ભરૂચના અંકલેશ્વરની પાનોલી GIDCમાં રખડતા પશુના કારણે ગંભીર અકસ્માત સર્જાયો છે. પાનોલીની RSPL ચોકડી પાસે ગાય અને વાછરડું રસ્તા પર આવી જતા કાર સાથે ધડાકાભેર અથડાયા હતા. અકસ્માતમાં ગાય અને વાછરડાનું મોત નીપજ્યું હતું, જ્યારે કારચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત કારચાલકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે પાનોલી GIDC વિસ્તારમાં રખડતા પશુઓના ત્રાસને લઈને પણ સવાલો ઉઠ્યા છે.
અમદાવાદ સહિત દેશના અનેક શહેરોમાં ચાલતા ગોલ્ડ સ્મગલિંગ નેટવર્કનો DRIએ પર્દાફાશ કર્યો છે. DRIએ મુંબઈ, દિલ્હી, કોલકાતા, અમદાવાદ અને ગુવાહાટીમાં એકસાથે દરોડા પાડી રૂ.10.36 કરોડથી વધુ કિંમતનું 6.61 કિલો વિદેશી સોનું જપ્ત કર્યું છે. તપાસ દરમિયાન સોનાની દાણચોરીના માસ્ટરમાઈન્ડ સહિત કુલ 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કુરિયર કન્સાઈનમેન્ટમાં સોનું છુપાવીને દેશના અલગ-અલગ શહેરોમાં પહોંચાડવામાં આવતું હતું. તપાસમાં છેલ્લા 9 મહિનામાં કુરિયર નેટવર્ક મારફતે આશરે 318 કિલો સ્મગલિંગનું સોનું, જેની કિંમત અંદાજે રૂ.475 કરોડ હોવાનું સામે આવ્યું છે. મુંબઈ, દિલ્હી અને અમદાવાદમાં ડિલિવરી માટે મોકલાયેલા કન્સાઈનમેન્ટ પણ તપાસ એજન્સીએ ઝડપી પાડ્યા છે.
કચ્છના રાપરમાં ત્રંબો ચાર રસ્તા પાસે જાહેરમાં રોફ જમાવતા બે યુવકોને પોલીસે ઝડપી પાડ્યા છે. બંને યુવકો અડચણરૂપ રીતે બાઇક ઊભી રાખીને જાહેરમાં રોફ જમાવતા હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીના આધારે રાપર પોલીસે કાર્યવાહી કરી બંનેને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને યુવકો સામે પ્રોહિબિશન અને જાહેરનામાના ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે બંને પાસેથી બે મોટરસાઇકલ સહિત કુલ રૂ.50 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ભારતના એસ્સાર ગ્રુપ દ્વારા અમેરિકામાં અંદાજે 15 અબજ ડોલરના રોકાણથી વિશાળ સ્ટીલ પ્લાન્ટ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે અધિકારીઓ સાથે પ્રોજેક્ટની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આ રોકાણ અમેરિકન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે મોટું પ્રોત્સાહન સાબિત થશે. પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં દર વર્ષે આશરે 75 લાખ ટન સ્ટીલનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ટ્રમ્પે આ પ્રોજેક્ટને અમેરિકાના ઇતિહાસમાં સૌથી મહત્વના અને મોટા પ્રોજેક્ટ્સમાંનો એક ગણાવ્યો હતો.
આજે 29 સપ્ટેમ્બરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:39 am, Tue, 29 September 26