દિવાળી પહેલા મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે. કેન્દ્રીય કેબિનેટમાં PM કૃષિ ઉન્નતિ યોજનાને મંજૂરી આપી. કેન્દ્રને 1.01 લાખ કરોડનો બોજો પડશે. અમિત શાહના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. 13 કાર્યક્રમોમાં હાજરી આપશે. કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અમદાવાદમાં ફિલ્મી સ્ટાઇલે પૂત્રએ પિતાની હત્યાનો બદલો લીધો. જીપની ટક્કર મારી પિતાના હત્યારાને મોતને ઘાટ ઉતાર્યો. ભિલોડામાં રૂપિયા 25 લાખની લૂંટનો નિષ્ફળ પ્રયાસ થયો. 3 ઇસમોએ આંખમાં મરચાની ભૂકી નાખી હતી. હેલમેટ હોવાથી લૂંટ નિષ્ફળ બની છે. રાજકોટના બાળરોગ નિષ્ણાંત ડૉ.જયેશ ભૂતનો મૃતદેહ મળ્યો. ડેમમાંથી મૃતદેહ મળતા ચકચાર મચી. હત્યા, આત્મહત્યા કે પછી અકસ્માત મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે.
છત્તીસગઢના નારાયણપુર-દંતેવાડા બોર્ડર પર નકસલવાદીઓ અને પોલીસ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા નક્સલવાદીઓની સંખ્યા હવે વધીને 32 થઈ ગઈ છે. હાલ પોલીસ કર્મીઓ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. આવી સ્થિતિમાં મૃત્યુઆંક વધુ વધી શકે છે.
ગાંધીનગર જિલ્લાના શાહપુર ગામના બ્રિજ નીચે સાબરમતી નદીમાં મધ્યરાત્રીએ ગેરકાયદે રેતી ખનન કરવામાં આવતુ હોવાની વિગતોને આધારે, ગાંધીનગર ભૂસ્તર વિભાગના અધિકારી-કર્મચારીઓએ દરોડા પાડ્યા હતા. દરોડના પગલે, રેતી ખનન કરતા બે લોડર મશીન અને 2 ડમ્પર મુકીને ચાલકો અંધારાનો લાભ લઈને ભાગી છુટ્યા હતા. ભૂસ્તર વિભાગના અધિકારીઓએ જપ્ત કરેલ ડમ્પર અને લોડર મશીન ઉપર રજીસ્ટ્રેશન નંબર નહોતો. ડભોડા પોલીસ સ્ટેશન ખાતે જપ્ત કરેલ રજીસ્ટ્રેશન નંબર વિનાના લોડર અને ડમ્પરની કિંમત આશરે 80 લાખની થાય છે.
રૂપિયા 3 કરોડની છેતરપિંડીના કેસમાં આગોતરા જામીન અરજી કરનાર વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી હાંકી કઢાયેલા માધવપ્રિયદાસજી સ્વામીને કોર્ટનો ઝટકો લાગ્યો છે. રાજકોટ સેશન્સ કોર્ટે, માધવપ્રિયદાસજી સ્વામીની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં રૂપિયા 3 કરોડની છેતરપિંડી અંગે નોંધાયો છે ગુનો.
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સિંધુ ભવન ખાતે આવેલ મલ્ટીલેવલ પાર્કિંગમાં વાહન પાર્ક કરતા વાહનધારકને સુવિધા આપવા માટે ફિડર બસ સેવા શરુ કરાશે. સિંધુભવન મલ્ટીલેવલ પાર્કિગથી એસ જી હાઈવે પર 2થી 3 કિલોમીટરના વિસ્તારમાં શોપિંગ માટે જઈ શકે તેવી વ્યવસ્થા કરાશે. મલ્ટી લેવલ પાર્કિંગમાં 599 ફોર વહીલર અને 450 ટુ વહીલર પાર્ક થઈ શકે એટલી ક્ષમતા છે. મલ્ટી લેવલ પાર્કિંગનું ટોકન બતાવી મુસાફરોને વળતર આપવામાં આવશે. પ્રારંભિક તબક્કામાં સિંધુ ભવનના માર્ગ ઉપર દોડશે ફીડર એસી બસ. બીજા તબક્કામાં પ્રહલાદનગર મલ્ટીલેવલ પાર્કિંગથી સુવિધા શરૂ કરાશે. ફીડર બસથી લોકો મેટ્રો અને BRTS સુધી પહોચી શકશે.
