આજે 03 ઓક્ટોબરના શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
વાવ-થરાદના લાખણીમાં ખરીદ-વેચાણ સંઘની જમીનના મુદ્દે વિવાદ સામે આવ્યો છે. લાખણી માર્કેટયાર્ડ ખાતે કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના તાલુકા પંચાયત સદસ્ય જયશે કરમટાની પોલીસે અટકાયત કરી હતી. જયશે કરમટાનો આક્ષેપ છે કે સરકારી મિલકતો અને શ્રી સરકારની જમીનો પર દબાણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત લાખણી માર્કેટમાં જમીનની લે-વેચમાં કરોડો રૂપિયાના કથિત કૌભાંડનો પણ તેમણે આક્ષેપ કર્યો છે. આ મામલે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રજૂઆત કરવા જતા પોલીસે તેમની અટકાયત કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. લાખણી APMCમાં કાર્યક્રમ દરમિયાન થયેલી અટકાયતને પગલે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. જમીનના મુદ્દે તાલુકા પંચાયત સદસ્ય દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને લઈને સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. બીજી તરફ, આક્ષેપો અંગે સંબંધિત તંત્ર અથવા અન્ય પક્ષની પ્રતિક્રિયા હજુ સામે આવી નથી.
મોરબીમાં ગેરકાયદે કતલખાના અને નોનવેજની દુકાનો સામે મનપાએ કાર્યવાહી કરી છે. મનપાની ટીમે કતલખાના અને કેટલીક નોનવેજની દુકાનો બંધ કરાવતાં દુકાનદારોમાં રોષ જોવા મળ્યો હતો. દુકાનદારોનો દાવો છે કે તેઓ પાંચ પેઢીથી આ સ્થળે ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રજીસ્ટ્રેશન અને લાયસન્સ હોવા છતાં દુકાનો બંધ કરાવાઈ હોવાનો પણ દુકાનદારોએ આક્ષેપ કર્યો છે. ડેપ્યુટી કમિશનર દ્વારા ખરાબ વર્તન કરાયું હોવાનો આક્ષેપ કરી તમામ દુકાનદારોએ મનપાની કાર્યવાહીનો વિરોધ નોંધાવ્યો હતો. દુકાનદારોની માગ છે કે વૈકલ્પિક જગ્યા ન મળે ત્યાં સુધી તેમને ધંધો કરવાની મંજૂરી આપવામાં આવે. બીજી તરફ, ડેપ્યુટી મનપા કમિશનરે જણાવ્યું કે 11 શખ્સો અને 14 દુકાનોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી. સ્થળ પર તપાસ બાદ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
સાબરકાંઠામાં એક જ વિદ્યાર્થિનીના એકસાથે બે કોલેજમાં એડમિશનના મુદ્દે વિવાદ સામે આવ્યો છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ ઈડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની ખોખોની ટીમને ડિસ્ક્વોલિફાઈ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. તપાસમાં વિદ્યાર્થિની ઈડરની કોલેજમાં BA પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતી હોવા ઉપરાંત આણંદની એક કોલેજમાં પણ અભ્યાસ કરતી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, વિદ્યાર્થિનીએ બે દિવસના અંતરમાં બંને અલગ-અલગ કોલેજમાં એડમિશન મેળવ્યું હતું. એકસાથે બે કોલેજમાં અભ્યાસના મુદ્દે ખોખોની ટીમને ડિસ્ક્વોલિફાઈ કરવામાં આવી હતી. સમગ્ર વિવાદને પગલે ઈડર કોલેજ અને ટ્રસ્ટ દ્વારા હાલ મૌન ધારણ કરવામાં આવ્યું છે. ઘટનાને લઈને યુનિવર્સિટી સ્તરે પણ મામલો ચર્ચામાં આવ્યો છે.
અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં અંબર ટાવર પાસે ગંભીર અકસ્માતમાં રસ્તો ક્રોસ કરી રહેલા શ્રમિકનું ડમ્પરની અડફેટે મોત થયું છે. CCTVમાં દેખાય છે કે શ્રમિક રસ્તો ક્રોસ કરવા વચ્ચે ઊભો રહે છે, ત્યારે પાછળથી એક્ટિવા અને સામેથી ડમ્પર આવતા તે ડમ્પરની અડફેટે આવી જાય છે. અકસ્માતમાં એક્ટિવા ચાલક મહિલાએ પણ સંતુલન ગુમાવ્યું હતું. જોકે તેનો બચાવ થયો હતો. અકસ્માત બાદ ડમ્પર અને એક્ટિવા ચાલક બંને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ વિસ્તારમાં બ્રિજ અને રસ્તાનું કામ ચાલી રહ્યું છે, પરંતુ પૂરતું બેરિકેડિંગ કરવામાં આવ્યું નથી. સુરક્ષાના અભાવે અકસ્માત થયો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. પોલીસે CCTVના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠામાં મોંઘવારીના માર વચ્ચે વાહનચાલકોને વધુ એક ફટકો પડ્યો છે. IRM CNG ગેસના ભાવમાં પ્રતિ કિલોએ અંદાજે 6 રૂપિયાનો વધારો થતાં CNGનો ભાવ 94 રૂપિયાને પાર પહોંચી ગયો છે. અચાનક થયેલા ભાવવધારાની સીધી અસર સામાન્ય વાહનચાલકો ઉપરાંત ખાસ કરીને રિક્ષા અને પેસેન્જર વાહનચાલકો પર પડી છે. રોજ કમાઈને પરિવારનું ગુજરાન ચલાવતા રિક્ષાચાલકો માટે CNGનો વધેલો ખર્ચ મુશ્કેલી વધારી રહ્યો છે. રિક્ષાચાલકોનું કહેવું છે કે CNGનો ખર્ચ સતત વધી રહ્યો છે, જ્યારે મુસાફરો પાસેથી મનફાવે તેમ ભાડું વધારવું શક્ય નથી. જેના કારણે આવક અને ખર્ચનું ગણિત ખોરવાયું છે. રિક્ષાચાલકોએ સરકાર અને સંબંધિત કંપનીઓને CNGના ભાવ વધારા અંગે ગંભીરતાથી વિચારવાની માગ કરી છે.
અમદાવાદમાં AMC પશ્ચિમ ઝોનના ડેપ્યુટી TDO કચેરી બહાર NSUI કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું. ગેરકાયદે ચાલતા PG મુદ્દે રજૂઆત કરવા ગયેલા NSUI કાર્યકરો સાથે અસભ્ય વર્તન કરાયું હોવાના આક્ષેપ સાથે દેખાવો કરાયા. આ દરમિયાન એસ્ટેટ અધિકારી અને NSUI કાર્યકરો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. રજૂઆત સાંભળવાને બદલે અધિકારીએ ધક્કામુક્કી કરી હોવાનો NSUIનો આક્ષેપ છે. અધિકારી મહેશ તબિયાડ સામે કાર્યવાહીની માગ સાથે કાર્યકરો કચેરી બહાર ધરણા પર બેઠા હતા. કોંગ્રેસ કોર્પોરેટર જયમન શર્માએ પણ અધિકારીના વર્તન સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, રાજકીય પાર્ટીના કાર્યકર સાથે આવો વ્યવહાર થાય તો અન્ય અરજદારો સાથે શું કરતા હશે? તેમણે અધિકારીને સસ્પેન્ડ કરવાની માગ સાથે AMC કમિશનરને રજૂઆત કરવાની વાત કરી.
જુનાગઢના માંગરોળમાં જમીન દફતર વિભાગના કર્મચારીઓની હડતાળને કારણે સિટી સર્વે વિભાગની કામગીરી છેલ્લા બે અઠવાડિયાથી ઠપ છે. કર્મચારીઓ પોતાની પડતર માગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે. જેના કારણે કચેરીઓમાં કર્મચારીઓની ખુરશીઓ ખાલી જોવા મળી રહી છે અને જમીન સંબંધિત કામગીરી માટે આવતા અરજદારોના કામ અટવાયા છે. ખાસ કરીને દૂરના ગામડાઓમાંથી અરજદારો જમીન સંબંધિત કામ માટે કચેરીએ પહોંચે છે, પરંતુ કામગીરી બંધ હોવાથી તેમને ધક્કા ખાવાનો વારો આવ્યો છે. હડતાળને કારણે સામાન્ય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અરજદારોએ બંધ પડેલી સિટી સર્વેની કામગીરી તાત્કાલિક શરૂ કરવાની માગ કરી છે.
