આજે 05 જુલાઈને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
ગીર સોમનાથઃ ગીર જંગલ ઉપરવાસમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. વરસાદી માહોલના કારણે રાવલ ડેમ માં પાણીની પુષ્કળ આવક થઈ છે. પાણીની આવક વધતા રાવલ ડેમમાં તમામ 6 દરવાજા 4- 4ફુટ ખોલાયા છે. રાવલ નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ છે. ગીર ગઢડાના સાત ગામ અને ઉનાના 11 ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.
રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાન હેઠળ ડ્રોપ આઉટ બાળકોને ફરી શિક્ષણના પ્રવાહમાં જોડવામાં આવી રહ્યા છે. ત્યારે શિક્ષણમંત્રી રિવાબા જાડેજાએ સુરેન્દ્રનગરની એક દીકરીને ભણવા પ્રેરિત કરી તેનો અભ્યાસ ફરી શરૂ કરાવ્યો. સુરેન્દ્રનગરની મુલાકાત દરમિયાન દેવયાનીબા જાડેજા નામની દીકરીએ સંજોગોવશાત પોતાનો અભ્યાસ અધવચ્ચેથી જ પડતો મૂક્યો હોવાની જાણ મંત્રી રિવાબા જાડેજાને થઇ. જે બાદ તેઓ કોઈ પણ પ્રકારના સરકારી પ્રોટોકોલની પરવા કર્યા વિના દીકરીના ઘરે પહોંચ્યા.
રિવાબાએ દીકરી સાથે આત્મીયતાપૂર્વક સંવાદ સાધી કયા કારણોસર તેણે શાળા છોડવી પડી તેની માહિતી મેળવી. રિવાબાએ દીકરી અને તેના પરિવારને ફરી અભ્યાસ શરૂ કરવા માટે સમજાવ્યા. જે બાદ દેવયાનીબાએ ધોરણ-9માં ફરી પ્રવેશ મેળવ્યો. શિક્ષણમંત્રીએ તેમને નવા શૈક્ષણિક સત્રના ધોરણ-9 ના પાઠ્યપુસ્તકોનો સેટ પણ એનાયત કર્યો. સાથે જ તેના હાઈસ્કૂલથી લઈને કોલેજ સુધીના તમામ અભ્યાસની જવાબદારી સરકાર સુનિશ્ચિત કરશે તેવી પણ ખાતરી આપી.
જુનાગઢના માળીયા હાટીનાના પિખોર ગામનો કોઝવે ધોવાયો છે. પિખોર ગામ અને માંગરોળ વચ્ચેનો સંપર્ક તૂટ્યો છે. ગામના 60થી વધુ ખેડૂતોને અવર-જવર કરવામાં મુશ્કેલી સર્જાઈ છે. કોઝવે ધોવાતા અવર-જવર કરવામાં ભારે મુશ્કેલી સર્જાઈ છે. લોકો કોઝવે પર પથ્થરો મુકીને પગપાળા અવરજવર કરી રહ્યા છે.
તાત્કાલિક કોઝવેનું સમારકામ કરવા ગ્રામજનોની માગ ઉઠી છે.
અમરેલીઃ જાફરાબાદ તાલુકાની ટીંબી ગામની રૂપેણી નદીમાં પૂર આવ્યુ છે. ટીંબી ગામના કોઝવે પર જળબંબાકરની સ્થિતિ સર્જાઈ છે. દુકાનોમાં વરસાદી પાણી ઘુસ્યા છે. ખાંભાની ધાતરવડી નદીમાં પણ પૂરની સ્થિતિ છે. જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામની રાયડી નદીમાં પૂર આવ્યુ છે. નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.
અમરેલીઃ ધારી અને ગીરના જંગલ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો. ધારી, ચલાલા, પીપરીયા સહિતના તાલુકામાં વરસાદી માહોલ છે. જિલ્લામાં અવિરત વરસાદથી ચેક ડેમો છલકાયા છે. ધારીનો ખોડિયાર ડેમ અને જર ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. શેત્રુંજી, હેમરાજિયો નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે.
અમરેલી : ભારે વરસાદથી સોનારીયા ગામ બેટમાં ફેરવાયું છે. મુશળધાર વરસાદથી સમગ્ર સોનારીયા ગામ પાણી પાણી થયુ છે. સ્થાનિક નદીના પાણી ગામમાં ફરી વળતા હાલાકીના દૃશ્યો સર્જાયા છે. શેત્રુંજી નદી પણ બે કાંઠે વહેતી થઈ છે. નદીમાં પાણીની સતત આવક વધતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.
