Cyclone Biporjoy : ભયાનક વાવાઝોડાને પગલે, દરિયાકાંઠેથી 20 હજાર લોકોનું કરાયું સ્થળાંતર, ‘વાવાઝોડા બિપરજોય’ને લઈને જાણો તમામ લેટેસ્ટ અપડેટ્સ
ચક્રવાતી તોફાન બિપરજોયને જોતા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
ભારતીય હવામાન વિભાગે મંગળવારે જણાવ્યું હતું કે, ચક્રવાતી તોફાન બિપરજોય ધીમે ધીમે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતી તોફાન 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, અરબી સમુદ્રમાંથી ઉત્તર તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. હાલમાં ગુજરાતના પોરબંદર દરિયાકાંઠે તેનું અંતર 250 કિમી દૂર છે. જો કે, એવી ધારણા છે કે આ ચક્રવાત બિપરજોય ગુરુવાર સુધીમાં ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર તેમજ પાકિસ્તાનના દરિયાકાંઠે ત્રાટકશે. જાણો બિપરજોય વાવાઝોડાને લઈને અત્યાર સુધીની તમામ લેટેસ્ટ અપડેટ્સ.
- ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે, વાવાઝોડા બિપરજોયને કારણે સૌથી વધુ નુકસાન કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં થઈ શકે છે. વાવાઝોડાના કારણે આ જિલ્લાઓમાં 125-135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
- તોફાની મોજાઓ વચ્ચે મધદરિયે, ગુજરાતના ઓખાથી 20 નોટિકલ માઇલ સ્થિત ઓઇલ ડ્રિલિંગ રિગમાં કામ કરતો સ્ટાફ ફસાઇ ગયો હતો, જેને બચાવવા માટે ભારતીય કોસ્ટ ગાર્ડે બચાવ કામગીરી હાથ ધરી હતી. તેને ધ્રુવ હેલિકોપ્ટર દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા.
- ચક્રવાત બિપરજોયને ધ્યાનમાં રાખીને ગુજરાતના અનેક બંદરો બંધ કરી દેવામાં આવ્યા છે. કોસ્ટ ગાર્ડે, માછીમારો, ખલાસીઓ અને દરિયાકિનારે રહેતા લોકોને કિનારેથી દૂર રહેવાની સલાહ આપી રહ્યું છે. માછીમારોને પણ દરિયાકાંઠાથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
- વાવાઝોડાને કારણે થનારા સંભવિત નુકસાનને ઓછું કરવા NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. NDRFની ટીમોએ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને બહાર કાઢીને સુરક્ષિત સ્થળોએ પહોંચાડ્યા છે.
- બિપરજોયને જોતા ભારતીય હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. વાવાઝોડાને કારણે આ વિસ્તારોમાં ભારે વરસાદ થવાનો છે. હવામાન વિભાગના એલર્ટ બાદ વરસાદની સ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.
- ગુજરાતના દરિયાકાંઠા નજીકના 5 કિલોમીટરની ત્રિજ્યામાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 20,580 લોકોને બહાર કાઢીને રાહત શિબિરોમાં મોકલવામાં આવ્યા છે.
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચક્રવાતને લઈને સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે સૂચના આપી હતી કે રાશનથી લઈને મેડિકલ અને હેલ્થ ઈમરજન્સી સુધીની તૈયારીઓ કરવામાં આવે, જેથી જ્યારે વાવાઝોડું ત્રાટકે ત્યારે લોકોને શક્ય તમામ મદદ કરી શકાય.
- કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા કચ્છમાં હાજર છે. તેમણે કહ્યું કે ચક્રવાતને પહોંચી વળવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી શકાય છે. જો લોકોની મદદ માટે સેના લાવવી પડશે તો અમે તેના માટે પણ તૈયાર છીએ.
- ચક્રવાત બિપરજોય ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાચીની વચ્ચે ટકરાઈ શકે છે. તેની અસર દ્વારકા, જામનગર, કચ્છ અને મોરબીમાં પણ જોવા મળશે. આ દરમિયાન 125-135 કિમીની ઝડપે પવન ફૂંકાશે.
- ગુજરાત સરકારે જણાવ્યું છે કે, ચક્રવાતી તોફાનથી આઠ જિલ્લા પ્રભાવિત થવાના છે. 15મી જૂને કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદ થવાનો છે. પોરબંદર, રાજકોટ, મોરબી અને જૂનાગઢમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડશે.
- બિપરજોયને જોતા ભારતીય સેના પણ તૈયાર થઈ ગઈ છે. સેનાના અધિકારીઓએ NDRF સાથે મળીને રાહત અભિયાનની તૈયારીઓ કરી લીધી છે. તમામ જરૂરી વસ્તુઓ સાથે લઈને સ્થળ પર સેના તૈનાત કરવામાં આવી છે.