
આજે 01 જૂનને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
ભાવનગર મહાનગરપાલિકાના સત્તાધીશો અન્ય મહાનગરોની સાથે સરખામણી કરતા હવે ખચકાય છે. સરકાર ખુબજ મોટી ગ્રાન્ટ ફાળવે છે પણ ભાવનગરના સત્તાધીશો એ ગ્રાન્ટ વાપરી શકતા નથી. નિર્મળ ગુજરાતની કામગીરી કરવા સરકારે જુદા જુદા ત્રણ ક્રાઇટેરિયામાં કામ કરવા રૂપિયા 1.77 કરોડની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી હતી. જેમાંથી રૂપિયા 1 કરોડ 37 લાખની વધુની ગ્રાન્ટ ફાળવી પણ દીધી છે, પરંતુ મહાનગરપાલિકા અત્યાર સુધીમાં માંડ માંડ રૂપિયા સ્વચ્છતા પાછળ 7.80 લાખ જ વાપરી શકી છે એટલે કે 1. 27 કરોડની ગ્રાન્ટ વપરાયા વગરની પડી છે.
જિજ્ઞેશ મેવાણીની સોશિયલ મીડિયા પોસ્ટ પર શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે જિજ્ઞેશ મેવાણી કોંગ્રેસના મહત્વના સાથી છે. પરંતુ જ્યાં કોંગ્રેસ પરિવારની વાત છે ત્યાં સુધી જાહેર પ્લેટફોર્મ પર આવી પોસ્ટ કરવી યોગ્ય ન કહેવાઈ. આવી વાત કહેવા માટે પરિવારમાં જરૂર જગ્યા છે. પરંતુ જાહેર પ્લેટફોર્મ પર આ પ્રકારનું નિવેદન યોગ્ય ન ગણાય. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કોંગ્રેસ નેતા સામે બળાપો કાંઢ્યો હતો. મેવાણીએ રાહુલ ગાંધીના નિવેદને ટાંકીને લખ્યું હતું, કે લગ્નના ઘોડાને કોંગ્રેસમાંથી હાંકી કાઢો”..
ભરૂચના અંકલેશ્વરમાં ઔદ્યોગિક વસાહતમાં કેમિકલ વેસ્ટ નાખવા બાબતે હવે કાર્યવાહી થઇ છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ વિભાગે બેઇલ કંપનીને નોટિસ ફટકારી છે અને 5 લાખનો દંડ વસૂલવાની પ્રક્રિયા હાથ ધરી છે. કંપની પર આક્ષેપ છે, કે કેમિકલ વેસ્ટના નિકાલના કારણે જળ સ્ત્રોતોને નુકસાન કર્યું છે. કંપનીએ 29 મેના રોજ વરસાદી કાંસમાં પ્રદૂષિત રાસાયણિક કચરાનો નિકાલ કર્યો હતો. જેને લઇ GPCB સાથે નોટિફાઇડ એરિયા ઓથોરિટીએ તપાસના આદેશ આપ્યા હતા. આ તપાસ બાદ બેઇલ કંપનીને દંડ ફટકારાયો છે.
કિસાન કોંગ્રેસનાં પાલ આંબલીયાએ સુરતના કામરેજમાં યોજાયેલા કાર્યક્રમમાં સરકાર પર કર્યા પ્રહાર. આંબલિયાએ આક્ષેપ લગાવ્યો કે સરકાર સહાય આપવા માંગતી જ નથી. સરકાર સહાયની જાહેરાતની માત્ર વાતો જ કરે છે. આંબલિયાએ કહ્યું કે, માવઠાથી ધાન્ય પાક અને બાગાયતી પાકને મોટા પ્રમાણમાં થયું નુકસાન છે. દરેક વખતે સરકાર કહે છે પેકેજ પાઇપ લાઇન છે પણ આ પાઇપ લાઇનનો છેડો આવતો નથી. સરકાર તાત્કાલિક સરવે કરી સહાય પણ જલ્દીમાં જલ્દી ચૂકવે તેવી માંગ આંબલિયાએ કરી છે.
