01 જુલાઇના મહત્વના સમાચાર : ભારતમાં રૂ. 157 કરોડનું ડ્રગ્સ ઘૂસાડતા પકડાયેલ 18 પાકિસ્તાની-1 અફઘાનિને કોર્ટે ફટકારી 20 વર્ષની જેલ
આજે 01 જુલાઇને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે 01 જુલાઇને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
અમદાવાદના વસ્ત્રાપુરની ABS ફૂડ પ્રા. લી. સાથે પૂર્વ HR દ્વારા આચરાઈ ઠગાઈ
અમદાવાદના વસ્ત્રાપુર પાસે આવેલી ABS ફૂડ પ્રા. લી સાથે પૂર્વ HR દ્વારા આચરાઈ ઠગાઈ. પૂર્વ HR દ્વારા જુદી જુદી વ્યક્તિઓના ખાતામાં પગાર ચૂકવ્યો હતો. નોકરી ના કરતા હોય તેવા અનેક લોકોના ખાતામાં 13.53 લાખ ચૂકવ્યા હતા. જેમી લાડાણી નામની પૂર્વ HR દ્વારા કંપનીના નાણાની ઉચાપત કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. કંપનીના ડાયરેક્ટ અવધનરેશ શર્માએ નોંધાવી પોલીસ ફરિયાદ. વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
-
ગુજરાતમાં આજે સવારના 6થી રાતના 8 વાગ્યા સુધીમાં 92 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 6.5 ઈંચ
ગુજરાતમાં આજે 1 જુલાઈના રોજ, દક્ષિણ ગુજરાતથી ચોમાસુ આગળ વઘીને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પહોંચી ગયું છે. ચોમાસુ સક્રિય થવાની સાથે જ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે. ખાસ કરીને વાપી, ઉમરગામ, ઉમરપાડા, પારડી, વાંસદા સહીતના તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.
આજે 1 જુલાઈને બુધવારના રોજ સવારના 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધીના સમયગાળામાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના વાપીમાં નોંધાયો છે. વાપીમાં 168 મી.મી. એટલે કે, સાડા છ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. વલસાડના જ ઉમરપાડા તાલુકામાં પણ 131 મી.મી. એટલે કે, સવા પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જૂનાગઢના ભેંસાણમાં ચોમાસુ બેસતાની સાથે જ સવા ચાર ઈંચ વરસાદ વરસ્યો છે.
-
-
ભારતમાં રૂ. 157 કરોડનું ડ્રગ્સ ઘૂસાડતા પકડાયેલ 18 પાકિસ્તાની-1 અફઘાનિને કોર્ટે ફટકારી 20 વર્ષની જેલ
ભારતીય દરિયાઈ જળસીમામાં ડ્રગ્સ ઘુસાડવાના કેસમાં કોર્ટે, 19 વિદેશી નાગરિકોને 20 વર્ષની જેલની સજા ફટકારી છે. અલગ અલગ ત્રણ ગુન્હામાં 19 આરોપીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. NDPS ના કેસમાં 18 પાકિસ્તાની, 1 અફઘાનિસ્તાન નાગરિકને ભુજ કોર્ટે સજા ફટકારી. 575 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીને 20 વર્ષની સજા અને બે લાખનો દંડ ફટકાર્યો. 6- 01- 2020 માં જખૌના દરિયામાંથી 157 કરોડનું ડ્રગ્સ ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ ,એસઓજી પોલીસે ઝડપી પાડ્યું હતું. 15-04-2021 ના જખૌના દરિયામાંથી કોસ્ટગાર્ડ, ગુજરાત એટીએસએ 150 કરોડના હેરોઇન સાથે 8 પાકિસ્તાનીને ઝડપી પાડયા હતા. 8-10- 2022 એક બોટ માંથી ગુજરાત એટીએસ, કોર્ડગાર્ડએ 250 કરોડનું હેરોઇન ઝડપી પાડ્યું હતું.
