AHMEDABAD : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કર્ણાવતી યુનિવર્સિટી આયોજીત યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા-2021માં પ્રેરક ઉદબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાંસાંસદ સી.આર. પાટિલ, પ્રખર વક્તા જ્ઞાનવત્સલસ્વામી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા. મુખ્યપ્રધાને કહ્યું કે આઝાદીના અમૃત પર્વે આયોજીત યુથ પાર્લામેન્ટ યુવાનો માટે અવિસ્મરણિય અનુભૂતિનું પર્વ બન્યું છે. યુથ પાર્લામેન્ટ દેશની યુવા પેઢીને કાયદા નિર્માણની લોકતાંત્રિક પ્રક્રિયાથી પરિચિત કરવાની પરંપરા છે. યુથ પાર્લામેન્ટથી યુવા પ્રતિનિધિઓ તૈયાર કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મુખ્યપ્રધાને કહ્યું કે રાષ્ટ્રહિત માટે આગેવાની લેવામાં યુવાનોએ પાછા પડવાનું નથી.
મુખ્યપ્રધાને કર્ણાવતિ યુનિવર્સિટી ખાતે આયોજીત યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા-2021 ના શુભારંભ અવસરે કહ્યું કે, યુથ પાર્લામેન્ટ યુવાશક્તિ માટે મોટી તક લઇને આવી છે. યુવાનોએ રાષ્ટ્રહિત માટે આગેવાની લેવામાં પાછા પડવાનું નથી. યુવાન ઉર્જાવાન હશે તો બીજાને પ્રભાવિત કરી શકશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું. યુથ પાર્લામેન્ટમાં મનોમંથન અને સંવાદ દ્વારા યુવાનોને જ્ઞાનરૂપી અમૃત પ્રાપ્ત થશે. ઉત્કૃષ્ટ યુવાશક્તિના જાગરણથી ઉન્નત રાષ્ટ્રનિર્માણની નેમમાં યુથ પાર્લામેન્ટ એક અગત્યનું પરિબળ બનશે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કાર્યકાળમાં ભારતની સંસદીય પ્રણાલીકા નવા આયામો પામી છે. તેમના કાર્યકાળમાં દેશની સંસદ સૌથી વધુ કાર્યદક્ષતા સાથે કાર્યરત બની છે. અનેક લેન્ડમાર્ક કાયદાઓ બન્યા અને સેકડો જુના પુરાણા કાયદાઓ રદ્દ પણ થયા છે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ લોકતંત્રને ભારતનો આત્મા કહ્યો છે. આ પૃથ્વી પર લોકતાંત્રિક રાજ્યવ્યવસ્થાઓ સૌ પહેલા ભારતમાં અસ્તિત્વમાં આવી હતી. તુર્કો, અફઘાનો, આરબો, મુઘલ શાસકો અને ત્યારબાદ યુરોપિયન શાસકોની ગુલામીના લાંબા કાળખંડ બાદ ભારતે ફરીથી લોકતાંત્રિક શાસન વ્યવસ્થા કાયમ કરી છે.
મુખ્યપ્રધાને એમ પણ કહ્યું કે, ભારતીય સમાજે – ભારતનાં નાગરિકોએ આઝાદીના જે સપના જોયા હતા, સ્વતંત્ર સમૃદ્ધ અને સુખી થવા માટેના જે ઝંખના કરી હતી તે આ લોકતાંત્રિક વ્યવસ્થાએ સાકાર કરી આપી છે. વડાપ્રધાનના નેતૃત્વને પરીણામે સૌને લોકશાહીમાં ભરોસાનું, વિશ્વાસનું વાતાવરણ જાગ્યું છે.
મુખ્યપ્રધાને યુવાનોના સંદર્ભમાં કહ્યું કે, આપણો દેશ યુવાનોનો દેશ છે, યુવાનો ભારતનું ભવિષ્ય છે. ભારતની લોકતાંત્રિક શાસન વ્યવસ્થામાં યુવાનોના મહત્વનો ભાગ ભજવી શકે છે. વડાપ્રધાને દેશની યુવા શક્તિ પર વિશ્વાસ મુકી યુવાનોને આત્મનિર્ભર ભારત-નયા ભારતના નિર્માણમાં યોગદાન આપવા આહવાન કર્યું છે. મુખ્યપ્રધાને ઝાલર વગાડીને આ યુથ પાર્લામેન્ટની વિધિવત શરૂઆત કરાવી હતી સાથે જ તેની ભવ્ય સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી.
નવસારીના સાંસદ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું કે, અપ્રાસંગિક રૂઢીઓ અને નિયમોને તોડવાની હિંમત જે યુવાન નથી કરતો તે આગેવાન નથી બની શકતો. જીવનમાં પ્રગતિ કરવી હોય તો બીબાઢાળ પદ્ધતિઓમાંથી બહાર આવી નવિન અને રચનાત્મક કાર્યો તરફ વળવું પડશે. યુથ પાર્લામેન્ટ આવો જ એક રચનાત્મક અભિગમ છે. યુથ પાર્લામેન્ટમાં વર્તમાન સ્થિતિના પ્રશ્નો-મુશ્કેલીઓના ઉકેલ માટેની ચર્ચા થાય તે ઇચ્છનીય છે એમ તેમણે ઉમેર્યુ હતું.
તેમણે કહ્યું કે જગતમાં કોઈપણ ક્રાંતિ યુવાનો જ લાવ્યા છે. આપણો દેશ યુવાનોનો દેશ છે. દેશના યુવાનો જાગૃત છે, નવી કેડી કંડારવા સક્ષમ છે. કોઈ યુવાન અમારી પાસે નવો અને સમાજોપયોગી વિચાર લઈને આવે તો તેનો અમલ કરવા અમે તત્પર રહીએ છીએ.ભારત સરકારના પાર્લામેન્ટ્રી અફેર્સ વિભાગના રાજ્યમંત્રી અર્જુનરામ મેઘવાલે આ પ્રસંગે વિડિયો સંદેશ દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી.
જાણીતા વક્તાસંત જ્ઞાનવત્સલ સ્વામીએ પ્રેરક પ્રવચન દ્વારા યુવાનોને જીવન ઘડતર અંગેનું માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. સ્વામીજીએ યુથ પાર્લામેન્ટમાં સહભાગી બનેલા યુવાનોને ચારિત્ર્યવાન, નિર્વ્યસની, સંયમી અને ઇશ્વરમાં શ્રદ્ધાપૂર્વક જીવન જીવવાની પ્રેરણા પોતાની રસાળ શૈલીમાં આપી હતી.
આ પ્રસંગે રાજ્યના સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમાર, કુટિર ઉદ્યોગ રાજયમંત્રી જગદીશ પંચાલ, કાર્યક્રમની ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ અને ભાજપા ગુજરાત યુવા મોરચાના પૂર્વ પ્રમુખ ડૉ. ઋત્વિજ પટેલ, યુનાઇટેડ ગ્રુપના ચેરમેન કમલકિશોર હાંડા, ડીએ ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલ, કર્ણાવતી યુનિ. ના ઉપકુલપતિ એ.કે. સૂર્યવંશી અને દેશભરમાંથી આવેલા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કર્ણાવતી યુનિવર્સિટી આયોજીત યુથ પાર્લામેન્ટ ઓફ ઈન્ડીયા ૩.૦ કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રમાં હાજરી આપી હતી. pic.twitter.com/b1GDm67SY9
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 4, 2021