ઈરાન ફરી એકવાર ઈઝરાયેલ પર ભીષણ હુમલાની તૈયારી કરી રહ્યુ છે. ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા ખામેનેઈએ કહ્યું કે, અમે ઈઝરાયેલને જડબાતોડ જવાબ આપીશું. અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે 6.80 કરોડ મતદારોએ મતદાન કર્યું. તો કમલા હેરિસે ટ્રમ્પ પર તાક્યું નિશાન, કહ્યું ટ્રમ્પ આવશે તો મંદી-મોંઘવારી લાવશે. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો. શ્રીનગરમાં પ્રવાસન સ્વાગત કેન્દ્ર નજીક ગ્રેનેડ વિસ્ફોટમાં 12 નાગરિકો ઘાયલ થયા છે. હુમલાખોરોને પકડવા સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ. ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ચૂંટણી ઢંઢરો કર્યો જાહેર. ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું, જો ભાજપ ઝારખંડમાં સત્તામાં આવી તો રાજ્યમાં UCC લાગુ કરશે.. ભાવનગરમાં કથળી કાયદો વ્યવસ્થાની સ્થિતિ. 12 કલાકમાં જીવલેણ હુમલાની 2 ઘટનાને અંજામ. તો દિવાળીની રાત્રે ખેલાયેલા ખુની ખેલમાં ઝડપાયા આરોપીઓ. સોમનાથના પ્રતિબંધિત દરિયાકાંઠે પ્રવાસીઓનું જોખમી સ્નાન. તંત્રની સૂચનાનું ધરાર ઉલ્લંઘન. સિક્યોરિટી સિસ્ટમ સામે સર્જાયા સવાલ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, કેનેડામાં મંદિર પર થયેલા હુમલા અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમએ કહ્યું કે કેનેડામાં હિંદુ મંદિર પર ઈરાદાપૂર્વક કરવામાં આવેલા હુમલાની હું સખત નિંદા કરું છું. આપણા રાજદ્વારીઓને ડરાવવાના કાયર પ્રયાસો પણ એટલા જ ભયાનક છે. હિંસાનાં આવાં કૃત્યો ભારતના સંકલ્પને ક્યારેય નબળો પાડશે નહીં. અમને આશા છે કે કેનેડાની સરકાર ન્યાય સુનિશ્ચિત કરશે અને કાયદાનું શાસન જાળવી રાખશે.
I strongly condemn the deliberate attack on a Hindu temple in Canada. Equally appalling are the cowardly attempts to intimidate our diplomats. Such acts of violence will never weaken India’s resolve. We expect the Canadian government to ensure justice and uphold the rule of law.
— Narendra Modi (@narendramodi) November 4, 2024
ગાંધીનગરના પેથાપુર પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. ગર્ભવતી કુંવારી કન્યાએ બાળકને જન્મ આપતા ભાંડો ફૂટ્યો હતો. એક જ ગામના યુવક યુવતી છેલ્લા અઢી વર્ષથી એક બીજાના સંપર્કમાં હતા. યુવતીએ પ્રેમી વિરુદ્ધ પેથાપુર પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધીને આરોપીને ગોતવા ચક્રો ગતિમાન કર્યા છે.
મહેસાણાના વિસનગરના કમાણામાં જૂથ અથડામણ થવા પામી છે. પથ્થરમારો કરી રહેલા ટોળાને વિખેરવા માટે પોલીસે ટિયરગેસના સેલ છોડ્યા છે. આ જૂથ અથડામણ અંગે સામે આવેલ વિગતો અનુસાર, વાહનના હોર્ન વગાડવાના મુદ્દે બે જૂથ વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. હિંસા પર ઉતરેલા ટોળાએ, એક બાઈકમાં તોડફોડ કરી હતી. જ્યારે રામજી મંદિરની વાડીમાં તોડફોડ કરાઈ હતી. પંચાયતના નળ પણ તોડી નાખવામાં આવ્યા છે. 3 જેટલા વ્યક્તિઓ ને ઈજા પહોચતા તેમને, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. વિસનગર ડીવાયએસપી સહિત વિસનગર તાલુકા પોલીસ તાકીદે ઘટના સ્થળે પહોચીને 7 લોકોને રાઉન્ડ અપ કરીને મામલાને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
નવસારીના ચીખલીમાં ઊંચા વળતરની લાલચ આપીને 100 થી વધુ રોકાણકારો સાથે રૂપિયા 5 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. 2021 થી નિધી લિમિટેડ કંપની બનાવવાની લાલચ આપીને, 5 કરોડથી વધુની રકમ ચાઉ કરી ગયાની ફરિયાદ પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાઈ છે. પોલીસે એક જ પરિવારના ત્રણ મળી કુલ પાંચ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ચીખલી પોલીસે GPID એક મુજબ ગુનો નોંધી પાંચની શોધખોળ શરૂ કરી છે.