-
અમદાવાદ એરપોર્ટથી રૂ. 4 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો પકડાયો
અમદાવાદ એરપોર્ટ પરથી ફરી ડ્રગ્સ પકડાયું છે. કસ્ટમ વિભાગના AIU યુનિટે મોટી કાર્યવાહી હાથ ધરી છે. 4 કરોડના ડ્રગ્સ સાથે ઉલ્હાસનગરના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પહેલવાર ટ્રાવેલ કરી રહેલા યાત્રીની ટ્રોલી બેગમાં સંતાડેલો હતો ગાંજો. બેંગકોકથી આવેલી ફ્લાઈટમાં આવેલા યાત્રી પાસેથી મળી આવ્યો ગાંજો. 4.276kg હાઈડ્રોપોનિક ગાંજો 22 પેકેટમાં છુપાવીને લાવ્યો હતો શખ્સ.
-
અમદાવાદ, ખેડા, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાંથી પશુ ચોરતી ગેંગના 8 સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી
સાબરકાંઠાના પશુ ચોર બિલાલ બટકો ગેંગના આઠ શખ્શો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. સાબરકાંઠા પોલીસે આઠ પશુ ચોર શખ્સો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે. અમદાવાદ, ખેડા, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ટોળકી પશુ ચોરી આચરતી હતી. લાખો રૂપિયાની કિંમતના પશુઓની રાત્રી દરમિયાન ચોરી કરી જતી હતી ટોળકી. મોંઘીદાટ લક્ઝુરિયસ ફોર્ચ્યુનર જેવી કારોમાં પશુઓ ભરીને ચોરી કરી ફરાર થતા હતા. પશુ ચોરીને લઈ આઠ શખ્શો સામે તલોદ પોલીસ મથકે ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરી.
-
-
ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાની ઓફિસ પર ઇંડાથી હુમલો, બંગાળ સરકાર પર સાધ્યું નિશાન
પશ્ચિમ બંગાળમાં ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાના કાર્યાલય પર કેટલાક તોફાનીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. મહુઆ મોઇત્રાએ ભાજપના કાર્યકરો પર ઇંડા અને શાકભાજી ફેંકીને હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. મહુઆ મોઇત્રા સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં નોંધ્યું છે કે પોલીસ ઘટનાસ્થળે હાજર હોવા છતાં, તેઓ કોઈ કાર્યવાહી કરી રહી નથી.
-
ગુજરાતમાં આગામી તા. 7 જુલાઈથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે, નોંધાયેલા ખેડૂત પાસેથી પ્રતિ ક્વિન્ટલે રૂ. 8768 ના ભાવે વધુમાં વધુ 1500 કિગ્રા ખરીદાશે
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો આપતાં પ્રવક્તા પ્રધાન જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી તા. 7 જુલાઈથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા વર્ષ 2025-26 માટે ઉનાળુ મગનો ટેકાનો ભાવ રૂ. 8768 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે પણ બજાર ભાવ ટેકાના ભાવ કરતાં નીચા જાય છે, ત્યારે ખેડૂતોને આર્થિક નુકસાનથી બચાવવા માટે ભારત સરકારની ‘પીએમ આશા’ યોજના અંતર્ગત પીએસએસ હેઠળ રાજ્યમાં ઉનાળુ મગ પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે.
જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, ઉનાળુ મગના ટેકાના ભાવે વેચાણ માટે રાજ્યભરમાંથી કૂલ 14,383 ખેડૂતોએ નોંધણી કરાવી છે. નોંધણી કરાવેલા ખેડૂતો પાસેથી ખરીદી કરવા માટે રાજ્યમાં કૂલ 51 ખરીદ કેન્દ્રો સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. નોંધણી કરાવેલા ખેડૂતોને SMS દ્વારા ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખેડૂતોએ SMS મળ્યેથી તેમને ફાળવવામાં આવેલા ખરીદ કેન્દ્ર ખાતે મગના જથ્થા સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે.
