આજે 03 જુલાઇને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
જેતપર ખાતે ચાલતા ખેડૂત ઉપવાસ આંદોલન અંગે કમિટી મેમ્બરોએ આજે સરકારે જાહેર કરેલ વીજપોલ નીતિ અંગે નિર્ણય કર્યો છે કે, સરકાર દ્વારા સત્તાવાર પત્ર મળ્યા બાદ તેનો વિગતવાર અભ્યાસ કર્યા પછી આંદોલન સમેટવાનો નિર્ણય લેવામાં આવશે. હાલમાં ખેડૂત આંદોલન ચાલુ જ છે.
ગુજરાતની ઉપર અને આસપાસમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમને પગલે, રાજ્યમાં સવારથી જ લગભગ દરેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં સવારના 6થી રાતના 8 વાગ્યા સુધીમાં 156 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માંગરોળમાં 19 ઈંચ વરસાદ નોંધાયો છે તો માળીયા મિયાણામાં 14 ઈંચ અને ડાંગના વઘાઈમાં 13.31 ઈંચ વરસાદ ખાબક્યો છે.
સુરતના અંબિકામાં તેર ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ડાંગના સુબિરમાં 12 ઈંચ, જૂનાગઢના મેંદરડામાં સાડા બાર ઈંચ વરસાદ નોંધાયો છે.
પ્રેમસંબંધ બાદ હત્યા કેસમાં ગુજરાત હાઈકોર્ટનો કડક અભિગમ પ્રેમીને મોતને ઘાટ ઉતારનાર પ્રેમિકાને જામીન આપવા હાઈકોર્ટનો ઇનકાર. કોર્ટે કહ્યું આરોપીની સક્રિય ભૂમિકા અને પુરાવા સાથે ચેડાંની આશંકા ગંભીર. CCTV, મોબાઇલ અને અન્ય પુરાવાને ધ્યાનમાં રાખી જામીન અરજી ફગાવી. વર્ષ 2024 માં સુરેન્દ્રનગરમાં નાની મોલડી સ્ટેશનમાં નોંધાયો હતો ગુનો. પ્રેમિકાનો સમગ્ર ખર્ચ મૃતક પ્રેમી ઉઠાવતો હતો. પ્રેમિકાની સગાઈ થઈ જતા પ્રેમી દ્વારા તમામ ખર્ચના રૂપિયા પરત માંગતા કરાઈ હતી હત્યા. 20 વર્ષીય આરોપી ધારા ગોસ્વામીને રહેવું પડશે જેલમાં.
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના લાઠ ગામે આભ ફાટ્યું. લાઠ ગામમાં બે કલાકમાં 7 ઇંચ વરસાદ વરસતા ગામ બેટમાં ફેરવાયું. ભારે વરસાદને કારણે ઉપલેટાથી લાઠ ભીમોરા મજેઠી તરફ જતા રસ્તાઓનું થયું ધોવાણ. ઉપલેટા થી લાઠ તરફ જતા તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. ભારે વરસાદને કારણે લાઠ ગામ થયું સંપર્ક વિહોણું. ઉપલેટા થી લાઠ તરફ જતા રસ્તાઓનું કામ ચાલુ હોવાને લઈને અપાયેલા ડાઈવવર્ઝનનું ધોવાણ થયું. ડાઈવવર્ઝનનુ ધોવાણ થતાં વાહન વ્યવહારને અસર. ઉપલેટાથી લાઠ ભીમોરા મજેઠી તરફ. આવા જવામાં વાહન ચાલકોને હાલાકી.
ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે ખાપરી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ખાપરી નદીના કાંઠે 41 જેટલા મજૂરોને પાણીમાં ફસાયા હતા. જિલ્લા વહીવટી તંત્રને જાણ ની સાથે જ તમામ 41 જેટલા મજૂર ને સહી સલામત રેસ્ક્યુ કરાયા. ખાપરી નદીના કાંઠે આવેલ નીલશાક્ય ગામ ખાતે ડેમની કામગીરી કરતા મજૂર ફસાયા હતા. મજુર ફસાયાની ઘટનાની જાણ થતાની સાથે જ જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન અંતર્ગત પૂર્વ ફસાયેલા તમામ મજૂરોને કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. રેસ્ક્યું કરાયેલા તમામ મજૂરોને હનુમાનજીના મંદિરે ખસેડવામાં આવ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા તમામ રેસ્ક્યૂ કરાયેલા મજૂરોને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
ગુજરાતની ઉપર અને આસપાસમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમને પગલે, રાજ્યમાં સવારથી જ લગભગ દરેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ ડાંગ જિલ્લાના વઘાઈમાં સવા તેર ઈંચ વરસાદ વરસ્યો છે. સુરતના અંબિકામાં સાડા બાર ઈંચ વરસાદ નોંધાયો છે. ડાંગના સુબિરમાં 11. 81 ઈંચ, જૂનાગઢના માળિયા મીયાણામાં 11. 65 ઈંચ, માંગરોળમાં 11. 61 ઈંચ વરસાદ નોંધાયો છે.