આગ્રામાં આર્મીનું મિગ-29 ફાઈટર પ્લેન ક્રેશ થયું છે. સેનાનું ફાઈટર પ્લેન કેવી રીતે દુર્ઘટનાગ્રસ્ત થયું તે અંગે હજુ સ્થિતિ સ્પષ્ટ થઈ નથી. રાહતની વાત એ હતી કે પ્લેન ઉડાડતા બંને પાઈલટે જમીન પર પટકાય તે પહેલા જ કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.
કચ્છના રાપરના શક્તિનગર ગેડી પાસે નર્મદા કેનાલમા ડૂબી જવાથી 2ના મોત થયા છે, જ્યારે અન્ય 2 લાપત્તા થયેલાની શોધખોળ હાથ ધરી છે. કેનાલમા બે બાળકો પડ્યા બાદ તેમને શોધવા પડેલા અન્ય બે લોકોના મૃતદેહ મળ્યા છે. હજુ અન્ય બે લોકો કેનાલમા લાપતા હોવાનું કહેવાય છે. પરપ્રાંતિય મજૂરો કપાસના ખેતરમાં મજૂરી અર્થે આવેલા હતા. કેનાલમાં લાપત્તા બે લોકોની શોધખોળ સ્થાનિક તરવૈયા અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા કરવામાં આવી રહી છે.
ગુજરાતમાંથી લોકોને ગેરકાયદે વિદેશ મોકલનાર એજન્ટ પોલીસેને હાથ લાગ્યો છે. કબૂતરબાજીના કેસમાં 22 મહિના બાદ વારાણસીથી ઝડપાયેલ પંકજ ઉર્ફે પીકે પાસેથી પોલીસે ગુપ્ત ડાયરી જપ્ત કરી છે. આ ડાયરીમાં કોને, કોની મદદથી, કેટલા રૂપિયામાં, કયા દેશમાં મોકલ્યા તેની સિલસિલાબંધ વિગતો હોવાનું સામે આવ્યુ છે. સ્ટેટ મોનિટરીંગ સેલ, આ ગુપ્ત ડાયરીનું FSL ની મદદથી પૃથ્થકરણ કરશે. રિમાન્ડ દરમ્યાન અન્ય એજન્ટો અને લોકોને ગેરકાયદે વિદેશ મોકલવાના નેટવર્ક અંગે ખુલાસા થઈ શકે છે.
મોરબીમાં હળવદ પોલીસે, SRP ના Dy SPને નશાની હાલતમાં પકડી પાડ્યા છે. એસ એસ બામણીયા નામના Dy SP ની ધરપકડ હળવદ પોલીસે ધરપકડ કરી છે. કચ્છના ભચાઉ SRP ગ્રુપમાં Dy SP તરીકે ફરજ બજાવે છે એસ એસ બામણીયા. પોલીસે તલાશી લેતા Dy SP એસ એસ બામણીયા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. તેમની પાસેથી ચાર બોટલ દેશી દારૂ અને એક બોટલ ખાલી મળી આવતા હલવદ પોલીસે તે કબજે કરી હતી. હળવદ પોલીસે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલી: કારમાં ગૂંગળાઇ જવાથી 4 બાળકોના મોત થયા છે. રાંઢીયા ગામ પાસે વાડી વિસ્તારમાં રમતા-રમતા બાળકો કારમાં બેસી ગયા હતા. કારમાં લોક થઇ જતા ગૂંગળાઇ જવાથી બાળકોના મોત થયા છે. મધ્યપ્રદેશના એક જ પરિવારના 4 બાળકોના મોત થયા. 2 બાળક અને 2 બાળકીઓના મોતથી માતમ ફેલાઇ ગયો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાજ્યના બોર્ડ, નિગમ, આયોગમાં ભરતીનો દોર શરૂ થયો છે. વધુ એક નિગમમાં નિમણૂંક કરવામાં આવી. નાણાંપંચના અધ્યક્ષ તરીકે યમલ વ્યાસની પસંદગી કરવામાં આવી. ભાજપના પ્રવક્તા તરીકે યમલ વ્યાસ કાર્યરત હતા. અગાઉ મહિલા અને બાળ આયોગમાં નિમણૂંક કરાઈ હતી
બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનો રંગ જામ્યો છે. ભાજપ કોંગ્રેસ અને અપક્ષ ત્રણેય વચ્ચે ચૂંટણીનો મુકાબલો છે, ત્યારે અપક્ષ ઉમેદવાર માવજી પટેલના મેદાનમાં ઉતરવાથી ભાજપ અને કોંગ્રેસને મતોમાં નુકસાન થાય તેવી સ્થિતિ છે. ત્યારે, માવજી પટેલે ભાજપ અને કોંગ્રેસ સામે આકરા પ્રહારો કર્યા. તેમણે આકોલી ખાતે આયોજિત જાહેર સભામાં ભાજપ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે મારી ઉમેદવારીથી રાજ્યના મુખ્યપ્રધાનને પણ અહીં સભા સંબોધવા આવવું પડે છે અને મેં એમને મજબૂર કરી દીધા છે.