વર્ષ2025-26માં ઉનાળુ મગની 1200 કિગ્રા પ્રતિ હેક્ટર ઉત્પાદકતા પ્રમાણે ખેડૂતના વાવેતર વિસ્તારના પ્રમાણમાં ખરીદી કરાશે, જેમાં પ્રતિ ખેડૂત મહત્તમ 1500 કિગ્રા (75 મણ) સુધીની મર્યાદા રહેશે.
-
જૂન 2026માં સ્ટેટ જીએસટીને 7800 કરોડની થઈ આવક, પાછલા વર્ષ કરતા 28 % વધુ
જૂન 2026માં, ગુજરાત જીએસટી વિભાગને, 7800 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. જે ગયા વર્ષના જૂનની સરખામણીએ 6149 કરોડ એટલે કે 27 ટકા વધુ છે. જૂન 2026માં વેટની 3073 કરોડ, વિદ્યુત શુલ્કની 979 કરોડ, વ્યવસાય વેરાની 21 કરોડની આવક થવા પામી છે.
-
ખેડૂતો રાજનિતીનું સાધન નથી, વીજપોલ મુદ્દે અન્ય રાજ્યનુ મુલ્યાંકન કરીને લાંબી નિતી બનાવાશેઃ જીતુ વાઘાણી
વીજ પોલ તથા ખેડૂત આંદોલનની કેબિનેટ બેઠકમાં ચર્ચા અંગે સરકારના પ્રવકત્તા પ્રધાન જીતુ વાઘાણીએ કહ્યું કે, લાંબી નિતી બનવાની છે ત્યારે અનુકુળ વ્યવસ્થા કરવા ચર્ચા વિભાગ સાથે, અન્ય રાજ્યના મુલ્યાંકન કરીને નિર્ણય લેવાશે. કોઈ પણ માંગણી , લાગણી હોય. વિનમ્રતાથી સ્વીકારીએ છીએ. અનેકવાર મિટીંગ થઈ છે, ચર્ચા થઈ છે, માંગ આવી છે. અનેક ખેડૂતો સાથે ચર્ચા થઈ છે. વિશાળ અને રાજ્ય હિતમાં નિર્ણય લેવાનો છે. તેમનું હિત અમારી પ્રાથમિકતા છે. ખેડૂત હિતમાં લાંબા ગાળાનો, સ્વીકૃત નિર્ણય થાય તેની ચર્ચા થાય છે અને ચાલુ છે. લાંબી નિતી બનવાની છે ત્યારે અનુકુળ વ્યવસ્થા કરવા ચર્ચા વિભાગ સાથે, અન્ય રાજ્યના મુલ્યાંકન કરીને નિર્ણય લેવાશે. તમામને પોતાની વાત કહેવાનો અધિકાર છે. અનેક નિર્ણય ભુતકાળમાં લીધા છે, આ નિર્ણય પણ લેવાશે. ખેડુતો રાજનિતીનું સાધન નથી. જે નિર્ણય થશે, કહેવામાં આવશે.
-
જેતપુરના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ, ડાયવર્ઝન ઘોવાતા જેતપુર- બગસરા રોડ બંધ કરાયો
રાજકોટના જેતપુરના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ. દેવકી ગાલોલ ગામે ડ્રાયવર્ઝન ધોવાતા જેતપુર- બગસરા રોડ બંધ કરાયો છે. રોડનું કામ ચાલુ હોવાથી ગાલોરીયા નદીમાં આપ્યું હતું ડ્રાયવર્ઝન. દેવકી ગાલોલ અને ઉપર વાસમાં પડેલ વરસાદના કારણે નદી આવ્યું પાણી. દેવકી ગાલોલ ગામે અંદાજીત 3 ઇંચ જેવો વરસાદ વરસ્યો છે.
-
ગુજરાત રાજ્યમાં નેચરલ ફર્મિંગનો કોર્સ શરૂ કરાશે
ગાંધીનગરમાં કેબિનેટ બેઠક બાદ જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, મહિનાના પ્રથમ રવિવારે મંત્રીઓ સ્વચ્છતા અભિયાનમાં જોડ્યા એવી સૂચના આપવામાં આવી છે. પ્રાકૃતિક ખેતી રાજ્ય માટે મહત્વપૂર્ણ છે તેથી રાજ્યમાં નેચરલ ફર્મિંગનો કોર્સ શરૂ કરાશે.