વેરાવળમાં જાલેશ્વરના દરિયા કિનારે ડૂબી જવાથી એક યુવતીનું મૃત્યુ થયુ છે. નિકિતા રામભાઈ પંડિત નામની યુવતીનું ડૂબી જવાથી મૃત્યુ થયું છે.
મંદિરે દર્શન કરી દરિયા કિનારેથી પસાર થતી વખતે દરિયાના મોજાએ ખેંચી લેતા અન્ય યુવતીએ બચાવવાનો પ્રયાસ કર્યો,જેમા તેને પણ ઈજા પહોંચી. બંને યુવતીઓને તાત્કાલિક વેરાવળની સરકારી હોસ્પિટલે ખસેડાઈ હતી પરંતુ નિકિતા પંડિત નામની યુવતીનું મૃત્યુ નિપજ્યુ હતુ જ્યારે આરતી નામની યુવતીનો બચાવ થયો છે.
હાલ દીકરી ગુમાવનાર પરિવારમાં શોકનું મોજુ ફેલાયુ છે, આ દુખદ ઘટનાને પગલે સમગ્ર પરિવાર અને સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે.
આણંદઃ તારાપુરના મોરજ ગામે ટ્રક ચાલકે 13 વર્ષની કિશોરીને કચડી હોવાનું સામે આવ્યુ છે. ત્રણ જુલાઈએ સર્જાયેલા અકસ્માતના CCTV સામે આવ્યા છે. જ્યાં કિશોરી સ્કૂલેથી સાયકલ પર ઘરે પરત આવતી હતી એ દરમિયાન ટ્રક ચાલકે પાછળથી તેને અડફેટે લીધી હતી. હાલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત આ કિશોરી આણંદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે ટ્રક ડ્રાઈવર વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદમાં પાંચ માળની ઈમારતના પોપડા ખર્યા છે. લકી હોટેલ નજીક આવેલી ઈમારત જર્જરીત બની છે અને પોપડા પડતા AMCનો એસ્ટેટ વિભાગ દોડતો થયો છે. ઇમારતમાં ખાનગી શાળા અને દુકાનો આવેલી છે. AMCના એસ્ટેટ વિભાગે ઈમારતને સીલ કરી છે. બિલ્ડીંગને બેરીકેડીંગ કરી ઉપયોગ ન કરવા જાહેર નોટિસ લગાવી છે. અગાઉ બિલ્ડિંગને એસ્ટેટ વિભાગે જર્જરિત હોવા અંગે પાંચ નોટિસ ફટકારી હતી. નોટિસનો અનાદર કરતા ઉપયોગ ચાલુ રાખ્યો હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદમાં વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ ઠેરઠેર પાણી ભરાયા છે. ત્રાગડના શિક્ષાપત્રી સ્કાયવ્યુ પાસે પાણી ભરાતા આસપાસના રહીશોને ભારે મુશ્કેલી પડી રહી છે.
શિક્ષાપત્રી સ્કાયવ્યુના બેઝમેન્ટમાં પણ પાણી ભરાઈ ગયા છે. બેઝમેન્ટમાં પાર્ક કરાયેલા વાહનોને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ડ્રેનેજ વ્યવસ્થા સામે સ્થાનિકો સવાલો ઉઠાવી રહ્યા છે. ત્રાગડ રોડ પરથી પસાર થતા વાહનચાલકોને પણ ભારે મુશ્કેલી પડી રહી છે. વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ પાણી ઓસર્યા નથી.
પોશ વિસ્તારમાં જ પાણી ન ઓસરતાં તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા છે.
અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી વરસાદની કાગડળે રાહ જોવાઈ રહી હતી પરંતુ બોડકદેવ વિસ્તારમાં NFD સર્કલ પાસે આવેલો રોડ થોડા વરસાદમાં જ બેસી જતા એક પરિવારનો પ્રસંગ મુશ્કેલીમાં મુકાઈ ગયો. આ પરિવાર માટે વરસાદ ભારે મુશ્કેલી લઈને આવ્યો. બરાબર સગાઈ માટેનો જ્યાં મંડપ બાંધવામાં આવ્યો હતો એ બાજુનો જ રોડ બેસી જતા આ પરિવારે જાતે પુરાણ કરવાની ફરજ પડી. પ્રસંગ બગડે નહીં તે માટે તાત્કાલિક ધોરણે સ્થાનિકોએ પુરાણકામ શરૂ કર્યુ. પ્રસંગમાં મંડપ નીચે બેસી જતા પરિવારમાં ચિંતાના વાદળો ઘેરાયા હતા. ટ
સ્થાનિકોનો આરોપ છે કે છેલ્લા 2 મહિનાથી રસ્તાનું કામ ચાલતું હતું. પરંતું રસ્તો બેસી જતા અધિકારીઓએ યોગ્ય કામગીરી હાથ ધરી નથી અને માત્ર રેતી નાખીને જતાં રહ્યા છે. જેના લીધે હવે સગાઈના પ્રસંગને કેવી રીતે પૂર્ણ કરવો તે પણ ચિંતાનો વિષય બન્યો છે.
