Breaking News : GIDCના પ્લોટ ધારકો માટે સરકારની મોટી જાહેરાત, વાઈબ્રન્ટ ગુજરાતમા મળશે મોટો લાભ !
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે GIDC એમ્નેસ્ટી સ્કીમ જાહેર કરી છે. આ યોજના હેઠળ GIDC પ્લોટ ધારક MSME ઉદ્યોગકારોને જૂના બાકી સ્ટેમ્પ ડ્યુટીના કેસોમાં 80% સુધીની રાહત મળશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે રાજ્યમાં ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ને વધુ વેગ આપવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. GIDCના ઔદ્યોગિક પ્લોટ ધારકોને જૂના બાકી સ્ટેમ્પ ડ્યુટીના કેસોમાં મોટી રાહત આપવા માટે GIDC એમ્નેસ્ટી સ્કીમ અમલમાં મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ યોજનાથી પાત્ર MSME ઉદ્યોગકારોને સ્ટેમ્પ ડ્યુટીમાં 80 ટકા સુધીની રાહત મળી શકશે.
GIDCના પ્લોટ અથવા શેડની તબદીલી દરમિયાન ભૂતકાળમાં અનેક કિસ્સાઓમાં રજિસ્ટર્ડ લીઝ ડીડના બદલે એલોટમેન્ટ લેટર અથવા સપ્લીમેન્ટરી એગ્રીમેન્ટ જેવા દસ્તાવેજો કરવામાં આવ્યા હતા. જેના કારણે અગાઉના કેટલાક વ્યવહારોમાં યોગ્ય સ્ટેમ્પ ડ્યુટી ભરવામાં આવી ન હતી. હાલના પ્લોટ ધારકને લોન લેવા અથવા લીઝ ડીડ કરાવવાની જરૂરિયાત ઊભી થતાં અગાઉના બાકી વ્યવહારોની સ્ટેમ્પ ડ્યુટી અને ભારે પેનલ્ટીનો બોજ સહન કરવો પડતો હતો.
ઉદ્યોગકારો અને GIDC એસોસિએશનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે આ પ્રશ્નનો વ્યવહારુ ઉકેલ લાવવાનો નિર્ણય કર્યો છે. એમ્નેસ્ટી સ્કીમ હેઠળ પાત્ર કિસ્સાઓમાં લાગુ પડતી સ્ટેમ્પ ડ્યુટીમાં 80 ટકા સુધીની રાહત આપવામાં આવશે અને માત્ર 20 ટકા ડ્યુટી સાથે લાગુ પડતી પેનલ્ટી વસૂલવામાં આવશે. જોકે, કેટલાક કિસ્સાઓમાં કુલ વસૂલાત મૂળ સ્ટેમ્પ ડ્યુટી કરતાં ઓછી ન રહે તે માટે ખાસ જોગવાઈ પણ કરવામાં આવી છે.
આ યોજનાનો લાભ મુખ્યત્વે માન્ય ઉદ્યમ સર્ટિફિકેટ ધરાવતા MSME એકમોને મળશે. 30 જૂન, 2025 સુધી થયેલા પાત્ર એલોટમેન્ટ લેટર, શેર ટ્રાન્સફર, ભાડાપટ્ટા, પેટા ભાડાપટ્ટા અને મિલકતની તબદીલી સંબંધિત વ્યવહારોને યોજનામાં સામેલ કરવાનો પ્રસ્તાવ છે.
યોજનાનો લાભ મેળવવા માટે સંબંધિત મિલકતની કાયદેસરની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. અપીલ અથવા કોર્ટમાં પેન્ડિંગ પાત્ર કેસોમાં પણ નિર્ધારિત શરતોને આધિન રાહત મળી શકશે. આ નિર્ણયથી ઉદ્યોગકારો પરનો નાણાકીય બોજ ઘટશે, જૂના બાકી કેસોના ઉકેલમાં ઝડપ આવશે અને ઔદ્યોગિક વ્યવહારોમાં પારદર્શિતા વધશે.
SCO સમિટમાં પાકિસ્તાનનું બાલિશ કૃત્ય, X પર PM મોદીનો ફોટો હટાવી દીધો
