ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ ભાજપે (BJP) વધુ મત મેળવવા માટેની રણનીતિ બનાવવાનું શરુ કરી દીધુ છે અને ચૂંટણીને લઈને ભાજપે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ સહિતના કેન્દ્રીયપ્રધાનોના ગુજરાત પ્રવાસ વધી ગયા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ફરી એકવાર ગુજરાતની મુલાકાત આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18થી 20 એપ્રિલ સુધી ગુજરાતની મુલાકાતે આવવાના છે.
જેમાં તેમના કાર્યક્રમોની વાત કરીએ તો વડાપ્રધાન દાહોદ ખાતે આદિજાતિ મહાસંમલેનમાં ઉપસ્થિત રહેવાના છે અને અંદાજે રૂપિયા 22,000 કરોડની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. જામનગરમાં WHO વૈશ્વિક પારંપરિક દવા કેન્દ્રનો શિલાન્યાસ કરશે અને ગાંધીનગર ખાતે વૈશ્વિક આયુષ રોકાણ અને આવિષ્કાર સંમેલનનું ઉદ્ઘાટન પણ કરશે. બનાસકાંઠાના દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલમાં બહુવિધ વિકાસ પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પણ કરશે અને શિલાન્યાસ કરશે. તો વડાપ્રધાન ગાંધીનગર ખાતે શાળાઓ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની પણ મુલાકાત લેશે.
વડાપ્રધાન મોદી પોતાના પ્રવાસના પ્રથમ દિવસે એટલે કે 18 એપ્રિલે ગાંધીનગર સ્થિત સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે. પીએમ મોદી અંદાજે 1 કલાક સુધી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં ઉપસ્થિત રહેશે. આ દરમિયાન તેઓ કંટ્રોલના ડેસ્ક બોર્ડની કામગીરી ઉપરાંત વિવિધ પ્રેઝન્ટેશન નિહાળશે. પીએમ મોદી રાજ્યની શિક્ષણ વ્યવસ્થાનું નિરીક્ષણ કરશે. ત્યારબાદ તેઓ કમાન્ડ સેન્ટરથી જ શિક્ષકો અને વાલીઓ સાથે વર્ચ્યુઅલ વાર્તાલાપ કરશે. આ કમાન્ડ સેન્ટર રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના હસ્તક છે અને કમાન્ડ સેન્ટરના વિશ્વ બેન્કે પણ વખાણ કર્યા છે.
મહત્વનું છે કે રાજ્યની ખાનગી અને સરકારી મળીને કુલ 54 હજાર શાળાના 1.14 કરોડ વિદ્યાર્થીનું મોનિટરિંગ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર મારફતે થાય છે. આ કેન્દ્રમાં દર વર્ષે 500 કરોડ કરતાં વધારે ડેટા સેટ્સ એકઠા કરવામાં આવે છે અને મોટા ડેટા એનાલિટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે એકંદરે અભ્યાસના પરિણામોમાં વધારો કરવા માટે આ પ્રક્રિયા કરવામાં આવે છે.