05 ડિસેમ્બરના મહત્વના સમાચાર : AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ભરસભામાં ફેંકાયુ જુતુ, પોલીસે જુતુ ફેંકનારની કરી અટકાયત

આજે 05  ડિસેમ્બરને  શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

05 ડિસેમ્બરના મહત્વના સમાચાર : AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ભરસભામાં ફેંકાયુ જુતુ, પોલીસે જુતુ ફેંકનારની કરી અટકાયત
| Edited By: | Updated on: Dec 05, 2025 | 9:52 PM

આજે 05  ડિસેમ્બરને  શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 05 Dec 2025 09:00 PM (IST)

    આણંદઃ શહેરો બાદ હવે ગામડાઓમાં રખડતા ઢોરનો આતંક

    આણંદઃ શહેરો બાદ હવે ગામડાઓમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. ખંભાતના કાણીસા ગામમાં રખડતા ઢોરના હુમલાથી વૃદ્ધનું મોત થયુ છે. કાણીસા ગામે ખેતરમાં ચારો કાપી રહેલા વૃદ્ધને ઢોરે અડફેટે લીધા હતા. ખંભાત ગ્રામ્ય પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.  કાણીસા ગામમાં એક પાડાએ ગામ અને ખેતરોમાં આતંક મચાવ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં તેણે 3 જેટલા વ્યક્તિઓને પણ શિંગડે ચઢાવી અડફેટે લીધા છે. ​રખડતા પાડાના આતંકથી ખેતરોમાં જતા ખેડૂતો તેમજ રસ્તે અવરજવર કરતા રહીશો ભયભીત છે. ગ્રામજનોએ રખડતા પાડાને સત્વરે પાંજરે પૂરવા માટે તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરી છે.

  • 05 Dec 2025 08:40 PM (IST)

    મહેસાણા: કડીમાં યુવક પર હુમલા બાદ અપહરણ

    મહેસાણા: કડીમાં યુવક પર હુમલા બાદ અપહરણ કરવામાં આવ્યુ. હેર સલૂનમાં વાળ કપાવવા બેઠેલા યુવક પર 3 શખ્સ તુટી પડ્યા હતા. અલ્ફાઝ કાઝી નામનાં યુવક પર તલવાર અને પાઈપ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો. હુમલા બાદ યુવકનું કારમાં અપહરણ કરાયું હતુંં. દેદિયાસણ દરગાહ પાસે લઈ જઈ યુવકને બેરહેમીપૂર્વક માર મરાયો હતો.  ICUમાં સારવાર હેઠળનાં યુવકની હાલત ગંભીર છે.

    પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ધંધા બાબતે જૂની અદાવત રાખી હુમલો કરાયો હતો. દેદિયાસણ દરગાહ પાસે લઈ જઈ ફરીથી બેરહેમીપૂર્વક માર માર્યો. હાલ તો અપહ્યત યુવકનો છુટકારો થયો છે પરંતુ તે ICUમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે. કડી પોલીસે પણ ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે..


  • 05 Dec 2025 08:20 PM (IST)

    સુરતમાં 4 વર્ષની બાળક પર શ્વાને કર્યો હુમલો

    સુરત શહેરમાં છાશવારે શ્વાનનાં હુમલાની ઘટના બને છે. રોજે રોજ શ્વાનનાં જીવલેણ હુમલાની ઘટના સામે આવે છે. ત્યારે વરીયાવી બજારમાં ઘર પાસે રમતી માસૂમ બાળકી પણ શ્વાનનાં હુમલાનો બોગ બની..બાળકીને પ્રાથમિક સારવાર ઈમરજન્સી વિભાગમાં કર્યા બાદ સર્જરી વિભાગમાં ખસેડાઇ હતી….