-
જૂનાગઢના કેશોદમાં પ્રથમ જ વરસાદે સિવિલ હોસ્પિટલનું ગ્રાઉન્ડ પાણીમાં ગરકાવ
જૂનાગઢ જિલ્લાના કેશોદમાં પ્રથમ જ વરસાદે સિવિલ હોસ્પિટલનું ગ્રાઉન્ડ પાણીમાં ગરકાવ થયું. વાહનચાલકો અને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. કરોડોના ખર્ચે નવી બનેલી સરકારી હોસ્પિટલના ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાતા લોકોમાં અનેક ચર્ચાઓ અને તંત્રના કામ સામે સવાલો ઊભા થયા.
-
ગીર સોમનાથમાં હોટલ ઉપર GST વિભાગ ત્રાટક્યું
ગીર સોમનાથના પ્રભાસ પાટણ સોમનાથમાં આવેલી હોટલોમાં GST વિભાગ ત્રાટક્યું. આશરે 40 જેટલી હોટલો આવેલી છે જેમાં અનેક હોટલોમાં GST વિભાગે દરોડા પાડ્યા છે. GSTના ચેકિંગને લઈ હોટેલમાં દરોડાથી હડકંપ મચ્યો
-
દાહોદના દેવગઢ બારીઆ પંથકમાં મેઘરાજાએ કરી પધરામણી
દાહોદના દેવગઢ બારીઆ પંથકમાં મેઘરાજાએ પધરામણી કરી છે. લાંબા સમયની પ્રતીક્ષા બાદ મેઘરાજાની એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. વરસાદ ખેંચાતા ચિંતિત બનેલા ખેડૂતોના મુખ પર ખુશીની લહેર પ્રસરી છે. કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા નગરજનોને મળી મોટી રાહત મળી છે. દેવગઢ બારીઆ નગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. મેઘમહેર થતા જ ધરતીપુત્રોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. ગરમીના પ્રકોપથી કંટાળેલા લોકોને વરસાદના આગમનથી હાશકારો મળ્યો. વરસાદના આગમન સાથે જ વાતાવરણમાં પ્રસરેલી ઠંડકથી લોકોમાં આનંદ છવાયો.
-
જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ
જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. ભેસાણ તાલુકાના પરબ વાવડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે મગફળી, કપાસ સહિતના ખરીફ પાકને ફાયદો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતોનું માનવું છે કે સમયસર પડેલા વરસાદથી વાવેતર અને પાકના વિકાસને વેગ મળશે.
-
સાત દિવસ બાદ ચોમાસું હવે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર પહોંચ્યું
ગુજરાતમાં સાત દિવસના વિરામ બાદ ચોમાસું ફરી સક્રિય બન્યું છે અને હવે મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર સુધી આગળ વધી ગયું છે. હવામાન વિભાગે 1થી 7 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં અતિભારે કરતાં પણ વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને દાદરા નગર હવેલી માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. ટર્ફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે વરસાદી સિસ્ટમ મજબૂત બની છે, જોકે અત્યાર સુધી રાજ્યમાં માત્ર 24.5 મીમી વરસાદ નોંધાયો છે, જે સિઝનની સરેરાશ 107.09 મીમી કરતાં ઘણો ઓછો છે.
-
વડોદરા: પીવાના પાણી માટે વોર્ડ 5ના સ્થાનિકો આકરા પાણીએ
વડોદરાના વોર્ડ નંબર 5માં પીવાના પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. સિદ્ધેશ્વર હેરીટેજના રહીશોએ કાઉન્સિલર મનોજ શાહ અને સંબંધિત અધિકારીઓ સામે ઉગ્ર વિરોધ નોંધાવી ઘેરાવો કર્યો હતો. સ્થાનિકોએ ચીમકી આપી છે કે જો પાણીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વિરોધ દરમિયાન પરિસ્થિતિ તંગ બનતા પોલીસે હસ્તક્ષેપ કરીને મામલો થાળે પાડ્યો હતો.