અમદાવાદ: આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયમાં ચોરીની ઘટના સામે આવી છે. ચોરીની ઘટના અંગે આપના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ પ્રહાર કર્યા છે. તેમણે કહ્યુ કે કાર્યાલયમાં સોના-ચાંદીના દાગીના તો હોતા નથી, જેથી ઉદ્દેશ્ય સ્પષ્ટ છે. પાર્ટીની રણનીતિ અને આવનારા કાર્યક્રમો સહિતના મહત્વના દસ્તાવેજો હતા. પાર્ટીના મહત્વના દસ્તાવેજોની ચોરી થઈ હોવાની સંભાવના છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીને લઇને આગાહી કરી છે. રાજ્યમાં 22 નવેમ્બર પછી ઠંડીનું પ્રમાણ વધશે. 22 નવેમ્બર સુધી તાપમાન સામાન્ય રહેશે. 22 નવેમ્બર સુધી ગરમી સહન કરવી પડશે.
હિમાલયના પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા છે.
ઉત્તરાખંડના અલ્મોડામાં સોમવારે એક મોટો અકસ્માત થયો. એક પેસેન્જર બસ ખાડામાં પડી હતી. આ દુર્ઘટનામાં 36 મુસાફરોના મોત થયા અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા. માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્ય ચાલુ છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં 40 થી વધુ લોકો મુસાફરી કરી રહ્યા હતા.
કેનેડામાં હિંદુ મંદિર પર ફરી હુમલો થયો. ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ હિન્દુ શ્રદ્ધાળુઓને માર્યો માર. કેનેડામાં હિંદુ સભા મંદિરમાં ખાલિસ્તાનીઓએ લાકડીઓથી શ્રદ્ધાળુઓ પર હુમલો કર્યો. ઘટના પછી વિસ્તારમાં તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. પોલીસ સુરક્ષા વધારવામાં આવી.
સુરત: સતત બે દિવસથી ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ધસારો જોવા મળી રહ્યો છે. છઠ્ઠ પૂજાને લઈ વતન જતા પરપ્રાંતિયોની ભારે ભીડ જોવા મળી રહી છે. મુસાફરોને ટ્રેનમાં બેસાડવા માટે સ્થાનિક પોલીસે વ્યવસ્થા કરી. અઈચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસની ટીમ સ્ટેન્ડ બાય છે. મુસાફરો સમયસર પોતાની ટ્રેન પકડી શકે એ માટે ખાસ તૈયારી કરવામાં આવી છે. કોઈપણ દુર્ઘટના ન સર્જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
ભાવનગર: શિશુવિહાર સર્કલ પાસે અસામાજિક તત્વો બેફામ બન્યા છે. સામાન્ય બાબતે 3 લોકો પર જીવલેણ હુમલો કર્યો. સામું કેમ જોવે છે તેવું કહીને છરીથી હુમલો કરાયો. પિતા-પુત્ર સહિત 3 લોકો ઇજાગ્રસ્ત થયા.
કચ્છ જિલ્લાના માંડવીના દરિયામાં ડૂબી જવાથી પિતા પુત્રના મોત થયા છે. દરિયામાં ન્હાવા ગયા તે સમયે બનાવ બન્યો. મૃતદેહ પીએમ માટે ખસેડાયા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Published On - 7:50 am, Mon, 4 November 24