ભાવનગર: મહુવામાં એકસામટો 4 ઈંચથી વધુ વરસાદ ખાબકી જતા આફતનો વરસાદ બન્યો છે. ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ જા બિલડી ગામ સંપર્ક વિહોણુ બન્યુ છે. હાલ ગામની પરિસ્થિતિ ખૂબ વણસી છે. બિલડી ગામની શાળા અને આંગણવાડીમાં પાણી ભરાયા છે. ગામ લોકોની મદદ માટે હજુ સુધી તંત્ર નથી પહોંચ્યુ. 10 વર્ષથી અનેક ગામમાં પાણી ભરાતુ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. અનેક રજૂઆતો બાદ પણ કોઈ નિકાલ નથી આવ્યો જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. જો કે સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે મહુવાના SDM ને ખબર સુદ્ધા નથી કે તેમના કાર્યક્ષેત્રની અંદર આવતુ બિલડી ગામ સંપર્ક વિહોણુ બન્યુ છે.
વડોદરા શહેરમાં લુખ્ખાતત્વો બેફામ બન્યા છે. ગુજસીટોક હેઠળનો આરોપી અકબર સુન્ની ફરી ચર્ચામાં છે. અકબર સુન્નીએ જનરક્ષક વાનની આગળ રીલ બનાવી. અકબર સુન્ની કુખ્યાત કાસમ આલા ગેંગનો સાગરીત છે. વીડિયો કારેલીબાગ વિસ્તારનો જ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. પોલીસે વાયરલ વીડિયોને આધારે તપાસ હાથ ધરી છે.
ભાવનગર: મહુવા-તલગાજરડા માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. માર્ગ પાણીમાં ગરકાવ થતા ગ્રામજનોની મુશ્કેલી વધી છે. મહુવાથી તલગાજરડા ગામ તરફ જતાં મુખ્ય માર્ગ પર પાણી ભરાયા છે. નેશનલ હાઇવેથી તલગાજરડા જવાનો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. ગ્રામજનો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. મહુવામાં 10 ઈંચ વરસાદને કારણે આ સ્થિતિ ઉદભવી છે.
ગીર-સોમનાથઃ રાવલ ડેમમાં પાણીની આવક વધી છે. ગીર જંગલના ઉપરવાસમાં વરસાદથી રાવલ ડેમમાં પાણીની આવક નોંધાઈ છે. રાવલ ડેમના 2 દરવાજા 1-1 ફૂટ સુધી ખોલાયા છે. ગીર-ગઢડાના 7 ગામ અને ઉનાના 11 ગામને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. રાવલ ડેમના 2 દરવાજા ખોલતા રાવલ નદી ગાંડીતૂર બની છે.
પોરબંદરઃ માધવપુર નજીક આવેલી મધુવંતી નદીમાં ઘોડાપૂર ની સ્થિતિ સર્જાઈ છે. માધવપુર ઘેડમાં છેલ્લા બે દિવસમાં 15 ઇચ થી વધારે વરસાદ પડ્યો છે.
ઉપરવાસ માં પડેલા ભારે વરસાદ થી મધુવંતી નદી માં પૂર ની સ્થિતિ છે. ઘેડ વિસ્તાર ના ખેતરો પાણી પાણી થયા છે. અનેક ગામો માં પાણી ભરાયા છે. જો કે તારાજીના આ દૃશ્યો વચ્ચે ગામમાં આવેલા શિવલંગને સમુદ્રનું પાણી જાણે જળાભિષેક કરી રહ્યુ હોય તેવો કુદરતી નજારો સામે આવ્યો છે. અનેક ગામોમાં પાણી ભરાઈ જતા જનજીવન ભારે પ્રભાવિત થયુ છે.
છોટાઉદેપુર: બોડેલીમાંથી પસાર થતી હેરણ નદીમાં નવા નીર આવ્યા છે. ગુજરાતમાં પ્રથમવાર બની રહેલા રબર ડેમ પરથી પાણી પસાર થયું છે.
હાલ રબર ડેમની કામગીરી ચાલી રહી છે. ચોમાસું પૂર્ણ થતાં બ્લેન્ડરમાં હવા ભરવામાં આવશે. વહી જતા પાણીને રોકવામાં આવશે. રબર ડેમમાં પાણી સ્ટોર થતા 50 ગામોને સિંચાઈનું પાણી મળશે. ડેમ પર 60 ફૂટના બલેન્ડર લગાવવામાં આવ્યા છે. 180 મીટર લંબાઈવાળા બલેન્ડર લગાવાયા છે.
