દિવાળીના તહેવારોની રજા બાદ જામનગરનુ હાપા માર્કેટ યાર્ડ આવતીકાલ બુધવારને લાભપાંચમથી ખુલશે. હાપા માર્કેટીંગ યાર્ડમાં એક સપ્તાહની રજા બાદ લાભ પાંચમ બુધવારથી કાર્યરત થશે. જેને કારણે ખેડુતો પોતાની મગફળી લઈને મંગળવારે બપોરથી કતારમાં ઊભા રહ્યાં છે. આશરે 200 જેટલા વાહનોની કતાર લાગી છે. મગફળી ભરેલા વાહનોની લાંબી આશરે દોઢ કિમીની લાંબી વાહનોની લાઈન લાગી છે. કલાકો સુધી રાહ જોવા ખેડૂતો મજબુર થયા છે. અગાઉ વરસાદી વાતાવરણના કારણે મગફળીનુ વેચાણ થઈ ના શક્યુ, ત્યાર બાદ દિવાળીની રજાઓ આવી. હવે રજા બાદ યાર્ડ ખુલે તે પહેલા જે યાર્ડની બહાર વાહનોની લાંબી કતારો લાગી છે.
ભાવનગરના સનેસ ગામે રસ્તા બાબતે સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. બે જૂથના મહિલાઓ પુરુષો સહિત લોકો આમને સામને આવી ગયા હતા અને લાકડી, ઈંટો, પથ્થર, ધોકા વડે એકબીજા પર તૂટી પડ્યા હતા. જેમાં મહિલાઓ સહિત 5 થી 6 લોકોને ઇજાઓ પહોંચતા સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. બનાવના પગલે હોસ્પિટલ પોલીસ ચોકી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમજ વેળાવદર ભાલ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.
NIA કોર્ટે 2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં ભાજપ નેતા સાધ્વી પ્રજ્ઞા સિંહ વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ ઈસ્યું કર્યું છે.
આવતીકાલ ગુરુવારના રોજ ગાંધીનગર ખાતે, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે. દિવાળી બાદ મળશે આવતીકાલે મળનારી કેબિનેટ બેઠકમાં નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવશે. રાજ્યમાં લાભ પાંચમ બાદ મગફળી સહિત અન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા મુદે ચર્ચા થાય તેવી સંભાવના છે. દિવાળીમાં રાજ્યના વિવિધ જિલ્લાના તાલુકા સ્નેહ મિલન કાર્યક્રમ આયોજિત કરવા મુદે ચર્ચા થઈ શકે છે. શિક્ષણ, આરોગ્ય અને મહેસુલ જેવા વિભાગોના પડતર પ્રશ્નો મુદ્દે ચર્ચા થાય તેવી સંભાવના છે.
ભરૂચમાં ટ્રાવેલ્સની બસમાં દારૂની ખેપ મારવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે, દમણથી પરત ફરતી બસમાં 3 મહિલા મુસાફર અને ડ્રાઈવર વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયા છે. વિદેશી દારૂની 195 નંગ બોટલ કબજે કરી છે. 52 હજારનો દારૂ અને 10 લાખની બસ મળી કુલ 10.57 લાખના મુદ્દામાલ કબજે કર્યો છે. મુસાફર શાંતાબેન સંજય વસાવા, મીના રમેશ વસાવા અને વસંતીબેન સુરેશ વસાવા તેમજ ડ્રાઈવર વિપુલ પટેલની ધરપકડ કરી છે. જ્યારે બસના માલિક અસીફ મુસ્તાક મલેકને વોન્ટેડ જાહેર કરાયો છે.
વાસદ રાજુપુરા પાસે બુલેટ ટ્રેન પ્રોજેકટમાં અકસ્માતની ઘટના ઘટી છે. પીલ્લરો વચ્ચે રાખવામાં આવેલા બ્લોક તુટયા હતા. જેના કારણે ચાર મજૂરો ઇજાગ્રસ્ત થયાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
હવામાન અંગેના નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીને લઈને નવી આગાહી કરી છે. જ્યાં સુધી પશ્ચિમી વિક્ષેપ નહીં આવે ત્યાં સુધી ગુજરાત સૌરાષ્ટ્ર, કચ્છમાં ગરમી પડશે. 17 થી 20 તરીખ સુધી અરબી સમુદ્રમાં લો પ્રેસર બનવાની શકયતા છે. 18 થી 23 તારીખ સુધીમાં બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાવાની શકયતા રહેલી છે. આ ચક્રવાતને લઈને આરબ સાગર પણ સક્રિય રહેશે. જેના કારણે ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે. પંજાબ, હરિયાળા, રાજસ્થાન દિલ્હી સુધી પશ્ચિમી વિક્ષેપની અસર દેખાશે. નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને માવઠું થવાની શકયતા રહેલી છે.