બનાસકાંઠા જિલ્લામાં જળસંકટની સ્થિતિ હવે ચિંતાજનક બની. ઓછા વરસાદ અને ભૂગર્ભજળના સતત વપરાશના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના તળિયા સતત નીચે જઈ રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં ભૂગર્ભજળ 100થી પણ વધુ મીટર ઊંડે પહોંચ્યું છે. દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર જેવા જળાશયોમાં પણ પાણીની આવક ઘટી છે…આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં ઓછા વરસાદના કારણે પાણીનો પુરતો જથ્થો ઉપલબ્ધ નથી..જિલ્લાના મુખ્યો ડેમમાં પણ પાણીની આવક ઘટી છે..પાલનપુર, ડીસા, વડગામ, ધાનેરા ઉપરાંત દિયોદર અને ભાભર જેવા વિસ્તારોમાં ખેતી માટે સતત બોરવેલનો ઉપયોગ થઈ રહ્યો છે…પરિણામે ભૂગર્ભ જળનું સ્તર સતત નીચે જઈ રહ્યું છે. બીજી તરફ આગામી શિયાળુ પાક માટે પણ ખેડૂતો ચિંતિત બન્યા છે.
બોરવેલના ઉપયોગથી પાણીના તળ ખૂબ જ નીચે જતા રહ્યા છે. દિયોદરમાં 165 મીટર સુધી સૌથી ઊંડું ભૂગર્ભજળ સ્તર છે. આ તરફ ડીસામાં આશરે 52.34 મીટર સુધી ભૂગર્ભ જળનું સ્તર પહોંચ્યું છે. ધાનેરામાં 34.26 મીટર અને ભાભરમાં 32.98 મીટર સુધી ઊંડે પાણીના તળ ગયા છે. જેના કારણે ખેડૂતો વધુ ઊંડા બોર કરવા મજબૂર બન્યા.
અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં જાહેરમાં બર્થ ડેની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ફતેવાડીની મસ્તાન મસ્જિદ પાસે જાહેર રસ્તા પર બર્થ ડેની ઉજવણી કરવામાં આવી હતી. વીડિયોમાં કારના બોનેટ પર હાથમાં ચાકુ લઈને કેક કટિંગ કરવામાં આવતું જોવા મળે છે. આ ઉપરાંત યુવકો બંને હાથમાં ફટાકડા રાખીને ઉજવણી કરતા હોવાના દૃશ્યો પણ સામે આવ્યા છે. જાહેરમાં આ રીતે ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મામલો ચર્ચામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં, તે અંગેની વિગતો હજુ સામે આવી નથી. વાયરલ વીડિયોના આધારે પોલીસ તપાસ કરે તેવી શક્યતા છે. ઘટનાને પગલે વિસ્તારમાં પણ ચર્ચા જોવા મળી રહી છે.
મહેસાણામાં શંકરસિંહ વાઘેલાના વિવાદિત નિવેદન મામલે SPGના અધ્યક્ષ લાલજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. લાલજી પટેલે શંકરસિંહ વાઘેલાના નિવેદનની નિંદા કરી છે. તેમણે કહ્યું કે, કોઈ એક વર્ગને સાચવવા માટે બીજા સમાજનું અપમાન ન કરવું જોઈએ. સાથે જ તેમણે આક્ષેપ કર્યો કે, આવા નિવેદનથી બીજા સમાજને નીચો દેખાડવાનું કામ ન કરવું જોઈએ. લાલજી પટેલે સ્પષ્ટતા કરતા કહ્યું કે, અમે અનામત હટાવવાની કોઈ માંગ કરી નહોતી. તેમણે વધુમાં કહ્યું કે, અમે માન આપીએ છીએ, પરંતુ તેનો મતલબ એવો નથી કે કોઈ પણ પ્રકારનું નિવેદન આપવામાં આવે. શંકરસિંહ વાઘેલાના નિવેદનને લઈને મહેસાણામાં હવે SPG અધ્યક્ષની પ્રતિક્રિયા સામે આવતા મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.
ભરૂચના દહેજમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે. દહેજની ફીલાટેકસ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી છે. કંપનીના વેરહાઉસમાં આગ લાગવાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં પણ ચકચાર મચી હતી. પ્રાથમિક માહિતી મુજબ, વેરહાઉસમાં રાખવામાં આવેલા ટેક્સટાઇલના યાર્નના જથ્થામાં આગ લાગી હોવાનું અનુમાન છે. આગની જાણ થતાં જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા ફાયર ફાયટરો આગને કાબૂમાં લેવા માટે ઘટનાસ્થળે જવા રવાના થયા છે. આગ કયા કારણોસર લાગી અને કેટલું નુકસાન થયું તે અંગેની વિગતો હજુ સામે આવી નથી. હાલ ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. ઘટનાને પગલે કંપનીમાં દોડધામનો માહોલ સર્જાયો છે.