-
રાજ્યમાં વરસાદી માહોલ સક્રિય, દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટ
ગુજરાતમાં વરસાદને લઈને સકારાત્મક માહોલ જામ્યો છે. હવામાન વિભાગે 1થી 7 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સુરત, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દાદરા નગર હવેલી માટે આવતીકાલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને રાજ્યભરમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ટર્ફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે વરસાદી માહોલ વધુ સક્રિય બન્યો છે.
-
નાસીરનગર ડિમોલિશન કેસમાં મનપાની કાર્યવાહી, 5 અધિકારીઓ સસ્પેન્ડ
સુરતના નાસીરનગર ડિમોલિશન મામલે સુરત મહાનગરપાલિકાએ મોટી કાર્યવાહી કરતાં પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. ડિમોલિશન કાર્યવાહીમાં મુખ્ય ચહેરા તરીકે ચર્ચામાં રહેલા સુજલ પ્રજાપતિને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મામલે આવતીકાલે હાઈકોર્ટમાં મનપા દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવશે. સમગ્ર ઘટનાને લઈને મનપાની કાર્યવાહી અને જવાબદારીના મુદ્દે હવે સૌની નજર હાઈકોર્ટની સુનાવણી પર ટકેલી છે.
-
અમદાવાદ: બાવળામાં ખેડૂત આગેવાન પર હુમલાનો મામલો
-
સુરતમાં પ્રથમ વરસાદે રસ્તાઓની પોલ ખોલી, વધુ એક ટેમ્પો ખાડામાં ફસાયો
સુરત શહેરમાં પ્રથમ જ વરસાદ બાદ રસ્તાઓની ખરાબ હાલત ફરી સામે આવી છે. ઉધના વિસ્તારમાં રોડ પર પડેલા ખાડામાં વધુ એક ટેમ્પો ફસાઈ જવાની ઘટના બની છે. શહેરના અનેક વિસ્તારોમાં રોડ બેસી જવાના અને ભૂવાઓમાં વાહનો ફસાઈ જવાના બનાવો સતત સામે આવી રહ્યા છે. પ્રથમ જ વરસાદે મનપાની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી દીધી છે. રસ્તાઓ પર પડેલા ખાડા અને ભૂવાઓના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોમાં પણ તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે અને માર્ગોની તાત્કાલિક મરામત કરવાની માંગ ઉઠી રહી છે.
-
વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં ભાજપ, ‘વન ડે વન એસેમ્બલી’ અભિયાનનો પ્રારંભ
ગુજરાત ભાજપે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અત્યારથી જ સંગઠનાત્મક તૈયારીઓ શરૂ કરી છે. આજથી રાજ્યભરમાં ‘વન ડે વન એસેમ્બલી’ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ થયેલા મંથનના આધારે વિધાનસભા બેઠકોને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવી છે. ખાસ કરીને ભાજપ માટે નબળી માનાતી બેઠકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સ્થાનિક પ્રશ્નો, વિસ્તારના મુદ્દાઓ, યુવા નેતૃત્વને આગળ લાવવા અને સિનિયર નેતાઓની સક્રિયતા વધારવા પર પણ અભિયાન દરમિયાન ભાર મૂકવામાં આવશે.
-
ભરૂચમાં દીવાલ ધરાશાયી થતાં પિતા-પુત્રના મોત
ભરૂચના આલી માતરિયા તળાવ વિસ્તારમાં સિઝનના પ્રથમ જ વરસાદ દરમિયાન વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ મોલની દીવાલ નજીકના કાચા મકાન પર ધરાશાયી થતાં એક જ પરિવારના ચાર લોકો દબાયા હતા. ઘટનામાં 21 વર્ષીય પુત્ર અને તેના પિતાનું મોત થયું છે, જ્યારે બે મહિલાઓનો બચાવ કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે અને અધિકારીઓ તેમજ બિલ્ડર પર ગંભીર બેદરકારીના આક્ષેપ કરવામાં આવ્યા છે.
