DEVBHUMI DWARKA : યાત્રાધામ દ્વારકામાં આવેલા જગતમંદિર દ્વારકાધીશના મુખ્ય મંદિર પર દિવસની પાંચ ધજાજી ચડે છે. દ્વારકાધીશના મુખ્ય મંદિર 150 ફુટના શિખર પર ભકતો દ્વારા 52 ગજની ધજાજી ચડાવવામાં આવે છે. ભગવાન દ્રારકાધીશને બહારની કોઈ વસ્તુ કે પ્રસાદ ચડાવતો નથી. મંદિરના શિખર પર ધજાજી ચડાવવામાં આવે છે. આ ધજાજી ચડાવવા માટે અગાઉથી બુંકીગ કરવામાં આવે છે. ધજાજીની નોંધણી ગુગળી બ્રાહ્મણ ટ્રસ્ટની કચેરીમાં થાય છે. આદિકાળથી પરંપરાગત ગુગળી બ્રાહ્મણને હક મળેલ છે.
2024 સુધીની ધજાજીનું બુકીંગ થઇ ગયું છે
હાલ સુધીમાં 2024 સુધીની ધજાજીનુ બુકીંગ થયેલ છે. સાથે જ અંદાજે 200 જેટલી કાયમી ધજાજીનુ બુકીંગ થયેલ છે. એટલે કે નિયત દિવસે તારીખ કે તિથી મુજબની દર વર્ષનુ ધજાજીનુ બુકીંગ થયેલ છે. દિવસની પાંચ ધજાજી ચડાવવામાં આવે છે. જેમાંથી ચોથી ધજાજીનું તત્કાલ અને અગાઉ બુકીંગ થતુ નથી. તે નિયત દિવસના થોડા દિવસ પહેલા ટ્રસ્ટની કચેરી દ્વારા ભકતોને આપવામાં આવે છે.
જન્માષ્ટમી પર કોની ધજા ચડાવવામાં આવે છે ?
કાયમી ધજાજી પૈકી જન્માષ્ટમીના દિવસની તિથી મુજબની ધજાજી મુંબઈ નિવાસી જાણીતા બિલ્ડર અને દ્વારકાધીશના પરમભકત મોહન જેઠાભાઈ સેંધાણી(પટેલ) પરિવાર દ્વારા ચડાવવામાં આવે છે. આ પરીવાર દ્વારા છેલ્લા 15 વર્ષથી આ ધજાજી ચડાવવામાં આવે છે. ભગવાન દ્વારકાધીશ પર અપાર શ્રદ્ધા હોવાના કારણે દર વર્ષે ધજાજી ચડાવે છે. ખાસ ભગવાનના જન્મદિવસના દિવસે એટલે કે જન્માષ્ટમીના દિવસે આ ધજાજી આ પરીવાર દ્વારા ચડાવવામાં આવે છે.
દર વર્ષે મોહન જેઠાભાઈ સેંધાણીના પરિવારના સભ્યો મુંબઈથી દ્વારકા આવીને આ ધજાજીને ચડાવે છે. પરંતુ આ વર્ષે પરીવારના સભ્યો કોરોના કારણે ન આવી શકતા પટેલ પરિવારના તીર્થ પુરોહિત વિમલ પરષોત્તમ ઠાકર પરીવાર દ્વારા તેની વિધિવત પુજાવિધી કરીને ધજાજીને ચડાવવામાં આવી છે.
મનોકામના પૂર્ણ થતા પણ ધજા ચડાવાય છે
ભકતો દ્વારા પોતાની માનતા-બાધા-આખડી પૂર્ણ થતા કે ભગવાન પ્રત્યે આસ્થા વ્યકત કરવા માટે ધજાજીને ચડાવવામાં આવે છે. ધજાજીની નોંધણી કરાવ્યા બાદ નિયત દિવસે 52 ગજની ધજાજીની વિધીવત પુજાવિધી કરીને તેને ભગવાન દ્વારકાધીશ ચરણોમાં અર્પણ કરીને બાદ ત્રિવેદી પરિવારના યુવાનો દ્વારા 150 ફુટ ઉચા શિખર પર ચડાવવામાં આવે છે. જેની પુજાવિધી ભકતોના તિર્થપુરોહીત દ્વારા કરવામાં આવે છે.
આ પણ વાંચો : Janmashtami : જન્માષ્ટમીના તહેવાર નિમિતે લોકો સોશિયલ મીડિયા આ રીતે આપી રહ્યા છે શુભેચ્છા !
Published On - 3:30 pm, Mon, 30 August 21