
આગામી વર્ષે, ઉત્તર પ્રદેશ સહિત ઘણા મહત્વપૂર્ણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ ( Assembly Elections 2027 ) યોજાવાની છે. રાજકીય પક્ષો આ ચૂંટણીઓને લઈને અત્યારથી જ સક્રિય થઈ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હોમ સ્ટેટ ગુજરાત પણ એવા રાજ્યોમાં સામેલ છે જ્યાં આવતા વર્ષે ચૂંટણી યોજાશે. ભાજપ લગભગ ત્રણ દાયકાથી ગુજરાતની ગાદી પર બિરાજમાન છે. જો કે, કોંગ્રેસ આ ચૂંટણીમાં ભાજપ સામે મજબૂત પડકાર ઊભો કરવાની તૈયારી કરી રહી છે અને સતત નવી રણનીતિઓ પર કામ કરી રહી છે.
ગુજરાતમાં લાંબા સમયથી સત્તા પર રહેલી ભારતીય જનતા પાર્ટી (BJP) નો સામનો કરવા માટે, કોંગ્રેસે વરિષ્ઠ નેતા રણદીપ સુરજેવાલાને રાજ્યના પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. તેમણે નવી રણનીતિ ઘડી છે અને રાજકીય મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, રણદીપ સુરજેવાલા કે જેમણે અગાઉ કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યાલયમાં પ્રવકત્તા તરીકે મીડિયાની નજીક રહ્યાં હતા. તેમણે 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જ્યારે કોંગ્રેસે ભાજપને જોરદાર ટક્કર આપી હતી. સુરજેવાલાને કર્ણાટકની ચૂંટણી સમયે પણ કામગીરી સોપવામાં આવી હતી. આ સમયે રણદીપ સુરજેવાલેએ મજબૂત રીતે કોંગ્રેસનો દેખાવ કરાવ્યો. સપ્ટેમ્બર 2020માં તેમની કર્ણાટક કોંગ્રેસના પ્રભારી મહાસચિવ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ, કોંગ્રેસે 2023ની ચૂંટણીમાં જંગી જીત મેળવી હતી અને કર્ણાટકમાં સરકાર બનાવવામાં સફળતા મેળવી હતી.
આ કામગીરીને ધ્યાનમાં રાખીને, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ, કોંગ્રેસના પ્રભારી તરીકે કર્ણાટકમાં કોંગ્રેસને ફરીથી જીત અપાવનાર સુરજેવાલાને ગુજરાતની જવાબદારી પણ સોંપી હતી. સૂત્રોનું કહેવું છે કે આ નવી ભૂમિકા સંભાળ્યા પછી, રણદીપે ગુજરાત માટે એક ચોક્કસ રણનીતિ તૈયાર કરી છે. પ્રભારી મહાસચિવ તરીકે રાજ્યના પક્ષના નેતાઓ સાથેની તેમની પ્રથમ બેઠક દરમિયાન, તેમણે આ ત્રણ મુખ્ય વ્યૂહાત્મક મુદ્દાઓ રજૂ કર્યા.
સુરજેવાલાએ વડાપ્રધાન મોદીના ગઢમાં ભાજપને હરાવવા અને સત્તામાં પાછા ફરવા માટે કોંગ્રેસ પક્ષની લાંબી રાહનો અંત લાવવા માટે એક ચોક્કસ રણનીતિ તૈયાર કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રણનીતિનું પ્રથમ પાસું ગુજરાતની ચૂંટણી દરમિયાન રાષ્ટ્રીય મુદ્દાઓને બદલે સ્થાનિક અને રાજ્ય-વિશિષ્ટ મુદ્દાઓને પ્રાથમિકતા આપવાનું છે.
રણનીતિનું બીજું મુખ્ય પાસું એ છે કે કોંગ્રેસ ગુજરાતની ચૂંટણી દરમિયાન વડાપ્રધાન મોદી અને અમિત શાહ પર સીધા પ્રહારો કરવાનું ટાળશે. તેના બદલે, તેનો રાજકીય હુમલો રાજ્ય સંબંધિત મુદ્દાઓ તેમજ ધારાસભ્યો, મંત્રીઓ અને મુખ્યમંત્રી પર કેન્દ્રિત રહેશે.
ત્રીજો મહત્વનો મુદ્દો એ છે કે, પક્ષ પ્રચાર દરમિયાન અદાણી કે અંબાણીને નામ લઈને સીધા નિશાન બનાવવાનું ટાળશે. પક્ષનું માનવું છે કે ગુજરાતી સમાજ વ્યવસાયને ખૂબ મહત્વ આપે છે અને તેમના માટે, તેમના જ રાજ્યના અદાણી અને અંબાણી મોટા બિઝનેસ આઇકોન (વ્યાપારી દિગ્ગજો) છે.
આવતા વર્ષે અનેક રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. જ્યાં હાલમાં ભાજપ સત્તા પર છે – ત્યારે કોંગ્રેસ ભગવા પક્ષના વર્ચસ્વને પડકારવાનું લક્ષ્ય રાખી રહી છે. દેશના સૌથી જૂના પક્ષને 2024ની લોકસભા ચૂંટણીથી પ્રોત્સાહન મળ્યું છે, કારણ કે તેમને લાગ્યું છે કે હવે ભાજપને હરાવી શકાય તેમ છે. તે ચૂંટણીમાં, ભાજપ પોતાના દમ પર બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યો હતો અને માત્ર 240 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. ‘INDIA’ ગઠબંધન અયોધ્યાની બેઠક પણ જીતવામાં સફળ રહ્યું હતું, જે ભાજપ માટે ખૂબ મહત્વની હતી.
ચૂંટણી પરિણામો બાદ, જુલાઈ 2024માં પક્ષના એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘INDIA’ ગઠબંધને અયોધ્યામાં ભાજપ – અને તેના રામ મંદિર આંદોલનને હરાવ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે. આગામી ચૂંટણીમાં ગુજરાતમાં પણ ભાજપને આવી જ સ્થિતિનો સામનો કરવો પડશે.
લોકસભા ચૂંટણી બાદ, જ્યારે ભાજપના કાર્યકરો હિન્દુઓ અંગે રાહુલ ગાંધીની ટિપ્પણીઓનો વિરોધ કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC)ની ઓફિસ બહાર પહોંચ્યા ત્યારે કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. રાહુલ ગાંધીએ કહ્યું, “હું તમને કહેવા માંગુ છું કે, જેમ તેમણે આપણી ઓફિસને નુકસાન પહોંચાડ્યું, તેમ આપણે સાથે મળીને તેમની સરકારને ઉખાડી ફેંકીશું. મારી વાત યાદ રાખજો, કોંગ્રેસ ગુજરાતમાં ચૂંટણી લડશે અને ત્યાં વડાપ્રધાન મોદી તથા ભાજપને હરાવશે, જેમ આપણે અયોધ્યામાં કર્યું હતું.”