
Bhupendra Patel US Canada Visit : 2027ના વર્ષમાં યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ માટે અમેરિકા અને કેનેડાનો સફળ પ્રવાસ પૂર્ણ કરીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આજે ગુરુવારના રોજ અમદાવાદ પરત ફર્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના અગ્રણીઓ અને અધિકારીઓએ મુખ્યમંત્રીનું ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું.
એરપોર્ટ પર મીડિયા સાથે વાતચીત કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વધુમાં વધુ વૈશ્વિક મૂડીરોકાણ આવે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયાસ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વૈશ્વિક સંબંધો અને તેમના પ્રત્યેના વિશ્વાસનો આ પ્રવાસ દરમિયાન અનુભવ થયો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરના વિશ્વાસને કારણે વૈશ્વિક રોકાણકારો ભારતના વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરવા માટે ઉત્સુક છે. ભારતમાં આવનારું વધુને વધુ રોકાણ ગુજરાતમાં આવે તે હેતુથી અમેરિકા અને કેનેડાનો પ્રવાસ કરવામાં આવ્યો હતો.
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે પ્રવાસ દરમિયાન સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), ડેટા સેન્ટર અને મેન્યુફેક્ચરિંગ સહિતના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ હતી. આ ઉપરાંત GIFT City માટે ફાઇનાન્સિયલ ક્ષેત્રની મોટી કંપનીઓ સાથે પણ બેઠકો કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ બેઠકોના પરિણામે ગુજરાતમાં આગામી સમયમાં નોંધપાત્ર વૈશ્વિક મૂડીરોકાણ આવશે અને અમેરિકા-કેનેડાનો પ્રવાસ રાજ્ય માટે ફળદાયી સાબિત થશે.
પ્રવાસ દરમિયાન વૈશ્વિક રોકાણકારો, ટેક્નોલોજી અગ્રણીઓ અને ઇનોવેટર્સને આગામી 10થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન યોજાનારી 11મી Vibrant Gujarat Global Summit માં રોકાણ, કોલેબોરેશન અને પાર્ટનરશિપ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને પ્રેરણાથી યોજાનારી આ સમિટને સફળ બનાવવા માટે ગુજરાત સરકારના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે અમેરિકા અને કેનેડામાં વિવિધ બેઠકો યોજી હતી.
પ્રતિનિધિમંડળે સાન ફ્રાન્સિસ્કો, વોશિંગ્ટન ડી.સી. અને ન્યૂયોર્કમાં રોકાણકારો, ટેક્નોલોજી ક્ષેત્રના અગ્રણીઓ, યુવા ઉદ્યોગસાહસિકો, ઇનોવેટર્સ તેમજ ગુજરાતી ડાયસ્પોરા સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીની સાથે મુખ્ય સચિવ એમ.કે. દાસ, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ટી. નટરાજન, ઉદ્યોગ અને ખાણ વિભાગનાં અધિક મુખ્ય સચિવ મમતા વર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર અને અધિક અગ્ર સચિવ ડો. વિક્રાંત પાંડે સહિતના અધિકારીઓ તેમજ રાજ્યના ઉદ્યોગ-વેપાર જગતના પ્રતિનિધિઓ પ્રવાસમાં જોડાયા હતા.