Breaking News : રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યું, કોંગ્રેસના એક પણ ઉમેદવાર નહીં હોય

રાજ્યસભા ચૂંટણીને લઇને મહત્વનાં સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના ચારેય ઉમેદવારોએ આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ઋષિકેશ પટેલનું કહેવું છે કે, ગુજરાતમાં ઐતિહાસિક ઘટના બની છે.ગુજરાતમાં રાજ્યસભામાં તમામ સાંસદો ભાજપના હશે.કોંગ્રેસના એક પણ ઉમેદવાર નહીં હોય.

Breaking News :  રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યું, કોંગ્રેસના એક પણ ઉમેદવાર નહીં હોય
Image Credit source: AI
| Edited By: | Updated on: Jun 08, 2026 | 1:04 PM

ગાંધીનગર ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે યોજાનારી ચૂંટણીને લઈને આજે રાજકીય માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારો વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ઉમેદવારી નોંધાવતી વખતે ભાજપ દ્વારા ભવ્ય શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતુ, જેમાં પક્ષના ટોચના નેતાઓ, મંત્રીઓ, સંગઠનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ધારાસભ્યો હાજર રહ્યા હતા.

ભાજપે રાજ્યસભા માટે રાજુ શુક્લા, માનસિંહ પરમાર, જીતેન્દ્ર કણઝારિયા અને મુકેશ રાઠવાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. આજે ચારેય ઉમેદવારો સત્તાવાર રીતે ઉમેદવારી નોંધાવી હતી. રાજ્યસભાની ચૂંટણી માટે 18 જૂને મતદાન યોજાનાર છે, જોકે ગુજરાત વિધાનસભામાં ભાજપ પાસે 161 ધારાસભ્યોનું મજબૂત સંખ્યાબળ હોવાથી ચારેય ઉમેદવારોનો વિજય લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસ પાસે માત્ર 12 ધારાસભ્યો હોવાથી ચૂંટણીના ગણિતમાં તે પાછળ હોવાનું માનવામાં આવે છે. પરિણામે ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

રાજ્યસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે અગાઉ મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી, પ્રદેશ સંગઠનના હોદ્દેદારો અને ધારાસભ્યો હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન રાજ્યસભાની ચૂંટણીની રણનીતિ ઘડવામાં આવી હતી તેમજ જાહેર કરાયેલા ચારેય ઉમેદવારોનો વિશેષ પરિચય કાર્યક્રમ પણ યોજાયો હતો. ચૂંટણી પ્રક્રિયા અને આગામી રાજકીય વ્યૂહરચના અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ વખતે ભાજપે દર વખતની જેમ ‘નો રિપીટ થિયરી’નો અમલ કરીને નવા ચહેરાઓને રાજ્યસભા માટે તક આપી છે. પાર્ટીએ આગામી વિધાનસભા ચૂંટણી તેમજ સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરી હોવાનું માનવામાં આવે છે. OBC, આદિવાસી સમાજ અને સૌરાષ્ટ્ર ક્ષેત્રને પ્રતિનિધિત્વ મળે તે માટે ખાસ ધ્યાન અપાયું છે. સાથે જ લાંબા સમયથી સંગઠન માટે કામ કરતા કાર્યકરો અને નેતાઓને પ્રાધાન્ય આપીને પક્ષે સંગઠન પ્રત્યેની વફાદારીનું સન્માન કર્યું છે.

જીતેન્દ્ર કણઝારિયા

ભાજપે દેવભૂમિ દ્વારકા જિલ્લાના અગ્રણી કાર્યકર જીતેન્દ્ર કણઝારિયાને રાજ્યસભા માટે ઉમેદવાર બનાવ્યા છે. તેઓ મૂળ ખંભાળિયાના રહેવાસી છે અને ખંભાળિયા-કલ્યાણપુર વિસ્તારમાં લાંબા સમયથી જનસેવા સાથે જોડાયેલા છે. તેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે. સામાજિક અને રાજકીય ક્ષેત્રે સક્રિય રહેલા જીતેન્દ્ર કણઝારિયા ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ મેઘજીભાઈ કણઝારિયાના પુત્ર છે. મેઘજીભાઈ કણઝારિયાનું વર્ષ 2021માં કોરોના મહામારી દરમિયાન અવસાન થયું હતું.

