
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે, રાજ્ય સરકારે પણ ટાઈપ-1 ડાયાબિટીસ ધરાવતા બાળકોના સચોટ નિદાન અને સમયસર સારવાર દ્વારા આ રોગને નિયંત્રિત કરવાનો સંકલ્પ કર્યો છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, ટાઈપ-1 ડાયાબિટીસ- જુવેનાઈલ ડાયાબિટીસ રાજ્યવ્યાપી અભિયાનનો આરંભ કરાવવાના અવસરે ટાઈપ-1 ડાયાબિટીસ ધરાવતા બાળકોને સારવાર કિટનું વિતરણ કરતાં કહ્યું કે, આવા બાળકોની સારવારનો બોજ પરિવાર પર ન આવી પડે તે માટે રાજ્ય સરકાર નિ:શુલ્ક ઈન્જેક્શનો તથા ગ્લુકોમિટર અને અન્ય જરૂરી સારવાર સામગ્રી પૂરી પાડે છે.

રાજ્ય સરકારે બાળ આરોગ્ય સંભાળ માટે પ્રિકોશન, પ્રિવેન્શન અને પોઝિટીવ લાઈફ સ્ટાઈલ ત્રણેય પર ફોકસ કર્યુ છે. રાજ્યની શાળાઓમાં શાળા આરોગ્ય અભિયાન શરૂ કરીને દર વર્ષે સરેરાશ 1 કરોડથી વધુ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવે છે

આ તપાસ દરમિયાન જો કોઈ બાળકને વધુ સારવારની જરૂર જણાય તો સરકારી હોસ્પિટલોમાં રિફર કરીને કિડ્ની, હ્રદય રોગ, કેન્સર, લિવર ટ્રાન્સપ્લાન્ટ જેવી સુપર સ્પેશ્યાલિટી સારવાર વિના મુલ્યે રાજ્ય સરકાર આપે છે.

પાછલા 11 વર્ષોમાં 2 લાખ 18 હજાર કરતાં વધુ બાળકોને આવી સારવાર આપવામાં આવી છે એમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીએ કહ્યું કે, હવેની લાઈફ સ્ટાઈલ અને સ્ટ્રેસફુલ જીવનશૈલીના કારણે પુખ્ત અને યુવા વયમાં પણ ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યુ છે. જીવનશૈલીમાં બદલાવ લાવીને તે દૂર કરી શકાય છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં વધતી જતી મેદસ્વિતા બાબતે લોકોને સાવચેત થવા ભોજનમાં 10 ટકા તેલનો ઉપયોગ ઘટાડવા અને નિયમિત વ્યાયામને જીવનનો ભાગ બનાવાવાની અપીલ કરી છે, તેને સૌ લોકો અપનાવે તેવો અનુરોધ મુખ્યમંત્રીએ કર્યો હતો.
Published On - 4:26 pm, Wed, 24 December 25