  • 05 Dec 2025 08:00 PM (IST)

    લોકાર્પણની રાહે ધૂળ ખાઈ રહ્યુ છે બોડેલીનું આરોગ્ય કેન્દ્ર

    છોટાઉદેપુરના બોડેલીમાં તંત્રએ આરોગ્ય કેન્દ્ર તો બનાવ્યા પરંતું લોકાર્પણ ન કર્યું. અમાદ્રા ગામના લોકોને આરોગ્ય સુવિધા મળી રહે તે હેતુથી આરોગ્ય કેન્દ્ર તો બનાવાયા પરંતું તેનું લોકાર્પણ બાકી હોવાથી ગામ લોકો દૂર આવેલા આયુષ્યમાન કેન્દ્ર પર જવા માટે મજબૂર બન્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે આરોગ્ય કેન્દ્રના અભાવે જો ગામની મહિલાઓને પ્રસવ પીડા શરૂ થાય તો દૂરથી 108 બોલાવવી પડે છે. જેને પગલે તૈયાર કરાયેલા આરોગ્ય કેન્દ્રનું સત્વરે લોકાર્પણ થાય તેવી માગ ઉઠી છે.

    તો બીજી તરફ અમાદ્રા સહિત કાશીપુરા અને અથવાલી ગામમાં પણ આરોગ્ય કેન્દ્રો પર તાળા લટકતા જોવા મળ્યા. જો કે અથવાલી ગામમાં નવનિર્મિત બનેલા આરોગ્ય કેન્દ્રમાં હજુ પણ લાઈટની કામગીરી બાકી હોવાનું સામે આવ્યું છે. ત્યારે અમાદ્રા અને કાશીપુરા ગામના સરપંચે પણ વહેલીતકે આરોગ્ય કેન્દ્રની બાકી રહેલી કામગીરી પૂર્ણ કરવા અને લોકાર્પણ માટે ગુહાર લગાવી છે.

  • 05 Dec 2025 07:31 PM (IST)

    ઉપલેટાથી ભીમોરા સુધીનો 22 કિમીનો રસ્તો બિસમાર

    રાજકોટ ગ્રામ્યમાં આવેલા ઉપલેટામાં રસ્તાના કોઈ ઠેકાણા નથી.   ઉપલેટાથી ભીમોરા સુધીનો અંદાજે 22 કિલોમીટરનો રસ્તો બિસ્માર હાલતમાં છે. રસ્તા પર ઠેર-ઠેર ખાડા અને ધૂળ જોવા મળી રહી છે. આ રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય ફેલાતા અને ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે.

    ઉપલેટાથી હાડફોઈ, સમઢીયાળા, કુંઢેચ, ભીમોરા, લાઠ, તલગણા, પાટણવાવ સહિતના ગામમાં રસ્તાની હાલત અતિશય ખરાબ હોવાથી વાહન ચાલકોના સમયનો પણ વેડફાટ થઈ રહ્યો છે. ગ્રામજનોનો દાવો છે કે અનેક રજૂઆત કરવા છતાં કોઈ નિવારણ આવતું નથી… ત્યારે મજેઠી ગામના સરપંચે પણ તાત્કાલિક રસ્તાનું સમારકામ થાય તેવી માગ કરી છે.

  • 05 Dec 2025 07:19 PM (IST)

    રાજ્યમાં ભરશિયાળે માવઠાની આગાહી- 17 થી 24 ડિસે. ભારે

    ગુજરાતમાં ભરશિયાળે વરસાદ ખાબકવાની આગાહી સામે આવી છે. આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ડિસેમ્બરમાં રાજ્યમાં માવઠુ થઇ શકે છે. આગામી 17 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર સુધી રાજ્યમાં ઠેક ઠેકાણે માવઠુ થવાની શક્યતા છે. અંબાલાલની માવઠાની આગાહીના કારણે ખેડૂતોમાં ચિંતા પેઠી છે. મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી દિત્વાહ વાવાઝોડા બાદ પણ ગુજરાતના વાતાવરણમાં મોટા પ્રમાણમાં પલટો જોવા મળી રહ્યો છે.