ગાંધીનગર: રાંદેસણમાં શ્રી રંગ પર્લ સોસાયટીમાં દિવાલ ધરાશાયી થઈ છે. બાજુમાં બની રહેલી સ્કીમની કામગીરી દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ છે. મોડી રાત્રે ધોધમાર વરસાદ આવતા દિવાલ ધરાશાયી છે. દિવાલ ધરાશાયી થતાં આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો છે.
ગીર સોમનાથ: ઉનાના નાઠેજ ગામમાં નાળિયેરીના બગીચા બેટમાં ફેરવાયા છે. ધમધોકાર વરસાદના લીધે બગીચામાં પાણી ફરી વળ્યા છે. ગઈકાલથી અત્યાર સુધીમાં ઉનાના ગ્રામ્ય વિસ્તારોમાં 15 ઈચ વરસાદ ખાબકી ચુક્યો છે. અનરાધાર વરસાદના લીધે નાઠેજ ગામના ખેડૂતોની ચિંતા વધી છે. હજુ પણ મેઘવર્ષા યથાવત રહેતા જનજીવન પ્રભાવિત છે.
ગીર-સોમનાથ જિલ્લામાં વરસાદે ભારે તારાજી સર્જે છે. ખાસ કરીને ઉનાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે વીજપોલ સહિતની સુવિધાને ભારે નુક્સાન પહોંચ્યું. આવી સ્થિતિમાં PGVCLની ટીમે વરસતા વરસાદ અને પાણીના પૂર વચ્ચે પણ પોતાની કામગીરી યથાવત રાખી. ઉનાના સનખડા, ગાંગડા, ખત્રીવાડા સહિતના ગામોમાં વીજ પુરવઠો ખોરવાતા PGVCLના કર્મચારીઓનું જીવના જોખમે કામગીરી કરી વીજપુરવઠો પુર્વવત કર્યો..ભરાયેલ પાણી, નીચાણવાળા વિસ્તારમાં જીવનું જોખમ ખેડી પીજીવીસીએલના કર્મચારીઓએ અનોખી નિષ્ઠા બતાવી.
અમરેલી જિલ્લાના રાજુલા અને ખાંભા પંથકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ખાંભા ગ્રામ્ય, જાફરાબાદ અને રાજુલા પંથકમાં 12 ઇંચથી વધુ તોફાની વરસાદ ખાબકતાં સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. ધાતરવડી અને રાયડી ડેમ ઓવરફ્લો થતાં 11થી વધુ ગામોને હાઈએલર્ટ પર મૂકાયા છે. ધાતરવડી ડેમના 20 દરવાજા પણ ખોલાયા છે. પીપાવાવ પોર્ટ ફોરવે હાઈવે પર વરસાદી પાણીનો ધસમસતો પ્રવાહ ફરી વળતાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. પોર્ટ તરફ જવાના મુખ્ય માર્ગ પર કટોકટીભરી સપાટીએ પાણી વહી રહ્યું હોવાના કારણે પોર્ટમાં જતા-આવતા તમામ નાના-મોટા વાહનો અને ટ્રાન્સપોર્ટ કન્ટેનરો રસ્તામાં જ અટવાઈ ગયા છે અને વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે.
ભારે વરસાદ મામલે ધારાસભ્ય મહેશ કસવાલાએ જણાવ્યુ છે કે છેલ્લા 24 ક્લાકમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. 24 કલાકમાં સાવલી નદીના 3 વખત તમામ પુલ ઓવરફ્લો થયા છે. મહુવાથી આવતો નેશનલ હાઈવે તત્કાલ બંધ કરાયો છે. રાજુલાથી આવતા સ્ટેટ હાઈવે પર પણ પાણી ભરાયા છે. સાવરકુંડલા શહેરમાં પોલીસ પણ તૈયાર છે. કોઈ પણ પ્રકારની જાનહાની ન થાય તેને લઈને તંત્ર સજાગ છે.
અમરેલીઃ રાજુલા તાલુકાના ચૌત્રા ગામના બ્રીજ પર પાણી ફરી વળ્યા છે. ચૌત્રા ગામની રાયડી નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. ચોમેર પાણી ભરાઈ જતા ચૌત્રા ગામ સંપર્ણવિહોણું બન્યું છે. અવર જવરનો માર્ગ બંધ થતા મુશ્કેલી સર્જાઈ છે. બ્રિજ પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર પણ ઠપ્પ થયો છે.
