર્ષ 2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજે ગુજરાત હાઇકોર્ટ મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવશે. સવારે 11 વાગ્યે હાઇકોર્ટ 38 દોષિતોને નીચલી અદાલતે ફટકારેલી ફાંસીની સજા અને અન્ય 11 દોષિતોની આજીવન કેદ અંગે નિર્ણય આપશે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે સ્પેશિયલ બેન્ચની રચના કરી હતી અને માર્ચ 2025થી ડે-ટુ-ડે ધોરણે નિયમિત સુનાવણી હાથ ધરી હતી. નોંધનીય છે કે કાયદાકીય જોગવાઈ મુજબ નીચલી અદાલત દ્વારા અપાયેલી ફાંસીની સજા હાઇકોર્ટની મંજૂરી બાદ જ અમલમાં આવી શકે છે.
વડોદરામાં મોડી રાતે મેઘરાજાએ ધુંઆધાર બેટિંગ કરતાં શહેરભરમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા હતા, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદને પગલે શહેરના મુખ્ય માર્ગો પર પણ પાણી ફરી વળતાં જનજીવન પર અસર જોવા મળી હતી.
અમરેલી જિલ્લાના લાઠી, દામનગર અને લીલીયા પંથકમાં ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. લીલીયા તાલુકાના ખારા અને ગુંદરણ ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા NDRFની ટીમ રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ હતી. ખારા ગામમાંથી 40 લોકોને અને ગુંદરણ ગામમાંથી 20 લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા
જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના પાણકવા ગામે એક વાડીના મકાનમાં દીપડો ઘૂસી જતાં ગ્રામજનોમાં ભારે અફરાતફરી મચી હતી. જાણ થતાં વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ દીપડાને બેભાન કરીને સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું. બાદમાં દીપડાને સારવાર અને નિરીક્ષણ માટે ‘સીમાર એનિમલ કેર સેન્ટર’ ખાતે ખસેડવામાં આવ્યો હતો. દીપડો પકડાઈ જતાં ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ભાવનગર જિલ્લાના મહુવામાં આખો દિવસ સૂકું વાતાવરણ રહ્યા બાદ મધરાતે અચાનક કડાકા-ભડાકા અને ભારે પવન સાથે મુશળધાર વરસાદ શરૂ થયો હતો. સ્વામિનારાયણ ધામ, કોલેજ રોડ, ગાર્ડન રોડ, કુબેર બાગ, ગાંધીબાગ સહિત શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર વરસાદી પાણી વહેવા લાગ્યા અને સમગ્ર શહેરમાં વરસાદી માહોલ છવાઈ ગયો.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને સુરત શહેર અને જિલ્લામાં આવેલી તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સલામતી અને હિતને પ્રાથમિકતા આપતાં શિક્ષણ વિભાગે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ભારે વરસાદને કારણે સર્જાઈ શકે તેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાલીઓ અને વિદ્યાર્થીઓને પણ જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
Published On - 7:41 am, Tue, 7 July 26