સમગ્ર સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કામરેજ ચાર રસ્તા નજીક નેશનલ હાઇવે 48 નો સર્વિસ રોડ નદીના પ્રવાહમાં ફેરવાયો છે. કમર સુધીના પાણી ભરાતા સર્વિસ રોડ બ્લોક થયો. વરસાદી પાણીના નિકાલ માટે લાખોનો ખર્ચ તંત્ર દ્વારા કરાયો છે. લાખોનો ખર્ચ છતાં પરિસ્થિત ઠેરની ઠેર. દર વર્ષે આ સર્વિસ રોડ પર પાણી ભરાય છે છતાં તંત્ર નિદ્રામાં. વિધાર્થીઓ એક બીજાનો હાથ પકડી માનવ સાંકળ બનાવી સર્વિસ રોડ પર ચાલતા નજરે પડ્યા.
બનાસકાંઠામાં NDPSના કેસમાં પાલનપુર કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો. NDPS ના કેસમાં કોર્ટે બે આરોપીઓને ફટકારી 20 વર્ષ કેદની સજા. 256.890 ગ્રામ હેરોઇન સાથે ઝડપાયેલા આરોપી પરેશ ભરતભાઈ ઠાકોર અને મનોજગર મુકનગર ગૌસ્વામીને કોર્ટે ફટકારી સજા. ધાનેરા વિસ્તારમાંથી હેરોઇનની રીક્ષામાં હેરાફેરી કરતા SOG પોલીસને હાથે ઝડપાયા હતા બે શખ્સ. કોર્ટે બંને આરોપીઓને 20 વર્ષ કેદ સાથે 2-2 લાખ રૂપિયાના દંડની ફટકારી સજા.
રાજકોટના ધોરાજીમાં ધોધમાર વરસાદને કારણે નદીનાળાઓમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થવા પામી છે. ધોરાજી પાસેથી પસાર થતી સફૂરા નદીમાં પણ પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ છે. ભારે પ્રમાણમાં પાણીના પ્રવાહને કારણે નદી બે કાંઠે વહેતી થઈ. નદીમાં અચાનક પાણી આવી જતા ત્રણ ભેંસ પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ.
ગાંધીનગરમાં યુવક યુવતી કઢંગી હાલતમાં ઝડપાયા છે. મુસ્લિમ છોકરો અને હિન્દુ યુવતી કઢંગી અવસ્થામાં પકડાતા હોબાળો મચ્યો છે. બિઝનેસ પાર્કનાં બેઝમેન્ટમાં સ્થાનિક વ્યક્તિએ બંનેને પકડ્યા. ઘટના અંગે પોલીસને જાણ કરાતાં ઇન્ફોસિટી પોલીસ સ્ટેશને બંનેને લઇ જવાયા. ઘટનાની જાણ થતા જ હિંદુ સંગઠનો પોલીસ સ્ટેશને પહોંચતા મામલો ગરમાયો, પોલીસ તપાસ શરુ. PDPU રોડ પર આવેલા એપાર્ટમેન્ટનાં બેઝમેન્ટમાં કારમાં હતાં યુવક યુવતી.
હિંદુ સંગઠનોએ મેડિકલ તપાસ અને હિંદુ યુવતીઓનાં શોષણ અંગેનાં કર્યા આક્ષેપ. પ્રશાસન આ મામલે યોગ્ય કાર્યવાહી કરે એવી હિંદુ સંગઠનની માંગ.
અમદાવાદમાં આવેલ ભદ્ર કોર્ટનો આસિસ્ટન્ટ ક્લાર્ક 10 હજારની લાંચ લેતા પકડાયો. કલાર્ક અશોક પટેલને એસીબી એ 10 હજારની લાંચ લેતા પકડી પાડ્યો. કોર્ટ કેસમાં ફરિયાદીની તરફેણમાં નિર્ણય આપવા માંગી હતી લાંચ.
નારણપુરાના ધરતી સર્કલ નજીકથી લાંચ લેતા પકડાયો.