UAEમાં સારવાર લઈ રહેલા જાબાંઝ પાયલોટ સ્મિત મચ્છરની UAEના નાયબ વડાપ્રધાન હમદાન બિન મોહમંદે મુલાકાત લીધી છે. અબુ ધાબીની હોસ્પિટલમાં પહોંચેલા હમદાન બિન મોહમંદે સ્મિત મચ્છરના ખબર અંતર પૂછ્યા હતા. તેમણે સ્મિત મચ્છરની તબિયત અંગે તબીબો પાસેથી માહિતી મેળવી હતી. આ દરમિયાન તેમણે સ્મિત મચ્છર સાથે વાતચીત કરી તેમની સ્થિતિ જાણી હતી. હમદાન બિન મોહમંદે સ્મિત મચ્છર જલ્દી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. સ્મિત મચ્છરની સારવાર અબુ ધાબીની હોસ્પિટલમાં ચાલી રહી છે. તેમની મુલાકાત દરમિયાન UAEના નાયબ વડાપ્રધાને પાયલોટના પરિવારજનો સાથે પણ વાતચીત કરી હતી. નોંધનીય છે કે સ્મિત મચ્છર સંબંધિત ઘટના બાદ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે.
સુરતના સચિન વિસ્તારમાં આવેલી એ ટુ ઝેડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. હોસ્પિટલમાં અચાનક આગ લાગવાની ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતાં ફાયર વિભાગની આશરે 7 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર જવાનો દ્વારા યુદ્ધના ધોરણે આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આગ કયા કારણોસર લાગી અને કેટલું નુકસાન થયું તે અંગેની વિગતો હજુ સામે આવી નથી. હોસ્પિટલમાં આગની ઘટનાને પગલે દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફમાં પણ ચિંતા જોવા મળી હતી. હાલ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઘટનાને પગલે સચિન વિસ્તારમાં પણ ભારે ચહલપહલ જોવા મળી રહી છે.
અમદાવાદમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સાબરમતી નદી પર 480 મીટર લાંબા પુલનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આશરે 36 મીટર ઊંચો આ પુલ 12 માળની ઇમારત જેટલો ઊંચો છે. જમીન સ્તરથી પુલની ઊંચાઈ આશરે 14.8 મીટર છે. આ પુલ સાબરમતી અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે આવેલો છે. સાબરમતી સ્ટેશનથી આશરે 1 કિલોમીટર અને અમદાવાદ સ્ટેશનથી 4 કિલોમીટરના અંતરે આ પુલનું નિર્માણ થયું છે. હાલના ફ્લાયઓવર, પુલ, રેલવે લાઇન અને મેટ્રો કોરિડોરને ધ્યાનમાં રાખીને પુલના પિયર્સની ઊંચાઈ વધુ રાખવામાં આવી છે. પુલમાં 8 સર્ક્યુલર પિયર્સ છે, જેનો વ્યાસ 6થી 6.5 મીટર છે. તેમાંથી 4 પિયર્સ નદીના પટમાં, 2 બંને કિનારા પર અને 2 કિનારાની બહાર છે. પિયર્સની ગોઠવણીથી નદીના જળપ્રવાહમાં અવરોધ ઓછો રહે છે. બુલેટ ટ્રેન કોરિડોરના 25 નદી પુલમાંથી 21 ગુજરાત અને 4 મહારાષ્ટ્રમાં છે. ગુજરાતના 21માંથી 18 પુલનું કામ પૂર્ણ થયું છે.
જુનાગઢના માંગરોળમાં જમીન દફતર વિભાગના કર્મચારીઓની હડતાળને કારણે સિટી સર્વે વિભાગની કામગીરી છેલ્લા બે અઠવાડિયાથી ઠપ થઈ છે. કર્મચારીઓ પોતાની પડતર માગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે, જેના કારણે કચેરીઓમાં કર્મચારીઓની ખુરશીઓ ખાલી જોવા મળી રહી છે. જમીન સંબંધિત કામ માટે દૂરના ગામડાઓમાંથી આવતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અરજદારોના કામ અટવાતા તેમને ધક્કા ખાવાનો વારો આવ્યો છે. સિટી સર્વે વિભાગની કામગીરી બંધ હોવાથી લોકોને જમીન સંબંધિત વિવિધ કામો માટે મુશ્કેલી પડી રહી છે. અરજદારોએ સરકાર અને તંત્ર સમક્ષ બંધ પડેલી સેવાઓ તાત્કાલિક શરૂ કરવાની માગ કરી છે.
