
જુનાગઢ જિલ્લાના વિસાવદર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થતાં જ રાજકારણમાં નવી હલચલ શરૂ થઈ છે. ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ ગોપાલ ઇટાલિયાએ જનતાનો આભાર માનતા એક તીવ્ર સંદેશ આપ્યો હતો. તેમણે ગુજરાતના યુવાનોને સંબોધન કરીને ગુલામીમાંથી મુક્ત થવાની અપીલ કરી હતી અને ભાજપના ભય, ભૂખ, ભ્રષ્ટાચાર તેમજ તાનાશાહી સામે લડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, આ જીત હું વિસાવદરની જનતા અને સમગ્ર ગુજરાતની જનતાના ચરણોમાં નમસ્કાર કરીને વિનમ્ર ભાવે સ્વીકારું છું. હું આ ચૂંટણીની જીતના સર્ટિફિકેટને ખૂબ જ વિનમ્રતાથી સ્વીકારું છું.
ગુજરાતના યુવાનોને હું લાગણીભરી અપીલ કરું છું કે, હવે જાગવાની જરૂર છે. આપણે ગુજરાતમાં કયા સુધી ભાજપના ભય, ભૂખ, ભ્રષ્ટાચાર અને તાનાશાહીના શાસનનો સામનો કરીશું? ભાજપે એક એક નાગરિકને ગુલામ બનાવી રાખ્યા હોય તેમ તાનાશાહી હદપાર કરી છે. તેમના કાર્યકરો પણ ગુંડા જેવું વર્તન કરી રહ્યા છે.
હું ગુજરાતના દરેક યુવાનને અપીલ કરું છું કે, આગળ આવો, આત્માને જગાડો અને તમારી અંદરની તાકાતને ઓળખો. આપણે પરિવર્તન માટે લડવું પડશે. ગુજરાતને ભાજપના શાસનમાંથી મુક્ત કરાવવું પડશે.
આજથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાઈ ચુક્યા છે અને ભગવાને પણ વરસાદ રૂપે આશીર્વાદ આપ્યા છે. ભગવાન પણ ઈચ્છે છે કે, ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર અને તાનાશાહીનો અંત આવે.
વિસાવદર એ ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર ધરાવતું સ્થળ છે. અહીંની જનતાએ મારા પર વિશ્વાસ મૂક્યો છે અને મને મોટી જવાબદારી સોંપી છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ મને આ જવાબદારી નિભાવવા માટે જરૂરી શક્તિ આપે.
આ ચૂંટણી દરમિયાન કેટલાંક અધિકારીઓએ કિરીટ પટેલની ગુલામી કરી હતી. જો કે, ઘણા નાના કર્મચારીઓએ નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે. હું તેમનો દિલથી આભાર માનું છું, કારણ કે તેમણે ન્યાય અને ભારતના સંવિધાનના રક્ષણનું નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે.
Published On - 2:47 pm, Mon, 23 June 25