ગીર સોમનાથના સુલતાનપુર ગામમાં અતિ ભારે વરસાદના કારણે ઘરમાં ફસાયેલા 4 વ્યક્તિનું રેસક્યૂ કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે ઉના તાલુકાના સુલતાનપુર ગામે અડધી રાતે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાં હતાં. પાણી ભરાવાના કારણે ઘરમાં ફસાયેલા 4 લોકોનું વહીવટી તંત્ર અને એન.ડી.આર.એફની ટીમ દ્વારા રેસક્યૂ કરવામાં આવ્યું હતું.
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ભારે વરસાદથી પ્રવાસીઓ ફસાયા છે. 100થી વધુ પ્રવાસીઓ ઝેનિથનો ધોધ જોવા આવ્યા હતા. ધોધ પાસે પૂરની સ્થિતિ ઉભી થતા ગામલોકોએ બચાવ અભિયાન શરૂ કર્યું હતું. વિહારી ઠાકુરવાડી ગામના લોકોએ રેસ્ક્યુ કર્યું.
અમદાવાદ: વૈષ્ણોદેવી અંડરપાસમાં પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ તંત્ર દ્વારા અન્ડરપાસના પાણી બહાર કાઢવા સ્પેશિયલ પંપ મૂકાવામાં આવ્યા છે. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને પારાવાર હાલાકી પડી રહી છે.
ગુજરાતમાં આજે 5 જુલાઈને રવિવારના રોજ સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીના સમયગાળામાં 76 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વઘુ વરસાદ અમરેલી જિલ્લાના રાજૂલામાં આઠ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. આ સિવાય ખાંભામાં સવા ચાર ઈંચ, લિલિયામાં ચાર ઈંચથી વઘુ વરસાદ વરસ્યો છે.
કચ્છના ફતેગઢમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયની આછેરી કંપારી છુટી ગઈ હતી. રિકટર સ્કેલ ઉપર ભૂકંપના આંચકાની તિવ્રતા 2.9 ની નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ ફતેગઢથી 11km દૂર નોંધાયું હતું.
ગીર સોમનાથમાંથી પસાર થતો સોમનાથ ભાવનગર ફોર ટેક રોડ ધોવાઈ ગયો છે. ઉનાના ગાંગડા નજીક રોડની નીચેની માટી ઘસી પડી હતી. ભારે પાણીના પ્રવાહના કારણ માટી ઘસી પડી હતી. વાહન ચાલકો માટે તોળાઈ રહ્યો છે ખતરો.
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદમાં કારણે પંચાયત, R & B વિભાગ હસ્તકના અનેક રસ્તાઓ બંધ કરી દેવાયા છે. જૂનાગઢ અને માંગરોળ પંથક સહિત અનેક જગ્યા પર ભારે વરસાદથી ઘેડના ગામોમાં પાણી ભરાયા છે. ઘેડ પંથકને જોડતા માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના માર્ગો થયા બંધ.
ભારે વરસાદના કારણે ઉના તાલુકાના સામતેર ગામે અડધી રાતે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાં હતાં. પાણી ભરાવાના કારણે ઘરમાં ફસાયેલા 4 લોકોનું વહીવટી તંત્ર અને એસ.ડી.આર.એફની ટીમ દ્વારા રેસક્યૂ કરવામાં આવ્યું હતું. શ્રીકાર વરસાદના પરિણામે સામતેર ગામે ઘરની અંદર પાણી ભરાયેલા હોવાનું અને ઘરમાં 4 લોકો પાણીમાં ફસાયેલા હોવાનું વહીવટીતંત્રની જાણમાં આવ્યું હતું. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઇ ઘરમાં ફસાયેલા તમામ લોકોની રાહત અને બચાવ કામગીરી માટે તાત્કાલિક મામલતદાર કચેરી સ્ટાફ, તથા એસ.ડી.આર.એફની ટીમ દ્વારા સંયુકત રીતે કામગીરી કરતાં પાણીમાં ફસાયેલા 4 વ્યક્તિઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યાં હતાં.
અમદાવાદમાં આજે સાંજે ભારે વરસાદ વરસવાની આગાહીને ધ્યાને લઈને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આગોતરુ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રાત્રે 8 વાગ્યા બાદ અમદાવાદમાં વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 9 વાગ્યાની આસપાસ 2 ઇંચ થી વધુ વરસાદ વરસવાની શક્યતા છે.થલતેજ, સરખેજ, બોડકદેવ, વેજલપુર, જોધપુરમાં 2 ઇંચ થી વધુ વરસાદ પડશે. CDAC સોફ્ટવેર મારફતે AMC દ્વારા આગાહી પ્રમાણે કામગીરી કરવામાં આવી છે. વોર્ડ વાઈઝ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે વોર્ડના અધિકારીઓને કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે.
