અમરેલીના કથિક નક્લી લેટરકાંડની ઘટનાએ સંપૂર્ણપણે રાજકીય સ્વરૂપ ધારણ કર્યુ છે. એકતરફ પાયલ ગોટીની ગેરકાયદે રીતે ધરપકડ મુદ્દે સરકાર પહેલે થી બેકફુટ પર હતી ત્યા હવે જામીન પર બહાર આવેલા આરોપીઓએ પણ મોટા ઘટસ્ફોટ કર્યા છે. આ આખાય પ્રકરણમાં સ્ટેટ મોનિટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાયને તપાસ સોંપવામાં આવી છે. આ કાંડમાં જેમને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે એ મનિષ વઘાસીયાએ જેલમુક્ત થતા જ મીડિયા સમક્ષ આવી અમરેલી પોલીસની કામગીરી સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. આજે પણ તેઓ અન્ય બે આરોપીઓને સાથે રાખી નિર્લિપ્ત રાયને મળવા પહોંચ્યા હતા. કથિત નક્લી લેટરકાંડમાં તેમને ખોટી રીતે ફસાવાયા હોવાનું જણાવ્યુ. આ સાથે પોલીસ દ્વારા માર મારવા અંગેના ફોટો પુરાવા અને લેખિત સાથે તેઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા.
મનિષ વઘાસિયાએ પોલીસ સામે મોટો આક્ષેપ કર્યો છે કે મોટા નેતાઓના નામ લેવા માટે પોલીસ દ્વારા માર મારીને દબાણ લાવવામાં આવતુ હતુ. પોલીસે મુકેશ સંઘાણી, દિલિપ સંઘાણી, અશ્વિન સાવલિયા, બાવકુ ઉંધાડ, પૂર્વ સાંસદ નારણ કાછડિયા, સુરેશ શેખવા સહિતનાનું નામ લઈને માર માર્યો હતો. LCBની ઓફિસ અને SP સંજય ખરાતના કહેવાથી દબાણ કરાયુ હોવાનો પણ આક્ષેપ કર્યો. વઘાસિયાએ આરોપ લગાવ્યો કે SPની હાજરીમાં માર મારીને સાયબર સેલના PI પરમાર એ દબાણ કર્યું. જેમા મુખ્ય રીતે દિલિપ સંઘાણી, પૂર્વ સાંસદ નારણ કાછડિયા સહિતનાના નામો આપવા માટે માર મારીને દબાણ કર્યુ હતુ.
વઘાસિયાએ જણાવ્યુ કે નિર્લિપ્ત રાયને નિવેદન આપ્યુ ત્યારે અમે કિશોર આસોદરિયાનું નામ અનુમાન લગાવીને આપ્યુ હતુ, જે નામ ખોટુ અપાયુ હતુ, અમારી ધરપકડ થી લઈને LCB ઓફિસમાં માર મારવા સહિતની તમામ ગતિવિધિમાં સિદ્ધરાજસિંહ ગોહિલ સામેલ હતા. વઘાસિયાએ સીધો આરોપ લગાવ્યો છે કે પોલીસ દ્વારા નામ દેવા માટે દબાણ લાવવામાં આવતુ હતુ.
જો કે આ અગાઉ પણ મનિષ વઘાસિયાએ જામીન પર બહાર આવતાની સાથે મીડિયા સમક્ષ આવ્યા હતા અને સૌપ્રથમ નિવેદન એ આપ્યુ હતુ કે હું RSSના સ્વયંસેવકથી માંડીને જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ તરીકે ફરજ નિભાવી છે અને ભવિષ્યમાં કોઈ પદ ન મળે તે માટે ષડયંત્ર કરીને ખોટો આરોપી બનાવ્યો હતો. તેમણે કથિત લેટર નક્લી નહીં પરંતુ અસલી હોવાનો આક્ષેપ કર્યો હતો, મનિષ વઘાસિયાએ એવો પણ સવાલ કર્યો કે એસપી દ્વારા એફએસએલનો રિપોર્ટ કેમ જાહેર કરાયો નથી. આ રિપોર્ટ છુપાવવામાં પણ રાજકીય કાવાદાવા કારણભૂત હોવાની ચર્ચા છે.
એકતરફ પહેલેથી જ ધારાસભ્યને વહાલા થવાની લ્હાયમાં કોઈ ગુનો બનતો ન હોવા પાયલ ગોટીની મધરાતે ધરપકડ કરી મારકુટ કરવાના તેમજ સરઘસ કાઢવા મુદ્દે સરકાર ભેખડે ભરાઈ છે ત્યા હવે જેલમુક્ત થયેલા આરોપીઓ રોજ નવા નવા ઘટસ્ફોટ કરી રહ્યા છે. જેમાં સૌથી મોટો ખૂલાસો તો તેમણે એ કર્યો છે કે પત્ર અને સહી સિક્કા ઓરિજનલ જ છે. અને તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાએ જ સહી કરી છે. ત્યારે સમગ્ર પ્રકરણમાં પોલીસે નેતાને વ્હાલા થવા કાચુ કાપ્યુ કે કોઈ નેતાના કહેવાથી, ઘટનાના રાજ્યવ્યાપી પડઘા પડશે તેના અણસાર વિના કાર્યવાહી કરી તે મોટો સવાલ છે. ઉલ્લેખનીય છે કે આ પ્રકરણમાં અમરેલી પોલીસે મનિષ વઘાસિયાને આરોપી બનાવી રિમાન્ડ પર લીધા હતા. મનિષ વઘાસિયા વર્ષોથી ભાજપના વિવિધ હોદ્દા પર કામ કરી રહ્યા છે અને હાલ પણ ભાજપના સક્રિય કાર્યકર્તા છે.
Input Credit- Kinjal Mishra- Gandhinagar
Published On - 8:45 pm, Fri, 31 January 25