અમદાવાદના દિલ્લી દરવાજામાં થયેલી બબાલના કેસમાં પોલીસે કાર્યવાહી કરી. પોલીસે છ આરોપીની ધરપકડ કરી છે. બે દિવસ પહેલાં ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જતા પશુઓને બચાવવા આવેલા ગૌ રક્ષક દ્વારા રોકવામાં આવતા બંન્ને જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પશુઓને લઈ જતા 2 વાહનોને રોકતા મામલો બિચક્યો હતો. બોલેરો વાનના ડ્રાઇવરને માર મારીને મોબાઇલ ફોન લુંટી લીધા હતાં. પોલીસે આ અંગે 14 જેટલા આરોપીઓ વિરુદ્ધમાં નામજોગ ફરીયાદ દાખલ કરી છે. જો, કે આરોપીઓ આ સિવાય અન્ય કોઇ ગુનામાં સામેલ છે કે કેમ તે અંગે પણ વધુ તપાસ શરૂ કરી છે.
ફરી એક વખત દેશમાં ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. દિલ્લી – સહારનપુર પેસેન્જર ટ્રેનને પલટી નાખવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો. બદમાશોએ રેલવે ટ્રેક પર લગભગ 10 ફૂટ લાંબો લોખંડનો પાઇપ મુક્યો હતો. પાટા પર પથ્થરો પણ મુકવામાં આવ્યા હતા. જો કે, લોકો પાઇલટની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ. ટ્રેન નંબર 64021 દિલ્લીથી ઉત્તરપ્રદેશના શામલી જઈ રહી હતી. રસ્તામાં, તેને પાટા પરથી ઉતારવા માટે એક સુનિયોજિત કાવતરું રચવામાં આવ્યું. જ્યારે ટ્રેન રાત્રે લગભગ 10.30 કલાકે શામલી અને બલવા સ્ટેશન વચ્ચે પહોંચી ત્યારે પાટા પર પાઈપ પડેલા જોવા મળ્યા. પાટા પર પથ્થરો પણ મુકવામાં આવ્યા હતા. એક લોખંડનો પાઇપ 10 ફૂટ લાંબો હતો. જો કે, પાયલોટે સમજદારી બતાવી અને ટ્રેન રોકી દીધી, આમ મોટી દુર્ઘટના ટળી ગઈ
રાજ્યમાં સાત જૂન સુધી એટલે કે આગામી એક સપ્તાહ સુધી, છૂટા છવાયા વરસાદની હવામાન વિભાગે કરી છે આગાહી. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. તો અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે, સાથે જ હળવા વરસાદનું પણ અનુમાન છે. તો તાપમાનમાં હાલ કોઇ જ ફેરફારની શક્યતા નથી. આપને જણાવી દઇએ કે હાલ ચોમાસું મુંબઇમાં દસ્તક દઇ ચૂક્યું છું. જોકે ગુજરાતમાં હાલ કોઇ જ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાનું હવામાન વિભાગનું કહેવું છે.
રાજ્યમાં ગેરકાયદે ખડકાયેલા દબાણો હટાવવાની ઝુંબેશ યથાવત. જ્યાં એક બાજુ જામનગરમાં સતત બીજા દિવસે ડિમોલિશન થયું તો દ્વારકામાં ઘી અને તેલી નદીમાં કરાયેલા ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું તો દાહોદમાં દબાણો દૂર કરવાની નોટિસ આપી દેવામાં આવી છે.નોટિસ મળતા વેપારીઓ કોર્ટમાં ગયા છે. નવસારીમાં ગેરકાયદે દબાણ કરતાં વેપારી સામે મનપાની લાલઆંખ. 50 વર્ષ જૂના કાટમાળના વેપારીઓ પાસેથી 16 હજારનો દંડ વસૂલ્યો.
રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગધેથડ પાસે આવેલ વેણુ 2 ડેમના 4 દરવાજા 4 ફુટ ખોલવામાં આવ્યા છે. વેણુ 2 ડેમના દરવાજાની મેન્ટેન્સ કામગીરી કરવાના હેતુથી ડેમનો પાણીનો જથ્થો ખાલી કરવામાં આવી રહયો છે. વેણુ 2 ડેમમાં કુલ 797 MCFT પાણીની કેપેસીટી છે. વેણુ 2 ડેમમાં 294 MCFT પાણીના જથ્થામાંથી 165 MCFT 6823 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. વેણુ 2 ડેમમાં 129 MCFT પાણી નો જથ્થો પીવાના પાણી માટે અનામત રખાયો છે. ડેમના 4 દરવાજા ખોલતા ડેમ સાઈટના નદી કાંઠાના વરજાગ જાળીયા. ગધેથડ નાગવદર (મેખા ટીંબડી ) નીલાખા ગણોદ સહિતના નદીના કાંઠા વિસ્તારના ગામોને નદીના પટમાં અવર જ્વર નહીં કરવા સૂચના આપવામાં આવી છે. વેણુ 2 ડેમના 20 દરવાજા રીપેરીંગ કામગીરી હાથ ધરાશે.