  • 05 Dec 2025 07:01 PM (IST)

    વિદેશથી હાઈબ્રિડ ગાંજો મગાવનારની ધરપકડ

    અમદાવાદમાં નશાના નેટવર્કનો પર્દાફાશ થયો છે, વિદેશથી હાઇબ્રિડ ગાંજો મગાવીને છૂટક વેચાણ કરનાર આરોપી રાજદીપ ભરતસિંહ ગોહિલની ધરપકડ કરવામાં આવી છે. સાયબર ક્રાઈમની ટીમ ઠગાઈ કેસને લઈને નારણપુરા વિસ્તારમાં આવેલા શ્રદ્ધા દીપ કોમ્પ્લેક્સ ફ્લેટમાં તપાસ કરવા પહોંચી હતી ત્યારે એક ફ્લેટમાં કેટલા યુવકો મળી આવ્યા હતા. જ્યાં સાયબર ક્રાઈમની ટીમ ચેકિંગ કરી રહી હતી. તપાસ વખતે એક શંકાસ્પદ બેગ મળ્યું હતું આ બેગમાં હાઈબ્રીડ ગાંજો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ગાંજા ભરેલા બેગ અંગે પીજીમાં રહેતા યુવકોની પૂછપરછ કરતાં આ ગાંજો રાજદીપ ગોહિલ નામનો યુવક લાવ્યો હોવાનું આવ્યું હતુ. જે બાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ ટીમે ગુનો નોધી રૂપિયા 15 લાખનો 423 ગ્રામ હાઇબ્રિડ ગાંજો જપ્ત કરીને આરોપી યુવકની ધરપકડ કરી હતી અને સમગ્ર તપાસ SOGને સોંપી હતી

  • 05 Dec 2025 05:26 PM (IST)

    નર્મદા જિલ્લા AAP પ્રમુખ પર હુમલાનો પ્રયાસ

    નર્મદા જિલ્લા AAP પ્રમુખ પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો. બુટલેગરે AAPના જિલ્લા પ્રમુખ પર હુમલાનો પ્રયાસ કર્યો. બુટલેગરે અપશબ્દો કહી હુમલાનો પ્રયાસ કર્યો હતો. નર્મદા જિલ્લા AAP પ્રમુખ નિરંજન વસાવાએ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નિરંજન વસાવાએ દારૂના વેચાણ પર સવાલ ઉઠાવ્યા એટલે હુમલો કરાયો હોવાનો ચૈતર વસાવાએ દાવો કર્યો છે.
    આરોપી સામે કડક કાર્યવાહી કરવા AAPએ માગ કરી છે.

  • 05 Dec 2025 05:13 PM (IST)

    રાજકોટઃ ગોંડલ રાજકુમાર જાટના મોત મામલે મોટા સમાચાર

    રાજકોટઃ ગોંડલમાં રાજસ્નાથાનના યુવક રાજકુમાર જાટના મોત મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. SITના અધ્યક્ષ સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુએ આ અંગે મંજૂરી માગી છે. ગણેશ જાડેજાએ નાર્કો માટે સહમતી આપી છે. કોર્ટે મંજૂરી ગ્રાહ્ય રાખતા આગામી દિવસોમાં નાર્કો ટેસ્ટ થશે.

  • 05 Dec 2025 04:26 PM (IST)

    પંચમહાલ: મોટી સંખ્યામાં લગ્ન નોંધણી કરવા મામલે વિવાદ

    પંચમહાલ: મોટી સંખ્યામાં લગ્ન નોંધણી કરવા મામલે વિવાદ થય ો છે. જાંબુઘોડાના કણજીપાણી ગ્રામ પંચાયતના તલાટીને સસ્પેન્ડ કરાયા છે. તલાટી અર્જુન મેઘવાલ લગ્ન નોંધણી કરી 50 લાખ કમાયો હોવાની વાત કરતો વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયોના આધારે તલાટી સામે પગલા લેવાયા છે. જિલ્લા વિકાસ અધિકારીએ તલાટીને સસ્પેન્ડ કરી તપાસના આદેશ આપ્યા છે.