સુરેન્દ્રનગરમાં જિમ ક્લબ 71માં યુવતીઓની છેડતીની ફરિયાદ બાદ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ASP અને પોલીસ ટીમના સંયુક્ત ઓપરેશનમાં જિમ સંચાલક આમીન મુલતાની સહિત બે યુવતીઓ અને ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે જિમની તમામ બ્રાન્ચ સીલ કરી ગેરરીતિ અને ગેરવહીવટ અંગે તપાસ શરૂ કરી છે. કાર્યવાહીમાં PGVCL અને મહાનગરપાલિકાની ટીમ પણ જોડાઈ હતી. યુવતીઓને બદનામ કરવામાં આવતી હોવાની શંકાને પગલે પણ તપાસ ચાલી રહી છે. જિમમાંથી 100થી વધુ ચેક મળી આવ્યા હોવાની આશંકા છે અને જિમ સંચાલકને સિટી પોલીસ મથકે લઈ જઈ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં મસ્તાન મસ્જિદ પાસે જાહેરમાં બર્થ ડેની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં કારના બોનેટ પર હાથમાં ચાકુ રાખીને કેક કટિંગ કરવામાં આવતું જોવા મળે છે. તેમજ બંને હાથમાં ફટાકડા રાખીને ઉજવણી કરવામાં આવી હોવાનો પણ દાવો છે. જાહેર રસ્તા પર થયેલી આ ઉજવણીનો વીડિયો વાયરલ થતાં મામલો ચર્ચામાં આવ્યો છે. ઘટનાને લઈને પોલીસ દ્વારા વીડિયો અંગે તપાસ કરવામાં આવી રહી છે.
સુરતમાં ફૂલ વેચતી મહિલાના ઘરમાંથી 11 તોલા સોનું અને રોકડની ચોરીનો ભેદ કીમ પોલીસે ઉકેલી લીધો છે. મહિલા મંદિરે ફૂલ વેચવા ગઈ હતી ત્યારે તસ્કરે ઘરમાં પ્રવેશ કરી ઘરફોડ ચોરી કરી હતી. પોલીસે મહારાષ્ટ્રના ધરણગાંવથી આરોપીને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ દરમિયાન તેણે ચોરીનો ગુનો કબૂલ્યો હતો. પોલીસે 11 તોલા સોનું, રોકડ સહિતનો તમામ મુદ્દામાલ રિકવર કર્યો હતો. નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે મહિલાને દાગીના અને રૂપિયા પરત કરવામાં આવતા મહિલા ભાવુક થઈ હતી અને કીમ પોલીસ તથા ઉચ્ચ અધિકારીઓનો આભાર માન્યો હતો.
વડોદરાના તરસાલી વિસ્તારમાં સુદર્શન પાર્ક સોસાયટીમાં સિંધી પરિવારે લઘુમતી પરિવારને મકાન વેચતા વિવાદ સર્જાયો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ ઊંચા ભાવે મકાન વેચવામાં આવ્યું છે. આ મામલે સ્થાનિક રહીશોએ પૂર્વ મેયર નિલેશ રાઠોડની આગેવાનીમાં સાંસદ હેમાંગ જોશીને રજૂઆત કરી હતી. સાંસદે મકાનનું વેચાણ વિસ્તારમાં અશાંતિ ફેલાવવાનો કારસો ગણાવ્યું હોવાનો દાવો કર્યો છે અને મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરવાની વાત કરી છે. સાથે જ તરસાલી વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવાની માંગ કરવામાં આવી છે.
ભારતીય ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સ 2026માં પુરુષોનો T20 ગોલ્ડ મેડલ પણ જીત્યો છે.છેલ્લી એશિયન ગેમ્સની ચેમ્પિયન ટીમ ઈન્ડિયાએ સતત બીજી વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ મેચમાં વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્માએ માત્ર 2 ઓવરમાં 28 રન બનાવીને ટીમ ઈન્ડિયા માટે ઝડપી શરૂઆત કરી હતી. પરંતુ વૈભવ ત્રીજી ઓવરમાં આઉટ થયો હતો, જ્યારે સંજુ સેમસન પણ લાંબો સમય ટકી શક્યો નહોતો. જોકે, અભિષેક શર્માએ શાનદાર બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું અને માત્ર 20 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. અભિષેકે માત્ર 28 બોલમાં 61 રન બનાવ્યા હતા.