ગુજરાત ATSએ મધ્યપ્રદેશમાં મોટી કાર્યવાહી હાથ ધરીને, પ્રતિબંધિત જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીઓને ઝડપી પાડ્યા છે. ગુજરાતમાં આતંકી નેટવર્ક ઉભું કરવાના કાવતરાનો ખુલાસો કરવામાં આવ્યો છે. પકડાયેલા આતંકીઓ પ્રતિબંધિત Jaish-e-Mohammed માટે સક્રિય રીતે કામ કરતા હોવાનો ખુલાસો થયો છે. બનાસકાંઠા, પાટણ, નવસારી અને દેવાસથી આતંકીઓ ઝડપાયા. પકડાયેલા આંતકીઓ પાસેથી મહત્વના દસ્તાવેજ મળી આવ્યા છે.
રાજ્યમાં સ્લીપર સેલ અને નેટવર્ક અંગે ATSએ તપાસ શરૂ કરી છે. પકડાયેલા તમામ આંતકીને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી.
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા અંગેની વિશેષ ઝુંબેશ દરમિયાન ત્રણ દિવસમાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા પાંચ એકમોને સીલ કરી દીધા છે. તપાસ દરમિયાન અખાદ્ય અને વાસી ખોરાક તેમજ સ્વચ્છતાનો ગંભીર અભાવ સામે આવતાં ખોડીયાર ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલી બેકરી, સાધુ વાસવાણી રોડ પરની ઓમ ફેમિલી રેસ્ટોરન્ટ, ભીલવાસ ચોકની નકલંક દુગ્ધાલય પેઢી અને પોપટપરાની રાધિકા ડેરી ફાર્મ સહિતના એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે કુલ 1,094 કિલો અખાદ્ય અને વાસી ખોરાકનો નાશ કર્યો છે, જ્યારે 26 પેઢીઓને સ્ટોરેજ, લાયસન્સ અને સ્વચ્છતા અંગે નોટિસ ફટકારી છે. ઉપરાંત નિયમોના ભંગ બદલ કુલ ₹1,24,700નો દંડ પણ વસૂલવામાં આવ્યો છે.
મોરબીના સમાકાંઠા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રખડતા ઢોરનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. ટ્રાફિક વચ્ચે દોડતા બે આખલાઓએ એક યુવતીને જોરદાર ટક્કર મારતા તે ઉછળીને નજીકમાં ઉભેલી કાર પર પટકાઈ હતી. સમગ્ર ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં રખડતા ઢોરના કારણે સર્જાયેલી ગંભીર સ્થિતિ જોવા મળે છે. સદનસીબે આ ઘટનામાં યુવતીને કોઈ ગંભીર ઇજા પહોંચી નથી, પરંતુ શહેરમાં રખડતા ઢોરની સમસ્યાને લઈને ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે.
ખેડા જિલ્લામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં કપડવંજ, નડિયાદ સહિત અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે આવેલા વરસાદને કારણે કપડવંજના અનેક માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા, જ્યારે નડિયાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદથી જનજીવન પ્રભાવિત બન્યું હતું. સતત વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. વરસાદના કારણે ખેતરોને લાભ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજકોટમાં જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન થયેલા નાસ્તાના ખર્ચના વિવાદને લઈને તપાસ શરૂ થાય તે પહેલાં જ તપાસ સમિતિના અધ્યક્ષમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સી.કે. નંદાણીના સ્થાને હવે કેતન જોશીની તપાસ સમિતિના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. કેતન જોશીની અધ્યક્ષતામાં સમિતિ સમગ્ર મામલાની તપાસ કરશે. તપાસ સમિતિ રચાયાના માત્ર બે દિવસમાં જ અધ્યક્ષ બદલાતા અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. નોંધનીય છે કે કેતન જોશી હાલ PGVCLના મેનેજિંગ ડિરેક્ટર છે અને તેમની પાસે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનો વધારાનો ચાર્જ પણ છે.
ગીર-સોમનાથ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે વેરાવળમાં કેટલાક યુવકો જોખમી રીતે માછીમારી કરતા નજરે પડ્યા.વેરાવળની દેવકા નદીમાં પાણીના ધસમસતા પ્રવાહમાં બોટ નાંખીને માછીમારી કરતા યુવકો કેમેરામાં કેદ થયા છે. જંગલ વિસ્તાર અને દરિયાકાંઠે સતત વરસાદથી દેવકા નદી બેકાંઠે વહી રહી છે.ત્યારે નદીમાં માછીમારીની પ્રવૃત્તિ જીવેલણ સાબિત થઈ શકે છે..નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો તો આ બેદરકારી ભારે પડી શકે છે.
રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં વરસાદ પડતાની સાથે જ કેમિકલ માફિયા સક્રિય થયાની આશંકા છે. વરસાદની આડમાં કેમિકલવાળા પાણીનો નિકાલ થતો હોય તેમ ધોરાજી તાલુકાની નદીમાં ફીણવાળું પાણી જોવા મળ્યું..ધોરાજીથી પસાર થતી સફુરા નદીમાં કેમિકલના કારણે સફેદ ફીણ ઊડતા જોવા મળ્યા. વરસાદની આડમાં કેમિકલ માફીયાઓ દૂષિત પાણી છોડી રહ્યા હોવાની આશંકા છે.
વલસાડમાં ભારે વરસાદ બાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હાલાકીના દ્રશ્યો સામે આવ્યા છે. નનકવાડા વિસ્તારમાં પાણી ફરી વળતાં અનેક સોસાયટીઓ જળબંબાકાર બની ગઈ છે. કેટલાક વિસ્તારોમાં પાણી સોસાયટીના પહેલા માળ સુધી પહોંચી જતાં રહિશોમાં ફફડાટ ફેલાયો હતો. શાંતિવન સોસાયટી અને દેવ એવન્યુ સોસાયટી સહિત અનેક રહેણાંક વિસ્તારોમાં ગળાડૂબ પાણી ભરાઈ જતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે લોકો ઘરોમાં જ રહેવા મજબૂર બન્યા છે, જ્યારે તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
બનાસકાંઠાના ડીસા તાલુકાના શેરપુરા ગામમાં જાટ સમાજમાં સગાઈ તોડવાના મુદ્દે બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. બંને પક્ષોએ લાકડી અને ધોકા વડે સામસામે હુમલો કરતાં ગામમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં અનેક લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે ગુનો નોંધી ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે.
ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને સૂત્રાપાડામાં 12 ઈંચ જેટલો વરસાદ નોંધાતા રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભારે વરસાદના કારણે સૂત્રાપાડાનો લોઢવા-પ્રાચી રોડ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે, જ્યારે લોઢવા-પાધરૂકા રોડ પર પણ પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર પ્રભાવિત બન્યો છે. સતત વરસેલા વરસાદથી ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન પર અસર જોવા મળી રહી છે.
મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ બાદ ક્ષિપ્રા નદીનું જળસ્તર ઝડપથી વધતાં ઉજ્જૈનના રામઘાટ વિસ્તારની સ્થિતિ ચિંતાજનક બની છે. નદીમાં પાણીની આવક વધતા રામઘાટ પાસે આવેલા અનેક નાના મંદિરો પાણીમાં ગરક થઈ ગયા છે. ક્ષિપ્રા નદીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે અને હોમ ગાર્ડ તેમજ SDRFની ટીમોને ખડેપગે તૈનાત કરવામાં આવી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શ્રદ્ધાળુઓને નદીમાં ઉતરતા રોકવામાં આવી રહ્યા છે અને ઘાટ વિસ્તારની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદનું જોર વધવાની શક્યતા વચ્ચે હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ટ્રફ, શિયર ઝોન, લો પ્રેશર સિસ્ટમ, સાઇક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત પાંચ હવામાન પ્રણાલીઓ એકસાથે સક્રિય થતાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.
જામનગર જિલ્લાના કાલાવડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે મૂળીલા, ધૂનધોરાજી, ખરેડી, ગુંદા સહિતના વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. સતત વરસેલા વરસાદથી રીનારી અને મૂળીલા ગામની સ્થાનિક નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં પાણીની આવક વધી છે. તંત્ર દ્વારા નદી કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે વેણુ ડેમ-2 પ્રથમ જ વરસાદમાં ઓવરફ્લો થયો છે. ડેમમાં નવા નીરની સતત આવક થતાં તંત્રએ વેણુ ડેમ-2ના બે દરવાજા એક ફૂટ સુધી ખોલ્યા છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ નાગવદર, નીલખા સહિત આસપાસના ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેતી રાખવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 172 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં 12.64 ઇંચ નોંધાયો, જ્યારે ગીર સોમનાથના સૂત્રાપાડામાં 12.36 ઇંચ વરસાદ ખાબક્યો. જૂનાગઢના કેશોદમાં 10.94 ઇંચ અને ગીર સોમનાથના પાટણ-વેરાવળમાં 10.08 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઉપરાંત માળીયા હાટીના અને માણાવદરમાં 9 ઇંચથી વધુ વરસાદ વરસ્યો. રાજ્યના કુલ 36 તાલુકામાં 2 ઇંચથી લઈને 12.5 ઇંચ સુધી વરસાદ નોંધાયો, જ્યારે 72 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસતા ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ચોમાસાએ જોરદાર બેટિંગ કરી છે.
Published On - 7:49 am, Fri, 3 July 26