PSI મોત અંગે કારના ચાલક અને ટ્રેલર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સુરેન્દ્રનગરના દસાડા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મૃત્યુ પામેલા પીએસઆઈના સાથી પોલીસ કોન્સ્ટેબલ, કૃષ્ણદેવસિંહ જાડેજા ફરિયાદી બનીને ફરિયાદ દાખલ કરાવી છે. હાલમાં પોલીસ દ્વારા 8 ટીમ બનાવીને અક્સ્માત સર્જનારાને શોધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું છે કે, સંસદનું શિયાળુ સત્ર આગામી 25 નવેમ્બરથી શરૂ થશે. તેમણે માહિતી આપતા જણાવ્યું કે, સંસદનું શિયાળુ સત્ર 20 ડિસેમ્બર 2024 સુધી ચાલશે. લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન સાથે સત્રની શરૂઆત થશે. લગભગ ત્રણ સપ્તાહના શિયાળુ સત્ર દરમિયાન, વિદેશ મંત્રી ભારત અને ચીન વચ્ચે સરહદ પેટ્રોલિંગ કરાર પર ગૃહના ફ્લોર પર નિવેદન પણ આપી શકે છે.
મહીસાગરના બાલાસિનોરમાં એડિશનલ સિવિલ કોર્ટના જજના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. દિવાળી વેકેશનનો લાભ લઈને બંધ મકાનને, તસ્કરોએ ટાર્ગેટ કર્યું હતું. બાલાસિનોર એડિ. સિવિલ જજના ઘરમાં જ કરી તસ્કરોએ ચોરી કરી હતી. તસ્કરોએ સોનાની ચેઈન, મંગળસૂત્ર, ચાંદી અને રોકડ રકમ તેમજ ટીવી, લેપટોપ, ચાર્જર, હાર્ડડિસ્ક વિગેરે મળી કુલ 4,46,500 ના મુદ્દામાલની ચોરી કરવામાં આવી છે. બાલાસિનોર પોલીસે ગુન્હો નોંધીને ચોરોને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરામાં કલેક્ટરે સપાટો બોલાવ્યો છે. ફરજ ઉપર સતત ગેરહાજર રહેનારા ત્રણ કર્મચારીઓને બરતરફ કરાયા છે. બે રેવન્યુ તલાટી અને એક કારકુનને સરકારી સેવામાંથી બરતરફ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારી ફરજમાં બેદરકારી દાખવનારા મહેસુલી કર્મચારીઓ સામે હજુ પણ કડક પગલાં લેવાની વાત કરાઈ છે. કરજણ મામલતદાર કચેરીના કારકુન હિરેન કોડિયાતર અને ડેસર મામલતદાર કચેરીના મહેસુલી તલાટી વિજય મહેરિયા લાંબા સમયથી ફરજ ઉપર ગેરહાજર હતા. જ્યારે ભાવિકા પરમાર નામના મહેસુલી તલાટી છેલ્લા બે વર્ષથી સતત ગેરહાજર રહ્યા હતા. તેમને નોટિસો આપવા છતાં તેનો જવાબ નહી મળતા તેમને બરતરફ કરવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છઠના મહાપર્વ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરતી વખતે, PM એ કહ્યું કે, આજે મહાપર્વ છઠના પવિત્ર અવસર પર તમામ દેશવાસીઓને મારી શુભકામનાઓ. ખાસ કરીને તમામ ઉપવાસીઓને મારા અભિનંદન. છઠ્ઠી મૈયાના આશીર્વાદ સાથે, હું ઈચ્છું છું કે તમારી બધી ધાર્મિક વિધિઓ સફળતાપૂર્વક પૂર્ણ થાય.