    મહત્વનું છે કે પાટીદાર અગ્રણી લાલજી પટેલે આ મુદ્દે મીડિયા સમક્ષ ઉઠાવ્યો હતો. તેમણે કણજીપાણીના તલાટી અર્જુન મેઘવાલ પર ખોટી રીતે લગ્ન નોંધણી કરાવવાનો આરોપ લગાવ્યો હતો. અર્જુન મેઘવાલ દ્વારા એક જ વર્ષમાં બે હજાર જેટલા લગ્નની નોંધણી કરાયાની કબૂલાત કરતો વીડિયો વાયરલ થયો હતો. એક લગ્ન નોંધણી દીઠ અઢી હજાર રૂપિયા લઈને 50 લાખ રૂપિયા કમાઈને રાજસ્થાનમાં જમીન ખરીદી હોવાની તલાટીએ વાત કરી હતી. આ વાયરલ વીડિયોને આધારે તલાટી સામે કાર્યવાહી કરાઈ છે.

  • 05 Dec 2025 04:25 PM (IST)

    કચ્છઃ માધાપર ગામે યક્ષ મંદિર પાસે આગ

    કચ્છઃ માધાપર ગામે યક્ષ મંદિર પાસે આગ લાગી હતી. ગ્રાઉન્ડમાં પાર્ક કરેલી કારમાં આગ લાગતા અફરાતફરીના દૃશ્યો સર્જાયા હતા. કાર આગમાં બળીને ખાખ થઈ ગઈ છે. ક્યા કારણોસર કારમાં આગ લાગી હતી તે હજૂ અકબંધ છે.

  • 05 Dec 2025 03:03 PM (IST)

    ધુળેટીના દિવસે જ બોર્ડની પરીક્ષાનું પેપર

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ફરી એક વાર વિવાદમાં આવ્યું છે, કારણ કે રંગોના તહેવાર ધૂળેટીના દિવસે જ બોર્ડની ફરજિયાત પરીક્ષાઓ ગોઠવવામાં આવી છે. 4 માર્ચે ધોરણ 10નું સામાજિક વિજ્ઞાનનું પેપર તથા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું ઇતિહાસનું પેપર રાખવામાં આવ્યું છે, જ્યારે એ જ દિવસે અર્થશાસ્ત્ર અને નાંમાના મૂળતત્વોનું પેપર પણ નિર્ધારિત છે. જાહેર રજાના દિવસે પરીક્ષા ગોઠવાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વર્ષ 2023માં પણ બોર્ડે ચેટી ચાંદના દિવસે પરીક્ષા રાખ્યા બાદ સુધારો કર્યો હતો, તેમ છતાં ફરી આવી પરિસ્થિતિ સર્જાતા બોર્ડની આયોજન ક્ષમતા પર સવાલો ઊભા થયા છે.

  • 05 Dec 2025 02:49 PM (IST)

    જૂનાગઢ: માંગરોળના શીલમાંથી ઝડપાયો વિદેશી દારૂ

    જૂનાગઢના માંગરોળ ખાતે શીલ વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાતા હલચલ મચી ગઈ છે. બાતમીના આધારે જૂનાગઢ LCB દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન શ્રીગણેશ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળ્યો હતો. પોલીસે કુલ 334 પેટી દારૂ જપ્ત કરી હતી, તેમજ ગોડાઉન નજીકથી ટ્રેક્ટર, મોંઘી કાર અને એક બાઈક પણ મળી આવી હતી. કુલ ₹48 લાખના મુદ્દામાલ સાથે પોલીસએ ગોડાઉન માલિક સહિત ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.