પદ્મ વિભૂષણ તીજન બાઈનું 70 વર્ષની વયે AIIMS રાયપુર ખાતે અવસાન થયું છે. પારધી સમાજની પરંપરાઓ તોડીને, તેઓ કપાલિક શૈલીમાં પંડવાની રજૂ કરનારી દેશની પ્રથમ મહિલા બની હતી. અસંખ્ય સંઘર્ષોનો સામનો કરવા છતાં, તીજન બાઈએ વૈશ્વિક મંચ પર પંડવાની ગાવાની કલાને અમર બનાવી દીધી હતી.
અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે રોડ બેસી ગયો. પહેલા જ વરસાદમાં ઠેર ઠેર રોડ બેસવા અને પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. આખા દિવસમાં વરસેલા દોઢ ઇંચ વરસાદમાં જ, ભાજપે બનાવેલ સ્માર્ટ સિટીની હાલત બગડી. પ્રિ મોન્સુન કામગીરીની શહેરમાં પહેલા વરસાદે ફરી પોલ ખોલી નાખી છે.રોડ બેસી ગયો પણ AMC દ્વારા માત્રા એક બેરિકેટ મૂકી કામગીરીનો સંતોષ માન્યો. રોડ પરથી ભારે વાહન પસાર થાય તો ભુવો પડવાની શક્યતા
ગીર સોમનાથમાં, ઉનાના શયદ રાજપરા ગામે 6 બોટ પાણીની ઝપેટમાં આવી ગઈ હતી. કાંઠા પર લાગેલી બોટ વરસાદી અને નદીનાં પાણી તણાઇ જવા પામી હતી. રાત ભર ખલાસીઓએ બોટ પરત લાવવા જહેમત ઉઠાવી હતી. પાંચ જેટલાં લોકોનું રેસ્ક્યુ કરાયુ. NDRF ની ટીમ દ્વારા કરાયુ રેસ્ક્યુ.
અમદાવાદના સરદારનગરના ભાજપ કોર્પોરેટરનો વીડિયો વાયરલ થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જે વીડિયો વયરલ થયો છે તે વીડિયો કોર્પોરેટર સન્ની ખાનચંદાનીની બર્થ-ડે પાર્ટીનો વીડિયો હોવાનું સોશિયલ મીડિયામાં કહેવામાં આવી રહ્યું છે. વાયરલ વીડિયોમાં દારૂ અને પાર્ટીના દૃશ્યો હોવાનો દાવો કરાયો છે. આ વીડિયોને લઈને સરદારનગર પોલીસે તપાસ શરૂ કરી છે. વીડિયોની સત્યતા અને તેમાં દેખાતા લોકોની ઓળખ અંગે પોલીસ માહિતી એકત્ર કરી રહી છે. પોલીસ તપાસ બાદ જ સમગ્ર મામલે હકીકત સ્પષ્ટ થશે.
મોરબીના રફાળેશ્વર ગામ નજીક મગફળીના ગોડાઉનમાં આગના મામલે નાફેડના ડાયરેક્ટર મોહન કુંડારીયાનું નિવેદન સામે આવ્યું છે. નાફેડ દ્વારા ખરીદ કરેલ મગફળીના ગોડાઉનમાં 1,60,000 બોરી સ્ટોરેજ હતી. ગુજરાત વેર હાઉસના માધ્યમથી નાફેડએ ગોડાઉન ભાડા પર રાખેલ હતું. બધી જવાબદારી વેર હાઉસ કોર્પોરેશનની છે અને નુકશાની ચૂકવાની જવાબદારી પણ વેર હાઉસ કોર્પોરેશનની છે. તમામ ભરપાઈ વેર હાઉસ કોર્પોરેશન દ્વારા કરવાની રહેશે. ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને દોષિતો સામે એક્શન લેવામાં આવશે. નાફેડ દ્વારા નુકશાનીની રિકવરી પણ કરવામાં આવશે.
મહેસાણા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, ભાડે આપેલ એજન્સી પાસેથી મહેસાણા મહાનગરપાલિકાએ પરત લઈ લીધુ છે. ભાડું ના ચૂકવતા અને મેન્ટેનન્સના અભાવે મનપાએ કડક નિર્ણય કર્યો છે. એજન્સીના બાકી નીકળતા 15 થી 16 લાખ રૂપિયા સામે આકરા પગલાં લીધા છે. મનપા દ્વારા એજન્સીની 12 લાખની ડિપોઝિટ જપ્ત કરવામાં આવશે. બાકીની રકમ વસૂલવા કોર્ટ કાર્યવાહી કરાશે અથવા પ્રોપર્ટી પર બોજો નંખાશે. હાલ પૂરતું રમતનું મેદાન મનપા પોતાના હસ્તક રાખીને જાતે ચલાવશે.