महापर्व छठ में आज नहाय-खाय के पवित्र अवसर पर सभी देशवासियों को मेरी शुभकामनाएं। विशेष रूप से सभी व्रतियों को मेरा अभिनंदन। छठी मइया की कृपा से आप सबका अनुष्ठान सफलतापूर्वक संपन्न हो, यही कामना है।
— Narendra Modi (@narendramodi) November 5, 2024
અમરેલી જિલ્લાના ખાંભાના ગીદરડી ગામે, પશુ ચરાવતા માલધારી યુવાન પર સિંહે હુમલો કર્યો છે. સિંહે એક વાછરડાનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યાર બાદ સિંહે યુવાન પર પણ હુમલો કર્યો હતો. માલધારી યુવાન પોતાના પશુને બચાવવા જતા સિંહે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. માલધારી યુવકને સિંહના હુમલાથી કમર અને હાથના ભાગે ઈજાઓ થતા સારવાર અર્થ સૌ પ્રથમ ખાંભા અને ત્યાર બાદ અમરેલી ખસેડાયો હતો. વન વિભાગના સ્ટાફ દ્વારા, ઘટના સ્થળે તપાસ હાથ ધરવામાં આવી હતી.
ગુજરાતમાં આજે મંગળવારે નોંધાયેલ લઘુત્તમ તાપમાનનો પારો, સામાન્ય તાપમાન કરતા 1 ડિગ્રીથી લઈને ચાર ડીગ્રી સુધી વધુ રહ્યો હતો. ખાસ કરીને ગાંધીનગર, નર્મદા અને દાહોદમાં નોંધાયેલ દિવસ અને રાત્રીના તાપમાનમાં 50 ટકાનો ફરક જોવા મળ્યો છે. ગાંધીનગરમાં રાત્રીના લઘુત્તમ તાપમાન 19.4 ડીગ્રી નોંધાયુ હતું. જ્યારે સોમવારના રોજ દિવસનું તાપમાન 37 ડિગ્રી નોંધાયું હતું. આ જ રીતે નર્મદા જિલ્લાનુ લઘુત્તમ તાપમાન 17.9 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સોમવારે દિવસ દરમિયાન નોંધાયેલ મહત્તમ તાપમાન 35.7 ડિગ્રી હતું. દાહોદનું લઘુત્તમ તાપમાન 17.1 ડિગ્રી નોંધાયુ છે. જ્યારે સોમવારે દાહોદનું મહત્તમ તાપમાન 36.2 ડીગ્રી નોંધાયું હતું.
તાપીની મીંઢોળા નદીમાંથી તબીબનો મૃતદેહ મળ્યો છે. 26 વર્ષીય તબીબ દિવ્યેશે નદીમાં કૂદીને આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવી રહ્યુ છે. તબીબ સુરતના હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે.
SMC સંચાલિત હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા હોવાનું ખુલ્યું છે.
દાહોદઃ ઝાલોદના ભાજપના નેતા હિરેન પટેલની હત્યાનો કેસમાં ચાર વર્ષ બાદ દાહોદ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે. કોર્ટે અમિત કટારા, ઇમરાન ગુડાલા, અજય કટારાને નિર્દોષ જાહેર કર્યા છે.
અમિત કટારા ભાજપના પૂર્વ સાંસદ બાબુ કટારાનો પુત્ર છે. 27 ફેબ્રુઆરી, 2020ના રોજ ભાજપના કાઉન્સિલર હિરેન પટેલની ટક્કર મારી હત્યા કરાઈ હતી. ભાજપના પૂર્વ સાસંદ બાબુ કટારાનો પુત્ર તથા ઝાલોદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈ અમિત કટારા સહિત સાતથી વધુ લોકો સામે હત્યાનો ગુનો નોંધાયો હતો.
વાવ વિધાનસભા બેઠક જીતવા કોંગ્રેસનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે. કોંગ્રેસે 100થી વધુ પૂર્વ ધારાસભ્યોને જવાબદારી સોંપી છે. સિનિયર નેતાઓ અને હોદ્દેદારોને પણ જવાબદારી સોંપી છે. સ્થાનિક નેતાઓ અને પ્રદેશ નેતાઓની ટીમને કામ સોંપાયું છે. 8 જિલ્લા પંચાયત અને એક નગરપાલિકાનો મોરચો સિનિયર નેતાઓ સંભાળશે. જે વિસ્તારમાં જે સમાજનું પ્રભુત્વ છે ત્યાં તે સમાજના આગેવાનને ભૂમિકા સોંપાશે. તાલુકા પંચાયતદીઠ પ્રભારી નિમવામાં આવ્યા. તો યુથ કોંગ્રેસે તાલુકા-જિલ્લા પંચાયત બેઠકદીઠ જવાબદારી સોંપાઈ.
હાઇકોર્ટે 17 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાતની આપી મંજૂરી. જૂન મહિનામાં પીડિતા પર દુષ્કર્મ થયું હતુ. જે પછી સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં 27 વર્ષની યુવતી પર થયેલા દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. પીડિતાને ગર્ભ રહેતા હાઇકોર્ટમાં ગર્ભપાત માટે અરજી કરી હતી.