  • 05 Dec 2025 02:41 PM (IST)

    મુંબઈ: ઈન્ડિગોની ફ્લાઈટ કેન્સલ થતાં મુસાફરોમાં રોષ

    મુંબઈ એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટ રદ થતા મુસાફરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. એરપોર્ટ બહાર મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો, કારણ કે આજે પણ કુલ 104 ફ્લાઈટ રદ થઈ છે, જેમાં મુંબઈથી ઉડાન ભરનારી 53 અને મુંબઈ આવતી 51 ફ્લાઈટનો સમાવેશ થાય છે. અચાનક થયેલી કેન્સલેશન અને ઓથોરિટી તરફથી યોગ્ય તથા સમયસર માહિતી ન મળતાં મુસાફરોમાં આક્ષેપો ઉઠ્યા છે, જેના કારણે તેમની મુસાફરી યોજનાઓ પર ગંભીર અસર પડી છે.

  • 05 Dec 2025 01:30 PM (IST)

    રાજકોટથી મુંબઈ, દિલ્લીની ફલાઇટના ભાવમાં ધરખમ વધારો

    રાજકોટ ખાતે ઇન્ડિગોની ફ્લાઇટ રદ થતાં મુસાફરો ભારે પરેશાન થયા છે, ત્યારે બીજી તરફ અન્ય એરલાઈન્સે ભાડામાં ધરખમ વધારો કરી બેવડો માર માર્યો છે. રાજકોટથી મુંબઈ અને દિલ્હી જતી ફ્લાઇટ્સ, જેનું ભાડું સામાન્ય રીતે 4થી 5 હજાર રૂપિયા હતું, તેમાં હવે નોંધપાત્ર વધારો થયો છે. હાલમાં રાજકોટ–મુંબઈ રૂટનું ભાડું 15 હજાર રૂપિયાથી વધુ થઈ ગયું છે, જ્યારે રાજકોટ–દિલ્લીનું ભાડું સીધું 37 હજાર સુધી પહોંચી ગયું છે. ફ્લાઇટ કેન્સલેશન અને વધેલા ભાડા વચ્ચે રાજકોટ એરપોર્ટ પર 1 હજારથી વધુ મુસાફરો રઝળી પડ્યા છે અને તેમની મુસાફરીની યોજનાઓ અસરગ્રસ્ત બની છે.

  • 05 Dec 2025 12:50 PM (IST)

    રાજકોટ: RBA પેનલના સભ્યો પર લાખોના ભ્રષ્ટાચારનો આરોપ

    રાજકોટમાં બાર કાઉન્સિલની ચૂંટણી 19 ડિસેમ્બરે યોજાશે ત્યારે RBA પેનલના સભ્યોએ ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ છે. બાર કાઉન્સિલ ઓફ રાજકોટના પૂર્વ સેક્રેટરી જીગ્નેશ જોશીનું કહેવું છે કે લો કોલેજો પર દબાણ કરીને માતબર રકમ પડાવવામાં આવી છે. સાથે જ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા સભ્યો પર યોગ્ય કાર્યવાહી થાય તેવી પૂર્વ સેક્રેટરીએ માગ કરી છે.

  • 05 Dec 2025 12:34 PM (IST)

    SIR: ગુજરાતની મતદાર યાદીમાં 17 લાખથી વધુ મૃત મતદારો મળી આવ્યા

    મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) ના કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે ગુજરાતમાં મતદાર યાદીના ચાલી રહેલા ખાસ સઘન સુધારણા (SIR) માં ખુલાસો થયો છે કે રાજ્યભરમાં હાલની મતદાર યાદીમાં 17 લાખથી વધુ મૃત મતદારો હજુ પણ સામેલ છે.