રાજકોટ શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટ શહેરમાં કોરોનાના વધુ પાંચ નવા કેસ નોંધાયા છે. માસ્ટર સોસાયટી, અતિથી ચોક, ઉમા પાર્ક, સોપાન હાઇટ્સ અને રૈયા રોડ વિસ્તારમાં કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. હાલ શહેરમાં કોરોનાના કુલ 33 એક્ટિવ કેસ છે. છેલ્લા 13 દિવસમાં કોરોનાના કુલ 37 કેસ નોંધાયા, જેમાંથી ચાર દર્દીઓ સાજા થયા છે.
બરોડા ડેરીના મેનેજિંગ ડાયરેક્ટરે રાજીનામું આપી દીધુ છે. થોડા દિવસ અગાઉ ધારાસભ્ય કેતન ઈનામદારે, બરોડા ડેરીમાં કેટલાક વ્યવહારોને લઈને આક્ષેપ કર્યાં હતા. મૃતકોના નામ પર મંડળી બનાવી અને વેપાર થતો હોવાનું કેતન ઈનામદારે કર્યો હતો આક્ષેપ. વારંવાર વિવાદોમાં લપેટાતી બરોડા ડેરીના મેનેજીંગ ડાયરેક્ટર અજય જોષીનું રાજીનામું મંજુર કરી દેવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર બરોડા ડેરી દ્વારા મોટાપાયે વહીવટીય ગેરરીતિઓ થતી હોવાના આક્ષેપો કરાઈ રહ્યાં છે. આક્ષેપો બાદ બરોડા ડેરીના મેનેજીંગ ડાયરેક્ટર અજય જોષી એ નિવૃત્તિ ના 10 મહિના પહેલાં રાજીનામું આપી દીધું છે.
દાહોદ બાદ સામે આવેલા ભરૂચ જિલ્લાના મનરેગા કૌભાંડમાં અનેક દાઝી જાય તેવી સ્થિતિ સર્જાશે. આ કૌંભાડની ફરિયાદ દાખલ થયા બાદ, પોલીસે પુરાવા એકઠા કરવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સહીત સંબંધિત કચેરીઓ ધમરોળી નાખી છે. મનરેગાના રિપોર્ટ સબમિટ કરનાર ઇજનેરો પણ શંકાના દાયરામાં આવી ગયા છે. જેમના હાથ નીચેથી ફાઈલો પસાર થઈ તે તમામ અધિકારી કર્મચારીઓને નિવેદન માટે પોલીસ સ્ટેશન હાજર રહેવા સૂચના અપાઈ રહી છે.
કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના સાથીદાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે કડી વિધાનસભાની પેટા ચૂંટણી લડશે. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચનો સક્રિય સભ્ય જગદીશ ચાવડા, કડી વિધાનસભાની બેઠક પરથી પેટાચૂંટણી માટે AAP ઉમેદવાર બનશે. જો કે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની સ્થાપના જીજ્ઞેશ મેવાણીએ 2016માં કરી હતી.
કોગ્રેસ પક્ષે કડી વિધાનસભા બેઠક માટે પ્રભારી તરીકે જીજ્ઞેશ મેવાણીને બનાવવા ઈચ્છતુ હતું. પરંતુ જીજ્ઞેશ મેવાણીએ તેનો ઈન્કાર કર્યો હતો. આ ઘટનાને જોડીને હવે રાજકીય રીતે સંકળાયેલા લોકો કહે છે કે, જીજ્ઞેશ મેવાણીના એક સમયના સાથીદાર એવા નેતાને આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડનાર હોવાથી તેઓ પ્રભારી બન્યા નહોતા.
ગઈકાલે જ જીજ્ઞેશ મેવાણીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી હતી. જે ખૂબ વાઈરલ થઈ રહી છે.
હવે તો બીજા પક્ષના નેતા પણ કહી ગયા કે તમારામાં ફૂટેલી કારતૂસો ભરી છે.