માનસિંહ પરમાર

માનસિંહ પરમાર હાલ ભાજપ OBC મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યરત છે. તેઓ અગાઉ ગીર સોમનાથ જિલ્લા ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. વિદ્યાર્થીકાળથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિદ્યાર્થી આંદોલનો સાથે જોડાયેલા માનસિંહ પરમારે ABVPમાં કાર્યકર તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ સેનેટ મેમ્બર તરીકે પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે. ભારતીય જનતા યુવા મોરચાથી પોતાની રાજકીય સફર શરૂ કરનાર માનસિંહ પરમાર વેરાવળ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી પણ લડી ચૂક્યા છે. જોકે, તે ચૂંટણીમાં તેમને કોંગ્રેસના વિમલ ચુડાસમા સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. સંગઠન અને OBC સમાજમાં તેમની મજબૂત પકડ હોવાનું માનવામાં આવે છે.

મુકેશ રાઠવા

છોટાઉદેપુર જિલ્લાના આગેવાન મુકેશ રાઠવા લાંબા સમયથી ભાજપના સંગઠન સાથે જોડાયેલા છે. તેઓ ભાજપ યુવા મોરચામાં વિવિધ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે અને હાલ પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આદિવાસી વિસ્તારોમાં ભાજપના સંગઠનને મજબૂત બનાવવા માટે તેઓ સતત સક્રિય રહ્યા છે. યુવા કાર્યકર્તાઓ સાથે સતત સંપર્ક અને સંગઠનના વિસ્તરણ માટે તેમની ઓળખ બનેલી છે.

રાજુ શુક્લા

મહેસાણા જિલ્લાના કડી વિસ્તારના રહેવાસી રાજુ શુક્લા ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય છે. તેઓ લાંબા સમયથી ભાજપના સક્રિય કાર્યકર અને સંગઠનના વિશ્વાસુ નેતા તરીકે ઓળખાય છે. વિવિધ જિલ્લાઓના પ્રભારી તરીકે તેમણે મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. તેઓ ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ના પૂર્વ સભ્ય પણ રહી ચૂક્યા છે. સંગઠનાત્મક કાર્ય, વહીવટી અનુભવ અને રાજકીય માર્ગદર્શન માટે તેમની આગવી ઓળખ છે. પક્ષના વિવિધ કાર્યક્રમો અને ચૂંટણી વ્યવસ્થાપનમાં પણ તેઓ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે નવા ચહેરાઓને તક આપીને સંગઠન પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી છે. હાલના સંખ્યાબળના આધારે ચારેય ઉમેદવારોનો વિજય લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે અને હવે સૌની નજર ઉમેદવારી પ્રક્રિયા તથા ચૂંટણીના અંતિમ પરિણામ પર રહેશે.

જ્યારે 9 જૂનનાં રોજ ડોક્યુમેન્ટ વેરિફીકેશન થશે. 11 જૂનનાં રોજ ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તારીખ છે. તો 18 જૂનનાં રોજ ચૂંટણી માટેની તારીખ નક્કી કરવામાં આવી છે. 9 વાગ્યાથી 4 વાગ્યા સુધી મતદાન માટેનો સમય નક્કી કરવામાં આવ્યો છે. 18 જૂનનાં રોજ સાંજે 5 વાગ્યે મતગણતરી હાથ ધરાશે.

રાજ્યસભા એ ભારતીય સંસદનું ઉચ્ચ પ્રતિનિધિ ગૃહ છે. લોકસભા એ નીચલું પ્રતિનિધિ ગૃહ છે. રાજ્યસભામાં 245 સભ્યો છે.  અહી ક્લિક કરો

Published On - 12:57 pm, Mon, 8 June 26

Follow Us