
ઉનાળાની શરૂઆત થતાંની સાથે જ ધોમધગતા તાપનો સામનો કરવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ હાલ રાજ્યના અલગ અલગ શહેરોમાં ગરમીએ તેનું રૌદ્ર સ્વરૂપ બતાવવાની શરૂઆત કરી દીધી છે. અચાનક ગરમી વધતા લોકોની મુશ્કેલી વધી રહી છે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી 3 દિવસ સુધી રાજ્યમાં ખુબ જ આકરી ગરમી રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાત માટે ગરમીની આગાહી છે.
ગરમીનો પારો બેફામ રીતે ઉચકાયો છે. ખાસ કરીને રાજકોટ શહેરમાં તો ગરમીએ ભુક્કા કાઢી નાંખ્યા છે. રવિવારે રાજકોટ દેશનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. રવિવારે આખા દેશમાં સૌથી વધુ ગરમી રાજકોટમાં પડી હતી. 41.1 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે વ્યારામાં 40.8 ડિગ્રી, મોરબીમાં 40.7 ડિગ્રી સુરેન્દ્રનગરમાં 40.5 ડિગ્રી, ભુજમાં 40.4 ડિગ્રી નોંધાઈ હતી.
રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં જ હવામાન વિભાગે યલો એલર્ટની વોર્નિંગ આપી દીધી છે. આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં હીટવેવની આગાહી આપવામાં આવી છે. ત્યારે આ સિઝનમાં અમદાવાદનું તાપમાન 38 ડિગ્રીને પાર થઈ ગયું છે. AMCએ પણ ગરમીને જોતા તૈયારીઓ શરૂ કરી દીધી છે. માત્ર અમદાવાદ જ નહીં પરંતુ સુરત મહાનગર પાલિકાએ પણ નાગરિકોને ગરમીના કહેરથી બચાવવા માટે તૈયારીઓ તેજ કરી છે. માર્ચ મહિનાના બીજા સપ્તાહથી ગરમીએ કહેર મચાવવાની શરૂઆત કરી દીધી છે. હજુ આગામી 3 દિવસ સુધી આવી જ આકરી ગરમી પડશે. 14 માર્ચ બાદ થોડી રાહત મળવાની શકયતાઓ છે. એટલે આગામી 72 કલાક કાળજાળ ગરમીથી બચીને રહેજો અને કામ વિના બહાર નીકળવાનુ ટાળજો.
Published On - 8:34 pm, Mon, 10 March 25