છોટા ઉદેપુર જિલ્લાના ટોચના રાજકારણી, આદિવાસી સમાજના અગ્રણી નેતા અને પૂર્વ વનમંત્રી મોહનસિંહ રાઠવાનું દુઃખદ અવસાન થયું છે. 10 વખત ધારાસભ્ય રહેલા મોહનસિંહ રાઠવાનું નિધન થતા પરિવનારજનો અને કાર્યકરોમાં દુખની લાગણી પ્રવર્તી છે. 82 વર્ષની વયે લાંબા સમયની બિમારીથી મોહનસિંહનું નિધન થયું છે. તેમના પુત્ર રાજેન્દ્ર રાઠવા હાલ છોટાઉદેપુરના ધારાસભ્ય છે.
ભારતીય હવામાન વિભાગે, આજે બપોરના એક વાગ્યા સુધીના સમયમાં અનેક જિલ્લામાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને ગીરસોમનાથ, અમરેલી, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરીને રેડ એલર્ટ જાહેર કરાયું છે. તો પોરબંદર, રાજકોટ, ભાવનગર, બોટાદ, નવસારી, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપીમાં પણ વરસાદનું યલો એલર્ટ અપાયું છે.
ભાવગનરના મહુવા તાલુકાના કોંજળી ગામની રૂપાવો નદીમાં એક ખેડૂત તણાયો છે. ભીખાભાઈ બાવલીયા ઉંમર વર્ષ 75 નામના વૃદ્ધ તણાયા છે. વાડીથી પોતાના ઘરે જતાં ત્યારે ગામનાં કોઝવે પરથી પસાર થતાં હતા તે સમયે તણાઈ ગયા છે. મહુવા ફાયર વિભાગને જાણ થતાં ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ બનાવ સ્થળે પહોચીને વૃદ્ધની શોધખોળ હાથ ધરી છે. છેલ્લા બે દિવસથી મહુવા પંથકમાં સતત વરસાદ વરસી રહ્યો છે. નદીઓમાં નવા નીર આવ્યા, ગ્રામજનોએ પણ સાવચેત રહેવાની જરૂર છે.
પોરબંદર ઘેડ પંથકના બળેજ ગામ નજીક યુવાન તણાયો હોવાની ફાયર વિભાગને માહિતી મળી હતી. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અમીપુર ડેમના પાણી રસ્તા પર આવી જતા યુવાન તણાયો હતો. બળેજ અમીપુર રોડ પર વાહન પર પસાર થતા યુવાન રાજસી રામ ઉંમર 22 ને ફાયર વિભાગે તણાતો બચાવ્યો. ફાયર વિભાગે તાત્કાલિક બળેજ નજીક પહોંચી યુવાનનુ લોકેશન મેળવી બોટ અને લાઈફ જેકેટની મદદથી બચાવ્યો.
સાબરકાંઠા હિંમતનગરના સુન્દરગઢ નજીક રોડ પર કારમાંથી તબીબનો મૃતદેહ મળ્યો. ડૉ હાર્દિક પંકજભાઈ રાવલનો મૃતદેહ તેમની કારમાંથી મળતા ચકચાર મચી જવા પામી છે. મૃત્યુ થવાનું સ્પષ્ટ કારણ જાણવા સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી. મૃતક તબીબનું રહેણાંક ઘટના સ્થળથી નજીક હોવાને લઈ પોલીસને અનેક આશંકા છે. ઘર નજીક હોવાની સ્થિતિમાં તબીબ મૃત હાલતમાં કારમાંથી મળી આવતા સવાલો ઊભા થયા છે. મોતના કારણને જાણવા એફએસએલ સહિતની મદદ વડે તપાસ હાથ ધરાઈ. તબીબના મૃતદેહને હિંમતનગર સિવિલ હોસ્પીટલમાં પીએમ માટે ખસેડાયો. હિંમતનગર પોલીસ સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરાના ડભોઇના પારાગામ ખાતે ઓરસંગ નદીના કાંઠેથી મગર આધેડને ખેંચી ગયો. નદી કિનારે માછીમારી કરી રહેલા આધેડનો મગરે શિકાર કરતા આધેડનું મોત થયુ હતું. વિસ્તારમાં વારંવાર મગરના હુમલાની ઘટના છતા લોકો લાપરવાહ દર્શાવી રહ્યાં છે. ડભોઇ વનવિભાગ પારાગામ, ભાલોદરા,ગામડી જેવા ઓરસંગ નદીના કાંઠે માછીમારી પર પ્રતિબંધ લાદી કડક અમલવારી કરે તે જરૂરી. મૃતક-બજારીયાભાઈ ઉર્ફે દિનેશ ભાઈ નરસુભાઈ નાયક ગામ-સુગઠ તા-સોઢંવા જી-અલીરાજપુર (મધ્ય પ્રદેશ)નો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મોતને ભેટનાર આધેડ પારાગામના ખેડૂત અલ્પેશ ગોવિંદભાઈ બારીયાને ત્યાં મજૂરી ગામ અર્થે રહેતો હતો. મગરના હુમલામાં આધેડને છાતી અને બરડાના ભાગમાં ગંભીર ઇજા થવા પામી હતી.
