
પેટાચૂંટણીમાં વિજેતા બન્યા બાદ વિધાનસભામાં ગોપાલ ઈટાલિયાએ ધારાસભ્ય પદના શપથ લીધા છે. શપથ લેતાની સાથે જ મીડિયા સમક્ષ વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે આ શપથ મે માત્ર ધારાસભ્ય તરીકેના લીધા નથી, પરંતુ આ શપથ ગુજરાતને ભ્રષ્ટાચાર મુકત કરવાના, ગુજરાતમાંથી તાનાશાહી હટાવવાના, ડ્રગ્સના દૂષણને દૂર કરવાની મુહિમ ચલાવવાના છે.
વિસાવદર બેઠક પરથી વિધાનસભાની પેટાચૂંટણીમાં જીત મેળવનારા AAPના ગોપાલ ઇટાલિયાએ આજે ધારાસભ્ય પદના શપથ લીધા છે. 2025ની ગ્રામ પંચાયતો ચૂંટણીની સાથે યોજાયેલી 2 વિધાનસભાની પેટાચૂંટણીમાંથી એક વિસાવદર બેઠક પરની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાએ ભવ્ય જીત મેળવી હતી.ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આજે વિધાનસભા ખાતે ગોપાલભાઈ ઈટાલીયાને ધારાસભ્ય તરીકેના શપથગ્રહણ કરાવ્યા હતા.
શપથ લીધા બાદ મીડિયા સાથે વાતચીતમાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યુ કે હું ચૂંટણી જીત્યો એ તાકાત ભારતના સંવિધાન એટલે કે બંધારણની છે. તેમણે કેસુભાઇ પટેલને આ પ્રસંગે યાદ કર્યા હતા અને જણાવ્યુ કે ધારાસભ્ય બનવુ અલગ વાત છે, પણ કેસુબાપા જેવા પોપટબાપા જેવા, રત્નાબાપા ઠુંમર જેવા અનેક એવા આગેવાનો જેમણે વિસાવદર વિધાનસભાનું નેતૃત્વ કર્યુ છે, તેમના જેવા કામ અલગ વાત છે. તેમને હું યાદ કરુ છું. એમણે ચીતરેલા ચીલા ઉપર હું સારી રીતે ચાલી શકુ, ગુજરાતના ગામડાની સેવા કરી શકુ એ માટે હું સંકલ્પ બદ્ધ થયો છું.
મહત્વનું છે કે ગોપાલ ઇટાલિયાએ રાજ્યશાસ્ત્રમાં સ્નાતક અને LLB સુધીનો અભ્યાસ કર્યો છે. તેમણે ગુજરાત પોલીસમાં કૉન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી છે. સાથે રેવન્યૂ વિભાગમાં ક્લાર્ક તરીકે પણ નોકરી કરી છે., પરંતુ તેમના આક્રામક વલણને કારણે તેમણે સરકારી નોકરીમાં ફાવ્યું નહીં. એને પાટીદાર અનામત આંદોલનથી તેમણે જાહેર જીવનમાં ઝંપલાવ્યું. 2020માં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા. જ્યાં પ્રથમ પ્રદેશ ઉપાધ્યક્ષ અને બાદમાં પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળયો. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં તેમણે કતારગામથી ઝંપલાવ્યું અને 55 હજાર મતો મેળવી બીજા સ્થાને રહ્યા. ત્યાર બાદ તેઓ AAPના નેતા તરીકે સક્રિય રહ્યા અને 2025માં યોજાયેલી વિધાનસભાની પેટાચૂંટણીમા વીસાવદરથી ધારાસભ્ય બન્યા.
Published On - 12:08 pm, Wed, 16 July 25