કાઢો ને, શેની રાહ જુઓ છો?
બી ટીમ, ફૂટેલી કારતૂસો, સામેના કેમ્પ જોડે સેટિંગ કરવા વાળા, લગ્નના ઘોડા – આ બધાને કાઢવામાં દુઃખે છે ક્યાં??મારું નહીં તો રાહુલ જીનું તો માનો !!
— Jignesh Mevani (@jigneshmevani80) May 31, 2025
અમદાવાદ મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લેતા, શહેરમાં પાલતુ કૂતરાઓની નોંધણી ફિમાં વધારો કરવાનો નિર્ધાર કર્યો છે. પેટ ડોગ માટે રજિસ્ટ્રેશનની કાર્યવાહી જાન્યુઆરી 2025 થી શરૂ કરવામાં આવી હતી. અમદાવાદમાં પેટ ડોગ રજિસ્ટ્રેશનની ફી વધારીને રૂપિયા 500 કરવામાં આવી છે. જે અગાઉ રૂ. 200 ફી વસુલવામાં આવતી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઈટ પર નોંધણી કરવામાં આવે છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં 15,476 પાલતુ કૂતરાઓનું રજિસ્ટ્રેશન કરાયું છે.
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ઈન્ડિયન રેવન્યુ સર્વિસના વરિષ્ઠ અધિકારી અમિત કુમાર સિંઘલની ધરપકડ કરી છે. અમિત હાલમાં નવી દિલ્હીના કરદાતા સેવા નિયામકાલયમાં એડિશનલ ડિરેક્ટર જનરલ (ADG) તરીકે ફરજ બજાવે છે. તેમની સાથે હર્ષ કોટક નામના અન્ય એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. તેમના પર ફરિયાદી પાસેથી માંગવામાં આવેલી કુલ 45 લાખ રૂપિયાની લાંચના ભાગ રૂપે 25 લાખ રૂપિયાની લાંચ માંગવાનો અને સ્વીકારવાનો આરોપ છે.
રાજકોટ જિલ્લાના ધોરાજી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ખાનગી ટ્રાવેલ્સ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો છે. પોરબંદરથી અમદાવાદ તરફ જતી રામકૃપા નામની ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત. બસમાં અંદાજિત 40 જેટલા મુસાફરો સવાર હતા. જે પૈકી અકસ્માતમાં 10 જેટલા મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી છે. જેમાના 5 લોકોને વધુ સારવાર અર્થે જૂનાગઢ રીફર કરાયા છે.
જામનગરમાં આજે ફરી સતત બીજા દિવસે મેગા ડિમોલેશન હાથ ધરાયું છે. 12 મીટર ડિપી કપાત માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેર નવાગામના સ્વામિનારાયણ, મધુવન સોસાયટીમા કાર્યવાહી કરાઈ છે. 10 જેસીબી, 6 ટ્રેકટર, 1 હિટાચી, સહીતની મશીનની મદદથી કામગીરી હાથ ધરવામાં આવી છે. 330 ગેરકાયદેસર દબાણકારોને નોટીસ આપ્યા બાદ કાર્યવાહી કરાઈ. ગઈકાલે 111 દબાણો દુર કરાયા હતા, આજે ફરી બીજા દિવસે કાર્યવાહી હાથ ધરાઈ છે. 3.5 કિમી વિસ્તારમાં 451854 ચોરસમીટર જગ્યા ખુલ્લી કરવા કરાયેલ કાર્યવાહીમાં 150 વઘુ કર્મચારીઓ અને અધિકારીઓ ફરજ પર જોડાયા છે.
ગાંધીનગર શહેર બાદ જિલ્લાના ગામડાઓ માં પણ કોરોનાની એન્ટ્રી થવા પામી છે. ગાંધીનગર કોર્પોરેશન અને કલોલના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. હવે ગાંધીનગરમાં 9 જેટલા કેસ કોરોનાના કેસ એક્ટિવ છે. કોરોનાના તમામ દર્દી હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે. આરોગ્ય વિભાગના આંકડા પ્રમાણે ગાંધીનગર શહેર અને રૂરલમાં 9 કેસો નોંધાઈ ચૂક્યા છે.