-
સુરતમાં વરસાદ બાદ ફરી રોડ બેસ્યો, સ્કૂલ વાન ખાડામાં ફસાઈ
સુરત શહેરમાં વરસાદ બાદ પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી પર ફરી સવાલો ઊભા થયા છે. સતત બીજા દિવસે રોડ બેસવાની ઘટના સામે આવી છે. મોટા વરાછા બાદ હવે લીંબાયત વિસ્તારમાં પણ માર્ગ અચાનક બેસી જતાં ત્યાંથી પસાર થઈ રહેલી સ્કૂલ વાનની એક સાઇડ ખાડામાં ફસાઈ ગઈ હતી. સદનસીબે ઘટનામાં વાનમાં સવાર તમામ બાળકોનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે અને માર્ગના કામની ગુણવત્તા તેમજ પાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે.
-
સુરતમાં પ્રથમ વરસાદે વહીવટીતંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી
સુરત શહેરમાં વરસેલા પ્રથમ જ વરસાદે વહીવટીતંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી છે. ઉધના ગામ નજીક મુખ્ય માર્ગ અચાનક બેસી જતાં એસટી બસ ફસાઈ ગઈ હતી અને રોડ પર મોટો ભુવો પડતાં વાહનચાલકો માટે જોખમી સ્થિતિ સર્જાઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે અને માર્ગના કામમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી તેમજ ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
-
અત્યાર સુધીમાં 26 રાજ્યોમાં પહોંચ્યું ચોમાસું
દેશભરમાં ચોમાસાએ જમાવટ કરી છે અને અત્યાર સુધીમાં 26 રાજ્યોમાં વરસાદી મોસમ પહોંચી ગઈ છે. હવામાન વિભાગે 4 જુલાઈ સુધી ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જમ્મુ-કાશ્મીર, પંજાબ અને હરિયાણામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે કાશ્મીરથી પશ્ચિમ બંગાળ સુધી સક્રિય વરસાદી સિસ્ટમ સર્જાઈ છે. મધ્ય પ્રદેશના 50 જિલ્લાઓમાં પણ એલર્ટ જાહેર કરાયું છે. ઉપરાંત રાજસ્થાનના પૂર્વીય વિસ્તારો અને તમિલનાડુમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
-
સૌથી વધુ નવસારી શહેરમાં ખાબક્યો 4.53 ઇંચ વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 75 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ નવસારી શહેરમાં 4.53 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે જલાલપોરમાં 3.50 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સુરતના કામરેજમાં 3.46 ઇંચ, સાવરકુંડલામાં 3.11 ઇંચ, વલસાડમાં 3 ઇંચ અને સુરત શહેરમાં 2.80 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 28 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે 12 તાલુકામાં 2 ઇંચથી વધુ અને 5 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી હતી.
-
દિલ્લી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભીષણ અકસ્માત, 8ના મોત
રાજસ્થાનના દૌસા જિલ્લામાં દિલ્લી-મુંબઈ એક્સપ્રેસ વે પર સ્લીપર બસ અને ટ્રક વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં 8 લોકોના મોત થયા છે. અકસ્માત બાદ બસમાં આગ લાગી હતી, જેમાં 6 મુસાફરો જીવતા દાઝી ગયા હતા. ઘટનામાં ઘાયલ થયેલા 21 લોકોને તાત્કાલિક દૌસાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બસની ડિકીમાં સિગારેટના બોક્સ ભરેલા હતા, જેના કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે.
-
જાપાનના વડા પ્રધાન સનાઈ તાકાઈચી આજે પીએમ મોદી સાથે મુલાકાત કરશે
જાપાનના વડા પ્રધાન સનાઈ તાકાઈચી આજથી 3 જુલાઈ, 2026 સુધી ભારતની ત્રણ દિવસની મુલાકાતે રહેશે. આ મુલાકાત દરમિયાન, તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે.
Published On - Jul 01,2026 7:44 AM