વડોદરાના કરજણમાં CNG કારમાં બ્લાસ્ટની ઘટના બાદ CNG કીટની સલામતીને લઈને સવાલો ઉઠ્યા છે. આ મામલે TV9એ CNG કીટના વેપારી સાથે વાતચીત કરી હતી. વેપારીના જણાવ્યા મુજબ CNG કીટનું દર ત્રણ વર્ષે રિ-ટેસ્ટિંગ કરાવવું ફરજિયાત છે. તેમણે વાહનચાલકોને જૂની CNG કીટ લગાવવાનો આગ્રહ ન રાખવાની સલાહ આપી છે. વેપારીના જણાવ્યા મુજબ કેટલાક લોકો રૂપિયા બચાવવા માટે જૂની કીટ ફીટ કરાવે છે, જ્યારે કેટલાક દુકાનદારો વધુ પૈસાની લાલચમાં નબળી અથવા જૂની કીટ ફીટ કરતા હોવાનો દાવો કર્યો છે.
બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યપ્રધાનને પત્ર લખીને બોટાદ, ગઢડા, રાણપુર, બરવાળા તાલુકામાં કપાસના પાકની નુક્સાની અંગે સરવે કરી ખેડૂતોને સહાય ચુકવવા માગણી કરી. કપાસના પાકમાં સુકારો સમગ્ર બોટાદ જિલ્લામાં ખેડૂતોને ભારે નુક્સાન થયાની ધારાસભ્યની રજૂઆત કરી.ધારાસભ્ય ઉમેશ મકવાણાએ CM અને કૃષિમંત્રીને લેખિત રજૂઆત કરી સહાયની માગણી કરી છે.
વડોદરાના સાવલી રોડ પર આસોજ ગામ નજીક પસાર થઈ રહેલા ડમ્પરમાં અચાનક આગ લાગી હતી. પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે ડમ્પરમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં ડમ્પરનો ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. બીજી તરફ, મંજુસર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી.
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આવેલા ખ્વાજા એપાર્ટમેન્ટમાં નજીવી બાબતે આધેડની હત્યા થતાં ચકચાર મચી છે. 56 વર્ષીય ઈકલબાલ ઉર્ફે જૂનાગઢી લોધી પર ત્રણ શખ્સોએ લોખંડની પાઈપ વડે હુમલો કર્યો હતો, જેમાં તેમનું મોત નીપજ્યું હતું. હત્યાના બનાવને પગલે પોલીસમાં દાનીશ, સુફિયાન અને રિયાઝ નામના ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
વડોદરાના કરજણ નજીક NH-48 પર આવેલા પેટ્રોલ પંપ પર CNG ભરાવતી વખતે કારમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતાં પેટ્રોલ પંપ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટની તીવ્રતાને કારણે નજીકમાં ઉભેલી અન્ય બે કારને પણ નુકસાન થયું હતું. સમગ્ર ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
વડોદરાના સાવલી રોડ પર આસોજ ગામ નજીક પસાર થઈ રહેલા ડમ્પરમાં અચાનક આગ લાગી હતી. પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં ડમ્પરનો ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. બીજી તરફ, મંજુસર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી.
જામનગરના માંછરડા ગામના વાડી વિસ્તારમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. ખેડૂતના મોબાઈલ કેમેરામાં દીપડાની હરકત કેદ થઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે. દીપડાના આંટાફેરાથી ખેડૂતો અને ખેતમજૂરોમાં પણ ભય જોવા મળી રહ્યો છે. દીપડાને પકડવા માટે ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી છે.
દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાઈટમાં થયેલા હંગામા અને હુમલાના કેસમાં હુમલો કરનાર કો-પાયલોટની ઓળખ સામે આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ કો-પાયલોટનું નામ હમામ-અલ-હમામ્મી હોવાનું સામે આવ્યું છે. ચાલુ ફ્લાઈટમાં થયેલા હુમલાને પગલે 170 મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. હમામ-અલ-હમામ્મી પર અગાઉ ઓમાન દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને તે કટ્ટરપંથી વિચારધારા ધરાવતો હોવાના આધારે પ્રતિબંધ લગાવાયો હોવાનું જણાવાયું છે.
Published On - 7:36 am, Sat, 3 October 26