જામનગર નજીક મોટા થાવરીયા ગામે પંચકોશી એ ડીવીઝનના પીઆઇ એમ એન શેખને ત્રણ શખ્સોએ ધમકી આપી હોવાનો બનાવ બન્યો છે. આ કેસની વિગત એવી છે કે, પીઆઇ એમ એન શેખને ધમકી આપનારા ત્રણેય શખ્સો સુલેહ શાંતિનો ભંગ કરી એટ્રોસિટી ફરિયાદની ધમકી આપતા હોવાની PSIએ પીઆઇને જાણ કરી હતી. આથી પીઆઇ મોટા થાવરીયા ગામે પહોંચ્યાં હતા. પીઆઇ આરોપીઓને સમજાવવા જતા તમામેં ઉશ્કેરાઇ વાણી વિલાસ કર્યો હતો. એક અનુસુચિત જાતિના આરોપીએ અન્યોને ભેગા કરીને પીઆઇને પણ ધમકી આપી ફરજમાં રુકાવટ ઊભી કરી હતી. ખુદ પીઆઇએ તમામ શખ્સો સામે ધાક ધમકી, ફરજમાં રુકાવટ, વાણીવિલાસ સબંધે ફરિયાદ દાખલ કરાવીને ત્રણેય આરોપીઓની ધરપક્ડ કરી છે.
બનાસકાંઠાના સુપ્રસિદ્ધ મા અંબાના શરણે ફિલ્મ અભિનેત્રી અને આઈપીએલની ચીમ પંજાબ કિંગ્સની માલિક પહોંચી હતી. ફિલ્મ સ્ટાર પ્રિતી ઝીંટાએ મા અંબાના કર્યા દર્શન. મુંબઈ ઈન્ડિયન્સ સામેની ક્વોલિફાયર-2 મેચ રમાય તે પૂર્વે પંજાબ કિંગ્સની માલિક પ્રિતી ઝીંટાએ મા અંબાના શરણે પહોંચી હતી. ગઈકાલ શનિવારે મોડી સાંજે મંદિરમાં સાંજની આરતી બાદ માતાજીના દર્શન કર્યા હતા. વિશ્વ ના સૌથી મોટા શ્રી યંત્ર ની પણ પુજા અર્ચના કરી હતી. આજની આઈપીએલ ક્વોલિફાયર-2 મેચમાં પોતાની ટીમ પંજાબ કિંગ્સ વિજેતા બને તે માટે માતાજીને કામના કરી હતી.
અમદાવાદના રાણીપ બકરામંડી વિસ્તારમાં પોલીસ કોન્સ્ટેબલે કાર દ્વારા અકસ્માત સર્જયો છે. માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા યુવરાજસિંહ વાઘેલા નામના કોન્સ્ટેબલે અકસ્માત કર્યો હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં ત્રણથી ચાર લોકો થયા ઘાયલ હોવાની અને એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનુ કહેવામાં આવ્યું છે. અકસ્માત સર્જનાર નશામાં હોવાનો પણ સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે. રાણીપ પોલીસ લાઈનમાં જ અકસ્માત થતા અન્ય પોલીસ કર્મીઓ જ એકસ્માતનો ભોગ બન્યા છે. એલીસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સંજયભાઈ અસારીને ગંભીર ઈજા પહોંચી છે. મુમતાઝ શેખને પણ સામાન્ય ઈજાઓ પહોંચી છે.
અમદાવાદ મહેસાણા હાઈવે કલોલ બોરિસના બ્રિજ પાસે અકસ્માત સર્જાયો છે. જેમાં બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે. બાઇક ચાલકને બચાવવા જતા કાર ડીવાઈડર કૂદી સામે આવતી કારને અથડાઈ હતી. અકસ્માતમાં બે કાર વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે બન્ને કારને ભારે નુકસાન થયું છે. અકસ્માતમાં બન્ને કાર ચાલકને પહોંચી ઇજાઓ છે. 108 એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
IOCL એ જૂન મહિનાની પહેલી તારીખે ઘરેલુ ગેસ સિલિન્ડર અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો છે. IOCL એ બંને પ્રકારના ગેસ સિલિન્ડર પર મોટી રાહત આપી છે. છેલ્લે 8 એપ્રિલે સરકારે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો હતો. ત્યારબાદ તેમાં કોઈ વધારો જોવા મળ્યો નથી. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ત્રણ મહિનામાં પ્રતિ ગેસ સિલિન્ડર 80 રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.
Published On - 7:24 am, Sun, 1 June 25