ગીરમાંથી એક અત્યંત કરૂણ ઘટના ઘટી છે. છેલ્લા કેટલાક દિવસોથી વિસાવદરના નાની મોણપરી ગામે માનવભક્ષી સિંહણનો ત્રાસ વધ્યો છે. આ સિંહણ 4 વર્ષના એક માસૂમને ઉઠાવી ગઈ જતા તેનુ મોત થયુ હતુ. જે બાદ વનવિભાગની ટીમે આ માનવભક્ષી સિંહણને પકડવા માટે ઓપરેશન હાથ ધર્યુ હતુ. આ દરમિયાન સિંહણ સામે આવી જતા વેટરનરી તબીબે સિંહણને બેભાન કરવા માટે ટ્રાન્કવીલાઈઝર ગનથી ફાયર કર્યુ હતુ. જો કે સિંહણ દૂર ખસી જતા સામે ઉભેલા ટ્રેકરને આ ગોળી વાગી ગઈ હતી અને ટ્રેકરનું એક દિવસની સારવાર દરમિયાન મોત નિપજ્યુ છે.
રવિવારે વિસાવદરના નાની મોણપરી ગામે 4 વર્ષના શિવમ નામના બાળકને સિંહણે ફાડી ખાતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ માનવભક્ષી સિંહણને પકડવા માટે વન વિભાગે યુદ્ધના ધોરણે ઓપરેશન હાથ ધર્યું હતું. સિંહણની લોકેશન મળતા જ તેને બેભાનકરવા માટે વનકર્મીઓ દ્વારા ગન ચલાવવામાં આવી હતી. જોકે, કમનસીબે આ ગનમાંથી છૂટેલું ઇન્જેક્શન સિંહણને લાગવાને બદલે ત્યાં હાજર વન વિભાગના ટ્રેકર અશરફભાઈ ચૌહાણને વાગી ગયું હતું. અશરફ ભાઈના મોતથી સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે.
આ સમગ્ર ઘટના અંગે સી.એફ.એ જણાવ્યુ છે કે અકસ્માતે સિંહણને બેભાન કરવાનું ઇન્જેક્શન ટ્રેકરને લાગ્યું હતુ. મનુષ્ય કરતા પ્રાણીને ચાર ગણો એનેસ્થેસિયાનો ડોઝ આપવો પડે છે. એનેસ્થેસિયાના ઓવરડોઝના કારણે ટ્રેકરનું મોત થયુ છે. આ ઘટનામાં વેટરનરી તબીબની બેદરકારી અંગે પણ તપાસ કરવામાં આવશે.
આ સમગ્ર મામલે વેટરનરી તબીબની બેદરકારી અંગે તપાસ કરવામાં આવશે વનકર્મી અશરફભાઈ સિંહણના પાછળના ભાગે કેમ ઉભા હતા તે અંગ પણ તપાસ કરવામાં આવશે. ટ્રેકરના વીમામાંથી પરિવારને 10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. વન વિભાગના અધિકારી તથા કર્મચારીઓ પણ આર્થિક મદદ કરશે. 28 વર્ષીય મૃતક અશરફ વન વિભાગમાં કરાર આધારિત ટ્રેકર તરીકેની ફરજ બજાવતા હતા. તેમને સંતાનમાં 2 વર્ષની બાળકી છે. હાલ તેમના પરિવારમાં માતમ છવાયો છે.