કચ્છ જિલ્લાના સામત્રા ગામ નજીકના ચાડવા રખાલ વિસ્તારમાં કેરેકલ (હેણોતરો) બ્રીડીંગ એન્ડ કન્ઝર્વેશન સેન્ટર વિકસાવવા રાજ્ય સરકાર 10 કરોડ રૂપિયા ફાળવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના માંડવીમાં શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરીયલ ખાતે આયોજીત એક સમારોહમાં આ જાહેરાત કરી હતી. સમગ્ર દેશમાં અતિ દુર્લભ તથા ગુજરાતમાં માત્ર કચ્છ જિલ્લામાં જ જોવા મળતા કેરેકલ (હેણોતરો) ના લાંબા ગાળાના સંરક્ષણ અને સંવર્ધન માટે આ વિસ્તારને કેરેકલ પ્રજનન અને સંરક્ષણ વિસ્તાર તરીકે વ્યવસ્થાપિત કરવામાં આવશે.
જયપુર એરપોર્ટ એડમિનિસ્ટ્રેશનને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી છે. એસએચઓ સંદીપ બસેરાએ કહ્યું કે, સીઆઈએસએફને મેલ દ્વારા એક ધમકી મળી છે, જેને તમામ ભારતીય એરપોર્ટને ટેગ કરવામાં આવી છે. આ એક પરોક્ષ પ્રકારની ધમકી છે અને સીધી બોમ્બની ધમકી નથી. CISF અને ટીમ દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.
વ્યારા રેલવે સ્ટેશન પાસે ગુડઝ ટ્રેનનો ડબ્બો ખડી પડ્યો. પ્લેટફોર્મ નંબર 1 પરથી ટ્રેનને મેઇન લાઇન પર લઇ જતી વખતે બની ઘટના. ઘટનાને પગલે રેલ વ્યવહાર ખોરવાયો. રેલવે વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઇ છે.
ગુજરાતની તમામ આરટીઓ અને એઆરટીઓ કચેરીમાં, ટેકનિકલ ખામીને કારણે આવતીકાલ 5 ઓક્ટોબરને શનિવારના રોજ ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક પર ટેસ્ટ લેવામાં નહીં આવે. જેમની એપોઈન્ટમેન્ટ 5 ઓક્ટોબરના રોજ છે તેમની એપોઈન્ટમેન્ટ અન્ય દિવસે રિશેડ્યુઅલ કરવામાં આવશે.
છત્તીસગઢના નક્સલ પ્રભાવિત નારાયણપુર અને દંતેવાડા જિલ્લામાં સુરક્ષા દળોએ 7 નક્સલવાદીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
હવે હેલ્મેટ વગર નીકળ્યા તો આકરો દંડ ભરવાની સાથેસાથે લાયસન્સ રદ થવા અને સરકારી કર્મચારી સામે ખાતાકીય તપાસ સહિત નોકરી આનુષાંગિક બાબતોમાં તકલીફ પડી શકે છે. ગુજરાત હાઇકોર્ટમાં કામ કરતા તમામ સ્ટાફ માટે હેલ્મેટ ફરજિયાત બનાવવા અંગે સર્ક્યુલર બહાર પાડવા અંગે ચીફ જસ્ટિસની વિચારણા છે. હાઇકોર્ટમાં કામ કરતા તમામ સ્ટાફ માટે હેલ્મેટ ફરજિયાત રહેશે. વિના હેલ્મેટ મુસાફરી કરનાર હાઇકોર્ટ સ્ટાફને દંડ થયો તો હાઇકોર્ટ પણ કરશે કાર્યવાહી. રાજ્ય સરકાર પણ સરકારી કર્મચારીઓ અને સરકારના તાબામાં આવતા કર્મચારીઓ અને અધિકારીઓ માટે પણ સરકાર સૂચના જાહેર કરશે તેવું એડવોકેટ જનરલનું કોર્ટમાં નિવેદન.
વડોદરામાં એસઓજીએ, હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગરેટનું વેચાણ કરતા દુકાનદાર સામે કાર્યવાહી કરી છે. એસઓજીએ, દુકાન માલિક પાસેથી 53 હજારની કિંમતની સિગરેટ અને હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગરેટ જપ્ત કરી છે. સન ફાર્મા રોડ પર જનરલ સ્ટોરમાંથી 53,500 ની કિંમતની હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગરેટ જપ્ત કરી વેપારી સામે ગુનો નોંધ્યો છે. નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પાનના ગલ્લા તથા અન્ય વિક્રેતાઓને ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી. એસઓજીએ દુકાન માલિક સામે સિગરેટ એન્ડ ટોબેકો પ્રોડક્ટ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના પાલડીની નિર્મલા નિકેતન પ્રાથમિક શાળાને જિલ્લા શિક્ષણાધિકારીએ દસ હજારનો દંડ ફટકારતી નોટીસ પાઠવી છે. દર વર્ષે શાળાઓએ ફિ મુદ્દે એફિડેવિટ કરવાની હોય છે. જે નિર્મલા નિકેતન પ્રાથમિક શાળાએ કરી નહોતી. FRC એકટના ભંગ બદલ શાળા સામે કાર્યવાહી કરતા જિલ્લા શિક્ષણાધિકારીએ દસ હજારનો દંડ વસૂલવા નોટિસ ફટકારી છે.
