Gujarati NewsGujaratFour killed in accident near Ratanpur Gujarat Rajasthan border
Breaking News: રાજસ્થાન બોર્ડર પાસે અકસ્માત, રોંગ સાઈડ કાર બસ સાથે અથડાઈ, 4 ગુજરાતી યુવાનના મોત
ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પાસે એક ગમખ્વાર અકસ્માત રાત્રી દરમિયાન સર્જાયો છે. અકસ્માતમાં ચાર ગુજરાતી યુવકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. શામળાજી નજીક રતનપુર ચેક પોસ્ટ પાસે આ ઘટના સર્જાઈ છે. જેમાં રોંગ સાઈડ કાર હંકારતા બસ સાથે અથડાઈ હતી.
ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર અકસ્માતમાં ચાર યુવાનોએ જીવ ગુમાવ્યા છે. ઘટનામાં એક યુવાન ગંભીર રીતે ઘવાયેલો છે અને જેને સારવાર અર્થે ડુંગરપુર ખસેડવામાં આવ્યો છે. રતનપુર ચેકપોસ્ટથી નજીકના અંતરે વીંછીવાડાની હદમાં આ અકસ્માત સર્જાયો હતો. મધ્યરાત્રીના અરસા દરમિયાન પાંચ યુવાનો કાર મારફતે ગુજરાત પર આવવા માટે નિકળ્યા હતા એ દરમિયાન અકસ્માત સર્જાયો હતો.
કારને મુખ્ય હાઈવે પર લઈ જવા માટે કારને રોંગ સાઈડ પૂરગતિએ હંકારીને લઈ જવા દરમિયાન સામેથી આવી રહેલી એક બસ સાથે અકસ્માત સર્જાતા ચાર યુવાનોના ઘટના સ્થળે જ પ્રાણપંખેરુ ઉડી ગયા હતા. જ્યારે એક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. વીંછીવાડા પોલીસે ઘટના સ્થળે પહોંચીને યુવાનોને કારમાંથી બહાર નિકાળવા માટે પ્રયાસ કર્યો હતો. જોકે એકાદ કલાકે કારમાંથી લાશ અને ગંભીર યુવાનને બહાર નિકાળી શકાયો હતો. મૃતક ચારેય યુવાનો અરવલ્લી જિલ્લાના હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે.