Gandhinagar: કલોલમાં ઝાડા ઉલટીના રોગચાળાએ માઝા મૂકી, એક અઠવાડિયામાં 473 કેસ નોંધાયા
રોગચાળાને લઈ આરોગ્ય વિભાગ દ્વારા 40 ટીમ કાર્યરત છે જેમાં 8 મેડિકલ ઓફિસર અને 92 પેરા મેડિકલ સ્ટાફ સતત મોનીટરિંગ કરે છે. અત્યાર સુધી 22880 ક્લોરિન ટેબલેટ આપવામાં આવી છે
ગાંધીનગર (Gandhinagar) જિલ્લાના કલોલમાં ઝાડા ઉલટી (diarrhea- vomiting) ના રોગચાળા (Epidemic) એ માઝા મૂકી છે. કલોલ (Kalol) રેલ્વે પૂર્વની સોસાયટીમાં જાડા ઉલ્ટીના વધુ 58 કેસ સામે આવ્યા છે. આમ છેલ્લા 6 તારીખથી શરુ થયેલા કેસથી આજ દિન સુધી ટોટલ કેસની સખ્યા 473 સુધી નોંધાઈ ચૂકી છે. આ વિસ્તારમાં ઝાડા ઉલટીના રોગચાળામાં એક આઠ માસના બાળકનું મૃત્યુ પણ થઇ ચૂક્યું છે.
નગરપાલિકા (Municipality) ના આરોગ્ય વિભાગે આ વિસ્તારમાં સેમ્પલ લેવાની કાર્યવાહી શરૂ કરી છે. અત્યાર સુધી 22 સ્ટૂલ સેમ્પલ લેવામાં આવ્યા છે જેમાં 15 નેગેટિવ આવ્યા છે જ્યારે બાકીનાં 7 નો રિપોર્ટ બાકી છે. જ્યારે પાણી નાં 21 સેમ્પલ લેવામાં આવ્યા છે જેમાં 7સેમ્પલ બિન પીવા લાયક અને 5 સેમ્પલ પીવા લાયક જ્યારે હજુ 9 સેમ્પલનાં રીઝલ્ટ બાકી છે.
રોગચાળાને લઈ આરોગ્ય વિભાગ દ્વારા 40 ટીમ કાર્યરત છે જેમાં 8 મેડિકલ ઓફિસર અને 92 પેરા મેડિકલ સ્ટાફ સતત મોનીટરિંગ કરે છે. અત્યાર સુધી 22880 ક્લોરિન ટેબલેટ આપવામાં આવી છે સાથે 22717 ORS નું વિતરણ કરવામાં આવ્યું છે. અસરગ્રસ્ત 59 સોસાયટીમાં નળથી પાણી બંધ કરવામાં આવ્યું છે અને હાલ નગરપાલિકા દ્વારા પીવા અને ઘર વપરાશનું પાણી પૂરું પપાડવામાં આવી રહ્યું છે.
અર્બન હેલ્થ સેન્ટરમાં 24કલાક માટે કન્ટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે જેનો નંબર 027640 229022 પણ જાહેર કરવામાં આવ્યો છે. રોગચાળાને લઈ અસરગ્રસ્ત વિસ્તારમાં કન્ટ્રોલ રૂમ અંગેની જાણકારીનાં બેનર-પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે. કલોલ CHC માં બાળરોગ નિષ્ણાત અને ફિઝિશિયન ડોકટરની પણ સતત સેવા શરૂ કરી દેવાઈ છે.
અને જ્યાં સુધી કેસ કાબુમાં ન આવે ત્યાં સુધી અસરગ્રસ્ત વિસ્તારમાં બરફ ગોળા, શેરડીનો રસ, પાણી પૂરીની લારીઓ બંધ રાખવાનો આદેશ ચીફ ઓફિસર કલોલ દ્વારા કરાયો છે.
કલોલ રેલવે પૂર્વ વિસ્તારમાં તેજાનંદ સહિત અનેક સોસાયટીમાં ઝાડા-ઉલ્ટીના કેસો નોંધાઇ રહ્યા છે. કલોલમાં નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે રોગચાળો ફેલાયો હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. નવા વિસ્તારોમાંથી એટલે કે કલોલના મધ્યમાં આવેલી સોસાયટીઓમાંથી પાણીજન્ય રોગચાળાના દર્દીઓ નોંધાઇ રહ્યા છે.
આ કોલેરાનો રોગચાળો વકર્યો હોવાની પણ નિષ્ણાતોએ શંકા વ્યક્ત કરી હતી. જ્યારે આ દર્દીઓને સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેજનંદ સોસાયટી, સરસ્વતી સોસાયટી, પ્રભુનગર દિવડા સોસાયટીનાં વિસ્તારમાં પીવાની લાઈનમાં ગટરનું પાણી મિક્સ થતાં રોગચાળો વકર્યો છે.