Gujarat Monsoon 2022: અષાઢ મહિનાના પ્રારંભથી જ મેઘરાજા સૌરાષ્ટ્ર (Saurastra Rain)અને દક્ષિણ ગુજરાતમાં મહેરબાન થયા હોય તેમ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ(Gir somnath), દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં વરસાદ થતા પ્રકૃતિનું સૌદર્ય જોવા મળ્યું છે તો સાથે સાથે વરસાદને પગલે વિવિધ સ્થળોએ પાણી પણ ભરાઈ ગયા છે. જોકે વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ બન્યો છે તો શહેરી વિસ્તારના નાગરિકો માટે વરસાદથી ભરાયેલા પાણીને પગલે મુશ્કેલીઓ વધી છે અને અવરજવરમાં મુશ્કેલી ઉભી થઈ છે. દરમિયાન હવામાન વિભાગે ગીરસોમનાથ માં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકામાં ભાણવડ અને ગ્રામ્ય વિસ્તારો સહિત રોજીવાડા, ગુંદા, પાછતર સહિતના ગામોમાં વરસાદ થયો હતો અને તેના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.
અમરેલીના ધારી પંથકના વિવિધ ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમરેલીમાં બોરડી ગામની સ્થાનિક નદીમાં ધસમસતો પ્રવાહ આવતા કોઝવે પર વરસાદી પાણી ફરી વળતા નાગરિકોએ અવરજવર બંધ કરવી પડી હતી.
ગીરસોમનાથમાં પણ વરસાદથી આહલાદક વાતાવરણ સજાર્યું છે ત્યારે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ ઉપર દેવાધિદેવને વરૂણ દેવે જળાભિષેક કરતા હોય તેમ વરસાદ વરસ્યો હતો. સોમનાથમાં દરિયાકાંઠે વરસાદ અને વાદળને કારણે પ્રકૃતિનું અનોખું રૂપ જોઈને સહેલાણીઓ ખુશ થઈ ગયા હતા અને ફોટોગ્રાફીની મજા માણી હતી.
તો જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વચ્ચે અરબી સમુદ્રના મોજા તોફાની બન્યા હતા અને દરિયાકાંઠા પર 3 નંબરનું સિગ્નલ લાગવીને માછીમારોને દરિયો ન ખેડવા અંગે સૂચના આપવામં આવી હતી. નોંધનીય છે કે છેલ્લા બે દિવસથી ગીર સોમનાથમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. ફીશરીઝ વિભાગ દ્વારા ત્રણ નંબરનું સિગ્નલ આપી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.