સુરત: રાંદેર કતારગામને જોડતો કોઝવે 4 મહિનાથી બંધ હાલતમાં છે. ઇતિહાસમાં પહેલી વખત એટલા લાંબા સમય સુધી વિયર કોઝવે બંધ છે. પહેલી વખત 125થી વધુ દિવસ સુધી કોઝવે પર અવર જવર બંધ છે. ચોમાસું વીતી ગયા બાદ પણ કોઝવે ઓવરફ્લો થઈ રહ્યો છે. 1 જુલાઈ 2024થી કોઝવે ઉપરથી પાણી વહી રહ્યું છે. અત્યારસુધીમાં શહેરને 5 વર્ષ સુધી પાણી પુરૂ પડે એટલું પાણી વહી ગયું.
હજુ પણ કોઝવે પરથી પાણી પસાર થઈ રહ્યું છે.
દાહોદ: દિલ્લી બોમ્બે નેશનલ કોરિડોરને લઈ ફરી ખેડૂતોનો વિરોધ જોવા મળી રહ્યો છે. લેખિતમાં બાંહેધરી આપી છતાં વળતર ન મળતા ખેડૂતો આક્રમક મૂડમાં છે. મૂળભૂત સુવિધાઓ પણ ન મળતા ખેડૂતોએ ફરી સરકાર સામે બાંયો ચઢાવી છે. 6 નવેમ્બરે ઝાલોદના 14 ગામના ખેડૂતો કોરિડોરનું કામ બંધ કરાવશે. 17 ઓક્ટોબરે લેખિતમાં બાહેંધરી છતાં વળતર ન મળ્યાનો આરોપ છે.
સુરેન્દ્રનગરમાં નાના વયના બાળકોને મોટરસાયકલ ચલાવા આપનાર વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. 15 વર્ષના બાળકને મોટરસાઇકલ આપવું મોંઘું પડ્યું. સુરેન્દ્રનગરના કુકડા નજીક ટ્રેકટર અને મોટરસાઇકલ વચ્ચે સર્જાયો અકસ્માત. અકસ્માતમાં 15 વર્ષના બાઇક ચાલક બાળકનું મોત થયુ.
સુરેન્દ્રનગરઃ દારૂની હેરાફેરી અટકાવવા જતા અકસ્માતમાં PSIનું મોત થયુ છે. બુટલેગરને ઝડપવા નાકાબંધીમાં ઉભેલા PSIનું ટ્રેલરની અડફેટે મોત થયુ, કઠાડા નજીક સ્ટેટ મોનિટરિંગ સેલના PSI ઝાહીદ ખાન પઠાણનું બુટલેગરના હુમલાથી મોત થયુ હોવાની શક્યતા છે.
દાહોદ: લીમખેડામાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. લીમખેડાના ઝાલોદ રોડ ઉપર એક જ્વેલર્સમાં ચોરીનો પ્રયાસ થયો છે. જ્વેલર્સના પાછળના ભાગે બાકોરૂ પાડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો. બાકોરૂ પાડતી વખતે પાછળ માટી આવી જતા ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. થોડાક દિવસો અગાઉ લીમખેડાની શ્રી રામ હોટલમાંથી લાખોની ચોરી થઈ હતી.
અંબાજી- આબુરોડ પર પ્રવાસીઓ બાખડ્યા. પ્રવાસીઓ અને દારૂના ઠેકાવાળા વચ્ચે બબાલ થઇ. સામ-સામે પક્ષે લાકડીથી મારામારી થઇ. મારામારીનો વીડિયો વાયરલ થયો.
વડોદરાઃ કાલુપુરા વિસ્તારમાં જૂથ અથડામણ થઇ. સાયકલ ચલાવવા જેવી સામાન્ય બાબતે બબાલ થઇ. બે જૂથ વચ્ચે ધીંગાણું ખેલાયુ છે, અનેકને ઈજા પહોંચી છે. ઘરમાં ઘૂસીને માર માર્યાના આક્ષેપ છે. 4થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી.
અમરેલીઃ જાફરાબાદના ખાલસા કંથારીયા ગામ નજીક 7 વર્ષની બાળકી સિંહણનો શિકાર બની છે. બાળકીના અવશેષો મળી આવ્યા છે. સિંહણના હુમલા બાદ વન વિભાગ એક્શનમાં છે. સિંહણનું લોકેશન શોધવા કવાયત હાથ ધરાઇ છે.
Published On - 7:34 am, Tue, 5 November 24