સુરતના માંગરોળ તાલુકાના તરસાડી ગામે એક બિલ્ડિંગની ગેલેરીનો સ્લેબ ધરાશાઈ થવાથી એક વિદ્યાર્થીનુ મોત થયું છે. ત્રણ વિદ્યાર્થીઓ સ્કૂલ પરથી પરત આવી રહ્યા હતા તે દરમિયાન ગેલેરીનો સ્લેબ ધરાશાઈ થયો હતો. ત્રણ પૈકી એકને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે એક વિદ્યાર્થીની અને એક વિદ્યાર્થી ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ભરૂચના અંકલેશ્વરના એશિયાડ નગર નજીક કન્સ્ટ્રક્શન સાઇટ પર લિફ્ટની ટ્રોલી તુટીને 9 વર્ષની બાળકી પર પડતા તેનુ મોત નિપજ્યું છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર લિફ્ટની નીચે પાણી પી રહેલ 9 વર્ષની બાળકી પર લિફ્ટની ટ્રોલી પડી હતી.
પંચમહાલ: શહેરા -લુણાવાડા હાઈવે માર્ગ પર કારમાં આગ લાગી છે. મરડેશ્વર મંદિર નજીક પેટ્રોલ પંપ પાસે કારમાં આગ લાગતા દોડધામ મચી છે. કારચાલક સહિત બે લોકો સમયસર કારમાંથી ઉતરી જતા આબાદ બચાવ થયો છે. શહેરા ફાયર વિભાગના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો છે.
બોલીવુડ અભિનેતા ગોવિંદાને આજે હોસ્પિટલમાંથી રજા મળી. થોડા દિવસો અગાઉ ગોવિંદાને પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી ગોળી વાગતાં પગમાં ઈજા પહોંચી હતી. ત્યારબાદ મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલી ક્રિટી કેર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ ડોક્ટરોએ તેના પગમાંથી ગોળી કાઢી નાખી. ત્યારે આજે અભિનેતાની સ્થિતિમાં ઘણો સુધારો થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
મહારાષ્ટ્ર : ડેપ્યુટી સ્પીકર નરહરી ઝીરવાલ મંત્રાલયની બિલ્ડિંગ પરથી કૂદ્યા. નરહરી ઝીરવાલ ત્રીજા માળેથી ઝંપલાવ્યા બાદ જાળી પર અટક્યા. ધનગર સમાજને ST ક્વોટામાંથી અનામત આપવાના વિરોધમાં આ પગલું ભર્યું. પોલીસ અને સુરક્ષાકર્મીઓએ નરહરી ઝીરવાલને જાળી પરથી નીચે ઉતાર્યા છે. CM એકનાથ શિંદે સાથે નરહરીની ચર્ચા નિષ્ફળ રહી હતી. આદિવાસી સમાજના ધારાસભ્યોનો પણ મંત્રાલય પર વિરોધ જોવા મળી રહ્યો છે.
સોમનાથ મંદિર પાસે મેગા ડિમોલિશનનો મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હાઇકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાંથી પણ અરજદારને મોટો ઝટકો મળ્યો છે. સોમનાથમાં બુલડોઝર કાર્યવાહી પર રોક લગાવવા સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો છે. જાહેર દબાણો પર બુલડોઝર ફેરવવા પર કોઇ રોક નથી. અવમાનના થયેલી જણાશે તો અમે પુન:સ્થાપિત કરવાનો આદેશ આપીશું. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના સંબંધિત અધિકારીઓને નોટિસ ફટકારી છે. ગીર સોમનાથના કલેક્ટર તેમજ અન્ય અધિકારીઓ પાસેથી જવાબ માગ્યો છે.
ગાંધીનગર: ADC બેંકની સ્થાપનાની 100 વર્ષની ઉજવણી કરવામાં આવી. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની ઉપસ્થિતિમાં સમારોહ યોજાયો. મહાત્મા મંદિર ખાતે સમારોહનું આયોજન કરવામાં આવ્યુ. CM ભૂપેન્દ્ર પટેલ અને સહકારી મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિ જોવા મળી. સમારોહમાં સહકારી ક્ષેત્રના અગ્રણીઓ પણ ઉપસ્થિત હતા.