અમદાવાદ શહેરમાં ગત મોડી રાત્રે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસેલા વરસાદથી કેટલાક સ્થળે વૃક્ષ ધરાશાયી થવાના બનાવ બન્યા હતા. અમદાવાદ ફાયર બ્રિગેડ સમક્ષ મોડી રાત્રે ઝાડ પડી ગયાની ફરિયાદ આવી હતી. જે અનુસાર, ગત્ત મોડી રાત્રે વરસાદથી અમદાવાદના ગોતા, પ્રગતિનગર, અરવિંદ મીલ પાસે ઝાડ પડવાના બનાવ બન્યો હતો. જો કે, આ ઘટનામાંકોઈ જાનહાની સર્જાઇ નથી.
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડાના કરેણી ગામમાં અનેક ઘરમાં પાણી ઘૂસ્યા. મોડી રાત્રીના ભારે વરસાદને લીધે ભરાયા પાણી. ખેતર અને ઉપરવાસના પાણી ઘરમાં ઘૂસ્યા. ગામના યુવાનો દ્વારા લોકોની ઘરવખરી બચાવવા કરાઈ કામગીરી.
અમરેલીમાં રાજુલા જાફરાબાદ ખાંભા પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. રાજુલા ધાતરવડી ડેમ 2 ઓવરફ્લો થયો હતો. ઓવરફ્લો થતા 6 દરવાજા ખોલાયા છે. નીચાણ વાળા 8થી વધુ ગામડાને એલર્ટ આપ્યું છે. ખાખબાઈ, હિંડોરણા, વડ, ભચાદર, કોવાયા, લોઠપૂર, ઉચેયા સહીત ગ્રામજનોને સાવચેત રહેવા સૂચના મળી છે. ખાંભા રાયડી ડેમ ઓવરફ્લો થતા નદી કાંઠે આવતા નાગેશ્રી ચૌત્રા બારમણ સહીત ગામડાને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. રાજુલા ધાતરવડી ડેમ (1) 70% ઉપરાંત ભરાયો છે.
આજે 5 જુલાઈને રવિવારના રોજ સવારના 6 વાગ્યાથી આઠ વાગ્યા સુધીના બે કલાકમાં 49 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વઘુ વરસાદ અમરેલીના રાજૂલામાં 2 ઈંચથી પણ વધુ વરસાદ વરસ્યો છે. ભાવનગરના મહુવામાં દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. અમરેલી, ભાવનગર, રાજકોટ, ગીર સોમનાથ, અમદાવાદ, જામનગર, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, બનાસકાંઠા, ભરૂચ જિલ્લાના 49 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
ગીર સોમનાથના ઉનાના ગાંગડા ગામે ફાયર વિભાગ દ્વારા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ હતું. મોડી રાત્રે માલણ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા લોકોનું સ્થળાંતર કરાવવાની ફરજ પડી હતી. માલણ નદીના પાણી ગામમાં ઘૂસ્યા હતા. જે બાદ ઉના ફાયર વિભાગે મોડી રાત્રે નીચાણવાળા વિસ્તારના અનેક લોકોના સ્થળાંતરીત કર્યા હતા.
અમરેલીના સાવરકુંડલા પંથકના કેરાણા-હાવડ કોઝવે પર પાણીમા ઈકો કાર સહિત 7 વ્યક્તિઓ ફસાયા હતા. મધરાતે અમરેલી ફાયર બ્રિગેડની ટીમને મેસેજ મળતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ધસમસતા પાણી વચ્ચે લગભગ 3 કલાકની ભારે જહેમત બાદ તમામ 7 વ્યક્તિઓનું સફળ રેસ્ક્યુ કરાયુ. ફાયર ઓફિસરની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કર્યું. ફાયર બ્રિગેડની સમયસૂચકતાના કારણે સંભવિત મોટી જાનહાનિ ટળી.
શનિવાર સવારના 6 વાગ્યાથી રવિવાર સવારના 6 વાગ્યા સુધીના વિતેલા 24 કલાકમાં રાજ્યના 196 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ અમરેલીના ખાંભામાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે.
Published On - 7:16 am, Sun, 5 July 26