  • 05 Dec 2025 12:00 PM (IST)

    સુરત: ક્રાઈમ બ્રાન્ચે પેરોલ પર ફરાર આરોપીની કરી ધરપકડ

    સુરતમાં ક્રાઈમ બ્રાન્ચે પેરોલ દરમિયાન ફરાર થયેલા એક આરોપીને ઝડપી પાડ્યો છે. વરાછા વિસ્તારમાં લૂંટ અને હુમલાના કેસમાં સંડોવાયેલ આ આરોપીને 25 જૂન 2024ના રોજ પેરોલ મંજૂર થયો હતો, પરંતુ તે સમયમર્યાદા પૂરી થયા બાદ જેલમાં પરત ન ફરતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. અંતે, રાજકોટના ભક્તિનગર વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને પકડી પાડ્યો છે.

  • 05 Dec 2025 11:43 AM (IST)

    અમદાવાદ એરપોર્ટ પર આજે 86 ફ્લાઈટ રદ

    રાજ્યના વિવિધ એરપોર્ટ્સ પર ફ્લાઇટ રદ થવાની પરિસ્થિતિ સતત ગંભીર બની રહી છે, જેમાં આજે અમદાવાદ એરપોર્ટ પર કુલ 86 ફ્લાઇટ રદ થઈ છે, જેમાં અમદાવાદ આવતી 50 અને અહીંથી પ્રસ્થાન કરતી 36 ફ્લાઇટનો સમાવેશ થાય છે. અચાનક થયેલી ફ્લાઇટ કેન્સલેશનથી એરપોર્ટ પર પહોંચેલા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે અને યોગ્ય માહિતી ન મળતાં મુસાફરોમાં આક્ષેપો પણ ઉઠ્યા છે. બીજી તરફ, સુરત એરપોર્ટ પર સતત ત્રીજા દિવસે અનેક ફ્લાઇટ રદ થઈ છે, જેમાં બેંગલુરુ-સુરત, સુરત-ગોવા અને સુરત-પુણેની ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. વડોદરા એરપોર્ટ પર પણ સ્થિતિ ગંભીર છે, જ્યાં દિલ્હી, મુંબઈ, પુણે અને હૈદરાબાદ જતી અનેક ફ્લાઇટ રદ થવાનો ક્રમ ચાલુ છે અને છેલ્લા 10 દિવસમાં લગભગ 17 જેટલી ફ્લાઈટ કેન્સલ થઈ છે. રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સ્થિતિ પણ ભિન્ન નથી, ત્યાં ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા ઓપરેટ થતી 8 ફ્લાઇટ રદ થતાં મુસાફરોને ભારે અવરજવરનો સામનો કરવો પડી રહ્યો છે.

  • 05 Dec 2025 11:39 AM (IST)

    Putin India Visit: રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું

    રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. પુતિનનું ભારતમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ ભવનથી થોડીવારમાં, પુતિન રાજઘાટ જશે જ્યાં તેઓ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે.

  • 05 Dec 2025 11:34 AM (IST)

    સુરત: એરપોર્ટ પર બિનવારસી બેગ મળી આવતા ચકચાર

    સુરત એરપોર્ટ પર બિનવારસી બેગ મળી આવતા થોડાક સમય માટે ચકચાર મચી હતી. એરપોર્ટની બહારના પેસેજ વિસ્તારમાં બેગ પડેલી જોવા મળતા સુરક્ષા દળોએ તરત જ વિસ્તાર કોર્ડન કરી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન બેગમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતાં રાહતનો શ્વાસ લેવાયો. બાદમાં જાણવા મળ્યું કે આ બેગ એક પેસેન્જર ભૂલથી છોડી ગયો હતો, જેને સુરક્ષા ચકાસણી બાદ બેગ પરત કરવામાં આવી.

  • 05 Dec 2025 10:53 AM (IST)

    સુરત: વરીયાવી બજારમાં જોવા મળ્યો રખડતા શ્વાનનો આતંક

    સુરત: વરીયાવી બજારમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. 4 વર્ષની બાળકી પર શ્વાને હુમલો કર્યો. માથા, કાન, ગાલ અને આંખ સહીત 10 વધુ અંગો પર ઇજા પહોંચી. બાળકીને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાઇ. બાળકી ઘર પાસે રમી રહી હતી ત્યારે શ્વાને હુમલો કર્યો.

