પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે. જેના કારણે પૃથ્વી પર જળ સંકટ સતત વધી રહ્યું છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશો તેની ઝપેટમાં છે. જો ભારતની વાત કરીએ તો બે વર્ષ પહેલાં બેંગલુરુમાં પૂરનું સંકટ આવ્યું હતું અને હવે તે જળસંકટનો સામનો કરી રહ્યું છે. જેનું સૌથી મોટું કારણ બોરવેલ સુકાઈ રહ્યા છે. લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે. બેંગલુરુમાં પરિસ્થિતિ એકદમ ખરાબ થઈ ગઈ છે.
વિકાસની વધતી જતી ગતિ વચ્ચે પાણીનું સંકટ સતત ઘેરું બની રહ્યું છે. ત્યારે આ બધાની વચ્ચે નીતિ આયોગે એક રિપોર્ટ બહાર પાડ્યો હતો. જેમાં ગુજરાતના ગાંધીનગર સહિત 21 શહેરો પર જળ સંકટનો ખતરો હોવાનો ઉલ્લેખ કરાયો છે. તો શું કહે છે આ રિપોર્ટ અને ગાંધીનગરને શા માટે પાણીની કટોકટીનો સામનો કરવો પડશે તેના વિશે જાણીએ.
બેંગલુરુ સિવાય ભારતમાં વધુ 21 વધુ છે, જે ભવિષ્યમાં બેંગલુરુ જેવી સ્થિતિનો સામનો કરી શકે છે. મતલબ કે આ શહેરોમાં પણ પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આ શહેરોમાં દિલ્હી, જયપુર, ભટિંડા, મુંબઈ, ચેન્નાઈ અને ગાંધીનગર સહિત 21 શહેરોનો સમાવેશ થાય છે. નિષ્ણાતો કહે છે કે જળ સંકટ એ દેશવ્યાપી મુદ્દો છે. ભારતમાં વિશ્વની 18 ટકા વસ્તી છે, પરંતુ જળ સંસાધનો માત્ર 4 ટકા છે. ભારતના મુખ્ય જળાશયો હાલમાં તેમના પાંચ વર્ષના સૌથી નીચા સ્તરે છે.
દિલ્હીની વસ્તી 2.4 કરોડ છે. પરંતુ વરસાદ જરૂરિયાત કરતા ઘણો ઓછો પડે છે. દિલ્હી તેની પાણીની જરૂરિયાત માટે 50 ટકા હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પંજાબ પર નિર્ભર છે. જો આ રાજ્યો પાણી આપવાનો ઇનકાર કરશે તો દિલ્હી વિનાશના આરે આવી જશે. એ જ રીતે મુંબઈ દરિયા કિનારે આવેલું છે. અહીં ભારે વરસાદ પડે છે, પરંતુ ઝડપી શહેરીકરણ અને વસ્તી વિસ્ફોટને કારણે આગામી સમયમાં અહીં પાણીની તંગી સર્જાઈ શકે છે. પંજાબમાં પાંચ નદીઓ હોવા છતાં તેના કૃષિ પાણીનો વપરાશ જળ રિચાર્જ કરતાં ઘણો વધારે છે. નીતિ આયોગના રિપોર્ટમાં પંજાબના ઘણા શહેરો જળ સંકટના જોખમમાં છે.
નીતિ આયોગના એક રિપોર્ટ અનુસાર 2030 સુધીમાં 40 ટકા ભારતીયોને પીવાનું પાણી નહીં મળે. લગભગ 600 મિલિયન ભારતીયો પહેલાથી જ ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યા છે. રિપોર્ટમાં ભૂગર્ભજળની ચિંતાજનક ઉપલબ્ધતા ધરાવતા 21 શહેરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાણીની અછત એ માનવસર્જિત આપત્તિ છે, તેથી પાણીનો બચાવ કરવો જરૂરી છે. તો જ જળસંકટ દૂર થશે.
બેંગલુરુ જેવા શહેરો પહેલાથી જ 2600 મિલિયન લિટર પ્રતિ દિવસ (MLD)ની માંગ સામે લગભગ 500 MLD પાણીની અછતનો સામનો કરી રહ્યા છે. 1947માં ભારત આઝાદ થયું ત્યારે વ્યક્તિ દીઠ 5000 ઘનમીટર પાણી ઉપલબ્ધ હતું. 2021 અને 2031ની વચ્ચે તે 1486 થી ઘટીને 1367 ક્યુબિક મીટર થશે. મતલબ કે આટલી ઓછી ઉપલબ્ધતા સાથે આપણે જળ સંકટમાં છીએ.
સૌથી પહેલા ગાંધીનગરમાં પાણીના કુલ વપરાશ અંગેની વાત કરીએ તો, શહેરમાં કુલ 60 એમએલડી પાણીનો વપરાશ છે. જેમાં 30 એમએલડી પાણી સરિતામાંથી સપ્લાય કરવામાં આવે છે. જે સેક્ટર 1 થી 14 સુધી પહોંચે છે. બાકીનું 30 એમએલડી પાણી ચરેડી વોટર પ્લાન્ટમાંથી સપ્લાય કરવામાં આવે છે. જે સેક્ટર 15 થી 30ને પાણી પૂરું પાડે છે. ગાંધીનગરમાં બોરિંગ અને નર્મદા નદીમાંથી પાણી આપવામાં આવે છે.