આણંદ: વિદ્યાનગરમાં પ્રથમ નોરતે જ આગની ઘટના બની છે. યુવક મંડળના ગ્રાઉન્ડના પ્રવેશ ગેટ પાસે ફોટોબુથમાં આગ લાગી છે. ફાયર NOC વગર ગરબાનું આયોજન કર્યાનો આક્ષેપ છે. સ્થાનિક રાજનેતાના આયોજન સામે તંત્ર પાંગળું હોવાનો પણ આક્ષેપ છે. ગરબાના અનેક મોટા આયોજનમાં ફાયરના નિયમો નેવે મુકાયાના આરોપ છે. કેટલા ગરબા આયોજકોને આ રીતે મંજૂરી અપાઈ તે મોટો સવાલ છે.
ગાંધીનગર: અમિત શાહના હસ્તે હીરામણિ હોસ્પિટલનું લોકાર્પણ થયુ છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે હોસ્પિટલનું લોકાર્પણ કર્યું. અડાલજ નજીક હીરામણિ આરોગ્યધામ બનાવાયું છે. જનસહાયક ટ્રસ્ટ દ્વારા 50 કરોડના ખર્ચે હોસ્પિટલ બનાવાયુ છે. અમિત શાહે અડાલજ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં હાજરી આપી. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને મંત્રી પરિમલ નથવાણી હાજર રહ્યા હતા.
નવસારીમાં રમઝટ ગ્રુપ દ્વારા આયોજિત ગરબામાં બબાલ થઇ છે. એસી ડોમ ગરબામાં આયોજકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયુ છે. પોલીસ કર્મચારીઓને તપાસ માટે પ્રવેશવા ન દેતા બબાલ થઇ છે.
બાઉન્સરોએ ગરબા આયોજનમાં પ્રવેશ ન આપ્યો હોવાનો આરોપ છે. બાઉન્સરો પર પોલીસ કર્મચારીઓને ધક્કે ચડાવવાનો આરોપ છે.
રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. શહેરમાં 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત થયુ છે. મવડીના પંચશીલ નગરની મહિલાનું બીમારી બાત મોત થયુ છે. રાજકોટમાં સતત રોગચાળો વકરી રહ્યો છે.
વડોદરામાં જો તમે ગરબે ઘુમવા માંગતા હોવ તો પહેલા કપાળમાં તિલક કરવું પડશે. વડોદરામાં સનાતન ધર્મને મહત્વ આપતા આ નિર્ણય લેવાયો છે. નવરાત્રીમાં ગરબા રમવા આવતા તમામ ખેલૈયાઓના કપાળ પર તિલક ફરજીયાત લગાવવાનો નિર્ણય કરાયો છે. જો કપાળ પર તિલક નહીં હોય તો ગરબા ગ્રાઉન્ડમાં નહીં અપાય પ્રવેશ. ‘નો તિલક નો પ્રવેશ’ના સૂત્ર સાથે હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે ખેલૈયાઓએ પણ સંચાલકોના આ નિર્ણયને આવકાર્યો છે.
કચ્છના ભૂજના સંજોગ નગરમાં એક યુવાનની હત્યા થઇ છે. ઇમામ ચોક પાસે છરી વડે યુવક પર હુમલો કરતા તેનું મોત થયુ છે. પૈસાની લેતીદેતી મામલે યુવક પર હુમલો કર્યો હતો. ભુજ એ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ. અમિત શાહના હસ્તે રાજ્યના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાશે. સવારે 10 વાગ્યે અમિત શાહ ગાંધીનગરમાં હીરામણી આરોગ્યધામ ડે કેર હોસ્પિટલનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ સવારે 11 વાગ્યે મહાત્મા મંદિર ખાતે ADC બેંકની સ્થાપનાના 100 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે 12:20 કલાકે ગાંધીનગર મનપાના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. ત્યાર બાદ બપોરે 3:15 કલાકે માણસામાં ચંદ્રાસર તળાવનું લોકાર્પણ અમિત શાહના હસ્તે કરાશે.
અમરેલીઃ ધારીના વાઘાપરા વિસ્તારમાં જૂથ અથડામણ થઇ. જૂની અદાવતમાં એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે અથડામણમાં 6 ઈજાગ્રસ્ત થયા. જેમની ધારી સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ગંભીર ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે અમરેલી સિવિલ ખસેડાયા છે. જૂથ અથડામણ મુદ્દે ધારી પોલીસે તપાસ શરૂ કરી છે.
Published On - 7:27 am, Fri, 4 October 24