  • 05 Dec 2025 09:28 AM (IST)

    રાજકોટઃ TRP અગ્નિકાંડ મામલે ફાયર ઓફિસરની અરજી સુપ્રીમે ફગાવી

    રાજકોટના TRP અગ્નિકાંડ કેસમાં ફાયર ઓફિસર રોહિત વિગોરાને મોટો ઝટકો લાગ્યો, કારણ કે તેમના દ્વારા દાખલ કરાયેલ સાપરાધ મનુષ્યવધની કલમ હટાવવા અંગેની પિટિશન સુપ્રીમ કોર્ટએ ફગાવી દીધી છે. રોહિત વિગોરાએ પોતાના પર લાગેલી કલમ દૂર કરવાની સાથે-સાથે કેસમાં બિનતહોમતદાર જાહેર કરવાની પણ માંગ કરી હતી, પરંતુ અગાઉ સેશન્સ કોર્ટમાં પિટિશન નામંજૂર થતાં તેમણે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. હવે સુપ્રીમે પણ તેમની અરજી ઠુકરાવી દીધી હોવાથી તેમના સામે સાપરાધ મનુષ્યવધના ગુના હેઠળ જ કેસ આગળ વધશે.

  • 05 Dec 2025 09:13 AM (IST)

    સુરતઃ નકલી જેલર રાજેશ ત્રિવેદી સામે પાસા હેઠળ કાર્યવાહી

    ભેજાબાજ નકલી જેલરે આરોપીના સગા અને મિત્રોને ફોન કરી જેલમાં સુવિધા જોઈતી હોય તો 15 હજાર આપવા પડશે તેમ કહ્યું હતુ અને જો રૂપિયા નહીં આપો તો આરોપીને માર મારવામાં આવશે એવી ધમકી આપી હતી.. કેટલાક કિસ્સામાં આરોપીના મિત્રોએ 15 હજાર રૂપિયા આપી પણ દીધા હતા.. પરંતુ અંતે ભાંડો ફૂટતા ભેજાબાજ આરોપી રાજેશ ત્રિવેદીની ધરપકડ થઈ હતી.

  • 05 Dec 2025 08:09 AM (IST)

    કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે

    કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, જ્યાં તેઓ વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે; સવારે 10:30 કલાકે GMDC ગ્રાઉન્ડ ખાતે સ્વદેશોત્સવ કાર્યક્રમનો પ્રારંભ કરશે, બપોરે 12:30 કલાકે મહાત્મા મંદિર ખાતે અર્થ સમિટ 2025ના સમાપન સમારોહમાં હાજરી આપશે, ત્યારબાદ ગાંધીનગરના સર્કિટ હાઉસમાં અધિકારીઓ સાથે તળાવોના ઈન્ટરલિંકિંગ પ્રોજેક્ટ મુદ્દે બેઠક કરશે અને પછી ગાંધીનગરમાં રેલવે ઓવરબ્રિજ તથા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરશે.

  • 05 Dec 2025 07:38 AM (IST)

    આજે પુતિન 23મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં લેશે ભાગ

    રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતમાં છે. આજે પુતિન 23મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે. 10 સરકારી કરારો અને 15થી વધુ વ્યાપારિક કરારો પર હસ્તાક્ષર થશે. મુલાકાત દરમિયાન ઉર્જા, સંરક્ષણ, વેપાર, સહયોગને લઈ ચર્ચા થશે. Su-57 ફાઈટર જેટ બંને દેશો માટે મુખ્ય ચર્ચાનો વિષય રહેશે. પુતિનની ભારત મુલાકાત દરમિયાન મોટા નિર્ણય લેવાવાની અપેક્ષા છે. પુતિન આજે રાષ્ટ્રપતિ મુર્મૂ સાથે મુલાકાત કરશે.

Published On - 7:36 am, Fri, 5 December 25