ગાંધીનગર મહાનગરપાલિકામાં આવતા 18 ગામડાઓમાં પણ પાણીની વિકટ પરિસ્થિતિ છે. ગામડાઓની વાત કરીએ તો કેટલાક ગામોમાં પાણી આવે છે. જ્યારે કેટલાક ગામડાઓમાં નથી આવતું. તો જિલ્લાના ગામોમાં પીવાના પાણી ઉપરાંત સિંચાઈ માટે પણ સમસ્યા છે. ઓછો વરસાદ અને સિંચાઈ માટે બોરવેલ દ્વારા સતત ખેંચવામાં આવતા પાણીના કારણે ભૂગર્ભજળ ઊંડા જઈ રહ્યા છે. એક સમયે 250 ફૂટે પાણી મળતું હતું એ આજે 1000 ફૂટથી પણ વધુ ઉંડું ગયું છે. જમીનમાંથી પાણી બહાર કાઢવામાં આવે છે, પરંતુ વરસાદી પાણીને જમીનમાં ઉતારવાની કોઈ યોજના બનાવવામાં નહી આવે તો જળસંકટની સમસ્યા વધી શકે છે.
ગુજરાતમાં સામાન્ય રીતે વરસાદ અનિયમિત અને ઓછો પડતો હોય છે. ગુજરાતમાં એવા કેટલાક વિસ્તારો છે, જ્યાં સામાન્ય કરતાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે. જેથી પાણીની અછત સર્જાય છે. તેથી પીવાના પાણી અને ખેતી માટે કૂવાઓ અને બોરવેલ દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે. જેના કારણે ભૂગર્ભજળનું સ્તર દર વર્ષે ઉંડું જઈ રહ્યું છે. જે ઘણી ચિંતાજનક બાબત છે. ત્યારે ગુજરાતની રાજધાની ગાંધીનગર પણ આ જ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. નીતિ આયોગના રિપોર્ટ અનુસાર ગાંધીનગરને પણ આગામી સમયમાં જળસંકટનો સામનો કરવો પડી શકે છે.
નીતિ આયોગના રિપોર્ટમાં જે 21 શહેરોનો ઉલ્લેખ કરાયો છે, તેમાં ગાંધીનગર પણ સામેલ છે. આ એવા શહેરો છે, જ્યાં ભૂગર્ભજળની ઉપલબ્ધતા ચિંતાજનક છે અને આગામી સમયમાં ભૂગર્ભજળ વધુ ઉંડા જશે તો આ શહેરોને પાણીની વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. જે રીતે હાલ બેગલુરું જળસંકટનો સામનો કરી રહ્યું છે, તેવી સ્થિતિ આ શહેરોની પણ થઈ શકે છે. તેથી આ શહેરોએ વરસાદી પાણીને જમીનમાં ઉતારવાની યોગ્ય વ્યવસ્થા કરી પાણીનું સ્તર ઉંચું લાવવું ખૂબ જ જરૂરી છે.
ગુજરાતમાં ઉનાળાના આગમન પહેલા જ જળાશયની ક્ષમતા અડધી થઈ ગઈ છે. ઉનાળામાં પાણી પુરવઠા માટે સામાન્ય રીતે જળાશયો પર આધાર રાખતા બે પ્રદેશો સૌરાષ્ટ્ર અને કચ્છ છે. હાલની સ્થિતિએ સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 53 ટકા પાણીનો સંગ્રહ છે, જ્યારે કચ્છમાં આવેલા 20 જળાશયો 49 ટકા જળ સંગ્રહ છે. આ બે પ્રદેશોમાં 33 જળાશયો હાલમાં તેમની ક્ષમતાના 20 ટકા કરતા પણ ઓછા ભરાયેલા છે, અને ઉનાળાની શરૂઆત પહેલા પાણી સમાપ્ત થવાની સંભાવના છે.
આ વિસ્તારોમાં 16 ડેમ 90થી વધુ ખાલી છે, જ્યારે 5 સંપૂર્ણપણે સૂકા છે. નવેમ્બર 2023માં સૌરાષ્ટ્ર અને કચ્છના જળાશયોમાં પાણીનો સંગ્રહ અનુક્રમે 73.68 ટકા અને 68.38 ટકા હતો. જ્યારે હવે પરિસ્થિતિ અલગ છે. આ જળાશયો હવે 53.24 ટકા અને 49.37 ટકા જ ભરાયેલા છે. એટલે કે જળ સંગ્રહમાં લગભગ 20 ટકાનો ઘટાડો થયો છે. ગત ચોમાસામાં મોટાભાગના ડેમ પૂરતા પ્રમાણમાં ભરાયા હોવા છતાં, હાલમાં આ વિસ્તારોમાં માત્ર 7 ડેમમાં પૂરતું પાણી છે.
પાણીની તંગી ત્યારે સર્જાય છે, જ્યારે કોઈ વિસ્તારમાં તેની વપરાશ જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતા પ્રમાણમાં જળ સંસાધનોનો અભાવ હોય. આબોહવા પરિવર્તન, બદલાયેલ હવામાનની પેટર્ન, પ્રદૂષણ અને લોકોની પાણીની માંગમાં વધારાના કારણે પાણીની અછત ઉભી થાય છે. આબોહવા પરિવર્તનને કારણે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વધી રહી છે. તેની અસર ભારતમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે.
આબોહવા પરિવર્તનના કારણે કુદરતી આફતોમાં વધારો થઈ રહ્યો છે. આબોહવા પરિવર્તનના કારણે ચોમાસામાં અનિયમિતતા જોવા મળે છે. ક્યાંક એકસાથે ધોધમાર વરસાદ પડે છે, તો અમુક સ્થળે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે. જળવાયુ પરિવર્તન ભૂગર્ભજળના સંસાધનોને પણ ઝડપથી અસર કરી રહ્યું છે. સમસ્યા એ છે કે ભૂગર્ભજળના ઉપયોગના અયોગ્ય સંચાલનને કારણે સમગ્ર દેશમાં તેનું સ્તર સતત ઘટી રહ્યું છે.
Published On - 5:43 pm, Sun, 14 April 24